[adinserter block="6"]

વેદોમાં કરેલા ઈશ્વરના વર્ણનને આપણે અહીં વધારે સારી રીતે સમજીશું. પ્રથમ ભાગ માટે વૈદિક ઈશ્વર લેખ વાંચો.

પ્રશ્ન: કેટલાક વિદ્વાનો એવું કહે છે કે ઈશ્વર કાર્ય કરતો નથી અને તેની કોઈ લાક્ષણીકતાઓ પણ નથી. જે કઈપણ થઇ રહ્યું છે તેને ઈશ્વર ખાલી જોતો જ રહે છે અને બ્રહ્માંડનું સંચાલન ઈશ્વરે ઘડેલા નિયમો પ્રમાણે આપમેળે જ થતું રહે છે.

૧. આનાથી વિરુદ્ધ, ઈશ્વર ખુબ જ કાર્યશીલ છે અને તેની લાક્ષણીકતાઓ અનંત છે.તેની કાર્યશીલતાનો અર્થ ઈશ્વર બધી જ ક્રિયાઓનો સ્ત્રોત છે એવો થાય છે અને નહિ કે તે પોતે જ બદલાતો રહે છે.

૨. જેને આપણે નિયમો કહીએ છીએ તે એ સત્ય દર્શાવે છે કે ઈશ્વર કોઈપણ પ્રકારની ખામી કે ભૂલ વગર પોતાનું કાર્ય કરી રહ્યો છે. કોઈપણ પ્રકારની ખામી કે ભૂલ વગર થતા આ કાર્યો પરીપૂર્ણ(perfect) હોય છે. આથી આમાંના કેટલાક કાર્યોનું આપણે ગણિતીય સૂત્રોમાં(mathematical equations) પણ રૂપાંતર કરી શકીએ છીએ. અને જયારે આપણે આવી ખામી રહિત ઘટનાઓને વારંવાર થતી જોઈએ છીએ ત્યારે તેને આપણે “નિયમ” નામ આપીએ છીએ. આપણે આને “નિયમ” કહીએ છીએ કારણકે આ ઘટનાઓ થવા પાછળનું કારણ આપણે સમજી શકતા નથી.

આ વાત આના જેવી છે કે નાનપણમાં જયારે જયારે કોઈ અંધ અને બહેરુ બાળક રડવાનું શરું કરે છે ત્યારે ત્યારે તેની માતા નિયમિતપણે તે બાળકને ભોજન આપતી રહે છે. આથી બાળક એવું માને છે કે જયારે હું રડીશ ત્યારે મને ભોજન મળશે એ એક “નિયમ” છે!

જ્યાં સુધી કોઈ કારણ ન હોય ત્યાં સુધી કોઈ અસર ઉત્પન્ન ન થઇ શકે. ઈશ્વર એ અંતિમ કારણ છે. તેના કારણનું કોઈ કારણ નથી.

૩. Shwetashwatar Upanishad ૬.૮ કહે છે કે: ઈશ્વર પોતાનું કાર્ય કોઈપણ પ્રકારની બાહ્ય મદદ વગર કરી શકે છે. ઈશ્વરની સરખામણીમાં કે તેનાથી ઉત્તમ કોઈ નથી. તે સર્વશક્તિવાન છે અને અમર્યાદિત કાર્યશીલતા ધરાવે છે. તે સર્વોત્તમ છે. જો ઈશ્વર કાર્યશીલ ન હોત તો બ્રહ્માંડનું સર્જન, સંચાલન અને વિનાશ અશક્ય બની જાત. ઈશ્વર સચેત, સર્વવ્યાપી અને અતિ કાર્યશીલ છે.

૪. જયારે ઈશ્વર કોઈ કાર્ય કરે છે ત્યારે ઈશ્વર તે કાર્યના સમય અને અવકાશને(time and space) ધ્યાનમાં લઇ શ્રેષ્ઠત્તમ કાર્ય કરે છે. થોડું વધારે પણ નહિ કે થોડું ઓછું પણ નહિ. કારણકે ઈશ્વર પરિપૂર્ણ છે!

પ્રશ્ન: શું ઈશ્વર દેહધારી બને છે (અવતાર લે છે)?

ના. કારણકે વેદો સ્પષ્ટપણે દર્શાવે છે કે ઈશ્વર નિરાકાર, અજન્મા અને અપરિવર્તનશીલ છે. વેદો કહે છે કે ઈશ્વર તેની અપરિવર્તનશીલ ઓળખ જાળવી રાખી તેના દરેક કાર્ય કરવા માટે દરેક સમયે સક્ષમ છે.

યજુર્વેદ ૩૪.૫૩ (તે અજન્મા છે અને એકધારી ઓળખ જાળવી રાખે છે.) અને યજુર્વેદ ૪૦.૮ (તે અખંડ, નિરાકાર, શારીરિક અવસ્થા વગરનો, અવકાશ વગરનો(without gaps) અને અપરિવર્તનશીલ છે.) નો સંદર્ભ કરો.

પ્રશ્ન: શ્રી કૃષ્ણ જેવા ઈશ્વરના અવતાર વિષે તમારું શું કહેવું છે? શ્રી કૃષ્ણએ ગીતા ૪.૭માં ખુબ જ ભારપૂર્વક કહયું છે કે જયારે જયારે ધર્મનો નાશ થશે અને અધર્મ વધશે ત્યારે ત્યારે હું પૃથ્વી પર અવતરીશ.

૧. વેદોમાં એકપણ મંત્ર એવું કહેતો નથી કે ઈશ્વર જન્મ લે છે. માત્ર વેદો જ સર્વોપરી ગ્રંથો અને પ્રમાણ છે. આથી, ગીતા પણ જ્યાં સુધી વેદો સાથે એકમત છે ત્યાં સુધી જ ગીતાનું અર્થઘટન સાચું માનવું જોઈએ.

૨. શ્રી કૃષ્ણ ઉચ્ચ ચારિત્રવાળા યોગી હતા. ધર્મની રક્ષા કરવી અને અધર્મનો નાશ કરવો એ આવા યોગીઓની સહજવૃત્તિ હોય છે. નિ:સ્વાર્થતા પણ આવા મહાપુરુષોનો સહજ ગુણ હોય છે. આથી ધર્મનો બચાવ કરવા માટે શ્રી કૃષ્ણ વારંવાર જન્મ લેવા માંગતા હતા. અમે કૃષ્ણના આવા મહાન વિચારોને નમન કરીએ છીએ અને આથી જ શ્રી કૃષ્ણ અમારા આદર્શ છે.

