પ્રશ્ન: ઈશ્વર શું છે?

ઈશ્વરને ઘણી બધી રીતે વ્યાખ્યાંકિત કરી શકાય છે. પરંતુ ઈશ્વર સર્વવ્યાપી, અનંત અને પાંચ ઇન્દ્રિયોની પકડની બહાર હોવાથી માત્ર થોડા શબ્દો કે વચનોમાં ઈશ્વરનો અર્થ સમજવો ઘણો મુશ્કેલ છે.

ઈશ્વરના કેટલાંક દિવ્ય ગુણો નીચે પ્રમાણે છે:

ઈશ્વર સચ્ચિદાનંદ છે. તે નિરાકાર, સર્વશક્તિવાન, સર્વજ્ઞ, ન્યાયકારી, દયાળુ, અજન્મા, અનંત, નિર્વિકાર, અનાદી, અનુપમ, સર્વાધાર, સર્વેશ્વર, સર્વવ્યાપક, સર્વાંન્તરયામી, અજર, અમર, અભય, નિત્ય, પવિત્ર અને શ્રુષ્ટિકર્તા છે.

પરંતુ ઈશ્વરના આ દિવ્ય ગુણોની સમજ મેળવવી એ બીજો તબક્કો છે. પહેલા તો આપણાં માટે એ સત્યને સમજી લેવું અનિવાર્ય બને છે કે ઈશ્વર આપણી અંદરની અને બહારની શ્રુષ્ટિનું સંચાલન કરે છે. હવે અહીં પ્રશ્ન થાય કે ઈશ્વર આપણી અંદરની અને બહારની શ્રુષ્ટિનો સંચાલક છે તે સત્યનું પ્રમાણ શું? આ સત્યનું પ્રમાણ મેળવવા માટેની શ્રેષ્ઠત્તમ રીત છે “અવલોકન અને વિશ્લેષણ”! જયારે આપણે આપણાં જીવન, શ્રુષ્ટિના અપરિવર્તનશીલ નિયમો અને શ્રુષ્ટિની વિવિધ રચનાઓનું વ્યવસ્થિત અવલોકન અને વિશ્લેષણ કરીએ છીએ ત્યારે આપણને ઈશ્વરના શ્રુષ્ટિ સંચાલક હોવાનું પ્રમાણ મળે છે.

પછી જેમ જેમ આપણે જીવન રચના અને શ્રુષ્ટિના અપરિવર્તનશીલ નિયમો અને તેની વિવિધ રચનાઓનું વ્યવસ્થિત અવલોકન અને વિશ્લેષણની કળા શીખી તેમાં કુશળ બનતા જઈએ છીએ, તેમ તેમ ઈશ્વરના અન્ય દિવ્ય ગુણો આપમેળે જ આપણી સમજમાં આવતા જાય છે.

પ્રશ્ન: આપણે શા માટે ઈશ્વરમાં માનવું જોઈએ?

એ જ કારણોથી કે જે કારણોથી આપણે સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, અણુ, પરમાણુ, ઉષ્મા, વીજળી વગેરેમાં માનીએ છીએ. આપણે અવલોકન અને વિશ્લેષણની સુનિયોજિત પ્રક્રિયા દ્વારા તત્વોના અસ્તિત્વનું પ્રમાણ મેળવી તેમનો સ્વીકાર કરવો જોઈએ. અને જે તત્વોનું અસ્તિત્વ નથી તેનો અસ્વીકાર કરવો જોઈએ. આમ આપણે અસત્યનો અસ્વીકાર કરી નિરંતર સત્ય તરફ આગળ વધતા રહેવું જોઈએ. કારણ કે જીવનનો મૂળ સિદ્ધાંત છે, સત્ય = આનંદ = મુક્તિ. આમ સત્ય એ જ મુક્તિનો માર્ગ છે.

કોઈ તત્વ કે સત્તાના અસ્તિત્વનું યથાર્થ જ્ઞાન થવું એટલે જ સત્ય ગ્રહણ થયું એમ કહી શકાય. આથી જ ઈશ્વરની સત્તા હોવાથી આપણે ઈશ્વરના અસ્તિત્વને સ્વીકારી, સત્ય ગ્રહણ કરી, મુક્તિ તરફ આગળ વધવું જોઈએ.

આ જ વાતને અહી બીજી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. કોઈ વ્યક્તિ વીજળીના અસ્તિત્વને નકારીને પણ જીવન જીવી શકે છે. ઉદાહરણ તરીકે જંગલમાં રહેતા આદિવાસીઓ. પરંતુ આપણે વીજળીના અસ્તિત્વમાં માનવું જોઈએ કે જેથી કરીને આપણે વીજળીના ગુણધર્મો અને ઉપયોગીતાને સમજી, જીવનમાં તેનો ઉપયોગ કરીને આપણી સુખ સગવડો વધારી શકીએ.

હવે કોઈ વ્યક્તિ એ તર્ક પણ કરી શકે કે મનુષ્યને વીજળીના આવિષ્કારની જાણ ન થઇ હોત તો પણ તે આનંદિત તો રહી જ શકત! આમ જો કોઈ વ્યક્તિ ઈશ્વરની સત્તાને નકારે તો પણ તે આનંદ પ્રાપ્ત કરી શકે છે. આથી ઈશ્વરની સત્તાનો સ્વીકાર એ જ આનંદ પ્રાપ્તિનો માર્ગ છે તે વાત ખોટી!

પણ મારો પ્રશ્ન એ છે કે શું કોઈ સમજુ વ્યક્તિ વીજળીનો ઉપયોગ ન કરી, સગવડોને છોડી, અગવડો વેઠવાનું પસંદ કરશે? નહિ કરે. કારણ કે વીજળીનો ઉપયોગ કરવાથી મળતો આનંદ, વીજળીનો ઉપયોગ ન કરવાથી મળતા આનંદની સરખામણીમાં ઘણો વધારે છે. આવી જ રીતે ઈશ્વરીય જ્ઞાનયુક્ત વ્યક્તિનું જીવન ઈશ્વરની સત્તાને નકારનાર વ્યક્તિના જીવન કરતા વધુ આનંદમય હોય છે.

જેમ વીજળીના અસ્તિત્વનો સ્વીકાર કર્યા બાદ આપણને તેનાથી થતા લાભનું જ્ઞાન થયું અને આથી આપણું જીવન વધુ સુખમય અને આનંદી બન્યું, આવી જ રીતે ઈશ્વરની સત્તાનો સ્વીકાર કરવાથી ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવનું જ્ઞાન પ્રાપ્ત થઇ શકે છે. અને આ જ્ઞાન જીવનને વધુ આનંદમય બનાવવામાં ખુબ જ ઉપયોગી નીવડે છે.

