UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

મનુસ્મૃતિ અને શૂદ્ર

આજે ભારત દેશ પર અનેક પ્રકારની આફતોના વાદળો ઘેરાયેલા છે. જેમ કે – ભ્રષ્ટાચાર, આતંકવાદ, ધર્માંતરણ, નૈતિક મૂલ્યોનું પતન, સ્વાસ્થ્ય સમસ્યાઓ, નૈતિક શિક્ષણનો અભાવ, સ્વચ્છતા અને સફાઈની સમસ્યા વગેરે વગેરે. પણ આ બધી જ સમસ્યાઓમાંથી મારે જો કોઈ બે સૌથી ભયાનક સમસ્યાઓનો ચુનાવ કરવાનો થાય તો હું ક્ષણ ભર પણ વિચાર કર્યા વગર જન્મ પર આધારિતજાતિ-વ્યવસ્થા અને લિંગ ભેદની સમસ્યાઓને અલગ પાડીશ.

કારણ કે દેશની બીજી બધી જ સમસ્યાઓના મૂળમાં આ બે સમસ્યાઓ રહેલી છે. જન્મ પર આધારિતજાતિ-વ્યવસ્થા અનેલિંગ ભેદ આપણાં ભૂતકાળ અને વર્તમાનની બધી જ સમસ્યાઓનું મૂળ કારણ રહી છે. આ બે સમસ્યાઓ એ જ આપણી સમૃદ્ધ સંસ્કૃતિને કલંકિત કરી છે. આથી જ્યાં સુધી આપણે આ સમસ્યાઓને તેના મૂળમાંથી ઉખાડી નહીં નાખીએ ત્યાં સુધી સમૃદ્ધ અને ઉજ્જવળ ભારત નિર્માણનું આપણું સ્વપ્ન માત્ર સ્વપ્ન જ રહશે.

બીજા શબ્દોમાં કહીએ તો, જાતિ-વ્યવસ્થા અને લિંગ ભેદ જેવી સમસ્યાઓ સાથે એક સમૃદ્ધ અને શક્તિશાળી સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ શક્ય નથી.

એ વાતની નોંધ લો કે જાતિ ભેદ અને લિંગ ભેદ માત્ર હિન્દુ સમાજની જ સમસ્યાઓ નથી. વાસ્તવમાં આ બંને સાંસ્કૃતિક સમસ્યાઓ છે. લિંગ ભેદ તો સદીઓથી એક વૈશ્વિક સમસ્યા રહી છે. જ્યારે જાતિ ભેદને કદાચ દક્ષિણ એશિયામાં ઉદ્દભવેલી અને તે વિસ્તારના બધાં જ ધર્મો અને સમાજને પ્રભાવિત કરતી સમસ્યા કહી શકાય.

હિન્દુત્વ આ સંસારની પ્રચીનત્તમ સંસ્કૃતિ અને બધાં જ ધર્મોનું ઉદ્દગમ સ્થાન હોવા છતાં હિન્દુધર્મએ જાતિ-ભેદની સમસ્યા પેદા કરવાનો આક્ષેપ તો સ્વીકારવો જ રહ્યો. જ્યારથી આ બે ઉપદ્રવોની સામે લડી, તેને મૂળમાંથી ઉખાડી નાખવાને બદલે, ભારતીય સમાજે આ સમસ્યાઓનો ભાર ઉઠાવીને જીવવા માંડ્યું, ત્યારથી ભારતીય સમાજ નબળો બનતો ગયો.  આ સામાજિક નબળાઈએ આપણાં રાષ્ટ્રને અંદરથી કોરી ખાધો. આમ થવાથી સર્વ શક્તિશાળી એવો આપણો ભારત દેશ વિદેશી આક્રમણો સામે અતિ સંવેદનશીલ બન્યો અને અન્ય મતો અને સંપ્રદાયો રૂપી સડાને દેશમાં પ્રસરવાની તક મળી. તેનું પરિણામ એ આવ્યું કે આપણો સમાજ વધુને બધું નબળો બનતો ગયો. અને આ જ નબળાઈ આપણાં દેશની ભૂતકાળની અને વર્તમાનની બધી જ સમસ્યાઓનું પ્રમુખ કારણ બની.  

આજની તારીખમાં પણ શિક્ષિત અને બુદ્ધિમાન કહેવાતા લોકો(મારા મતે મહામુર્ખ) જ જન્મ પર આધારિતજાતિ-વ્યવસ્થા અને લિંગ ભેદ જેવી મૂળ સમસ્યાઓને પોતાના નિહિત સ્વાર્થ ખાતર સમર્થન આપતા જોવા મળે છે. આ એક ચકિત કરનારી પણ શરમજનક વાત છે. જન્મજાત જાતિ-વ્યવસ્થાનો વિષાણુ એટલો ઘાતક અને શક્તિશાળી છે કે કોઈપણ બુદ્ધિમાન વ્યક્તિ તેના કુપ્રભાવ નીચે આવી શકે છે. આજે હિન્દુ સમાજનો નેતાગણ અને વિદ્વાન વર્ગ પણ આ જાતિ-વ્યવસ્થાના વિષાણુઓના સંક્રમણથી બચી શક્યો નથી.

અને પછી આવાં જ સ્વાર્થી લોકો ભોળા બની જાતિ-વ્યવસ્થા અને લિંગ ભેદ જેવી કુપ્રથાઓ સમાજ માટે યોગ્ય ગણાવે છે. આ માટે તેઓ જન્મ પર આધારિતજાતિ-વ્યવસ્થા અને લિંગ ભેદને સમર્થન આપતા પ્રાચીન ગ્રંથોનો સહારો લે છે. આજે જે પ્રાચીન ગ્રંથને કેન્દ્રમાં રાખી જાતિ-વ્યવસ્થા અને લિંગ ભેદને સમર્થન આપવામાં આવે છે તે ગ્રંથ છે – મનુસ્મૃતિ (સમાજ વ્યવસ્થા પરનો સૌથી પ્રાચીનત્તમ ગ્રંથ)

કેટલાંક મૂર્ખ લોકોનો એવો દાવો છે કે વેદો પણ જાતિ-પ્રથાને સમર્થન આપે છે. પણ અમે આવાં નિર્મૂલ આરોપોનું ખંડન જાતિ-વ્યવસ્થા પરના લેખોની શ્રેણી દ્વારા કરી ચૂક્યાં છીએ.

લેખોની આ શ્રેણીમાં આપણે મનુસ્મૃતિનું મૂલ્યાંકન કરીશું.

આજે મનુસ્મૃતિ વૈદિક ગ્રંથોમાંનો એક ખુબ જ વિવાદાસ્પદ ગ્રંથ બની ચૂક્યો છે. આ સંસારનો નૈતિક મૂલ્યો(નીતિ) અને કાયદાઓ પરનો સૌ પ્રથમ ગ્રંથ મનુસ્મૃતિને આજે જાતિ-પ્રથાને સમર્થન આપનારો ગ્રંથ પણ ગણવામાં આવે છે. વર્તમાન સમયનું આખું દલિત આંદોલન “મનુવાદના” વિરોધમાં જ શરું થયું છે.