૩. કેટલાક લોકો એવું કહે છે કે ઈશ્વરે રાવણ અને કંસ જેવા દૂરાચારી લોકોનો નાશ કરવા માટે અવતાર લેવો પડે છે.  ઈશ્વર માટે વૈદિકસિદ્ધાંતનું ઉલ્લંઘન કરી જન્મ લેવો એ એકદમ નજીવી વાત છે. જે ઈશ્વર સૃષ્ટિનું સર્જન, સંચાલન અને વિનાશ કરી શકે અને દરેક આત્માનું કર્મચક્ર ચલાવી શકે તે ઈશ્વરને આવા સાધારણ કામ માટે શા માટે જન્મ લેવો પડે? આમેય ઇશ્વર તો પહેલેથી જ રાવણ અને કંસમાં રહેલો છે અને તેમના દરેક કાર્યનું નિયંત્રણ કરે છે. જયારે પણ ખરો સમય આવે ત્યારે ઈશ્વર તેમનો સરળતાથી નાશ કરી શકે છે.

૪. અને જો કોઈ એમ કહે કે ઈશ્વર આદર્શ દ્રષ્ટાંતો સ્થાપિત કરવા માટે અવતાર લે છે તો એ વાત પણ ખોટી છે. કારણકે આપણા બધાનું શ્રેષ્ઠ રીતે સંચાલન કરીને ઈશ્વર પહલેથી જ આદર્શ દ્રષ્ટાંત સ્થાપિત કરી રહ્યો છે. આનાથી વધારે મોટું અને સારું દ્રષ્ટાંત બીજું કયું હોઈ શકે? આના પરથી જ સાચા ભક્તો ઈશ્વરની મહાનતાની સમજ મેળવી લે છે.

ઈશ્વર આપણને બધાને  “આત્માના અવાજ” દ્વારા માર્ગદર્શન આપતો રહે છે અને તે ઉપરાંત ઈશ્વર-પ્રેરિત એવા રામ અને શ્રી કૃષ્ણ જેવા દ્દષ્ટાંતરૂપ મહાપુરુષોના કર્મો આપણા માટે વધુ માર્ગદર્શનરૂપ બને છે.

૫. આગળ, ઈશ્વર ભુખ, તરસ, પીડા, સુખ, અજ્ઞાનતા, કર્મોના ફળ, જીવન, મૃત્યુ જેવી મર્યાદાઓથી પરે છે. વધારે જાણકારી મેળવવા માટે યોગ દર્શન ૧.૨૪ નો સંદર્ભ કરો. જો તમે આવા અવતારોની કથા વાંચશો, તો તમને ખ્યાલ આવી જશે કે આવા અવતારો પર પણ એવી વૃત્તિઓની અસર થઇ હતી કે જેવી વૃત્તિઓ ખાલી આત્માને જ અસર કરી શકે છે અને ઈશ્વરને નહિ. એવું કહેવું કે ઈશ્વર પર પણ આવી નશ્વર વૃત્તિઓની અસર થાય છે તો આ પરિપૂર્ણ ઈશ્વરનું કરેલું અપમાન છે.

૬. હવે જો કોઈ એવું કહે કે ઈશ્વર પર આવી નશ્વર વૃત્તિઓની અસર થતી નથી પરંતુ તે મનુષ્ય સ્વરૂપમાં છે તે સાબિત કરવા માટે આવી વૃત્તિઓની અસર થવાનો ખાલી ડોળ જ કરે છે, તો આ પણ ઈશ્વરનું અપમાન છે. કારણકે ઈશ્વર સત્ય છે. તે કોઈ નાટકીય કલાકાર નથી અને ક્યારેય ડોળ કરતો નથી. એનાથી ઉલટું, તે જે સત્ય છે તે જ બતાવે છે અને આપણને ઢોંગથી(અસત્યથી) સત્ય તરફ દોરે છે. (યજુર્વેદ ૩૧.૧૮)

૭. હવે જો આપણે એવું માની લઈએ કે રામ અને કૃષ્ણ સ્વયમ ઈશ્વર જ હતા, તો તેઓ એ તેમના જીવનમાં કોઈ મહાન સિદ્ધિ મેળવી ન કહેવાય. કારણકે જે ઈશ્વર સમગ્ર સૃષ્ટિનું સર્જન, સંચાલન અને વિનાશ કરી શકે છે, તે ઈશ્વર માટે પૃથ્વી જેવા નાના ગ્રહ પરના કોઈ એક સામાન્ય મનુષ્યની હત્યા કરવી, અને એ પણ આટલી બધી પીડા, યાતના અને અસફળતાનો સામનો કર્યા પછી, એ તો વાસ્તવમાં ઈશ્વરની ક્ષમતાની મશ્કરી કર્યા બરાબર છે.

પરંતુ જો આપણે રામ અને શ્રી કૃષ્ણને ઈશ્વર-પ્રેરિત શ્રેષ્ઠ પુરુષો જ માનીએ તો તેઓ એ જે કઈપણ સિદ્ધિ મેળવી હતી તે શ્રેષ્ઠ હતી અને આથી તેઓ આપણા બધા માટે એક દ્રષ્ટાંતરૂપ છે. આથી આપણે આપણું જીવન અને ચરિત્ર ઈશ્વરના સાચા ભક્તની જેમ કેવી રીતે ઘડવું જોઈએ તેના રામ અને કૃષ્ણ આદર્શ દ્રષ્ટાંતો છે.

૮. આમ વેદોમાં ઈશ્વરના અવતાર રૂપે જન્મ લેવાની કથાઓનું કોઈ સ્થાન નથી. ઈશ્વરીય અવતારનો આ સિધ્ધાંત ખુબ જ નવો છે. અને જ્યારથી આ સિધ્ધાંત ઉદ્દભવ્યો છે ત્યારથી આપણે વધુ અને વધુ નબળા બનતા ગયા છે. આપણે સમગ્ર વિશ્વના શાસકમાંથી એવા નીચા સ્તરે આવી ગયા છીએ કે જ્યાં હવે આપણને આપણા જ દેશમાં પુરતા હક મળતા નથી.

