[adinserter block="6"]

આ લેખમાં આપણે વેદના નિત્યત્વ પર ચર્ચા કરીશું. ઈશ્વર નિત્ય છે ઈશ્વરના સર્વ સામર્થ્ય નિત્ય છે. વેદ ઈશ્વરમાંથી જ ઉત્પન્ન થયા હોવાને કારણે તે પણ નિત્ય છે.

 સંદેહ: વેદ શબ્દમય હોવાથી નિત્ય નથી. શબ્દની પણ કોઈ કૃતિની જેમ રચના કરી શકાય છે. આથી શબ્દની અનિત્યતાને લીધે વેદ પણ અનિત્ય છે. શ્રુષ્ટિ સર્જન પહેલાં અને પ્રલય પછી વેદોનું અસ્તિત્વ રહેતું નથી.

 આમ માનવું એ ભૂલ ભરેલું છે.

૧. કારણ કે શબ્દના બે પ્રકાર છે. (૧) નિત્ય અને (૨) કાર્ય. જે શબ્દોનો અર્થ અને સંબંધ પરમેશ્વરના જ્ઞાન સાથે છે તે શબ્દ નિત્ય છે. અને જે શબ્દ આપણાંથી ઉત્પન્ન થાય છે તે કાર્યરૂપ છે. કારણ કે આ શબ્દો આપણાં જ્ઞાન, સ્વાભાવિક પ્રકૃતિ અને મનોવૃત્તિની અસરરૂપે ઉત્પન્ન થાય છે. આથી આ શબ્દો અનિત્ય છે.

જે ઈશ્વરના જ્ઞાન અને ક્રિયા નિત્ય છે તથા સ્વભાવ સિદ્ધ અનાદી છે તે ઈશ્વરનું સર્વ સામર્થ્ય પણ નિત્ય જ હોવું જોઈએ. તે પોતે વિદ્યમય હોવાથી વેદોનું અનિત્યત્વ સિદ્ધ થતું નથી.

૨. આ સત્યને બીજી રીતે સમજીએ. કોઈ પણ શબ્દનો કોઈ ખાસ અર્થ હોય છે. અને આ અર્થ એ શબ્દનો કોઈ ખાસ પ્રકારના જ્ઞાન સાથેનો સંબંધ સિદ્ધ કરે છે. ઉદાહરણ તરીકે, કોઈ તમારું નામ બોલે તો તે શબ્દનું ઉચ્ચારણ અનિત્ય છે. કારણ કે ઉચ્ચારણ પછી તે શબ્દનું અસ્તિત્વ રહેતું નથી. આવી જ રીતે જો કોઈ તમારું નામ લખે તો તે લખાણ પણ અનિત્ય છે. કારણ કે લખાયેલા શબ્દો પણ કાયમ રહેતા નથી. પરતું બોલાયેલા કે લખાયેલા શબ્દનો અર્થ અને તે અર્થનો તમારી સાથેનો સંબંધ બદલાતો નથી. એટલે કે આ સંબંધ નિત્ય છે. આથી જો કોઈ વ્યક્તિ તમને ધ્વનિ સ્વરૂપમાં દર્શાવવા માંગે તો તેના માટે તમારા નામનું ઉચ્ચારણ એ જ શ્રેષ્ઠ રસ્તો છે. પણ તમે સ્વયં તમારા નામનું ઉચ્ચારણ નથી.

આ જ રીતે વેદોમાં લખાયેલા શબ્દો કે પછી મંત્રોચ્ચાર દરમિયાન ઉચ્ચારાયેલા શબ્દો અનિત્ય છે. પણ આ લખાયેલા કે ઉચ્ચારાયેલા શબ્દો જે જ્ઞાન દર્શાવે છે તે જ્ઞાન નિત્ય છે.

૩. વૈકલ્પિક રીતે, વેદ નિત્ય જ્ઞાન દર્શાવે છે. આ જ્ઞાનને ધ્વનિમાં દર્શાવવાનો શ્રેષ્ઠ રસ્તો મંત્રોચ્ચાર છે, જયારે આ જ જ્ઞાનને અક્ષરોમાં દર્શાવવાનો શ્રેષ્ઠ રસ્તો વૈદિક ગ્રંથો છે. આવી જ રીતે તમને દર્શાવવાનો શ્રેષ્ઠ રસ્તો તમારો ફોટો છે. પણ તમે સ્વયં તમારો ફોટો નથી.