જીવનના મૂળભૂત નિયમ પ્રમાણે, જ્ઞાનપ્રાપ્તિથી શક્તિ અને સામર્થ્ય મળે છે. અને આ શક્તિ અને સામર્થ્ય વધુ આનંદ આપે છે. આથી કોઈ સમજુ અને વિવેકી માણસ માટે જ્ઞાનપ્રાપ્તિ એ જ સાર્થક જીવન જીવવા માટેનો એક માત્ર ઉત્તમ માર્ગ હોય શકે.

આથી જો માત્ર વિદ્યુત ઉર્જાના અસ્તિત્વ અને તેના ઉપયોગનું જ્ઞાન આપણને આટલો બધો આનંદ આપી શકતું હોય, તો જરા કલ્પના કરો કે, બધી જ ઉર્જાના સ્ત્રોત્ર એવા ઈશ્વરના અસ્તિત્વને સમજી, તેમાંથી જ્ઞાનરૂપી શક્તિ મેળવવાથી આપણે કેટલો બધો આનંદ પ્રાપ્ત કરી શકીએ!

પ્રશ્ન: કોઈએ ક્યારેય ઈશ્વરને જોયો નથી. તો પછી ઈશ્વરના અસ્તિત્વને કેવી રીતે પ્રમાણિત કરી શકાય?

કોઈએ કદી વીજળી, ઉષ્મા, અણુ કે પરમાણુ જોયા નથી. કોઈએ કદી ફોટોનને જોયા નથી. કોઈએ કદી પ્રકાશ કે ઉષ્માના વિકિરણોને જોયા નથી. આમ છતાં આપણે આવી નરી આંખે ન દેખાતી વસ્તુઓના અસ્તિત્વને કેમ સ્વીકારીએ છીએ?

આપણે ફોટોનને જોઈ નથી શકતા. પરંતુ તેના અસ્તિત્વને કારણે ઉત્પન્ન થતી અસરને જોઈ શકીએ છીએ. આમ ફોટોનની દેખીતી અસર ફોટોનના અસ્તિત્વનું પ્રમાણ આપે છે. આવી જ રીતે વીજળી, અણુ કે પરમાણુ, પ્રકાશ કે ઉષ્માના તરંગો વગેરે દેખાતા ન હોવા છતાં, તેમના દ્વારા ઉત્પન્ન થતી અસરોથી તેમના અસ્તિત્વનું પ્રમાણ મળે છે. આવા પ્રમાણને પરોક્ષ પ્રમાણ કહે છે.

આમ વસ્તુઓની આવી દેખીતી અસરને કારણે આપણે માની લઈએ છીએ કે આ વસ્તુનું અસ્તિત્વ છે. આંખ તો વસ્તુઓના અસ્તિત્વની અનુભૂતિ કરવાનું એક સીમિત સાધન માત્ર છે. આપણે જે આંખો (સાધન) દ્વારા નથી જોઈએ શકતા તે સૂક્ષ્મદર્શક યંત્રથી જોઇ શકીએ છીએ. પરતું અતિ સૂક્ષ્મ અણુ કે પરમાણુઓ તો સૌથી શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્રથી પણ જોઈ શકાતા નથી. આંખ જેવી બીજી જ્ઞાન ઇન્દ્રીયોની (ગંધ, સ્પર્શ વગેરે) બાબતમાં પણ આમ જ છે.

આખું આધુનિક વિજ્ઞાન વસ્તુની અસરને પકડી તેના અસ્તિત્વનું અનુમાન લગાવવા પર જ આધારિત છે. આધુનિક વિજ્ઞાન ઘટનાઓની અસરોને વિવિધ પ્રકારના યંત્રો દ્વારા પકડી તેને સમજાવવા જુદા-જુદા માળખાઓ રચે છે. અને ફોટોન, ઇલેક્ટ્રોન વગેરે આ વાસ્તવિકતા સમજાવતા માળખાઓના ભાગ માત્ર જ છે.

પણ આવા માળખાઓની પરે, બીજી એવી વાસ્તવિકતા છે જેને આધુનિક વિજ્ઞાનનો કોઈપણ સિદ્ધાંત સમજાવી શકતો નથી. આવી વાસ્તવિકતાઓ અને તેના કારણને સમજવા કે સમજાવવા માટે ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી.

પ્રશ્ન: પરંતુ યંત્રો દ્વારા જે પકડી અને માપી શકાય છે તેના જ અસ્તિત્વનો સ્વીકાર આધુનિક વિજ્ઞાન કરે છે. પણ ઈશ્વર તો પકડી કે માપી શકતો નથી. તો પછી આપણે તેના અસ્તિત્વનો સ્વીકાર કેવી રીતે કરી લઈએ?

આ સત્ય નથી. ઈશ્વરને માપવાની વાત તો બહુ દુરની છે. પહેલા તો આપણે ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ મેળવવું જોઈએ. અને ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ પહેલાં પરોક્ષ અવલોકન અને પછી પ્રત્યક્ષ અવલોકન દ્વારા મળે છે. હવે કોઈપણ વસ્તુનું પ્રત્યક્ષ અવલોકન અને તેના માપનો આધાર તે વસ્તુનું અવલોકન કરવા વપરાતા યંત્રો કે સાધનોની કાર્યક્ષમતા પર રહેલો છે. ઉદાહરણ તરીકે, આપણે એમ ન કહી શકીએ કે ન્યુટને ટેલીસ્કોપનો આવિષ્કાર કર્યો તે પહેલા જયુપીટરના ચંદ્રોનું અસ્તિત્વ ન હતું! અને જો કોઈ આમ કહે તો તે મૂર્ખ જ ગણાય!