૯. એ ખુબ જ શરમજનક વાત છે કે આપણે આ કાલ્પનિક ઈશ્વરીય અવતારોની પૂજા પાછળ કરોડો રૂપિયા વેડફીએ છીએ. પરંતુ જેને આપણે ઈશ્વરના અવતાર ગણીયે છીએ એવા રામ અને કૃષ્ણ જેવા શ્રેષ્ઠ દ્રષ્ટાંતોને અનુસરીને ઈશ્વરની ખરી પૂજા કરવા માટે આપણે આપણી સાધન-સંપત્તિ અને ક્રિયાશક્તિ એકત્રિત કરતા નથી. આથી જ આપણી ભાવના સારી હોવા છતાં  અને ઈશ્વર માટે સાચો પ્રેમ હોવા છતાં આપણી ચારે બાજુ ઝનૂની ધાર્મિક સંપ્રદાયોના આક્રમણો, જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થા, લૈંગિક ભેદભાવ, ભ્રષ્ટાચાર, હિન્દુઓનું ઈશાઈ ધર્મમાં પરિવર્તન, અનૈતિકતા વગેરે પ્રસરેલા છે. અને આ બધા સામે લડવાને બદલે આપણે ઈશ્વર દ્વારા આપવામાં આવેલી આપણી શક્તિ અને આપણા સામર્થ્યને બિનજરૂરી પ્રવૃતિઓ પાછળ વેડફતા રહીએ છીએ.

૧૦. રામ, કૃષ્ણ, હનુમાન વગેરેને ઈશ્વર ગણવાથી, તેમના પર દૂધ, ફૂલ, પાણી વગેરે મુકવાથી અને તેમનું અભિવાદન કરતા ગીતો ગાવાથી તેઓને આપણે સાચું સન્માન નહિ આપી શકીએ. પરંતુ તેઓએ તેમના જીવનમાં જેવા કર્મો કર્યા હતા તેવા કર્મો કરવાથી – જેમ કે કસરત કરી આપણી શક્તિ વધારવાથી, શિસ્તબદ્ધ દિનચર્યા રાખવાથી, ધ્યાન અને ચિંતન કરવાથી, ઉચ્ચ ચરિત્ર જાળવી રાખવાથી, જ્ઞાન વધારવાથી, સાચો ધર્મ શું છે તે સમજવાથી, આપણી આજુબાજુના રાવણ અને કંસ સામે લડવાથી, માતા સમાન સ્ત્રીની ભવ્યતાનું રક્ષણ કરવાથી અને ખરું રામ રાજ્ય સ્થાપિત કરવાથી  – આપણે આ મહાપુરુષોને ખરું સન્માન આપી શકીશું.

આ જ ઈશ્વરની સાચી પૂજા છે અને આના માટે બીજો કોઈ ટૂંકો રસ્તો નથી.  

૧૧. જે સંસ્થાઓ અને વર્ગો જોરશોરથી ઈશ્વરીય અવતારના આ સિદ્ધાંતનો બચાવ કરે છે તેઓને અમારી નમ્ર વિનંતી છે કે તેઓ મુસ્લીમો અને ઈશાઈઓ સાથે ચર્ચામાં ઉતરી તેમનો ચપળતાથી સામનો કરી સાચા દ્રષ્ટાંતો સ્થાપિત કરે. તેઓ ધર્મના બચાવના નામે મંદિરોમાં જે કરોડો રૂપિયા દાનરૂપે મેળવે છે તેમાનો કેટલોક ભાગ દલિતો અને અછૂતો પાછળ, સાચા ધર્મ પરિવર્તનની ચળવળો પાછળ અને શુદ્ધિ આંદોલન જેવા મોટા કાર્યક્રમોના આયોજનો પાછળ ખર્ચી રામ અને કૃષ્ણના સાચા અનુયાયીઓ બને.

આદિ શંકરાચાર્યે પરા-પૂજા(Paraa-Puja)માં લખ્યું છે કે:

આપણે આ સર્વવ્યાપી ઈશ્વરનું કેવી રીતે આહવાન કે વિસર્જન (invoke or submerge) કરી શકીએ? એ ઈશ્વર માટે આસન કે સ્થાનની શું જરૂર છે કે જેણે પેહલેથી જ આપણને બધાને પોતાનામાં સ્થાન આપ્યું છે? જે ઈશ્વર અતિશુદ્ધ છે તેના ચરણો અને મુખ પાણીથી ધોવાનો શો અર્થ? આપણે તેને કેવી રીતે સ્નાન કરાવી શકીએ? જયારે આખું બ્રહ્માંડ ઈશ્વરમાં છે, તો પછી આપણે તેને વસ્ત્રો કેવી રીતે પહેરાવી શકીએ? આપણે એ ઈશ્વરને જનોઈ (Sacred Thread) કેવી રીતે પહેરાવી શકીએ કે જે ઈશ્વર જાતિ અને વર્ણોથી પરે છે? જે ઈશ્વર અખંડ, સર્વવ્યાપી, સર્વજ્ઞાની, સર્વશક્તિવાન, નિરાકાર, એક અને માત્ર એક જ છે તે ઈશ્વરના શારીરિક સ્વરૂપની પૂજા કેવી રીતે કરી શકાય?

પ્રશ્ન: બરાબર છે. તો શું ઈશ્વર અવતાર લેવાને બદલે તેના કોઈ દેવદૂતને મોકલે છે?

ઈશ્વર કોઈ દેવદૂતને મોકલે છે એ વાત એકદમ અવિચારી છે. ઉદાહરણ તરીકે, મુસ્લિમો માને છે કે અલ્લાહ સર્વશક્તિવાન છે પણ છતાં તેઓ પયગંબરમાં માને છે. આમ તેઓ એવું સૂચવે છે કે અલ્લાહ બધા જ જીવોને સીધું જ માર્ગદર્શન આપવા સક્ષમ ન હોવાથી અલ્લાહને પયગંબર જેવા કોઈ મારફતીયાની મદદની જરૂર પડે છે.