એક તરફ મનુ જાતિ-પ્રથાના સમર્થકોનો નાયક છે તો બીજી તરફ દલિતો મનુને ખલનાયક તરીકે જુંવે છે. પછાત વર્ગના લોકો પ્રત્યે સહાનુભૂતિ બતાવી પોતાના રાજનૈતિક સ્વાર્થની તૃપ્તિ માટે અગ્નિવેશ અને માયાવતી જેવા લોકો મનુસ્મૃતિની નકલોની સમૂહમાં હોળી કરે છે. આ ઉપરાંત પોતાની વિકૃત ભાવનાઓની પુરતી કરવા માટે મનુ મહારાજને નીચી જાતિના લોકો પર અત્યાચાર કરતો, અને એક શીંગડાવાળા વિદ્વાનના વેશમાં છુપાયેલા રાક્ષસના રૂપમાં ચિત્રિત કરવામાં આવે છે. મનુસ્મૃતિ ગ્રંથ “સુધારવાદીઓ” અને “ધર્માંતરણના વિષાણુઓનું” એક મનપસંદ અને શક્તિશાળી શસ્ત્ર છે. આ શસ્ત્રના પ્રયોગથી તેઓ હિન્દુધર્મ અને વેદને નીચા પાડવા મથતા રહે છે. આ શસ્ત્રના આધારે ધર્માંતરણના વિષાણુઓ હિન્દુઓને બીજા ધર્મમાં ખેચી જવામાં કેટલીક હદ સુધી સફળ પણ થઈ ચૂક્યાં છે. પણ ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે શું મનુના આવાં નિંદકોએ ક્યારેય મૂળ મનુસ્મૃતિને ગંભીરતાથી વાંચી તેને સમજવાનો પ્રયત્ન કર્યો છે?      

આનાથી પણ વધુ પીડાદાયક સત્ય એ છે કે ઉચ્ચ વર્ગમાં જન્મેલા હિન્દુઓ એવું માને છે કે મનુસ્મૃતિએ તેઓને નીચી જાતના લોકો સાથે અન્યાયપૂર્ણ અને અસમાનતાપૂર્ણ વ્યવહાર કરવાનો ખાસ અધિકાર અને અનુમતિ આપી છે. આવાં લોકો પોતાના સ્વાર્થ ખાતર મનુસ્મૃતિમાંથી જાતિ-પ્રથા અને લિંગ ભેદની વિરુદ્ધ લખાયેલા શ્લોકોની અવગણના કરે છે અથવા તો તેમના ખોટા અનુવાદોને સામે મૂકી જાતિ-પ્રથા અને લિંગ ભેદને સમર્થન આપે છે.

આ બે શક્તિઓ વચ્ચેના સંઘર્ષે આજે ભારતમાં ખુબ જ હલકી સ્તરની રાજનીતિને જન્મ આપ્યો છે. આ ઉપરાંત હજારો વર્ષોથી ભારત પર થતા આવતા વિદેશી હુમલાઓ માટે પણ આ જ સ્વાર્થપૂર્ણ માનસિકતા જવાબદાર છે. ભારત વિશ્વગુરુઓ અને ચક્રવર્તી સમ્રાટોનો દેશ રહ્યો હોવા છતાં, આ જાતિ-પ્રથાને કારણે આપણે સદીઓ સુધી ઝનુની આક્રમણકરીઓના પગ નીચે કચડાતા રહ્યાં અને આપણી આ પાવન ભૂમિને પરાધીન બનાવી. આ તર્કવિહીન જાતિ-પ્રથા જ ૧૯૪૭ માં ભારત દેશના ભાંગલા પાછળનું પ્રમૂખ કારણ હતી. આજે પણ અસીમ ક્ષમતા અને બુદ્ધિ ધન હોવા છતાં આ વિકૃત જાતિ-પ્રથાને કારણે આપણે ભારતને સમૃદ્ધ અને શક્તિશાળી નથી બનાવી શકતા. આજે પણ આપણે આક્રમણો સામે નિર્બળ અને નિરાધાર ઉભા છીએ.

આથી મનુસ્મૃતિનું પુન:અવલોકન કરી, મનુસ્મૃતિ વાસ્તવમાં શું કહે છે તે જાણી તેનો પ્રચાર કરવો અત્યંત જરૂરી બની ચુક્યો છે.

મનુસ્મૃતિ પર મુખ્યત્વે ત્રણ આરોપો લગાવવામાં આવ્યાં છે.

૧. મનુએ જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થાનું નિર્માણ કર્યું.

૨. મનુએ શૂદ્રો માટે કઠોર દંડનું વિધાન કહ્યું છે. અને ઉચી જાતિના લોકો – ખાસ કરીને બ્રાહ્મણો – માટે વિશેષ અધિકારોની વાત કરી છે.

૩. મનુ સ્ત્રી વિરોધી હતો અને સ્ત્રીઓનો તિરસ્કાર કરતો હતો. તે સ્ત્રીઓને પુરુષોની સરખામણીમાં ઓછા અધિકાર આપવાનું કહે છે.

આ લેખમાં આપણે “મનુએ જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થાનું નિર્માણ કર્યું છે” તે પ્રથમ આરોપનું ખંડન મનુસ્મૃતિમાંથી જ પ્રમાણો લઈને કરીશું:

વાંચકોને નિવેદન છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનો સાચો અર્થ જાણવા માટે જાતિ-વ્યવસ્થા પરના લેખોની શ્રેણી ધ્યાનથી વાંચો.

મનુસ્મૃતિ અને જાતિ-વ્યવસ્થા

૧. જે સમયે જાતિ-વ્યવસ્થાનું કોઈ અસ્તિત્વ જ ન હતું તે સમયથી મનુસ્મૃતિ ઉપલબ્ધ છે. આથી તર્ક અને સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો આપણે એ નિષ્કર્ષ પર આવીશું કે મનુસ્મૃતિ જન્મ પર આધારિત સમાજ વ્યવસ્થાનું સમર્થન ન કરી શકે. મનુ મહર્ષિએ મનુષ્યના ગુણ, કર્મ અને સ્વભાવ પર આધારિત સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરવાની પ્રેરણા ઈશ્વર્કૃત ગ્રંથોમાંથી – વેદ – લીધી હતી. સંદર્ભ માટે ઋગ્વેદ ૧૦.૧૦.૧૧-૧૨, યજુર્વેદ ૩૧.૧૦-૧૧, અથર્વવેદ ૧૯.૬.૫-૬ જુવો.

૨. ગુણ, કર્મ અને સ્વભાવ પર આધારિત આ સમાજ વ્યવસ્થાને વર્ણ વ્યવસ્થા કહેવામાં આવે છે. વર્ણ શબ્દ “વૃન્જ” ધાતુથી બનેલો છે, જેનો અર્થ “પસંદ” કે “ચુનાવ” થાય છે. આપણાં રોજીંદા જીવનમાં પણ આપણે વર્ણ શબ્દનો અર્થ પસંદગી એવો કરીએ છીએ. જેમ કે “વર” શબ્દનો અર્થ થાય છે “કન્યા દ્વારા તેના માટે પસંદ કરાયેલો પતિ.” આથી એ સિદ્ધ થાય છે કે વૈદિકકાળમાં કન્યાને પોતાનો વર પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર હતો.

૩. મનુસ્મૃતિમાં જાતિ-વ્યવસ્થાને નહીં પણ વર્ણ વ્યવસ્થાને જ દર્શાવવામાં આવી છે. તેનું સૌથી મોટું પ્રમાણ છે મનુસ્મૃતિનું પ્રથમ અધ્યાય. તેમાં ચાર વર્ણોનો જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને નહીં કે જાતિ કે ગોત્રનો. જોજાતિ કે ગોત્ર એટલા જ મહત્વના હોત તો પછી મનુ મહર્ષિ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની કઈ જાતિ છે તેનો ઉલ્લેખ જરૂરથી કરત.