પણ આપણે અજ્ઞાનતાને કારણે વેદોનો સંપૂર્ણ અર્થ સમજી શકતા નથી અને તેને અનિત્ય માની બેસીએ છીએ. પરંતુ નિત્ય ઈશ્વરમાં અજ્ઞાનતાનો દોષ આવી શકતો ન હોવાથી તેનું જ્ઞાન(વેદ) પણ નિત્ય છે.

૪. જેમ જેમ આત્મા અજ્ઞાનતાની જાળમાંથી મુક્ત થઇ જ્ઞાન મેળવતી રહે છે, તેમ તેમ ઉત્તરોત્તર આત્માને વેદોનું જ્ઞાન વધુ ને વધુ સ્પષ્ટ થતું જાય છે. આ જ કારણે વૈદિક મંત્રોને માત્ર ગોખવા નિરર્થક છે. કારણ કે વૈદિક મંત્રોને ગોખવાની પ્રક્રિયા અને ગોખાયેલા મંત્રો આ બંને અનિત્ય છે. પણ જયારે આ મંત્રોનો નિત્ય જ્ઞાન સાથેનો સંબંધ સ્થાપિત થાય છે ત્યારે જ આપણે નિત્ય વેદને સમજી શકીએ છીએ

૫. આ જ નિત્યતાના ગુણને કારણે વેદો કુરાન અને બાઈબલ જેવા બીજા ગ્રંથોથી અલગ પડે છે. જેમ જેમ અજ્ઞાનતા દુર થતી રહે છે તેમ તેમ આત્મા, તેની શ્રેષ્ઠત્તમ ક્ષમતા અનુસાર, ઉત્તરોત્તર વેદોનું નિત્ય જ્ઞાન મેળવતી રહે છે. પણ ખાલી વેદોમાં આંધળો વિશ્વાસ રાખવાથી કે પછી સમજ્યા વગર મંત્રોચ્ચાર કરવાથી કશો જ લાભ થતો નથી. કારણ કે આમ કરવાથી તમે માત્ર અનિત્ય જ્ઞાન જ મેળવવાનો પ્રયત્ન કરો છો. જો ઈશ્વરનું નિત્ય જ્ઞાન થયા વગર, તમે માત્ર વેદોને ગોખ્યા કરો, વેદોની પૂજા કર્યા કરો, કે પછી વેદોની પૂજા કરવાથી સ્વર્ગમાં જવાશે એવા ભ્રમમાં રહો, તો આ તમારી મોટામાં મોટી ભૂલ અને મૂર્ખતા છે.

6. આ જ નિત્યતાનો ગુણ વેદોના સહિષ્ણુ હોવાનો પાયો નાંખે છે. આ જ નિત્યતાના ગુણને કારણે વેદોમાં, ઇસ્લામ કે ઈસાઈ સંપ્રદાયોની જેમ, આંધળી માન્યતાઓ કે બળજબરીથી વેદોનો જ સ્વીકાર કરવાની અનિવાર્યતાને કોઈ સ્થાન નથી. વેદોમાં માનવાની શરૂઆત પણ કોઈ આંધળી માન્યતાથી થતી નથી. પણ આનાથી ઉલટું, વેદો એ શ્રેષ્ઠત્તમ જ્ઞાન દર્શાવે છે કે જેને સમજવા માટે અજ્ઞાનતાનો નાશ થવો જરૂરી છે. આથી વ્યક્તિએ પહેલાં સત્યના માર્ગ પર ચાલી, પૂરતું આત્મનિરીક્ષણ કરી, અને પોતાની બુદ્ધિમત્તા વધાર્યા પછી જ  વેદોનો સ્વીકાર કરવો જોઈએ, નહીં કે બળજબરીથી કે આંધળી માન્યતા રાખીને.

સંદેહ: પ્રલયમાં સર્વ જગતના પરમાણુંઓ જુદાં-જુદાં થઇને તેના કારણ રૂપમાં ભળી જાય છે. ત્યારે વેદો નાશ પામે છે અને વેદોનું પઠનપાઠન પણ બંધ થઇ જાય છે. તો પછી વેદ નિત્ય કેવી રીતે કહેવાય?