 હવે આપણે એ જોઈએ કે મુસ્લિમ અને ઈશાઈ ધર્મનો ઈશ્વર દેવદૂત દ્વારા જે કર્યો કરે છે તે કેટલા ખામીભર્યા હોય છે. Jesus એક દેવદૂત મનાય છે પરંતુ તે એક બાઈબલ પણ બરાબર લખી શકતો નથી. તેણે જે કઈપણ કર્યું છે તે નિરર્થક છે કારણકે મૂળ બાઈબલ(original Bible)નું અસ્તિત્વ જ નથી. આ જ રીતે મોહમંદ પણ અલ્લાહનો દેવદૂત મનાય છે પરંતુ તે તેના જીવનકાળ દરમિયાન એક કુરાન પણ વ્યવસ્થિત રીતે લખી શક્યો નથી. તેને એ પણ ખબર ન હતી કે આ પુસ્તક “કુરાન” કહેવાશે. કુરાનનું સંકલન મોહમંદના મૃત્યુના ૨૦ વર્ષ પછી ખુબ જ વિવાદાસ્પદ રીતે થયું હતું. આજે જૂનામાં જૂની કુરાનની પુસ્તક ૩૦૦ વર્ષ જૂની છે અને તે એ કુરાનની નકલ છે કે જેનું સંકલન મોહમંદના મૃત્યુના ૨૦ વર્ષ પછી થયું હતું. દેવદૂતમાં માનતા પાખંડી ધર્મ સંપ્રદાયો આવા જ બધા રસ્તાઓનો ઉપયોગ કરે છે.

પરંતુ વૈદિક ઈશ્વર ખરેખર સર્વશક્તિવાન છે અને આથી તે કોઈપણ પ્રકારના દેવદૂતની મદદ લીધા સિવાય દરેક આત્મા સાથે સીધો જ સંપર્ક રાખે છે. તેણે વેદોનું જ્ઞાન માનવજાતિના ઉત્પત્તિ ( Origin of Vedas લેખ વાંચો ) સમયથી જ આપ્યું હતું અને ત્યારથી આપણને તે સતતપણે માર્ગદર્શન આપી જ રહ્યો છે. વેદો કે જે સૌથી પ્રાચીન ગ્રંથો છે તેને ( in most rigorous manner લેખ વાંચો) સુરક્ષિત રાખવા માટે આપણને પ્રેરણા આપી છે. જો આપણને વેદ ગ્રંથો ન મળી શકતા હોય તો પણ ઈશ્વર આપણને “આત્માના અવાજ” દ્વારા સતત માર્ગદર્શન મળતું રહે તે વાતનું ધ્યાન રાખે છે. અને આમ, જેમ માતા પોતાના બાળકનું ધ્યાન રાખે છે તેમ ઈશ્વર પણ આપણું ઘ્યાન રાખે છે.

વૈદિક ઈશ્વર આપણી સર્વત્ર અને આપણી અંદર વસેલો છે. આથી આપણને માર્ગદર્શન આપવા માટે તેને ત્રીજા મારફતીયાની મદદની જરૂર પડતી નથી. આથી માત્ર આ જ સર્વજ્ઞ, સર્વશક્તિવાન, સર્વવ્યાપી, આપણી સારસંભાળ રાખનાર અને ન્યાયી ઈશ્વરની જ પૂજા કરવી જોઈએ. આથી બધા જ દેવદૂતો ખોટા છે અને દેવદૂતોમાં માનવું એ ઈશ્વરની કીર્તિનું મોટું અપમાન છે. આથી જો ઈશ્વર/અલ્લાહ પ્રત્યે આપણને માન હોય તો આપણે આ દેવદૂતોને તરત જ નકારવા જોઈએ.

પ્રશ્ન: શું ઈશ્વર તેના ભક્તોના પાપ માફ કરે છે?  

૧. હા, ઈશ્વર તેના ભક્તોના પાપ માફ કરે છે. પરંતુ માત્ર ભવિષ્યના પાપ. ઈશ્વરની વૈદિક પૂજા કરવાથી આપણું મન શુદ્ધ થાય છે અને તેથી આપણે ભવિષ્યમાં ઓછામાં ઓછા પાપ કર્મ કરીએ છીએ. ઈશ્વર એ સુનિશ્ચિત કરે છે કે આ મનશુદ્ધિની પ્રક્રિયા સતત ચાલતી રહે.

૨. પરંતુ આપણને ભૂતકાળમાં કરેલા પાપની માફી ક્યારેય મળતી નથી. આપણા દરેક સારા કે ખરાબ કાર્યોનું યોગ્ય ફળ મળે જ છે. આપણે મુક્તિ તરફ ઝડપથી આગળ વધી શકીએ એવા સારા હેતુથી જ ઈશ્વર આપણને કર્મોના યોગ્ય ફળ આપે છે.  આમ કરવાનું કારણ ઈશ્વરની આપણા માટેની બિનશરતી દયા છે.

૩. આમ પોતાના પાપ ભૂસવા માટે જે લોકો ખાસ પ્રકારની ધાર્મિક વિધિઓ કરે છે, તીર્થયાત્રા પર જાય છે, ગંગા સ્નાન કરે છે, એ વાસ્તવમાં પોતાને જ મૂર્ખ બનાવે છે. તમે એ જોતા હશો કે દંભી નેતા અને ફિલ્મના કલાકાર જેવા લોકો ઈશ્વરની કહેવાતી રીતે નજીક હોય છે. આથી કોઈપણ હલકા સ્તરની ફિલ્મ કોઈ દેવતાના ફોટાથી કે કોઈ ધાર્મિક શ્લોકથી શરુ થાય છે. આવા લોકો મોટા ધાર્મિક કાર્યક્રમો યોજે છે, મંદિર કે મસ્જિદમાં વારંવાર જાય છે. તેઓ આ બધુ ખાલી પ્રખ્યાતિ મેળવવા જ કરતા નથી, પરંતુ તેમના રોજીંદા જીવનમાં તેઓ જે ઘૃણા પેદા કરનારા પાપકર્મો કરતા રહે છે તે પાપકર્મોને ભૂસવા (as a balancing act)માટે પણ આવું કરતા હોય છે.