આનો એ અર્થ પણ નીકળે છે કે પોતાને જન્મથી જ બ્રાહ્મણ માનનારા અથવા તો પછી ઉચ્ચ વર્ગમાં જન્મ લીધો હોવાના ખોટા અભિમાનમાં જીવનાર લોકો પાસે આ વાતનું કોઈ જ પ્રમાણ નથી. વધારેમાં વધારે તે એટલું જ સાબિત કરી શકે છે કે થોડીક પેઢીઓ પહેલાં તેમના પૂર્વજો પણ બ્રાહ્મણ કે પછી ઉચ્ચ વર્ગમાં જન્મ લીધેલા કહેવાતા હતા. પણ તેમના પૂર્વજો આદિકાળથી જ બ્રાહ્મણ કે પછી ઉચ્ચ વર્ગના હતા, તે વાતનું તેમની પાસે કોઈ જ પ્રમાણ નથી. અને જો તેઓ આમ સાબિત નથી કરી શકતા તો પછી તેમને એ કહેવાનો શો અધિકાર છે કે જેને આજે આપણે જન્મજાત શૂદ્ર માનીએ છીએ તે થોડી પેઢીઓ પહેલાં બ્રાહ્મણ ન હતા, અને જેને આજે આપણે જન્મજાત બ્રાહ્મણ માનીએ છીએ તે થોડી પેઢીઓ પહેલાં શૂદ્ર ન હતા! 

૪. મનુસ્મૃતિ ૩.૧૦૯: “પોતાના કુળ અને ગોત્રના નામે ભોજન કરનાર પોતાની જ ઉલટી ખાનારો ગણાય છે”. આમ મનુસ્મૃતિ અનુસાર જે પોતાને જન્મજાત બ્રાહ્મણ અથવા તો પછી ઉચ્ચ વર્ગનો માની વિશેષ અધિકારો કે પછી માન-સન્માનની અપેક્ષા રાખે છે તે દંડને પાત્ર છે.

૫. મનુસ્મૃતિ ૨.૧૩૬: ધન, સંગત, આયુ, કર્મ અને જ્ઞાન આ પાંચ સન્માનના ઉત્તરોતર માપદંડ છે. આમાં એક પણ સ્થાને કુળ, જાતિ, ગોત્ર કે પછી વંશને સન્માનનું માપદંડ માનવામાં આવ્યું નથી.

મનુસ્મૃતિ અને કર્માનુસાર વર્ણ-પરિવર્તન

૬. મનુસ્મૃતિ ૧૦.૬૫: શૂદ્ર બ્રાહ્મણ અને બ્રાહ્મણ શૂદ્ર થઇ શકે છે. અર્થાત ગુણ-કર્મોને અનુકૂળ બ્રાહ્મણ હોય તો તે બ્રાહ્મણ રહે છે, તથા જો બ્રાહ્મણમાં ક્ષત્રિય, વૈશ્ય  કે શૂદ્રના ગુણ હોય તે બ્રાહ્મણ ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર થઇ શકે છે. આ જ પ્રમાણે શૂદ્ર પણ અશિક્ષિત હોય તો તે શૂદ્ર જ રહે છે અને જો ઉત્તમ ગુણયુક્ત બને તો તે યથાયોગ્ય બ્રાહ્મણ, ક્ષત્રિય અથવા વૈશ્ય થઇ શકે છે. ક્ષત્રિય અને વૈશ્યના વિષયમાં પણ આમ જ સમજવું.

૭. મનુસ્મૃતિ ૯.૩૩૫: જો શૂદ્ર (અશિક્ષિત વ્યક્તિ) તન અને મનથી પવિત્ર હોય, મધુરભાષી હોય, અહંકાર અને અહમથી રહિત અને વિનમ્ર હોય, ઉત્તમ લોકોની સંગતમાં રહેતો હોય અને પોતાનાથી ઉત્કૃષ્ટ વર્ગની સેવા કરતો હોય તો તેનો જન્મ પણ ઉત્તમ અને ઉચ્ચ ગણાય છે.

૮. મનુસ્મૃતિમાં અનેક એવા શ્લોકો છે જે કહે છે કે જો ઉચ્ચ વર્ગનો મનુષ્ય સત્કામો ન કરે તો તે શૂદ્ર (અશિક્ષિત) બની જાય છે. ઉદાહરણ તરીકે:

૨.૧૦૪: જે મનુષ્ય પ્રતિદિન સવારે અને સાંજે ઈશ્વરની આરાધના નથી કરતો તેને શૂદ્ર ગણવામાં આવે છે.

૨.૧૭૨: જ્યાં સુધી વ્યક્તિ વેદોની શિક્ષા ગ્રહણ ન કરે ત્યાં સુધી તે શૂદ્ર જ રહે છે.

૪.૨૪૫: બ્રાહ્મણ વર્ણનો વ્યક્તિ દુષ્ટ વ્યક્તિઓની સંગત છોડી સદા શ્રેષ્ઠ વ્યક્તિઓની સંગતમાં રહી વિદ્વાન બને છે. અને જો બ્રાહ્મણ આનાથી વિપરીત આચરણ કરે તો તે બ્રાહ્મણ ન રહી શૂદ્ર બને છે.

આમ, ઉત્તમ કર્મો કરનાર વિદ્વાન વ્યક્તિ બ્રાહ્મણ કહેવાય છે, જ્યારે અશિક્ષિત વ્યક્તિ શૂદ્ર કહેવાય છે. આમ વ્યક્તિના જન્મને તેના બ્રાહ્મણ અને શૂદ્ર હોવા સાથે કઈ જ સંબંધ નથી.

૨.૧૬૮: બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય જો વેદોનું અધ્યયન અને આચરણ છોડી અન્ય નિરર્થક વિષયોમાં પરિશ્રમ કરે તો તે શૂદ્રત્વને પામે છે. આમ થવાથી તેની આવનારી પેઢીઓ પણ વેદોના જ્ઞાનથી વંચિત રહી જાય છે.

આમ, મનુસ્મૃતિ અનુસાર કેટલાંક અપવાદોને છોડી આજે આપણાં દેશના લગભગ બધાં જ લોકો શૂદ્ર છે. કારણ કે આપણે વૈદિક સિદ્ધાંતોનું આચરણ છોડી, ભ્રષ્ટાચાર, જાતિ-પ્રથા, અંધશ્રદ્ધા, અનૈતિકતા, લિંગ-ભેદ, સ્વાર્થીપણું અને ચાપલૂસી જેવા વેદ વિરુદ્ધ કાર્યોમાં લિપ્ત રહીએ છીએ. 

૨.૧૨૬: ભલેને કોઈ વ્યક્તિ બ્રાહ્મણ હોય, પણ જો તેનામાં અભિવાદનનો શિષ્ટાચાર ન હોય તો તે શૂદ્ર(અશિક્ષિત) છે.

નિમ્નસ્તરની વ્યક્તિ પાસેથી પણ જ્ઞાન ધર્મની પ્રાપ્તિ

૯. ભલે શૂદ્રનો અર્થ અશિક્ષિત વ્યક્તિ થતો હોય પણ શૂદ્ર વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરીને શિક્ષક બની શકે છે. ઉદાહરણ તરીકે:

૨.૨૩૮: પોતાનાથી નીચા કુળમાં જન્મેલ વ્યક્તિ જો વિદ્વાન હોય તો ઉત્તમ વિદ્યા પ્રાપ્તિની ઈચ્છા રાખનાર વ્યક્તિએ તેની પાસેથી પણ વિદ્યા ગ્રહણ કરવી જોઈએ. ઉપરાંત જો નીચા કુળમાં જન્મેલી કન્યા સુશીલ અને ચારિત્રવાન હોય તો તેની સાથે પણ વિવાહ કરવો.