જ્ઞાન ઇન્દ્રિયો અને અતિ આધુનિક યંત્રોની મર્યાદિત ક્ષમતાને કારણે વૈજ્ઞાનિકો માત્ર આકાર અને કદ ધરાવતી સુક્ષ્મ વસ્તુઓનું જ અવલોકન કરી તેને માપી શકે છે. પણ ઇશ્વર તો તરંગો કે અતિ સુક્ષ્મ અણુઓથી પણ સુક્ષ્મ છે. ઈશ્વર નિરાકાર છે. આથી જ્ઞાન ઇન્દ્રિયો કે અતિ આધુનિક યંત્રો ઈશ્વરનું અવલોકન કરી શકતા નથી. આમ જેમ ટેલિફોન મારફતે ભારતમાં બેઠા બેઠા અમેરિકામાં રહેલા ગુલાબના ફૂલને સુંઘવાનો પ્રયાસ મૂર્ખતા છે, તેમ કોઈ ભૌતિક યંત્રો દ્વારા ઈશ્વરનું અવલોકન કરવાનો કે તેને માપવાનો પ્રયાસ પણ મૂર્ખતા અને સમયની બરબાદી જ છે.

પરંતુ સત્ય તો એ છે કે આ શ્રુષ્ટિમાં અને આપણાં જીવનમાં ઈશ્વરની સત્તાને કારણે ઉત્પન્ન થતી અસરોનું અવલોકન કરી ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ મેળવવું ખુબ જ સરળ છે.

પ્રશ્ન: પણ જો આમ જ હોય તો પછી કેમ આધુનિક વિજ્ઞાન ઈશ્વરના અસ્તિત્વને નકારે છે?

આધુનિક વિજ્ઞાન ઈશ્વરના અસ્તિત્વને નકારતું નથી. પરંતુ આ વિષય આધુનિક ભૌતિક વિજ્ઞાનની પકડની બહાર છે. જો તમે ન્યુટન, આઈનસ્ટાઈન જેવા મહાન વૈજ્ઞાનિકોના જીવન વિષે વાંચશો તો ખ્યાલ આવશે કે તેઓએ ઈશ્વરની સત્તાને ક્યારેય નકારી ન હતી. ઉલટાનું, તેઓને ઈશ્વરમાં દૃઢ વિશ્વાસ હતો. આધુનિક વિજ્ઞાન ઈશ્વરના જે ગુણોનું અવલોકન કરી શકતા નથી, અથવા તો જે ગુણો પર પ્રયોગશાળામાં શોધખોળ કરી શકતા નથી, અથવા તો ઈશ્વરના જે ગુણોને તેઓ બીજાને સમજાવી શકતા નથી તે ગુણોને તે નકારે છે.

આગળ વધતા પહેલા આપણે આધુનિક વિજ્ઞાનની ઉત્પત્તિનો જે ઇતિહાસ છે તેના વિષે થોડું જાણી લઈએ. આધુનિક વિજ્ઞાનની ઉત્પત્તિ યુરોપમાં બાઈબલ આધારિત ઇશ્વરવાદના સિદ્ધાંતની વિરુદ્ધ પ્રતિક્રિયા રૂપે થઇ હતી. જેમ જેમ આના પર વધારે અને વધારે શોધખોળો થતી ગઈ, તેમ તેમ સદીઓ જૂની બાઈબલની અવૈજ્ઞાનિક માન્યતાઓ ખોટી પુરવાર થતી ગઈ. આમ થવાથી ઈશ્વર-શ્રદ્ધા અને વિજ્ઞાન વચ્ચે ભારે લડાઈ ચાલતી ગઈ. આધુનિક વિજ્ઞાને તેની સતત ચાલતી શોધખોળોના પરિણામોને આધારે બાઈબલ આધારિત ઇશ્વરવાદના સિદ્ધાંતને નકાર્યો. અને આમ ઈશ્વરના અસ્તિત્વનો નકાર આધુનિક વિજ્ઞાનમાં પ્રચલિત બન્યો. આજે આધુનિક વિજ્ઞાન સૌથી વધુ પ્રતિરોધ રૂઢિચુસ્ત ઈસાઈ અને ઇસ્લામ ધર્મ તરફથી મેળવે છે. અને આથી જ ઈશ્વરના અસ્તિત્વનો નકાર એ આધુનિક વિજ્ઞાનની એક જાણીતી વિશેષતા બની ચુકી છે.

સરળ શબ્દોમાં કહીએ તો, જે ઈશ્વરનું અસ્તિત્વ છે જ નહિ તે ઈશ્વરને આધુનિક વિજ્ઞાન નકારે છે. પરંતુ આધુનિક વિજ્ઞાન સર્વવ્યાપી ઈશ્વરના અસ્તિત્વને નકારતુ નથી અને નકારી પણ નહિ શકે.

પ્રશ્ન: તમારા મતે “જે ઈશ્વરનું અસ્તિત્વ જ નથી તે ઈશ્વર” નો શો અર્થ છે?

એવો ઈશ્વર કે જે:
૧. ઈશ્વરમાં મનુષ્ય જેવાં દોષો – ઈચ્છા, ક્રોધ વગેરે – હોય.
૨. સર્વવ્યાપી નથી.
૩. મનુષ્યજાતિની રોજીંદા જીવનની સામાન્ય બાબતોમાં દખલ કરે છે.
૪. સમયાંતરે ચમત્કારો કરતો રહે છે.
૫. તેના અનુયાયીઓના પાપ માફ કરતો ફરે છે.
૬. આપણને સ્વર્ગ કે નર્કમાં મોકલે છે.
૭. અવતાર લે છે અથવા તો તેના કોઈ દેવદૂતને મોકલે છે.
૮. પરિવર્તનશીલ છે.
૯. ચોથા કે સાતમાં આકાશમાં રહે છે.
૧૦. પોતે લખેલા ધાર્મિક ગ્રંથને ન માનનારને સજા કરે છે.
૧૧. શ્રુષ્ટિના વિનાશ પછી નિર્ણાયક દિવસની(Judgment Day) રાહ જુવે છે.
૧૨. આ વિશ્વનું સર્જન થોડા દિવસો કે કલાકોમાં જ કરે છે.
૧૩. દેવદુત કે પરીઓનું સર્જન કરે છે.
૧૪. શેતાનની સામે લડે છે. વગેરે….

આવા અપરિપૂર્ણ અને દોષયુક્ત ઈશ્વરનું અસ્તિત્વ નથી. આવા ઈશ્વરના અસ્તિત્વ માટે કોઈ તર્ક કે કારણ ન હોવાથી, વેદ અને આધુનિક વિજ્ઞાન બંને, આવા ઈશ્વરને નકારે છે.

પ્રશ્ન: તો પછી ઈશ્વરના ગુણો કયા છે?