૧. અગાઉ જણાવ્યાં પ્રમાણે, પુસ્તક, શાહી, કાગળ વગેરે વ્યવસ્થાઓ આપણી ક્રિયાઓમાં ઘટી શકે છે, વેદોમાં નહીં. વેદો શબ્દ અને જ્ઞાન વચ્ચેનો સંબંધ દર્શાવે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ઈશ્વરીય નિત્ય જ્ઞાનનું શબ્દોમાં કરેલું શ્રેષ્ઠત્તમ વર્ણન એટલે વેદ. પુસ્તક કે પઠનપાઠનના અનિત્યત્વને લીધે વેદ કઈ અનિત્ય બની જતા નથી.

જયારે પ્રલયમાં સર્વ જગતના પરમાણુંઓ જુદાં-જુદાં થઇને તેના કારણ રૂપમાં મળી જાય છે ત્યારે પણ, જેમ છોડ બીજમાં રહે છે તેમ, ઈશ્વરમાં વેદોનું અસ્તિત્વ તો રહે જ છે. પણ આ સમયે વેદો અપ્રકાશિત હોય છે. કારણ કે વેદોનો પ્રકાશ કરવા માટે અને જ્ઞાનને શબ્દોમાં વર્ણવા માટે શ્રુષ્ટિનું સર્જન થયેલું હોતું નથી. પણ જયારે શ્રુષ્ટિનું સર્જન થાય છે ત્યારે ફરીથી વેદોનો પ્રકાશ થાય છે અને મનુષ્યને આ ઈશ્વરીય નિત્ય જ્ઞાનને શબ્દોમાં વર્ણવાની તક મળે છે.

૨. ઋગ્વેદ ૧૦.૧૯૦.૩ કહે છે કે, ઈશ્વરે પૂર્વ કલ્પમાં જેવી રીતે શ્રુષ્ટિની રચના કરી હતી તેવી જ રીતે આ કલ્પમાં પણ કરી છે. આથી દરેક શ્રુષ્ટિસર્જનમાં વેદમાં શબ્દાર્થ સંબંધ એક સરખો જ રહ્યો હતો અને આગળ પણ એક સરખો જ રહેશે. કારણ કે ઈશ્વરની વિદ્યા નિત્ય છે અને તેમાં કઈપણ દોષ આવી શકતો નથી.

૩. આમ દરેક શ્રુષ્ટિસર્જનમાં ઈશ્વર પાઠ વિધિ અને માત્રા લીપી દ્વારા વેદોના સંરક્ષણનું પ્રયોજન કરી રાખે છે. આથી વેદો હંમેશને માટે કોઈપણ જાતના ફેરફાર વગર સુરક્ષિત રહે છે.

સંદેહ: વ્યાકરણ ગ્રંથો અનુસાર સંધી જોડી કે છૂટી પાડી શકાય છે. આમ શબ્દ્સમુદાય બનવાથી કે શબ્દ્સમુદાય તોડવાથી અલગ અલગ શબ્દો બને છે. તો પછી શબ્દો નિત્ય કેવી રીતે કહેવાય?

૧. ઉપર જણાવ્યાં પ્રમાણે વ્યાકરણના આવા નિયમો “કારણ” ન હોતા માત્ર “કાર્ય” છે. પણ જ્ઞાન તો કારણ છે. વ્યાકરણના નિયમો અનુસાર શબ્દો બદલાય છે. પરંતુ તે શબ્દોના અર્થમાં જે જ્ઞાન રહેલું છે તે બદલાતું નથી. આમ વેદ નિત્ય જ રહે છે.

૨. આર્ષ ગ્રંથો અનુસાર શબ્દ એટલે “તે શબ્દના અર્થમાં છુપાયેલું જ્ઞાન”. અને આ જ જ્ઞાનને આપણે કાન દ્વારા સાંભળીએ છીએ, આંખો દ્વારા જોઈએ છે, મુખ દ્વારા બોલીએ છીએ અને બુદ્ધિ દ્વારા સમજીએ છીએ. આમ શબ્દ નિત્ય છે, માત્ર તેના અર્થમાં છુપાયેલા જ્ઞાનને ગ્રહણ કરવાની અને તે જ્ઞાનનો પ્રચાર કરવાની રીતો અનિત્ય છે.