૪. પરંતુ જેમ મેદવૃદ્ધિનું નિદાન ખાલી ગોળી ખાવાથી જ થઇ જતું નથી તેમ પાપવૃતિ પણ તરત જ ભૂસાય જતી નથી. આ ક્રિયા સતત પ્રયત્ન માંગી લે છે. દરેક પાપની ભૂસાયા વગર ગણતરી થાય છે. અને એવું પણ નથી કે અત્યારે સારા કર્મો કરવાથી તમે પહેલા કરેલા પાપ ભૂસાય જશે.   

૫. ઈશ્વર ન્યાય આપવામાં જરાપણ વાર લગાડતો નથી. જે ક્ષણે આપણે કાર્ય કરીએ છીએ – સારું કે ખરાબ – ઈશ્વર આપણને તે કાર્યનું ફળ આપવાનું શરું કરી દે છે. આપણે આ ફળની વાસ્તવિક અસર તરત જ જોઈ શકીશું કે થોડા સમય પછી, તેનો આધાર આપણે કરેલા કર્મ અને આપણી સમજશક્તિ પર રહેલો છે. જયારે આ કર્મના ફળને સમજવામાં આપણને વાર લાગે છે ત્યારે આપણે તેને આપણા પાછલા કરેલા કર્મોના ફળ તરીકે ઓળખીએ છીએ. પરંતુ વાસ્તવમાં, આ પ્રક્રિયા જયારે આપણે કોઈ કાર્ય કરીએ છીએ ત્યારથી જ શરુ થઇ ગયેલી હોય છે. આ એવી જ વાત છે કે જેમ મધુમેહ (diabetes) આપણે આપણા રોજીંદા જીવનમાં સતતપણે સારો ખોરાક લેતા આવ્યા છીએ કે નહિ, આપણે કસરત કરીએ છીએ કે નહિ, આપણે તણાવ અનુભવીએ છીએ કે નહિ જેવી વાતો પર આધાર રાખે છે, પરંતુ તેની અસર થોડા સમય પછી જ સ્પષ્ટપણે જોઈ શકાય છે.

૬. જો ઈશ્વર આપણા ભૂતકાળના પાપનો રેકોર્ડ ભૂંસી નાંખતો હોય તો તે ન્યાયી ન કહેવાત. જો ઈશ્વર આપણા ભૂતકાળના પાપનો રેકોર્ડ ભૂંસી નાંખતો હોત તો લોકો તરત જ પાપ કરવાનું શરુ કરી દેત અને પછી ઉપર જણાવેલા દંભી લોકોની જેમ sorry કહી દેત. અને જો ઈશ્વર તેમનુ sorry સાંભળે તો લોકોની આવી મૂર્ખતાને વધારે પ્રોત્સાહન મળે અને તેઓ વધારે અને વધારે પાપકર્મો કરે. અને ઉલ્ટાનું જે લોકો પાપ ન કરતા હોય તે લોકો પણ પાપ કરવાનું શરુ કરી દે. આમ ઈશ્વર ન્યાયી અને દયાળુ હોવાથી આપણા લાભ ખાતર આપણા દરેકેદરેક કર્મનું આપણને યોગ્ય ફળ – નહિ વધારે કે નહિ ઓછું -મળે એ વાતનું ધ્યાન રાખે છે.  

આથી એ બધા જ ધર્મ સંપ્રદાયો (ઇસ્લામ અને ઈશાઈ) કે જે પાપનો સ્વીકાર કરવાના (Confession) અથવા તો તેમના દેવદૂતનો સ્વીકાર કરવાના બહાને પાપ માફ કરી દેવાની લાલચ આપીને લોકોને આકર્ષવાનો પ્રયત્ન કરે છે તેઓ ઈશ્વરનું અપમાન કરે છે અને બીજાની સાથે સાથે પોતાની જાતને પણ મૂર્ખ બનાવે છે. બધા જ સમજુ લોકોએ આવા દંભનો તરત જ અસ્વીકાર કરવો જોઈએ. 

પ્રશ્ન: અમે એવું સાંભળ્યું છે કે ઈશ્વર ભૂતકાળમાં જે બન્યું છે તે, વર્તમાનમાં જે થઈ રહ્યું છે તે અને ભવિષ્યમાં જે થવાનું છે તે બધું જ જાણે છે. આથી ઈશ્વર જે જાણે છે તે પ્રમાણે જ આત્માએ કામ કરવું પડશે. આથી આત્મા કાર્ય કરવા માટે સ્વતંત્ર નથી અને તે ઈશ્વરના હાથની કઠપુતળી જ છે. અને તેમ છતાં આત્મા ઈશ્વર દ્વારા અન્યાયી રીતે સજા ભોગવે છે.

આ આક્ષેપ એવા ધર્મ સંપ્રદાયો માટે સાચો છે કે જેઓ એવું માને છે કે ઈશ્વરે અગાઉથી જ બધાનું ભાગ્ય લખી રાખ્યું છે. ઉદાહરણ તરીકે, અલ્લાહએ બધી જ ભવિષ્યની ઘટનાઓ Lohe Mehfooz માં લખી રાખી છે એવું બનાવટી કુરાન અને હદીથમાં (Quran and Hadiths) માનનારા ઘણા મુસ્લિમો માને છે. આમ તેઓ તેમના અલ્લાહને એક અસ્થિર માનસવાળો સરમુખત્યાર સાબિત કરે છે કે જે પહેલા આત્માનું સર્જન કરે છે અને પછી તેની ધૂન પ્રમાણે આત્માને કાર્ય કરવા માટે દબાણ કરે છે. તે કેટલીક આત્માને સજા આપે છે, કેટલીક આત્માને પાપકર્મ કરવા માટે લાલચ આપે છે, તો કેટલીક આત્માની ખોટી રીતે ભલામણ કરે છે. જો આવું પુસ્તક વાસ્તવમાં હોય તો તે સર્વશક્તિમાન ઈશ્વરનું અપમાન જ છે. (વધુ વિગત માટે God Must be Crazy! વાંચો)

હવે જો અલ્લાહ બધું જ જાણતો હોય તો પછી એને એવું પુસ્તક(Lohe Mehfooz) લખવાની શી જરૂર છે કે જે પુસ્તક માત્ર અલ્લાહ જ વાંચી શકતો હોય? શું અલ્લાહ બધું ભૂલી જશે તેવી બીકે તેણે આ પુસ્તક લખ્યું? શું અલ્લાહ આ પુસ્તક લખશે એવું પણ આ પુસ્તકમાં લખ્યું છે? આવી વાતો બાળકો જેવી, તદ્દન જુઠ્ઠી અને ખામીવાળી છે.