પહેલા પ્રશ્નના જવાબમાં આપણે ઈશ્વરના દિવ્ય ગુણોને જોઈ ચૂક્યાં છીએ. પણ શબ્દોમાં વર્ણન કરીએ તો:
૧. ઈશ્વર કોઈપણ અવકાશ વગર સર્વવ્યાપી છે. આમ અવકાશના અભાવને કારણે જ ઈશ્વર માપી શકાતો નથી.
૨. ઈશ્વર નિરાકાર છે અને તેના કાર્યો અપરિવર્તનશીલ છે. એટલે કે ઈશ્વર અપરિવર્તનશીલ નિયમો પ્રમાણે કાર્ય કરે છે. જેમ કે ગુરુત્વાકર્ષણ અને વીજ સિદ્ધાંતો જેવા ભૌતિક નિયમો.
૩. ઈશ્વર જન્મ લેતો નથી કે અવતાર ધારણ કરતો નથી.
૪. ઈશ્વર મનુષ્યની રોજીંદા જીવનની સામાન્ય બાબતોમાં દખલ કરતો નથી. તે માત્ર તેણે બનાવેલા નિયમો અનુસાર અવિરત કાર્ય કરતો રહે છે.

પ્રશ્ન: આપણે ઈશ્વરના આવા દિવ્ય ગુણોને કેવી રીતે સમજી શકીએ?

“અવલોકન અને વિશ્લેષણ” એ ઈશ્વરના દિવ્ય ગુણોને સમજવા માટેનું પ્રથમ પગથીયું છે.

પ્રશ્ન: આના ઉદાહરણો આપશો?

૧. જરા વિચાર કરો. નિયમ કોને કહેવાય? નિયમ એટલે એવી ઘટના કે જેનું પુનરાવર્તન કોઈપણ પ્રકારની ખામી વગર અવિરતપણે થતું રહેતું હોય અને તેમાં સમયાંતરે કોઈપણ જાતનો ફેરફાર કે બદલાવ ન આવતો હોય.

હવે પ્રશ્ન એ થાય છે કે આ નિયમો ઘડી તેને કાર્યરત બનાવનાર કોણ છે? જેમ કે ગુરુત્વાકર્ષણ બળ, વિદ્યુત-ચુંબકીય બળ, શક્તિશાળી અણુકેન્દ્રીય બળ અને નબળા અણુકેન્દ્રીય બળ, જેવા શ્રુષ્ટિને નિયંત્રણમાં રાખતા ચાર મૂળભૂત બળોની ઉત્પત્તિનું શું કારણ છે? ભૌતિકશાસ્ત્રીઓ આ પ્રશ્નનો ઉત્તર આપવામાં નિષ્ફળ નીવડ્યાં છે. તેઓ એવો દાવો કરતા ફરે છે કે એક દિવસ તો તેઓ આ પ્રશ્નનો ઉત્તર મેળવીને જ રહેશે. સરળતા ખાતર આપણે આ બળોને “એકીકૃત બળો” એવું નામ પણ આપ્યું છે. પણ તેમ છતાં મારો પ્રશ્ન એ છે કે “આ એકીકૃત બળોની ઉત્પત્તિનું કારણ શું છે?” વાસ્તવમાં આ બળોની હાજરી જ ઈશ્વરના અસ્તિત્વનું પ્રમાણ આપે છે. ઈશ્વર અણુઓને એવી સુનિશ્ચિત રીતે ગતિ આપે છે કે જેથી કરીને આપણે તેને માપી શકીએ છીએ અને નિયમ તરીકે ઓળખી શકીએ છીએ. આમ ઈશ્વર જ આ બ્રહ્માંડનું સંચાલન કરે છે.

પણ આ તો ઈશ્વરના ઘણાં રૂપોમાનું એક રૂપ છે.

૨. ઈશ્વરની બીજી લાક્ષણીકતાનો ખ્યાલ ચેતનાના(consciousness) રહસ્ય પરથી આવે છે. આધુનિક વિજ્ઞાન ચેતાનાના સ્ત્રોતને શોધવામાં નિષ્ફળ નીવડ્યું છે. તેઓ જાણે છે કે મનુષ્ય/પ્રાણી શરીર એક અદ્દભુત સ્વયમ સંચાલિત પ્રણાલી છે. પણ “આ પ્રણાલી અસ્તિત્વમાં કેવી રીતે આવી અને આ પ્રણાલીનું સંચાલન કોણ કરે છે?”, એ પ્રશ્ન તેમને મુંઝવતો રહે છે. મોટે ભાગે બધી જ શારીરિક ઘટનાઓ(physiological phenomena) બનવા પાછળનું કારણ સુખ અને દુ:ખની ઉત્પત્તિ છે. પરંતુ સુખ અને દુ:ખની ઉત્પત્તિના સ્ત્રોતને પકડવામાં કે તેને માપવામાં આધુનિક વિજ્ઞાન નિષ્ફળ નીવડ્યું છે. કારણ કે વૈજ્ઞાનિક ઉપકરણો અતિ સુક્ષ્મ અણુથી સુક્ષ્મ નથી. અને આથી ચેતના વૈજ્ઞાનિક ઉપકરણોના પકડની બહારની વાત છે.

ચેતનાને કોઈ રસાયણિક પ્રક્રિયાથી સમજાવી ન શકાય. તમે ચેતનાના વિષય પર કોઈ પણ પુસ્તક વાંચશો તો ખ્યાલ આવી જશે કે ચેતના આધુનિક વિજ્ઞાનના વિષય બહારની વસ્તુ છે. આધુનિક વિજ્ઞાન કહે છે કે ચેતના મગજમાં કોઈ ખાસ સ્થાને ન હોતા મનુષ્ય શરીર પ્રણાલીમાં પ્રસરેલી છે. પણ આમ છતાં મનુષ્યો/પ્રાણીઓમાં મજ્જાતંતુઓની પ્રતિક્રિયા અને સુખ અને દુ:ખની અનુભૂતિ કોણ કરે છે તે આધુનિક વિજ્ઞાન સમજી શકતું નથી. આપણું મગજ કેવી રીતે કામ કરે છે, વિદ્યુત સંકેતોનું કાર્યમાં કેવી રીતે પરિવર્તન થાય છે, આપણે લાગણીઓ કેમ અનુભવીએ છીએ, કોણ લાગણી અનુભવે છે, આ બધાં પ્રશ્નોનો જવાબ આધુનિક વિજ્ઞાન પાસે નથી. “BBC Human Body – Mind Power” નામની એક ડોક્યુંમેન્ટરીમાં ન્યૂરોસર્જન એ વાતનો સ્વીકાર કરે છે કે જેને આપણે ચેતના કહીએ છીએ એ બીજું કઈ નહિ પણ “આત્મા” જ છે.