૩. જો આપણે બંને એક જ શબ્દનું ઉચ્ચારણ કરીએ તો એક જ શબ્દના ધ્વની તરંગો અલગ અલગ હશે. પણ તે શબ્દના અર્થમાં જે જ્ઞાન રહેલું છે તે બદલાતું નથી. આમ શબ્દના ઉચ્ચારણમાં ભિન્નતા આવવાથી કે પછી વ્યાકરણની દ્રષ્ટિએ શબ્દ્સમુદાય બનવાથી કે શબ્દ્સમુદાય તોડવાથી ઈશ્વરીય જ્ઞાન – વેદ – તો સદા નિત્ય જ રહે છે.

સંદેહ: શબ્દ પણ ઉચ્ચારણ કર્યા પછી નષ્ટ થાય છે અને ઉચ્ચારણ કર્યા પહેલાં શબ્દ સંભાળતો નથી. આથી ઉચ્ચારણ ક્રિયા અનિત્ય હોવાથી તેનાથી ઉત્પન્ન થતો શબ્દ પણ અનિત્ય હોવો જોઈએ. તેમ છતાં નિત્ય કેમ માનો છો?

૧. અગાઉ જણાવ્યાં પ્રમાણે શબ્દ એ જ્ઞાન સાથેનો સંબંધ દર્શાવે છે. શબ્દનો જ્ઞાન સાથેનો આ સંબંધ નિત્ય છે. શબ્દોનું ઉચ્ચારણ એ અનિત્ય ક્રિયા છે. પણ કોઈ શબ્દનું ઉચ્ચારણ થતું હોય કે ન થતું હોય, પરતું તે શબ્દના ઉચ્ચારણનો તે શબ્દના અર્થના જ્ઞાન સાથેનો સંબંધ નિત્ય છે.

૨. હકીકતમાં તો બધાં જ શબ્દો નાશ રહિત હોવાથી નિત્ય છે. વ્યાસ અને પાણીનિ જેવા વ્યાકરણ શાસ્ત્રીઓ પણ શબ્દને નિત્ય ઠરાવે છે. કારણ કે શબ્દના અર્થને ફરીથી જાણવા માટે જ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે છે. અને પછી જ શબ્દના અર્થનું જ્ઞાન થાય છે. પણ જો શબ્દ જ અનિત્ય હોત તો જ્ઞાન કોણ કરાવત. કારણ કે શબ્દ જ ન રહેવાથી તેનું ઉચ્ચરણ પણ શક્ય ન બને અને તેના અર્થનું જ્ઞાન પણ ન થાય.

બધાં જ દર્શનોમાં  – જૈમિની દ્વારા રચિત મીમાંસા (૧.૧.૧૮), કણાદ દ્વારા રચિત વૈશેષિક (૧.૧.૩), મહર્ષિ ગૌતમ દ્વારા રચિત ન્યાયદર્શન (૨.૧.૬૭), પતંજલિ રચિત યોગ(૧.૨૬), કપીલમુની દ્વારા રચિત સંખ્યાદર્શન (૫.૫૧), વ્યાસ દ્વારા રચિત વેદાન્ત (૧.૧.૩), શબ્દને નિત્ય કહ્યો છે. શ્રીમત્ શંકરાચાર્યે પણ વેદાન્ત પરના તેમના ભાષ્યમાં વેદોને નિત્ય માન્યા છે.

યજુર્વેદ ૪૦.૮માં ઈશ્વરના નીચેના ગુણો વર્ણવેલ છે:

પરિ-આગત્  – દરેક પદાર્થોમાં ચારેબાજુથી વ્યાપ્ય–વ્યાપક ભાવથી ઉપસ્થિત

શુક્રમ્  – સંસારની બીજ શક્તિ

અકાયમ્ – શરીરધારી ન હોય તે

અવ્રણમ્  – વ્રણ (ઘા કે ઘસારા) રહિત

અસ્નાવિરમ્ – નાડી આદિ બંધનોમાં જકડાયેલ ન હોય

શુદ્ધમ્ – દુ:ખ, અજ્ઞાનતા કે શારીરિક ગંદકી રહિત

અપાપવિધ્યમ્ – પાપ જેને વીંધી ન શકે તે

કવિ  – સર્વજ્ઞ

મનીષી  – બુદ્ધિમાન, વિચારવાન

પરિભૂ:  – સંપૂર્ણ જગતને ચારે બાજુથી ઘેરેલ, અંદરથી અને બહારથી પણ

સ્વયંભૂ: – તેનો કોઈ ઉત્પાદક(ઉત્પન્ન કરનાર) નથી

શાશ્વતીભ્ય: – નિત્ય

અર્થાન્ વિ-અદધાત્ – સત્ય જ્ઞાન અને વિદ્યા પ્રદાન કરનાર

આમ ઈશ્વર નિત્ય હોવાથી, તે અનંતકાળથી અને અનંતકાળ સુધી, વેદોનું નિત્ય જ્ઞાન પ્રદાન કરતો રહે છે.

અનસ્તિત્વમાંથી કોઈપણ વસ્તુ અસ્તિત્વમાં આવી જતી નથી કે કોઈપણ વસ્તુનું સર્જન પણ થતું નથી.આથી આજે જો વેદો આપણી પાસે છે તો તે અનંતકાળથી અસ્તિત્વ ધરાવતા હોવા જ જોઈએ. અને જો ઈશ્વર હંમેશાથી એકસમાન અને એકરસ રહ્યો છે, તો તે હંમેશા આપણને તેનું નિત્ય જ્ઞાન આપતો જ રહેશે.

હવે આપણે જોઈએ છીએ કે આપણાં કર્મો અનુભવને જન્મ આપે છે અને આ અનુભવો સંસ્કારનું સર્જન કરે છે. સંસ્કારોથી સ્મૃતિઓ બને છે, અને આ સ્મૃતિઓના આધારે આપણે સાચા ખોટાનો નિર્ણય લઈએ છીએ. જે વ્યક્તિ સંસ્કૃતનો અભ્યાસ કરે છે તેના મનમાં સંસ્કૃત ભાષાના સંસ્કાર પડે છે અને તે વ્યક્તિ લેટીન ભાષાનો અભ્યાસ કરે છે તેના મનમાં લેટીન ભાષાના સંસ્કાર પડે છે.

આથી જો ઈશ્વરે શ્રુષ્ટિની આદિમાં વેદોનું જ્ઞાન ન આપ્યું હોય તો મનુષ્ય જ્ઞાનનો અનુભવ ન કરી શક્યો હોત. અનુભવના અભાવે સંસ્કારનું સર્જન શક્ય બન્યું ન હોત. જો સંસ્કાર જ ન બન્યા હોત તો પછી સ્મૃતિઓનું સર્જન ન થયું હોત. જો આમ બન્યું હોત તો જ્ઞાનનો પ્રચાર અને વૃદ્ધિ પણ ન થઇ હોત.

આમ જો ઈશ્વરે શ્રુષ્ટિની આદિમાં ઋષિઓના(મનુષ્યોના) હૃદયમાં વેદોનો પ્રકાશ ન કર્યો હોત તો, પ્રાણી યોનીની જેમ મનુષ્યોમાં પણ જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રક્રિયાની શરૂઆત જ ન થઇ હોત.

સંદેહ: મનુષ્યને પોતાની સ્વાભાવિક ચેષ્ટાઓથી સુખ દુઃખનો અનુભવ થાય છે. આથી ઉત્તરોત્તર જ્ઞાનની વૃદ્ધિ થઈને વિદ્યાની પણ વૃદ્ધિ થશે. તો પછી વેદ ઈશ્વરકૃત માનવાની શી જરૂર છે?

આ બાબતનો નિર્ણય આપણે વેદોત્પત્તિ વિષય લેખમાં કરી લીધો છે. જેમ વર્તમાન સમયમાં અન્ય મનુષ્ય પાસેથી અભ્યાસ કર્યા વિના કોઈ વ્યક્તિમાં જ્ઞાનની ઉન્નતિ થતી નથી અને તે વિદ્વાન નથી બનતો, તેવી જ રીતે ઈશ્વરોપદેશ વિના કોઈની વિદ્યા તથા જ્ઞાનની ઉન્નતિ થઇ શકે નહીં. બાળક તથા વનવાસી જંગલી લોકોને ઉપદેશ વિના વિદ્યા તેમ જ મનુષ્ય ભાષાનું જ્ઞાન પણ થતું નથી, તો પછી વેદ વિદ્યાની ઉત્પત્તિનો તો પ્રશ્ન જ પેદા નથી થતો!