૨.૨૪૧: જરૂર પડે તો, બ્રાહ્મણ સિવાયના બીજા વર્ણના વ્યક્તિ પાસેથી પણ વિદ્યા ગ્રહણ કરવી જોઈએ. અને જ્યાં સુધી નિર્દેશ કરાયો હોય ત્યાં સુધી શિષ્યોએ તે ગુરુની આજ્ઞાનું પાલન કરવું જોઈએ.

બ્રાહ્મણ કર્મથી જ બનાય છે, જન્મ કે નામ માત્રથી નહીં

૧૦. મનુસ્મૃતિ અનુસાર વ્યક્તિને બ્રાહ્મણનું શિર્ષક જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ મળી શકે છે. માતા-પિતાએ પોતાના બાળકોની રુચિ અને પ્રકૃતિને ઓળખી તેમને બ્રાહ્મણ, ક્ષત્રિય અથવા તો વૈશ્ય વર્ગનું જ્ઞાન અને પ્રશિક્ષણ માટે મોકલવા જોઈએ.

ઘણાં બ્રાહ્મણ માતા-પિતાની એવી ઈચ્છા હોય છે કે તેમના સંતાનો પણ બ્રાહ્મણ બને. પણ સંતાનોને બ્રાહ્મણ બનાવવા માટે માતા-પિતાની ઈચ્છા માત્ર જ પુરતી નથી. બ્રાહ્મણ કુળમાં જન્મ લેવા માત્રથી જ કે પછી કોઈ ગુરુકુળમાં પ્રવેશ મેળવી લેવા માત્રથી કોઈ બ્રાહ્મણ નથી બની જતું. વ્યક્તિની યોગ્યતા, જ્ઞાન અને કર્મ જો બ્રાહ્મણ જેવા ન હોય તો તે બ્રાહ્મણ ન કહેવાય.

૨.૧૫૭: જેમ લાકડીનો બનેલો હાથી કે પછી ચામડામાંથી બનાવેલું હરણ વાસ્તવિક ન હોઈ નામ માત્ર જ હોય છે, તેમ જ્ઞાન રહિત બ્રાહ્મણ પણ નામનો જ બ્રાહ્મણ બની રહે છે.

૨.૨૮: વેદ વિદ્યા ભણવી-ભણાવવી, બ્રહ્મચર્ય પાળવું, સત્ય ગ્રહણ અને અસત્યનો ત્યાગ કરવો, સત્યવિદ્યાઓનું દાન કરવું, વેદ જ્ઞાનનો પ્રચાર કરવાથી, અનુશાસનમાં રહેવાથી, સત્કર્મો કરવાથી, ચિંતન અને મનન કરવાથી, કર્તવ્યનું પાલન કરવાથી, દાન આપવાથી અને આદર્શો પ્રતિ સમર્પિત રહેવાથી મનુષ્ય શરીરને બ્રાહ્મણનું શરીર બનાવી શકાય છે.

શિક્ષા જ વાસ્તવિક જન્મ

૧૧. મનુ મહર્ષિ અનુસાર વ્યક્તિનો વાસ્તવિક જન્મ તો જ્ઞાન પ્રાપ્તિ પછી જ થાય છે. જન્મથી બધાં જ લોકો શૂદ્ર(અશિક્ષિત) હોય છે. શિક્ષણ પૂર્ણ કર્યા પછી જ્યારે વ્યક્તિ ઉત્તમ જ્ઞાની અને સંસ્કારી બને છે ત્યારે તેનો બીજો જન્મ થયેલો ગણાય. આથી જ તે દ્વિજ કહેવાય છે. શિક્ષા પ્રાપ્તિમાં અસમર્થ રહેનારા બધાં જ લોકો શૂદ્ર કહેવાય છે. આમ આ વ્યક્તિના ગુણ, સ્વભાવ અને કર્મ પર આધારિત વ્યવસ્થા છે કે જેને વ્યક્તિના જન્મ કે અનુવાંશિકતા સાથે કોઈ જ લેવા દેવા નથી.

૨.૧૪૮: વેદોમાં પારંગત આચાર્ય જયારે તેના શિષ્યોને ગાયત્રી મંત્રની દીક્ષા આપે છે (વેદોના સિદ્ધાંતોનો અને વ્યવહારિક જ્ઞાનનો સાર) ત્યાર બાદ જ તે શિષ્યનો નવો જન્મ થાય છે. આ જન્મ મૃત્યુ અને વિનાશથી રહિત હોય છે. જ્ઞાન પ્રાપ્તિ પછી જ મનુષ્ય મોક્ષને લાયક બને છે. આ જ જીવનનો ઉદ્દેશ છે. સાચી શિક્ષા ગ્રહણ કર્યા વગર મનુષ્ય “મનુષ્ય” નથી બનતો.

આમ, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય બનવાની વાત તો દૂરની છે, જ્યાં સુધી મનુષ્યને યોગ્ય જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી ત્યાં સુધી તે “મનુષ્ય” પણ કહેવાતો નથી. 

૨.૧૪૬: જન્મ દેનાર પિતા કરતા જ્ઞાન આપનાર આચાર્ય રૂપી પિતા ઘણો મહાન અને માનનીય છે. કારણ કે આચાર્ય દ્વારા પ્રદાન કરવામાં આવતું જ્ઞાન આત્મા સાથે મૃત્યુ પછી પણ રહે છે. આ જ જ્ઞાન તેને મોક્ષ પ્રાપ્તિ માટે પણ ઉપયોગમાં આવે છે. પણ જન્મ દેનાર પિતા દ્વારા મેળવેલું આ શરીર મૃત્યુ આવતાની સાથે જ નષ્ટ થઇ જાય છે.

૨.૧૪૭: માતાના ગર્ભથી પ્રાપ્ત થતો જન્મ તો સાધારણ જન્મ છે. બાળકનો વાસ્તવિક જન્મ તો શિક્ષા પૂર્ણ કર્યા પછી જ થાય છે.

આમ, મનુ મહર્ષિ અનુસાર, શ્રેષ્ઠતા સાબિત કરવા માટે પોતાના કુળનું નામ આગળ ધરવું એ એક અત્યંત મૂર્ખતાપૂર્ણ કાર્ય છે. કુળનું નામ આગળ ધરવા કરતા વ્યક્તિએ જ્ઞાન પ્રાપ્તિ પછી વધુ ઉચ્ચ અને મહાન બનવું. 

૧૦.૪ બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણ વિદ્યા પ્રાપ્તિ પછી થતો બીજો જન્મ છે. વિદ્યા પ્રાપ્તિ ન કરનાર ચોથો વર્ણ શૂદ્ર છે. આ ચાર વર્ણો સિવાય આર્યોમાં પાંચમો કોઈ વર્ણ નથી.

આનો એ અર્થ પણ થાય છે કે શિક્ષા પૂર્ણ ન કરી શકવા માત્રથી જ કોઈ દુષ્ટ બની જતું નથી. જો અશિક્ષિત વ્યક્તિના કર્મો સારા હોય તો તેને સારો મનુષ્ય ગણવામાં આવે છે. 

અને જો તે શિક્ષા પૂર્ણ કરી લે તો તે પણ દ્વિજ કહેવાય છે. આમ “શૂદ્ર” માત્ર એક વિશેષણ છે, કોઈ જાતિનું નામ નહીં.

નીચા કુળમાં જન્મેલા વ્યક્તિનો તિરસ્કાર નહીં

૧૨. જો કોઈ વ્યક્તિનો જન્મ એવા કુળમાં થયો હોય કે જે કુળના અન્ય લોકો અમુક કારણોથી શિક્ષા ગ્રહણ ન કરી શક્યાં હોય અને આર્થિક અને સામાજિક પ્રગતિથી વંચિત રહ્યાં હોય તો પણ તે વ્યક્તિ અપમાનિત ન થાય અને તેને પોતાની ઉન્નતિ માટે સમાન અધિકારો મળી રહે તે માટે મનુ મહર્ષિએ કેટલાંક સ્પષ્ટ નિયમો નિર્ધારિત કર્યા છે.