વેદ અનુસાર જે સુખ અને દુઃખ અનુભવે છે તે આત્મા છે. અને બધી જ જીવાત્માઓ અને જડ વસ્તુઓનો સંચાલક અને કર્તાહર્તા ઈશ્વર છે.

ઈશ્વર જીવાત્માઓ અને જડ પદાર્થોનું સંચાલન કરતો હોવાથી ઈશ્વર પણ ચેતન છે.

ઈશ્વર અને આત્મા નિરાકાર અને અતિ સૂક્ષ્મથી પણ સૂક્ષ્મ છે. આથી તેઓ અવિનાશી છે. અને આથી જ તેઓ અજન્મા અને અમર છે. અને આ જ કારણોથી ઈશ્વર અને આત્માને જોઈ કે માપી શકાતા નથી.

૩. આધુનિક વિજ્ઞાને ઘણાં નિયમો અને સિદ્ધાંતો વિકસાવ્યા હોવા છતાં વિજ્ઞાન આ બધાં નિયમો અને સિદ્ધાંતોને કારણ અને અસરના રૂપમાં(cause-effect chain) એક સૂત્રમાં જોડી શકતું નથી. ઉદાહરણ તરીકે, વિજ્ઞાને ચાર મૂળભૂત બળોની સમજ તો મેળવી લીધી, પરંતુ આ બળો પરસ્પર ક્રિયા-પ્રતિક્રિયા કરી અતિ જટિલ એવા મનુષ્ય શરીર અને બ્રહ્માંડનું સર્જન કરવામાં કેવો ભાગ ભજવે છે તે આધુનિક વિજ્ઞાન માટે તો એક રહસ્ય જ છે. એક બાજુ બ્રહ્માંડના તારાઓની આયુ તેમાં થતી પ્રતિક્રિયાના બદલાવના દર પરથી માપવામાં આવી અને બીજી બાજુ રેડ-શિફ્ટ દ્વારા બ્રહ્માંડની આયુ માપવામાં આવી, તો તારાઓની આયુ બ્રહ્માંડની આયુ કરતા વધુ છે તેમ સાબિત થયું. આમ તારાઓ બ્રહ્માંડ કરતા જુના છે તેવો નિષ્કર્ષ નીકળ્યો. એટલે કે બાળક તેના માતા-પિતા કરતા મોટો છે! આમ આધુનિક વિજ્ઞાન યોગ્ય રીતે બ્રહ્માંડના રહસ્યો પર પુરો પ્રકાશ પાડી શક્યું નથી.

આધુનિક વિજ્ઞાન અવલોકન પરથી વિવિધ પ્રકારના બળોના અસ્તિત્વનું પ્રમાણ તો મેળવી શક્યું, પણ તે નીચેની હકીકતો સમજવામાં અસમર્થ છે:
-આ બળો દ્વારા શ્રુષ્ટિનું સર્જન
-મનુષ્ય અને પ્રાણીઓમાં ચેતના
-જીવોની સામાજિક અને સ્વાભાવિક વર્તણુંક
-પ્રાણીઓમાં પણ આત્મરક્ષણ અને પોતાના બાળકોનું બીજા પ્રાણીઓથી રક્ષણ કરવાની જન્મજાત સહજ વૃત્તિ
-માતાના ગર્ભમાં બાળકના વિકાસ માટે યોગ્ય વાતાવરણનો વિકાસ
-માતા બન્યા પછી જ સ્ત્રીના શરીરમાં દૂધ બનવાનું શરું થવું
-વયસ્કોના મનમાં બાળકો પ્રત્યેનો સહજ પ્રેમ
-બાળક જયારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે તે શ્વાસ પણ લઇ શકતું નથી. ગર્ભાવસ્થા દરમિયાન બાળક નાભી રજ્જુ (umbilical cord) દ્વારા પોષણ મેળવે છે. અને બાળક જયારે ગર્ભની બહાર આવે છે ત્યારે તેમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા, હૃદયનું ધબકવું, જેવી સ્વયમ સંચાલિત પ્રણાલીઓનો વિકાસ થઇ ચુક્યો હોય છે. કોઈ સર્વ વ્યાપી અને સર્વ શક્તિશાળી ચેતન સત્તા સિવાય આવી જટિલ પ્રણાલીઓનું સર્જન અને સંચાલન બીજું કોઈ કરી ન શકે.

આપણાં જીવન અને વિશ્વના કોઈપણ પાસાનું ગહન અવલોકન કરવાથી એ વાતનો ખ્યાલ આવી જશે કે આ બધું આયોજનક્રમ રહિત થતી કોઈ રસાયણિક પ્રક્રિયા ન હોઈ ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરે છે.

પ્રશ્ન: ઉપરના વિશ્લેષણથી ઈશ્વર અને આત્માના અસ્તિત્વનું પ્રમાણ તો મળી ગયું. પરતું ઈશ્વર અને આત્મા બંને અમર છે તેનું પ્રમાણ કેવી રીતે મેળવવું?

આ એક જટિલ વિષય છે. પણ આપણે અહી તેને ટુંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ:
૧. જો તમે ઊંડો વિચાર કરશો તો ખ્યાલ આવી જશે કે વાસ્તવમાં વર્તમાનનું જ અસ્તિત્વ છે. બીજા શબ્દોમાં કહીએ તો, ભૂતકાળ કે ભવિષ્ય જેવું કઈ હોતું નથી. જો ભૂતકાળ કે ભવિષ્ય જેવું કઈ છે જ નહિ તો પ્રશ્ન થાય કે આપણને સમયનું જ્ઞાન કેવી રીતે થાય છે? પણ થોડો ઊંડો વિચાર કરવાથી ખ્યાલ આવી જશે કે સમયનું જ્ઞાન બદલાવ કે પરિવર્તનોનું સાપેક્ષ અવલોકન કરવાથી થાય છે. આમ ભૂતકાળ એ બીજું કઈ નહિ પણ આ બદલાવ કે પરિવર્તનોની યાદ માત્ર જ છે. અને ભવિષ્ય બીજું કઈ નહિ પણ જાણીતી હકીકત પરથી થનારી ઘટનાઓનું અનુમાન માત્ર જ છે. આમ જોવા જઈએ તો ભૂતકાળ કે ભવિષ્ય તો ખાલી મગજની રમત છે. વાસ્તવમાં વર્તમાનનું જ અસ્તિત્વ છે. આથી એ નિષ્કર્ષ નીકળે કે જો કોઈ તત્વનું વર્તમાનમાં અસ્તિત્વ હોય તો તે તત્વ હંમેશાથી અસ્તિત્વમાં હતું જ! એટલે કે આ તત્વનું કદી સર્જન થતું નથી કે કદી નાશ થતો નથી!