ઉદાહરણ તરીકે, ચિમ્પાન્ઝીઓ મૃત્યુ પામતા હોવા છતાં તેમને જીવન અને મૃત્યુ વિષે આત્મવિશ્લેષણ કરવાની જરૂર જણાતી નથી. અને જો મનુષ્ય આના વિષે વિચાર કરતો હોય તો વિચાર કરવાનું જ્ઞાન મનુષ્યને  કોઈ બાહ્ય સ્ત્રોત્રમાંથી જ મળ્યું હોવું જોઈએ. આથી જો શ્રુષ્ટિની આદિમાં ઈશ્વરે વેદોનો પ્રકાશ ન કર્યો હોત તો મનુષ્ય પણ પ્રાણીની જેમ જ હોત.

નિત્ય ઈશ્વરનું નિત્ય જ્ઞાન

નિત્ય તત્વોના નામ, ગુણ અને કર્મ પણ નિત્ય હોય છે અને અનિત્ય તત્વોના નામ, ગુણ અને કર્મ પણ અનિત્ય હોય છે. કારણ કે કોઈપણ નિત્ય કે અનિત્ય તત્વ તેના નામ, ગુણ અને કર્મથી જ ઓળખાય છે.

ઉત્પતિ વિનાશધર્મથી રહિત હોવાથી તેને નિત્ય કહે છે. જુદાં-જુદાં દ્રવ્યોના સંધાતનો જે વિયોગ થાય છે તેને વિનાશ કહે છે. આમ થવાથી વસ્તુ અદર્ષિત થાય છે. અને જુદાં-જુદાં દ્રવ્યોના સંયોગથી જે વસ્તુનું નિર્માણ થાય છે તેને સર્જન કહે છે. આમ થવાથી વસ્તુનું દર્શન થાય છે.

જેમાં સંયોગ વિયોગની વ્યવસ્થા હોય એ જ વસ્તુઓ કારણ વડે ઉત્પન્ન થઈને અસ્તિત્વ ધરાવે છે. આથી સંયોગ વિયોગની વ્યવસ્થાવાળી બધી જ વસ્તુઓ અનિત્ય છે.

પરંતુ ઈશ્વર સર્વવ્યાપી અને એકરસ હોવાથી તેમાં સંયોગ વિયોગની વ્યવસ્થા છે જ નહીં. આમ ઈશ્વર નિત્ય છે. અને ઈશ્વર નિત્ય હોવાથી તેનું જ્ઞાન પણ નિત્ય છે.

વૈશેષિક ૪.૧ કહે છે કે, જે અનિત્ય છે તે જ કાર્ય તેના કારણ વડે ઉત્પન્ન થઈને અસ્તિત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે, માટીનો કુંજો કાર્ય છે અને માટી કારણ છે. આથી માટીનો કુંજો અનિત્ય છે. આવી જ રીતે માટી પોતે પણ કાર્ય છે અને નાના અણુ-પરમાણુઓ તેનું કારણ છે. આથી માટી પણ અનિત્ય છે. પણ મૂળ તત્વ અણુ-પરમાણુઓ(પ્રકૃતિ) નિત્ય છે.

ઈશ્વર પૃથ્વીના અણુ-પરમાણુઓનો સંયોગ વિયોગ કરે છે. આમ ઈશ્વર સંયોગ વિયોગનો કર્તા હોવાથી તે પોતે સંયોગ વિયોગથી ભિન્ન રહે છે. વેદોનો પ્રકાશ આવા અનાદી, નિર્વિકાર, નિત્ય અને સર્વ સામર્થ્યવાન ઈશ્વરે કરેલો હોવાથી વેદો પણ નિત્ય છે.

Original post in English is available at http://agniveer.com/eternity-of-vedas/

[adinserter block="13"]
Previous articleदुनिया और मैं
Next articleमाँ
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.