૪.૧૪૧: અપંગ, અશિક્ષિત, વૃદ્ધ, રૂપ અને ધન રહિત કે પછી પોતાનાથી નિમ્ન વર્ણવાળા વ્યક્તિ પ્રત્યે કદી આક્ષેપ- વ્યંગ કે મજાક કરવા નહીં. તેઓને તેમના અધિકારોથી ક્યારેય વંચિત ન રાખવા. કારણે કે વ્યક્તિની પરખ કરવાના આ માપદંડો નથી.

પ્રાચીન ઇતિહાસમાં વર્ણ પરિવર્તનના ઉદાહરણો

૧૩. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચાર વર્ણોની સૈદ્ધાંતિક અવધારણા ગુણ અને કર્મો પર આધારિત છે અને જન્મ પર નહીં. આ વાત માત્ર કહેવા પુરતી જ નથી. પ્રાચીન સમયમાં વ્યક્તિના ગુણ અને કર્મ અનુસાર તેમના વર્ણો બદલાતા આવ્યાં છે. જ્યારથી આપણાં ભ્રમિત પૂર્વજોએ ગુણ અને કર્મ પર આધારિત આ વૈજ્ઞાનિક અને તાર્કિક વર્ણ વ્યવસ્થાને જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થામાં બદલી છે, ત્યારથી આપણાં પર એક પછી એક આફતો આવતી રહી છે કે જેનો સામનો આપણે આજે પણ કરી રહ્યાં છે.

–     ઐતરેય ઋષિ દાસ અથવા અપરાધીના પુત્ર હતા. પણ જ્ઞાન પ્રાપ્તિ પછી તે એક ઉચ્ચ કોટિના બ્રાહ્મણ બન્યાં અને ઐતરેય બ્રાહ્મણ અને ઐતરેય ઉપનિષદની રચના કરી. ઋગ્વેદને સમજવા માટે ઐતરેય બ્રાહ્મણનો અધ્યાય જરૂરી માનવામાં આવે છે.

–     એલૂષ ઋષિ એક દાસી પુત્ર હતા. પોતે જુગારી અને હીન ચરિત્રના પણ હતા. પણ પછી તેમણે ઋગ્વેદ પર અનુસંધાન કરી ઘણાં આવિષ્કારો કર્યા. માત્ર એટલું જ નહીં, પણ અન્ય ઋષિઓએ તેમને આમંત્રિત કરી આચાર્યનું પદ પણ આપ્યું. (ઐતરેય બ્રાહ્મણ ૨.૧૯)

–     સત્યકામ જાબાલ એક વૈશ્યાનો પુત્ર હોવા છતાં બ્રાહ્મણ બન્યાં.

–     પૃષધ રાજા દક્ષનો પુત્ર હતો પણ તે શૂદ્ર બની ગયો હતો. પણ પાછળથી પ્રશ્વાતાપ સ્વરૂપ મોક્ષ મેળવવા માટે તપસ્યા કરી. (વિષ્ણુ પુરાણ ૪.૧.૧૪)

–     જો ઉત્તર રામાયણની મિથ્યા કથા અનુસાર શૂદ્રોને તપસ્યા કરવાનો અધિકાર ન હતો તો પછી પૃષધ આમ કેમ કરી શક્યાં?

–     રાજા નેદિષ્ટનો પુત્ર નાભાગ વૈશ્ય બન્યો. પછી એના પોતાના પુત્ર પાછળથી ક્ષત્રિય બન્યાં.(વિષ્ણુ પુરાણ ૪.૧.૧૩)

–     ધૃષ્ટ નાભાગનો(વૈશ્ય) પુત્ર હતો. પણ તે પોતે બ્રાહ્મણ બન્યો અને તેનો પુત્ર ક્ષત્રિય.(વિષ્ણુ પુરાણ ૪.૨.૨.)

–     આગળ એના જ વંશમાં ફરીથી કેટલાંક બ્રાહ્મણ પણ થયા.(વિષ્ણુ પુરાણ ૯.૨.૨૩)

–     ભાગવત અનુસાર રાજપુત્ર અગ્નિવેશ્ય બ્રાહ્મણ થયા.

–     વિષ્ણુ પુરાણ અને ભાગવત અનુસાર રથોતર ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ બન્યો.

–     હારીત ક્ષત્રિયપુત્ર હતો પણ તે બ્રાહ્મણ બન્યો. (વિષ્ણુ પુરાણ ૪.૩.૫)

–     ક્ષત્રિયકુળમાં જન્મેલ શૌનક બ્રાહ્મણ બન્યો.(વિષ્ણુ પુરાણ ૪.૮.૧) વાયુ, વિષ્ણુ અને હરિવંશ પુરાણ કહે છે કે શૌનક ઋષિનો પુત્ર કર્મ ભેદથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણનો થયો.

આ જ પ્રમાણે ગૃસ્ત્મદ, વીતહવ્ય અને વૃત્સમતિના ઉદાહરણો છે.

–     માતંગ ચાંડાલપુત્રમાંથી બ્રાહ્મણ બન્યો.(મહાભારત અનુશાસનપર્વ પ્રકરણ ૩)

–     રાવણ પુલત્સ્ય ઋષિનો પુત્ર હતો પણ તે રાક્ષસ બન્યો.

–     રાજ રઘુનો પુત્ર પ્રવૃદ્ધ રાક્ષસ બન્યો.

–     રાજ ત્રિશંકુ પોતાના કર્મોથી ચાંડાલ બન્યાં.

–     વિશ્વામિત્રનો પુત્ર શૂદ્ર બન્યો. વિશ્વામિત્ર પોતે ક્ષત્રિય હતા પણ પાછળથી તે બ્રાહ્મણ બન્યાં.

–     વિદુર પોતે દાસી પુત્ર હતા. પણ તેમ છતાં તે બ્રાહ્મણ અને હસ્તિનાપુર સામ્રાજ્યના મંત્રી બન્યાં.

–     વત્સનો જન્મ શૂદ્ર કુળમાં થયો હોવા છતાં તે બ્રાહ્મણ બન્યાં. (ઐતરેય બ્રાહ્મણ ૨.૧૯)

–     મનુસ્મૃતિના કેટલાંક પ્રક્ષેપ થયેલા શ્લોકો પરથી એ વાતનો ખ્યાલ આવે છે કે કેટલીક ક્ષત્રિય જાતિઓ શૂદ્ર બની. આ શ્લોકોમાં પ્રક્ષેપ થયેલો હોવા છતાં તેઓ વર્ણ પરિવર્તનની સાક્ષી આપે છે. આ પરિવર્તિત જાતિઓના નામ છે – પૌણદ્રક, ઔડ્ર, દ્રવિડ કમ્બોજ, યવન, શક, પારદ, પલ્હવ, ચીન, કિરાત, દરદ, ખશ.

–     મહાભારત અનુશાસનપર્વ ૩૫.૧૭-૧૮ આ સૂચીમાં અન્ય નામોનો ઉમેરો કરે છે. જેવા કે: મેકલ, લાટ, કાન્વશિરા, શૌણિડક, દાર્વ, ચૌર, શબર, બર્બર.

–     આજે પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને દલિતોમાં એક સમાન ગોત્ર મળે છે. આથી એ વાતનો ખ્યાલ આવે છે કે આ બધાં એક જ પૂર્વજ અને એક જ કુળની સંતાનો છે. પણ સમય જતા આ લોકો વર્ણ વ્યવસ્થાથી દુર હટી જાતિઓમાં વહેચાઇ ગયા. 