આવી કલ્પનાઓનો વૈદિક ઈશ્વર સાથે કોઈ સંબંધ નથી.

ભૂતકાળ એને કહેવાય કે જે અગાઉ બની ગયું છે પણ હવે તેનું અસ્તિત્વ નથી. ભવિષ્ય એ છે કે જેનું અત્યારે અસ્તિત્વ નથી. પરંતુ ઈશ્વરનું જ્ઞાન એક સરખું, એકધારું અને સાચું જ રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો, ઈશ્વરના જ્ઞાનક્ષેત્રમાં અસ્તિત્વ ન ધરાવતી એવી કોઈપણ વસ્તુઓનો સમાવેશ થતો નથી.

ભૂતકાળ અને ભવિષ્ય એ માત્ર આત્મા માટે જ હોય છે, ઈશ્વર આવી સમયની મર્યાદાથી પરે છે. આત્માએ કરેલા કર્મોના સંબંધમાં એવું કહી શકાય કે ઈશ્વર ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય જાણે છે, પરંતુ અંતર્ભૂતીથી(inherently) નહિ. બીજા શબ્દોમાં કહીએ તો આત્મા શું કરે છે અને આત્માએ કરેલા કર્મ બદલ તેને કયું યોગ્ય ફળ આપવું જોઈએ તે ઈશ્વર જાણે છે. પરંતુ ઈશ્વરે આત્માએ કરેલા કર્મોનો ઇતિહાસ જાણવા માટે ભૂતકાળમાં જોવાની જરૂર પડતી નથી કે પછી આગળ શું થશે તે જાણવા માટે ભવિષ્યમાં જોવાની જરૂર પડતી નથી. તે હંમેશા વર્તમાનમાં જ હોય છે અને આત્માએ કરેલા કર્મો અને તેના કર્મોના ફળનું સાચું જ્ઞાન હંમેશા ધરાવતો જ હોય છે.

આપણે આત્માની લાક્ષણીકતાઓની ચર્ચા પાછળથી કરીશું, પરંતુ એ વાતની નોંધ લો કે આત્મા વર્તમાનમાં કાર્ય કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે (આ સ્વતંત્રતા આત્માએ ભૂતકાળમાં કરેલા કર્મોથી ઘડાયેલા તેના સંસ્કાર પર આધારિત છે), પરંતુ કર્મોના ફળ માટે આત્મા સંપૂર્ણપણે ઈશ્વર આધીન છે. ઈશ્વર એ વાતનું હંમેશા ધ્યાન રાખે છે કે આ કર્મોના ફળ એવા હોય કે જેથી આત્મા તેના સંસ્કાર સુધારી શકે અને તેની મર્યાદિત સ્વતંત્રતાનો યોગ્યત્તમ ઉપયોગ કરી તેની ઈચ્છા શક્તિ(free will) વધારી શકે અને શ્રેષ્ઠત્તમ આનંદ મેળવી શકે. આ ક્રિયા દરેક ક્ષણે સતતપણે ચાલતી જ રહે છે.

યોગનું આખું ક્ષેત્ર આપણા શ્રેષ્ઠત્તમ લાભ માટે ઈશ્વરના આ નિયમને સમજીને તેને ગ્રહણ કરવા પર આધારિત છે.

પ્રશ્ન: શું આત્મા પણ ઈશ્વર છે અને મોક્ષ મળ્યા પછી આત્મા ઈશ્વર બને છે? અને નહિ તો અદ્વૈત (Advait) શું છે?

આપણે આત્માની પ્રકૃતિ વધારે વિગતમાં પાછળથી સમજીશું. પણ ટૂંકમાં કહીએ તો, આત્મા એ ઈશ્વર નથી. જો આત્મા ઈશ્વર બની શકતી હોત તો તે હમણાં ઈશ્વર જ હોત. અને જો આવું હોત તો પછી આપણે શા માટે આ સમગ્ર શ્રુષ્ટિનું સંચાલન કરવામાં અસમર્થ છીએ? અને શા માટે બધી જ આત્માઓ ઈશ્વર હોવા છતાં એક આત્મા(ઈશ્વર) બીજી આત્મા(ઈશ્વર) સાથે લડી રહી છે? જો તમે એમ કહો કે આનું કારણ માયા કે અજ્ઞાનતા છે તો પછી એનો અર્થ એ થાય કે ઈશ્વર પણ અજ્ઞાન છે. આ વાત વેદોથી એકદમ વિપરીત છે કે જે સ્પષ્ટપણે કહે છે કે ઈશ્વર અજ્ઞાનતાની મર્યાદાથી પરે છે અને હંમેશા પરે જ રહે છે.

આગળ, માની લો કે હું ઈશ્વર છું અને મને જ ખબર ન હોય કે હું ઈશ્વર છું તો પછી, અત્યારે આ સમગ્ર શ્રુષ્ટિનું સંચાલન કોણ કરી રહ્યું છે? જો તમે એમ કહો કે “મુખ્ય ઈશ્વર” કે જે આ શ્રુષ્ટિનું સંચાલન કરી રહ્યો છે તે એક સમુદ્રની જેમ છે અને હું તે સમુદ્રમાંના પાણીનું એક ટીપું છું, તો પછી એ વાતની શી ખાતરી કે આ “મુખ્ય ઈશ્વર ” પર અજ્ઞાનતા કે પાપની કોઈ અસર થઇ નથી અને તે ભ્રષ્ટ રીતે આ શ્રુષ્ટિનું સંચાલન કરી રહ્યો નથી? છેવટે તો હું સ્વયમ પણ ઈશ્વર જ છું અને મને ખબર છે કે હું અજ્ઞાની છુ!

આવી વાતો માત્ર ભ્રામક તર્ક(fallacious logic) તરફ લઇ જાય છે અને કદાચ કાવ્યોમાં જ સારી લાગે, પરંતુ આવી વાતોને તાર્કિક રીતે સાચી ન કહી શકાય.

આત્મા જ ઈશ્વર છે એવું વેદોમાં ક્યાંય કહ્યું નથી. પરંતુ આત્મા અને ઈશ્વર એકબીજાથી ભિન્ન છે એવું વેદો સ્પષ્ટપણે કહે છે.