૨. હવે ઉર્જા અને દળ ભૌતિક તત્વો છે. અને આ બે ભૌતિક તત્વો બીજા ભૌતિક તત્વોની અસરને કારણે અસ્તિત્વમાં છે. પણ આત્મા અને ઈશ્વર ભૌતિક નથી. અને તે બીજી કોઈ ભૌતિક તત્વોની અસરને કારણે અસ્તિત્વમાં નથી આવ્યા. જરા વિચાર કરો કે, મૃત્યુ કે વિનાશ ક્યારે સંભવ બને છે? કોઈ તત્વનો વિનાશ ત્યારે જ સંભવ બને કે જયારે તે તત્વની વાતાવરણમાંના બીજા તત્વો સાથેની ક્રિયા-પ્રતિક્રિયા થતી બંધ થઈ જાય. પણ જો કોઈ તત્વ બીજા ભૌતિક તત્વો કે અન્ય બળોની અસર નીચે આવતો જ ન હોય તો તેનો વિનાશ કેવી રીતે શક્ય બને? કારણ કે જો વિનાશના કારણનું જ અસ્તિત્વ નથી તો પછી વિનાશ કેમ સંભવ બને! આથી જ ઈશ્વર અને આત્માનું ક્યારેય મૃત્યુ થતું નથી કે ક્યારેય વિનાશ થતો નથી.

૩. સમયના અનંત વિસ્તારમાં, કોઈ તત્વનું વર્તમાનમાં હોવું તે સ્વયમ તે તત્વના નિત્ય હોવાનું પ્રમાણ છે. કારણ કે સમયના અનંત વિસ્તારમાં, સમયની માપપટ્ટી પરના બધાં જ સમય બિંદુઓ સમતુલ્ય હોય છે.

આથી જ ભૌતિક તત્વોમાંથી બનતી વસ્તુઓનો આકાર અને પ્રકાર બદલાઈ શકે છે પણ મૂળભૂત તત્વોમાં ક્યારેય બદલાવ આવતો નથી.

પ્રશ્ન: તો મૂળભૂત તત્વો કયા છે?

૧. ઈશ્વર
૨. આત્મા અને
૩. દ્રવ્ય/ઉર્જા યુગલ (પ્રકૃતિ)
આ ત્રણ તત્વો હંમેશાથી અસ્તિત્વમાં છે. આ ત્રણેયનો એક બીજા પર પ્રભાવ પડતો રહે છે. પણ આ ત્રણેયનું કદી સર્જન થતું નથી કે કદી નાશ થતો નથી.

પ્રશ્ન: બીગ બેંગ( Big-Bang) શું છે? એવું કહેવાય છે કે બીગ બેંગથી જ બધી શરૂઆત થઇ અને બીગ બેંગ થયા પછી બ્રહ્માંડ વિસ્તાર પામી રહ્યું છે.

૧. બીગ બેંગ બીજું કઈ નહિ પણ શ્રુષ્ટિસર્જન સમજાવતી વિવિધ ધારણાઓમાંની એક ધારણા છે.

૨. હવે જો આપણે આ બીગ બેંગની ધારણા સાચી માની પણ લઈએ તો પણ વૈજ્ઞાનિકો એ વાતનો તો સ્વીકાર કરે જ છે કે ગુરુત્વાકર્ષણને કારણે છેવટે સંકોચનની પ્રક્રિયા શરું થશે અને પૂર્ણ સંકોચન થઇ ગયા પછી ફરીથી બીગ બેંગ થઇ વિસ્તારની પ્રક્રિયા શરું થશે. આમ જો બીગ બેંગની ધારણાને સાચી માની લેવામાં આવે તો પણ બીગ બેંગની આ ધારણા વેદોમાં વર્ણવેલ શ્રુષ્ટિસર્જન અને વિનાશના નિરંતર ચાલતા ચક્રથી વિરુદ્ધ નથી.

પ્રશ્ન: તો પછી શ્રુષ્ટિ સર્જનનો હેતુ શો છે?

અવલોકન અને વિશ્લેષણ દ્વારા આપણને શ્રુષ્ટિ સર્જનનો હેતુ પણ સમજાય જશે. આ સંસાર ઉપર દ્રષ્ટિપાત કરવાથી આપણને ખ્યાલ આવે છે કે આપણી પાસે એક અદભૂત શરીર છે. અને આપણાં જીવન નિર્ભાવ માટે આપણને અદભૂત પારિસ્થિતિક તંત્ર(eco-system) અને વાતાવરણ પૂરું પાડવામાં આવ્યું છે. જ્ઞાનપૂર્વક કરવામાં આવેલ અદભૂત શારીરિક રચનાની પ્રયોગશાળામાં નકલ કરવી સંભવ નથી!

આપણે જાણીએ છીએ કે આપણે આ સંસારની કે પછી આપણાં શરીરની રચના કરી નથી. હવે સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો આપણે એ જ નિષ્કર્ષ પર આવીશું કે આ બધું જ આપમેળે થઇ શકે નહિ. આથી આ બધાંની પાછળ એક સર્વવ્યાપક, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ સત્તા હોવી જ જોઈએ! આ સત્તાએ(ઇશ્વરે) સંસારના બધાં પદાર્થોની રચના મનુષ્યોના કલ્યાણ માટે કરી છે. પર્યાવરણ, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાનનો ઊંડો અભ્યાસ કરવાથી તમને આ સત્યનો વધુ ખ્યાલ આવી જશે. આમ સમગ્ર શ્રુષ્ટિ સર્જન કોઈને કોઈ રીતે આપણને પરમ આનંદ પ્રાપ્ત કરવામાં સહાયભૂત થઇ રહ્યું છે.