શૂદ્રોને આદર

૧૪. મનુ મહર્ષિ પરમ માનવીય હતા. તે જાણતા હતા કે બધાં જ શૂદ્રો જાણી જોઈને શિક્ષાની ઉપેક્ષા ન કરે. મનુ મહર્ષિ એ વાત પણ જાણતા હતા કે જો કોઈ કારણવશ જીવનના પ્રથમ ચરણમાં શૂદ્ર જ્ઞાનથી વંચિત રહી જાય તો તેનો અર્થ એ નથી કે તેને જીવનભર આની સજા ભોગવવી પડે. આથી તેમણે શૂદ્ર માટે સમાજમાં યોગ્ય સન્માનનું વિધાન પણ કર્યું છે. આથી તેમણે શૂદ્ર માટે ક્યારેય કોઈ અપમાન જનક વિશેષણનો પ્રયોગ નથી કર્યો. ઉલટાનું, મનુસ્મૃતિમાં ઘણાં સ્થાને શૂદ્રો માટે સન્માનજનક વિશેષણનો પ્રયોગ થયો છે.

મનુ મહર્ષિની દ્રષ્ટિમાં જ્ઞાન અને શિક્ષાના અભાવથી શૂદ્ર અસુરક્ષિત અને નિર્બળ રહી જતો હોવાથી, તેમણે સમાજને શૂદ્રો પ્રત્યે વધુ સહદયતા અને સહાનુભૂતિ રાખવાનું કહ્યું છે. ઉદાહરણ તરીકે:

૩.૧૧૨ જો શૂદ્ર કે વૈશ્ય અતિથિના રૂપમાં આવે તો પરિવાર તેમને સન્માન સહીત ભોજન કરાવે.

૩.૧૧૬ વિદ્વાન અતિથીઓ દ્વારા ભોજન જમી લીધા પછી અને પોતાના સેવકોને (શૂદ્રો) ભોજન કરાવીને જ દંપતી ભોજન કરે.

૨.૧૩૬-૧૩૭: ધન, કુળ, આયુ, કર્મ અને શ્રેષ્ઠવિદ્યા આ પાંચ માન્ય સ્થાન છે. પરંતુ ધનથી ઉત્તમ કુળ, કુળથી ઉત્તમ આયુ, આયુંથી શ્રેષ્ઠ કર્મ એમ ઉત્તરોત્તર અધિક માનનીય છે. પણ આ બધાંમાં એક વૃદ્ધ શૂદ્ર સર્વ પહેલાં સન્માન આપવા યોગ્ય છે.

મનુસ્મૃતિનો આધાર વેદ

૧૫. વેદને છોડીને અન્ય કોઈપણ ગ્રંથ મિલાવટથી બચી શક્યો નથી. વેદોમાં અત્યાર સુધી પ્રક્ષેપ કેમ ન થઇ શક્યો તે જાણવા માટે વેદમાં પ્રક્ષેપ કેમ ન થઇ શક્યો? લેખ વાંચો.

આથી જ આપણી સંસ્કૃતિમાં ઈશ્વરીય જ્ઞાન વેદને ઘણું જ મહત્વ આપવામાં આવે છે. વેદોમાં બધાં જ પ્રકારની વિદ્યાઓ સમાવિષ્ટ છે. વેદો સાર્વર્ભૌમિક, સર્વકાલીન અને સદા પ્રક્ષેપ રહિત રહેતા હોવાથી ઋષિઓએ વેદોને જ આધાર માની અન્ય ગ્રંથોની રચના કરી.

૧૬. આથી જ સ્મૃતિ, રામાયણ, મહાભારત, ગીતા, ઉપનિષદ, દર્શન, પુરાણ, બ્રાહ્મણ ગ્રંથો, આયુર્વેદ વગેરેની પ્રમાણિકતા પારખવાની કસોટી માત્ર વેદ જ છે. અને આ મનુષ્યકૃત ગ્રંથોનો ત્યાં સુધી જ સ્વીકાર કરવો જોઈએ જ્યાં સુધી તેઓ વેદો સાથે એકમત છે.

૧૭. મનુ મહર્ષિ પોતે જ કહે છે કે ધર્મનું મૂળ તો વેદ જ છે.(૨.૮-૨.૧૧)

(મનુસ્મૃતિ ૨.૮: વિદ્વાન મનુષ્યો સંપૂર્ણ શાસ્ત્ર, વેદ, સત્પુરુષોનો આચાર અને પોતાના આત્માની અવિરુદ્ધ સારી રીતે વિચાર કરીને જ્ઞાનરૂપી ચક્ષુ અને શ્રુતિ પ્રમાણથી આત્માનુકુળ ધર્મ આચરણ અને કર્તવ્યનું પાલન કરે.)

આમ, અહીં એવો નિષ્કર્ષ નીકળે છે કે મનુસ્મૃતિનો જે ભાગ વેદ અનુકુળ છે તેનો જ સ્વીકાર કરી બાકીના પ્રેક્ષેપગ્રસ્થ ભાગનો અસ્વીકાર કરવો. 

શૂદ્રોને પણ વેદોનું અધ્યયન અને વૈદિક સંસ્કાર કરવાનો પૂર્ણ અધિકાર

૧૮. વેદો દરેક શૂદ્ર અને સ્ત્રીઓની સાથે સાથે સમગ્ર માનવજાતિને વેદોનું અધ્યયન કરવાનો અને યજ્ઞ કરવાનો પૂર્ણ અધિકાર આપે છે. વધુ માહિતી માટે યજુર્વેદ ૨૬.૧, ઋગ્વેદ ૧૦.૫૩.૪, નિરુકત ૩.૮ વગેરે અને જાતિ-વ્યવસ્થા પરના લેખોની શ્રેણી ધ્યાનથી વાંચો.

મનુસ્મૃતિ પણ આ જ વૈદિક સત્ય કહે છે. આથી મનુ મહર્ષિએ શૂદ્રોને ઉપનયન સંસ્કારની વિધિથી વંચિત નથી રાખ્યા. ઉલટાનું, ઉપનયન સંસ્કાર ગ્રહણ કરવાની મનાઈ કરનાર પોતે જ વાસ્તવમાં શૂદ્ર છે.

૧૯. વેદના જ વિધાનની અનુકુળ મનુ મહર્ષિએ શાસકો માટે કહ્યું છે કે શૂદ્રોનું વેતન અને ભથ્થું કોઈપણ સંજોગોમાં કાપવામાં ન આવે.(૭.૧૨૫-૧૨૬, ૮.૨૧૬)

સંક્ષિપ્તમાં:

મનુસ્મૃતિ જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થાને સમર્થન આપે છે તે અવધારણા એકદમ નિર્મૂલ છે. ઉલટાનું, મનુ મહર્ષિ મનુષ્યની ઓળખ માટે કુળના પ્રયોગની સખ્ત વિરોધી છે. મનુ મહર્ષિની વર્ણ વ્યવસ્થા પૂર્ણ રૂપથી મનુષ્યના ગુણ અને કર્મો પર આધારિત છે.

દરેક વ્યક્તિમાં ચાર વર્ણ હોય છે. – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર – મનુ મહર્ષિએ એવો પ્રયત્ન કર્યો કે દરેક મનુષ્યમાં જે સશક્ત વર્ણ છે – કોઈનામાં બ્રાહ્મણત્વ વધુ હોય છે, તો કોઈનામાં ક્ષત્રિયત્વ વધુ હોય છે વગેરે – તેનો પૂર્ણ વિકાસ થાય અને તે વ્યક્તિગત અને સામાજિક વિકાસમાં સહાયભૂત બની રહે.