અદ્વૈત (Advait) શબ્દ એક અને માત્ર એક ઈશ્વર હોવાના સિદ્ધાંતને સૂચવે છે. એનો અર્થ એ છે કે માત્ર એક જ ઈશ્વર છે, એક કરતા વધારે નહિ અને માત્ર એ જ પૂજનીય છે.

પ્રશ્ન: જો આમ હોય તો શંકરાચાર્ય કેમ એવું કહેતા હતા કે ઈશ્વર અને આત્મા એક જ છે?

શંકરાચાર્ય વેદોના વિદ્વાન હતા અને તેમનો જન્મ એવા યુગમાં થયો હતો કે જે સમયે નાસ્તિકતા ખુબ જ પ્રચલિત હતી. શંકરાચાર્ય નાસ્તિકતાનો એમ કહીને વળતો જવાબ આપતા કે, આત્મા અને ઈશ્વર એક છે એવું માનવું એ પણ નાસ્તીકતાને સમર્થન છે. જો તેમણે આમ ન કર્યું હોત તો તે વૈદિક વિદ્વતા (wisdom)નું સંરક્ષણ ન કરી શક્યા હોત. આમ કરવા બદલ અમે તેમના ખુબ ઋણી છીએ.

જયારે શંકરાચાર્યનો જન્મ થયો હતો તે સમયે વેદોમાંથી વૈજ્ઞાનિક જ્ઞાન મેળવવાની પ્રથાનું અસ્તિત્વ રહયું ન હતું. વેદો માત્ર ધાર્મિક વિધિઓ માટેના પુસ્તકો તરીકે જોવામાં આવતા હતા. આથી શંકરાચાર્યએ પણ વેદો પર વધારે ધ્યાન ન આપતા એ સમયના ખુબ જ પ્રચલિત એવા વેદાન્ત, ગીતા અને ઉપનિષદો જેવા પુસ્તકો પર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. અને આ પુસ્તકોને તેમની બધી જ દલીલોનો આધાર બનાવી નાસ્તિકતાનો સામનો કર્યો હતો. તેમણે આવું ન્યાય દર્શન(Nyaya Darshan)ના કહેવા પર કર્યું હતું. આમ કરવાથી શંકરાચાર્ય થોડા સમય માટે વિતાંદ તર્કનો (Vitanda Logic) ઉપયોગ કરી શક્યા અને સમાજની સંમતિથી પ્રસ્થાપિત થયેલ જોખમમકારક પ્રણાલિકાઓનો(convention) સામનો કરી શક્યા. એ વાતની નોંધ લો કે આવા વિતાંદ તર્કનો ઉપયોગ માત્ર તાર્કિક દલીલો પુરતો જ માર્યાદિત છે. આવા તર્ક પોતાનામાં એક સત્ય નથી.

નીચે આવા તર્કના કેટલાક ઉદાહરણો આપવામાં આવ્યા છે:

પ્રાથમિક માન્યતા(Initial Convention): બધા જ સ્વધર્મત્યાગી લોકો(apostates) કે જેઓ ઇસ્લામનો ત્યાગ કરે છે અને ઇસ્લામ વિરોધી પ્રચાર કરે છે તે બધાની હત્યા કરી નાંખવી જોઈએ. – ઝાકીર નાઈક

 વિતાંદ તર્ક: એ સ્વધર્મત્યાગીના મત પ્રમાણે બાકીના બધા જ લોકોએ તેના ધર્મનો ત્યાગ કર્યો છે અને તેઓ ઇસ્લામનો પ્રચાર કરે છે, આથી તે બધા જ લોકોની હત્યા થવી જોઈએ, મારી નહિ. 

 પ્રાથમિક માન્યતા: પરંતુ આ મુસ્લિમ બહુમતીવાળો દેશ છે, આથી જે સ્વધર્મત્યાગી છે તેમની જ હત્યા થવી જોઈએ, બાકીના લોકોની નહી. – ઝાકીર નાઈક

 વિતાંદ તર્ક: આ તર્ક પ્રમાણે તો મોહમ્મદની હત્યા સૌથી પહેલા થવી જોઈતી હતી. કારણકે તે સમયે ઇસ્લામને જાણનારો માત્ર એ એકલો જ હતો અને દેશના બાકીના લોકો ઇસ્લામને માનતા ન હતા.

એ વાતની નોંધ લો કે અમે એવું નથી કહેતા કે આ લોકોની હત્યા કરી નાંખવી જોઈએ કે પછી મોહમ્મદની હત્યા સૌથી પહેલા થવી જોઈતી હતી. પરંતુ મોટાભાગના અજ્ઞાન લોકોમાં પ્રચલિત આવા મૂર્ખ વિવાદનો સામો જવાબ આપવા માટે જ  અમે આવી દલીલ કરીએ છીએ.  

અદ્વૈત દલીલોની બાબતમાં પણ આમ જ છે. શંકરાચાર્યએ આવી દલીલોનો ઉપયોગ ઈશ્વરના અસ્તિત્વને સ્થાપિત કરવા માટે અને નાસ્તીકતાનો વિરોધ કરવા માટે કર્યો હતો. અને અંતે તેમણે બધી જ વૈદિક ધર્મ વિરોધી નાસ્તિક એવી વિચારસરણીઓને નિષ્ફળ પુરવાર કરી. પરંતુ તે પોતાની તેજસ્વી બુદ્ધિ દ્વારા આપણને વધુ જ્ઞાન આપી શકે એ પહેલા જ ૩૨ વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા. આથી તેઓ એવું માનતા હતા કે આત્મા એ જ ઈશ્વર છે એ ખોટી વાત છે.

વાસ્તવમાં, વેદાન્ત, ગીતા અને ઉપનિષદો ઉપર તેમના દ્વારા આપવામાં આવેલા વ્યાખ્યાનોમાં એવા ઘણા બધા વાક્યો છે કે જે એવું સુચન કરે છે કે શંકરાચાર્ય આત્મા અને ઈશ્વર એકબીજાથી ભિન્ન છે એવું માનનારા હતા. આ એક અલગ પ્રકારનો  અભ્યાસ અને સંશોધન માંગી લે એવો એક લાંબો ચર્ચાનો વિષય છે. આથી આવનારા કેટલાક વર્ષોમાં મોટાભાગના પશ્ચિમી માન્યતાઓ ધરાવનાર લોકોને મૂળ વૈદિક ધર્મ તરફ વાળ્યા પછી આપણે આ વિષય પર વધારે ઊંડાણમાં ચર્ચા કરીશું.