ઊંડું અંતઃ:અવલોકન કરવાથી આપણે એ જ નિષ્કર્ષ પર આવીશું કે:
-આત્માનો(જીવન) ઉદેશ્ય પરમ આનંદ(મુક્તિ) પ્રાપ્ત કરવાનો છે.
-આનંદ પ્રાપ્તિ માટે આત્મા કર્મ કરવા માટે સ્વતંત્ર છે.
-પણ શરીર અને મન જેવી જડ વસ્તુઓ વગર આત્મા કર્મ કરવા સક્ષમ નથી.
-આથી કર્મના સિદ્ધાંત પ્રમાણે ઈશ્વરે દરેક આત્માને કર્મ કરવા માટે યોગ્ય શરીર આપ્યું.
-અને પછી શ્રુષ્ટિ સર્જન કરી આત્મા કર્મ કરી શકે તે માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડ્યું.
-શ્રુષ્ટિ સર્જન વગર બધી જ આત્માઓ નિષ્ક્રિય બની રહે.

પ્રશ્ન: આ ખુબ જ જટિલ સિદ્ધાંતોને આપણે કેવી રીતે સમજી શકીએ?

આ સિદ્ધાંતો તમને જેટલા જટિલ જણાય છે તેટલા જટિલ નથી. માત્ર આપણાં પાછલા સંસ્કારો અને ખોટી માન્યતાઓ જ આ વૈદિક સિદ્ધાંતો સમજવાની પ્રક્રિયા થોડી જટિલ બનાવે છે. માત્ર અવલોકન અને વિશ્લેષણ આપણને બધી જ સમજ નહિ આપે, પણ તેમ છતાં અવલોકન અને વિશ્લેષણ દ્વારા આપણે આ જટિલ જણાતા એવા સિદ્ધાંતોને સમજવાની શરૂઆત તો કરી જ શકીએ. મનુષ્ય મગજ બહુ જટિલ હોવાની સાથે સાથે અનેક માન્યતાઓનું ઘર પણ છે. આથી અવલોકન અને વિશ્લેષણની સાથે સાથે આપણને પ્રશિક્ષણની પણ જરૂર પડે છે. વિશ્લેષણ આ પ્રશિક્ષણની પ્રક્રિયા વધુ અસરકારક બનાવે છે. આથી જ ઈશ્વરે આપણાં પ્રશિક્ષણ માટે બધી સત્ય વિદ્યાઓ અને મૂળ સિદ્ધાંતો રૂપી પ્રશિક્ષણ-ગ્રંથનું સર્જન કર્યું.

પ્રશ્ન: કયું પ્રશિક્ષણ-ગ્રંથ?

ઈશ્વર અને તેના દિવ્ય ગુણોને સમજવાનો આ બીજો તબક્કો છે. ઈશ્વર્કૃત પ્રશિક્ષણ ગ્રંથ.

આ ઈશ્વર્કૃત પ્રશિક્ષણ ગ્રંથ છે “વેદ”. ઉદ્દેશ્યપૂર્ણ જીવન જીવવા માટે અને અપાર આનંદ પ્રાપ્ત કરવા માટેના યોગ્ય જ્ઞાન સાથે આ વેદ ગ્રંથનું(પ્રશિક્ષણ ગ્રંથ) સર્જન ઈશ્વરે શ્રુષ્ટિસર્જન સમયે કર્યું હતું. વેદમાં જીવન અને શ્રુષ્ટિને ચલાવતા અપરિવર્તનશીલ નિયમો સમાવિષ્ટ છે. વેદ જ્ઞાનરૂપી પ્રકાશ દ્વારા આપણું માર્ગદર્શન કરે છે.

પ્રશ્ન: શું અહિ તમે તમારા ધર્મનો પ્રચાર નથી કરી રહ્યા? વેદો જ પવિત્ર અને શ્રેષ્ઠ છે તેની શી ખાતરી?

૧. વેદ એ કોઈ ધાર્મિક પુસ્તક નથી. તેમાં જીવન અને સંસારનું દિવ્ય જ્ઞાન છે.
૨. વેદ શ્રુષ્ટિની ઉત્પત્તિ સમયે મનુષ્યોને અપાયેલું ઈશ્વરીય જ્ઞાન છે.
૩. અલગ અલગ રીતે વૈદિક મંત્રોના જાપ કરવાની પરંપરા રહી હોવા છતાં, વેદ આજે પણ સમગ્ર માનવજાતિ માટે કોઈ પણ પ્રકારની ખામી, ત્રુટી કે પ્રક્ષેપ રહિત આદિકાળથી ઉપલબ્ધ છે. વેદોની આવી ભવ્યતાની સરખામણીમાં બીજા કોઈ પણ ગ્રંથ કે પુસ્તક આવતા નથી.
૪. વેદોમાં કોઈ ધાર્મિક આદેશોનો સમાવેશ નથી. વેદમાં માત્ર સાર્વભૌમિક અને સર્વકાલિક જ્ઞાન અને સત્ય વચનો છે. વેદોમાં કેવા પકવાન બનાવવા, કેવા કપડા પહેરવા કે પછી કેવી ઘાર્મિક વિધિ અનુસરવી તેનું વિવરણ નથી.
૫. વેદોમાં કોઈ ઐતિહાસિક ઘટનાઓનો સમાવેશ નથી.
૬. વેદો સ્વયમમાં માનવાની પણ માંગણી કરતા નથી. વેદો માત્ર સત્યની શોધની જ માંગણી કરે છે.

બીજા અલગ લેખમાં આપણે વેદની મહાનતા વિષે વધારે ઊંડાણમાં ચર્ચા કરીશું.

પ્રશ્ન: બરાબર છે. પણ કુરાન અને બાઈબલ વિષે તમારું શું કહેવું છે? શું ઈશ્વર સમયાંતરે નવા નવા સંદેશાઓ નથી મોકલતો?

શું ગુરુત્વાકર્ષણ બળમાં સમયાંતરે ફેરફાર થતો રહે છે? જો ઈશ્વર પરિપૂર્ણ હોય તો શા માટે તે પોતે જ બનાવેલા મૂળભૂત નિયમમાં બદલાવ લાવતો રહે?