આ પછીના બે લેખોમાં મનુ મહર્ષિએ શૂદ્રો માટે કઠોર દંડનું અને બ્રાહ્મણોને વિશિષ્ટ અધિકારો આપવાનું વિધાન કર્યું છે અને મનુ મહર્ષિ સ્ત્રી વિરોધી છે, આ બે આરોપોની સત્યતા જાણીશું.

પણ આ લેખમાં આપણે એ પણ જોઈ લઈએ કે મનુ મહર્ષિ પાખંડી અને દુરાચારી લોકો માટે શું કહે છે:

૪.૩૦: પાખંડી, કપટી, દુરાચારી, વેદોની આજ્ઞા વિરુદ્ધ આચરણ કરનાર, હઠાગ્રહી અને અસત્ય બોલનાર વ્યક્તિનો વાણી દ્વારા પણ સત્કાર ન કરવો.

જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થાની પ્રથા સભ્ય સમાજ માટે કલંકિત, છળ-કપટવાળી, વિકૃત અને ખોટી પ્રથા છે. આમ વેદ અને મનુ મહર્ષિ અનુસાર, આવી અપરાધને જન્મ આપનારી પ્રથાનો વાણી અને કર્મમાં ઉગ્ર વિરોધ અને પ્રતિકાર કરવો જોઈએ. શબ્દોમાં પણ આવી પ્રથા વિષે સારો ભાવ રાખવો એ મનુ મહર્ષિ અનુસાર ધૃણિત કાર્ય છે.

પ્રશ્ન: પણ હું મનુસ્મૃતિમાંથી એવા ઘણાં શ્લોકો શોધી આપું કે જે જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થા અને લિંગ-ભેદનું સમર્થન કરતા હોય. આ વિષે તમારું શું કહેવું છે?

આ જ તો વિચારવા જેવી વાત છે કે મનુસ્મૃતિમાં જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થા અને લિંગ-ભેદનું સમર્થન અને વિરોધ કરતા એવા બંને પ્રકારના(એક બીજાથી વિરોધી) શ્લોકો કેવી રીતે આવી શકે? આનો અર્થ એ થાય કે મનુસ્મૃતિનું ગહન અધ્યયન અને પરીક્ષણ કરવાની જરૂર છે. મનુસ્મૃતિનું ગહન અધ્યયન અને પરીક્ષણ અમે પછીના લેખોમાં કરીશું, પણ અહીં સંક્ષિપ્તમાં કહીએ તો:

(૧) આજના સમયમાં ઉપલબ્ધ મનુસ્મૃતિમાં બહુ ભારી માત્રામાં પ્રક્ષેપ થયેલ છે. તેમાં ઘણાં શ્લોકો પાછળથી ઉમેરવામાં આવ્યાં હતા. વર્તમાન મનુસ્મૃતિ લગભગ અડધી ખોટી છે.

(૨) માત્ર મનુસ્મૃતિમાં જ પ્રક્ષેપ થયો હોય તેમ નથી. વેદને છોડીને, કે જે અદ્દભુત સ્વર અને પાઠ રક્ષણ પદ્ધતિઓ દ્વારા આજે પણ તેના મૂળ સ્વરૂપમાં છે, લગભગ બીજા બધાં જ સંપ્રદાયોના ગ્રંથોમાં વત્તા-ઓછા પ્રમાણમાં બદલાવ, પરિવર્તન કે મિલાવટ થયેલા છે. આમાં રામાયણ, મહાભારત, બાઈબલ, કુરાન વગેરેનો પણ સમાવેશ થાય છે. ભવિષ્ય પુરાણ જેવા ગ્રંથોમાં તો છપાઈનું કામ શરુ થતા સુધી પ્રક્ષેપ થતો આવ્યો છે!

(૩)  આજે રામાયણની ત્રણ જુદી-જુદી આવૃતિઓ ઉપલબ્ધ છે. – દાક્ષિણાત્ય, પશ્ચિમોત્તરીય અને ગૌડીય – અને આ ત્રણે એક બીજાથી ભિન્ન છે. ગીતા પ્રેસ ગોરખપુરે પણ રામાયણના ઘણાં પ્રકરણોને પ્રક્ષેપગ્રસ્થ ચિન્હિત કર્યા છે. ઘણાં વિદ્વાનો બાલકાંડ અને ઉત્તરકાંડના ઘણાં ભાગોને પ્રક્ષેપગ્રસ્થ માને છે.

આ જ પ્રમાણે મહાભારત પણ એક પ્રક્ષેપગ્રસ્થ ગ્રંથ છે. ગરુડ પુરાણ બ્રહમકાંડ ૧.૫૯ કહે છે કે, કળયુગના સમયમાં ઘણાં ધૂર્ત પોતાને બ્રાહ્મણ બતાવી મહાભારતમાંથી કેટલાંક શ્લોકોને કાઢી તેના સ્થાને નવા શ્લોકો ઉમેરી રહ્યાં હતા.

મહાભારતનો શાંતિપર્વ ૨૬૫.૯.૪ સ્વયં કહે છે કે, વૈદિક ગ્રંથો સ્પષ્ટરૂપે દારુ, માંસ અને માછલીનો નિષેધ કરે છે. આ બધી જ વસ્તુઓ ધૂર્તો દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવી, કે જેમણે ખોટા શ્લોકો બનાવીને શાસ્ત્રોમાં ઉમેર્યા.

આજે બાઈબલની મૂળ આવૃત્તિ અસ્તિત્વમાં નથી. આપણે તેના અનુવાદોના, અનુવાદોના, અનુવાદોને જ જોયા છે.

એવું કહેવામાં આવે છે કે, કુરાન પણ મોહંમદના ઉપદેશોની પરિવર્તિત આવૃત્તિ જ છે.

આથી જો સામાજિક વ્યવસ્થા પરના સૌથી પહેલાં ગ્રંથ મનુસ્મૃતિમાં પણ પરિવર્તન કે બદલાવ કરવામાં આવ્યો હોય તો તેમાં આશ્ચર્ય પામવા જેવું કઈ નથી. આની સંભાવના અધિક એટલા માટે પણ છે કે મનુસ્મૃતિ સાધારણ વ્યક્તિના દૈનિક જીવન, સમાજ તેમજ રાષ્ટ્રની રાજનીતિને પ્રભાવિત કરનારો ગ્રંથ રહ્યો છે. આમ મનુસ્મૃતિને એક સંવિધાનના રૂપમાં જોઈ શકાય. આથી મનુસ્મૃતિમાં પ્રક્ષેપ કરનારને આમ કરવાથી ઘણાં લાભ થયા હતા.

(૪) મનુસ્મૃતિનું પુન:અવલોકન કરવાથી અમને તેમાં પ્રક્ષેપ થવાના મુખ્ય ચાર કારણો જોવા મળ્યા.

– મનુસ્મૃતિનો વિસ્તાર કરવો

– પોતાના નિહિત સ્વાર્થની પુરતી કરવી

– અતિશયોક્તિ કરવા કે વધારીને કહેવા માટે

– મનુસ્મૃતિને દુષિત કરવા માટે

મોટા ભાગના પ્રક્ષેપ તરત જ નજરમાં આવી જાય છે. ડો. સુરેન્દ્ર કુમારે મનુસ્મૃતિનું વિસ્તૃત અને ગહન અધ્યયન કર્યું અને તેનો હિન્દીમાં અનુવાદ કર્યો. આ પ્રક્રિયામાં તેમણે દરેક શ્લોકોનું ભિન્ન-ભિન્ન રીતે પરીક્ષણ અને પૃથ્થકરણ કર્યું કે જેથી કરીને પ્રક્ષેપગ્રસ્થ શ્લોકોનું અલગથી વિશ્લેષણ થઇ શકે.