પરંતુ આ બૌદ્ધિક વાદવિવાદ કે ચર્ચાઓ પર ધ્યાન આપ્યા વિના, જરા વિચાર કરો કે આદિશંકરાચાર્ય  આટલા ઓછા સમયમાં કેટલી મોટી સિદ્ધિ મેળવી શક્યા. ૨૫ વર્ષ ગુરુકુળમાં પૂરતું જ્ઞાન મેળવવા માટે ઓછામાં ઓછો સમય છે. અને ૩૨ વર્ષની ઉંમરે આપણી પાસે શંકરાચાર્ય જેવો એક એવો વિદ્વાન હતો કે જેણે આખો દેશ અને વિશ્વનું ભવિષ્ય બદલી નાખ્યું હતું. આવા તેજસ્વી પુરુષને અમે નમન કરીએ છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે અમને બધાને પણ આવું તેજ અને બુદ્ધિ પ્રદાન કરે.

પ્રશ્ન: ઈશ્વર સગુણ છે કે નિર્ગુણ?

અમે વૈદિક ઈશ્વર અને વૈદિક પ્રાર્થના આ બે લેખોમાં આ મુદ્દાઓ પર વિગતવાર માહિતી આપી દીધી છે.

 પ્રશ્ન: શું ઈશ્વર રાગી (આવેશ, જુસ્સો, લાલશા અને ભાવનાઓથી ભરેલો) છે કે પછી વિરક્ત (બધી જ ઇચ્છાઓનો ત્યાગ કરેલો હોય તેવો) છે?

ઈશ્વર રાગી નથી અને વિરક્ત પણ નથી. ઈશ્વર આવી વૃત્તિઓથી પરે છે. કારણકે આપણને એ જ વસ્તુઓની ઈચ્છા હોય શકે કે જે આપણી પાસે નથી. અને આપણે એ જ વસ્તુઓનો ત્યાગ કરી શકીએ કે જે આપણી પાસે છે. પરંતુ ઈશ્વર પાસે બધુ જ છે અને તે કોઈપણ વસ્તુનો ત્યાગ ન કરી શકે કારણકે તે સર્વવ્યાપી છે.

પ્રશ્ન: શું ઈશ્વરની કોઈ ઈચ્છા હોય છે?

ઈશ્વરને કોઈપણ પ્રકારની કોઈ ઈચ્છા હોતી નથી. આત્માને જ જે વસ્તુ તેની પાસે નથી તે મેળવવાની ઈચ્છા હોય છે. આથી જેની પાસે બધું જ છે તે ઈશ્વરને શાની ઈચ્છા હોય શકે? અને તે પોતે આનંદનો સ્ત્રોત હોવાથી તેને આનંદ મેળવવાની પણ ઈચ્છા હોતી નથી. પણ તે આત્માને આનંદ આપવા માટે સૃષ્ટિનું સર્જન, સંચાલન અને વિનાશ કરતો જ રહે છે. આ ઈશ્વરની “ઇક્ષના(Iskhana) એટલે કે ઈશ્વરનું નિષ્કામ કર્મ કહેવાય છે.

જે લોકો (ઝાકીર નાઈક જેવાં ) એવું માને છે કે ઈશ્વર એવું ઈચ્છે છે કે આત્મા તેની પૂજા કરે, તો હકીકતમાં તેઓ ઈશ્વરને “સ્વયમને રીઝવનાર સરમુખત્યાર” કહી તેનું અપમાન કરે છે. આપણે જે કાઈપણ પૂજા કરીએ છીએ તે આપણા પોતાનામાં સુધાર લાવવા માટે જ છે અને તે પૂજાની ઈશ્વર પર અસર થતી નથી.

આપણે આત્માના મૂળ સ્વરૂપ વિષે પાછળથી ચર્ચા કરીશું.

નોંધ: અહી પ્રસ્તુત અમારા મત સીધા વેદો પર જ આધારિત છે. વેદોની અવગણના જેવા દેખીતા કારણોને લીધે અમારા મત તમારી માન્યતાઓથી ભિન્ન હોય શકે છે. પરંતુ એકતા જાળવી રાખવા માટે, જ્યાં સુધી અમે વૈદિક પૂજા  લેખમાં સ્પષ્ટ કરી દેવામાં આવેલુ એવું ઉચ્ચત્તમ પ્રાથમિકતા ધરાવતું અમારું લક્ષ – આપણા રાષ્ટ્રને યોગ્ય રીતે સશક્ત બનાવવો – પ્રાપ્ત ન કરી લઈએ, ત્યાં સુધી અમે આવા બિનજરૂરી વિષયો પર દલીલ કરવા માંગતા નથી.

હે ઈશ્વર, જે ધર્મનું પાલન અમારા આદર્શ એવા રામ અને કૃષ્ણ દ્વારા કરાયું હતું તે ધર્મનું પાલન અમે કરી શકીએ એ માટે અમને વિદ્વતા આપ. અને ખાસ કરીને અમારા ભાઈ બહેનો કે જેઓ અંધશ્રધ્ધાઓથી ભરેલા એવા બીજા ધર્મ સંપ્રદાયોને અનુસરે છે તેઓને મૂળ ધર્મ – વૈદિક ધર્મ – તરફ પાછા વળવા પ્રોત્સાહન આપ. આપણે સાથે મળીને આ સમગ્ર વિશ્વ માટે ભલાઈ અને નેકીમાં આપણા દેશનું નેતૃત્વ સ્થાપિત કરીએ. આ માટે ઈશ્વરની સાચી પૂજાની તરત જ શરૂઆત એ જ એક માત્ર રસ્તો છે!

Original post in English is available at http://agniveer.com/god-vedas-hinduism/

[adinserter block="13"]
Previous articleವೇದಗಳಲ್ಲಿ ಜಾತಿ ಪದ್ಧತಿ ಇಲ್ಲ
Next articleશ્રુષ્ટિચક્રનો વૈદિક સિદ્ધાંત
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.