કુરાન અને બાઈબલ જેવી પુસ્તકોમાં નીચે પ્રમાણેની ખામીઓ રહેલી છે:
૧. આ પુસ્તકોની મૂળ આવૃત્તિનું અસ્તિત્વ નથી. આ પુસ્તકોના અસ્તિત્વનું પ્રમાણ આપતી કોઈ પ્રથા પણ નથી. મોહંમદના મૃત્યુના ૨૦ વર્ષ પછી કુરાન લખાય હતી. અને આ કુરાન લખનારા બીજા કોઈ નહિ પણ એક બીજાને મારવા માટે હંમેશા તત્પર રહેતા એવા મોહંમદના અનુંયાયીઓ જ હતા. કુરાનની મૂળ આવૃત્તિનું અસ્તિત્વ નથી. અને કુરાનના જે કાઈપણ ગ્રીક અનુવાદો ઉપલબ્ધ છે તે એકબીજાથી વિપરીત છે. “ગીતા” પણ એક મહાન ગ્રંથ હોવા છતાં વેદોની સરખામણીમાં આવી શકતો નથી.
૨. આ પુસ્તકોમાં કોઈ ખાસ ભૌગોલિક સ્થાન સાથે જોડાયેલી વાર્તાઓ અને ઇતિહાસનો સમાવેશ છે.
૩. આ પુસ્તકો આંતરિક અને પરસ્પર વિસંગતિઓથી(contradictions) ભરેલી છે.
૪. આ પુસ્તકોમાં પ્રમાણિત અવલોકનો અને શ્રુષ્ટિ ચક્રની તદ્દન વિરુદ્ધ વાતો છે.
૫. આ પુસ્તકો ચમત્કારો અને ઈશ્વરના ધૂની હોવાની વાતોથી ભરેલી છે.
૬. આ પુસ્તકો સ્વયમ જ તેમનામાં ન માનનારા લોકોને નર્કમાં મોકલવાની બીક બતાવે છે. આમ કરી આ પુસ્તકો એવું સાબિત કરે છે કે તેમનો ઈશ્વર પોતે જ અસલામતીનો શિકાર છે.

આમાંની એકેય પુસ્તક સત્યના પ્રમાણ પર ખરી ઉતરતી નથી.

અને ઈશ્વર જો પોતે જ અસલામતીનો શિકાર હોય અને પરિપૂર્ણ ન હોય તો તેણે મોકલેલા પ્રતિનિધિઓ નકલી નથી તેની ખાતરી કરવી શક્ય ન બને.

પ્રશ્ન: જો ઈશ્વર તેના અપરિવર્તનશીલ નિયમો મુજબ જ કાર્ય કરતો હોય તો પછી શું તે આપણી પ્રાર્થના સાંભળે છે?

પ્રાર્થના કરવાથી ઈશ્વર આપણાં પર મહેરબાન થતો નથી. તેની દયા, તેની કાર્ય પદ્ધતિ અને તેના નિયમોમાં જ રહેલી છે. પ્રાર્થના કરવા છતાં પણ આપણે કર્મના સિદ્ધાંત અનુસાર કરેલા કર્મનું ફળ તો ભોગવવું જ પડે છે. પ્રાર્થના કરવાથી આપણી ઈચ્છાશક્તિ વધુ પ્રબળ બને છે. અને આથી ફરીવાર આપણે ઈચ્છાશક્તિનો સાચી દિશામાં ઉપયોગ કરી ભૂલ અને પાપકર્મ કરતા બચીએ છીએ.

પ્રશ્ન: જો હું કર્મના સિદ્ધાંત અનુસાર કામ કરું તો મને શો લાભ થશે?

કર્મના સિદ્ધાંત અનુસાર કામ કરવાથી તમારા આનંદમાં સતત વધારો થતો રહેશે. અને એક સમય એવો આવશે કે જ્યાં બધાં જ દુઃખ અને અજ્ઞાનતા નાશ પામશે. આ પરમ આનંદ એટલે કે મોક્ષની અવસ્થા. મુક્તિ મળ્યા પછી શું થાય છે એનું તો માત્ર અનુમાન જ લગાવી શકાય. મુક્તિની અવસ્થાને લઈને ઘણી જુદી જુદી વાતો છે. આથી મુક્તિ અવસ્થાની સાચી જાણકારી તો માત્ર તેનો અનુભવ કરવાથી મળશે.

પ્રશ્ન: તમે આ બધું ફરી સંક્ષેપમાં કહેશો?

૧. ઈશ્વરની સત્તા છે અને ઈશ્વર જ બધી જ શક્તિઓનો/ઊર્જાઓનો સ્ત્રોત છે.
૨. ઈશ્વર, આત્મા અને દ્રવ્ય/ઉર્જા યુગલનું(પ્રકૃતિ) અસ્તિત્વ હંમેશાથી જ છે.
૩. આત્માનો ઉદેશ્ય કર્મના સિદ્ધાંત દ્વારા મોક્ષ રૂપી સર્વોત્તમ આનંદ પ્રાપ્ત કરવાનો છે. કર્મના સિદ્ધાંતને સમજવા માટે તમે કર્મના સિદ્ધાંત પરની પ્રશ્નોત્તરી લેખ વાંચી શકો છો.
૪. આત્મા સર્વોચ્ચ આનંદની પ્રાપ્તિ માટે કર્મ કરવા સક્ષમ બને તે માટે જ ઈશ્વર આ શ્રુષ્ટિનું સર્જન અને સંચાલન કરે છે.
૫. ઈશ્વર્કૃત વેદગ્રંથો આ બધું જ તત્વજ્ઞાન અને માર્ગદર્શન આપે છે.
૬. આનંદ પ્રાપ્ત કરવા માટે વેદોમાં પહેલેથી જ માન્યતા હોવી જોઈએ એવું નથી. પણ જો તમે સત્યના માર્ગ પર છો તો અંતે તમે વેદોની યથાર્થતા સ્વીકારશો.
૭. ઈશ્વર કદી કોઈ ચમત્કાર કરતો નથી કે દેવદૂતને મોકલતો નથી, કે પછી અવતાર લેતો નથી.
૮. સ્વર્ગ કે નર્ક જેવું કોઈ સ્થાન નથી.
૯. શ્રુષ્ટિ સર્જન અને વિનાશનું ચક્ર અનાદી અને અનંત છે.

This article is also available in English at http://agniveer.com/god-hinduism//

The Science of Blissful Living

Author:
Series: Vedic Self-Help, Book 1
Genre: Inspirational

Master the intuitive mechanism of everlasting bliss and success. NOW! Explanation of life changing Mantras from Vedas!

More info →

Liked the post? Make a contribution and help revive Dharma.

Disclaimer:  We believe in "Vasudhaiv Kutumbakam" (entire humanity is my own family). "Love all, hate none" is one of our slogans. Striving for world peace is one of our objectives. For us, entire humanity is one single family without any artificial discrimination on basis of caste, gender, region and religion. By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. Please read Full Disclaimer.
Previous articleવેદમાં ગૌમાંસ? – ભાગ ૧
Next articleQutub Minar is a Hindu Structure – Part 3
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.