તેમને મનુસ્મૃતિમાના ૨૬૮૫ માંથી ઓછામાં ઓછા ૧૪૭૧ પ્રક્ષેપગ્રસ્થ શ્લોકો મળ્યા.

પ્રક્ષેપોનું વર્ગીકરણ તે નીચે મુજબ કરે છે:

– વિષયથી બહારની કોઈ વાત

– સંદર્ભથી વિપરીત વાત

– વિરોધાભાસી વાતો

– પુનરાવર્તન થયેલી વાતો

– ભાષાની ભિન્ન શૈલી અને તેનો પ્રયોગ

– વેદથી વિરુદ્ધ

મનુસ્મૃતિને સમજી તેનું ગહન અધ્યયન કરવા માટે ડો. સુરેન્દ્ર કુમાર દ્વારા લિખિત (પ્રકશિત – આર્ય સાહિત્ય પ્રચારક ટ્રસ્ટ) મનુસ્મૃતિ વાંચો.

(૫) ડો. સુરેન્દ્ર કુમાર જ નહીં પણ મૈકડોનલ, કીથ, બુહલર જેવા પશ્ચિમી વિદ્વાનો પણ મનુસ્મૃતિમાં પ્રક્ષેપ થયો હોવાનું માને છે.

(૬) ડો. આંબેડકર પણ પ્રાચીન ગ્રંથોમાં મિલાવટ થઈ હોવાનો સ્વીકાર કરે છે. તે રામાયણ, મહાભારત, પુરાણ અને ગીતાની સાથે સાથે વેદોમાં પણ પ્રક્ષેપ થયા હોવાનું માનતા હતા. તેમણે મનુસ્મૃતિમાં કેટલાંક પરસ્પર વિરોધી શ્લોકો જોયા પણ ખરા. પણ તે જાણી જોઈને આ શ્લોકોને પ્રક્ષેપગ્રસ્થ માનતા ન હતા કારણ કે પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે તેમના માટે આમ કરવું બહુ જરૂરી હતું.

ડો. આંબેડકરના આવાં પક્ષપાતી વ્યવહારે તેમને દલિતોનો નાયક બનાવી દીધા. આમ મનુ-વિરોધી આંદોલનને જન્મ આપી તેમણે પોતાનું અને અન્ય લોકોનું રાજનૈતિક હિત સાધ્યું. પણ તેમના આવાં પક્ષપાતી કૃત્યે સમાજમાં વધુ ઝેર ઘોળ્યું અને નાયક મનુ મહર્ષિને સદા માટે ખલનાયક બનાવી દીધા.

સ્વામી દયાનંદ સરસ્વતીએ પણ કહ્યું હતું કે મનુસ્મૃતિના કેટલાંક શ્લોકોમાં મિલાવટ કરવામાં આવી છે. પણ મનુસ્મૃતિનો બાકીનો ભાગ તો વેદ અનુકુળ જ છે. આ વાતની જાણ હોવા છતાં પણ, સ્વામી અગ્નિવેશ જે પોતાને આર્યસમાજી બતાવે છે, પોતાના રાજનૈતિક સ્વાર્થ ખાતર મનુસ્મૃતિની નકલોને સળગાવીને મહાન મનુ મહર્ષિને અપમાનીત કર્યા.

નિષ્કર્ષ:

મનુસ્મૃતિમાં બહુ જ મિલાવટ થઇ છે. મોટા ભાગના મિલાવટ થયેલા શ્લોકો સરળતાથી નજરમાં આવી જાય છે. પ્રક્ષેપ રહિત બાકીની મનુસ્મૃતિ અતિ ઉત્તમ ગ્રંથ છે, જેની મનુષ્યના ગુણ, કર્મ અને સ્વભાવ પર આધારિત વર્ણ વ્યવસ્થા દરેક મનુષ્ય, સમાજ અને રાષ્ટ્રને ખુબ જ ઉપર ઉઠાવી શકે છે.

મનુસ્મૃતિ ગ્રંથનો મૂળ આધાર વેદ છે.

આજે મનુસ્મૃતિનો વિરોધ એક રાજનૈતિક રમત બની ગઈ છે. અને આ રમત એવા લોકો રમે છે કે જેમણે ક્યારેય મનુસ્મૃતિનું ગહન અધ્યયન કર્યું જ નથી.

સાચો મનુવાદ જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થાને પૂર્ણરૂપે નકારે છે અને આનો પક્ષ લેનાર માટે કઠોર દંડનું વિધાન કરે છે. સાચો મનુવાદ કોઈપણ વ્યક્તિ માટે “દલિત” શબ્દનો પ્રયોગ કરવાની પણ વિરુદ્ધ છે.

આવો આપણે મનુવાદના સિદ્ધાંતને અપનાવી સમાજમાંથી જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થાનો પૂર્ણરૂપે નાશ કરી, ગુણ અને કર્મ પર આધારિત વર્ણ-વ્યવસ્થાની સ્થાપના કરીએ. માનવતા અને રાષ્ટ્રના રક્ષણ માટેનો આ જ એક માત્ર રસ્તો છે.

ચાલો વૈદિક ધર્મનું આચરણ કરીએ કે જે મનુષ્યની જાતિ, કુળ, જન્મ, લિંગ, દેશ કે મતને ધ્યાનમાં ન લેતા બધાં જ મનુષ્ય માટે એક સમાન છે.

મનુસ્મૃતિ ૮.૧૭: આ સંસારમાં એક ધર્મ/સત્કર્મો જ આપણો સાચો મિત્ર છે કે જે મૃત્યુ પછી પણ આપણી સાથે રહે છે. સર્વ પદાર્થો અને સંગી આ શરીરનો નાશ સાથે જ નાશને પ્રાપ્ત થાય છે અર્થાત સર્વ સંગ છૂટી જાય છે, પરંતુ ધર્મનો સંગ કદી છૂટતો નથી.

સંદર્ભ: ડો. સુરેન્દ્ર કુમાર, પંડિત ગંગાપ્રસાદ ઉપાધ્યાય અને સ્વામી દયાનંદ સરસ્વતીની રચનાઓ.

Original post in English is available at http://agniveer.com/manu-smriti-and-shudras/

4 COMMENTS

  1. अदभुत।। में पिछले एक महीने से इस वेबसाइट की सारी लेखनी पढ़ रहा हु। मेरी मातृभाषा गुजराती में भी बहुत सारी रचनाये है जिससे मुझे समझने में काफी सरलता हो गई है।बहुत ही सुन्दर जानकारियां। मुझे इस साईट का व्यसन हो जायेगा इतनी अच्छी साईट है ये। गुजराती अनुवादकों को भी मेरा बहुत बहुत धन्यवाद। अबतो बस यही सच्ची जिंदगी है। वेद वेद और बस वेद ही।।। बहुत बहुत आभार इस क्रन्तिकारी नवयुग चेतक अग्निवीर वेबसाइट के लिए। नमस्कार।

  2. […] “મનુસ્મૃતિ અને શૂદ્ર”લેખમાં જણાવ્યાં પ્રમાણે મનુસ્મૃતિમાંના કુલ ૨૬૮૫ શ્લોકોમાંથી ૧૪૭૧ શ્લોકોમાં પ્રક્ષેપ થયેલો છે. […]

  3. આ દેશ તારા આ ખોખલા મનુસ્મૃતિ થી નથી ચાલતો સંવિધાન થી ચાલે છે બરોબર ને રહી વાત સમાનતા ની તું પેલા ભારતીય સંવિધાન વાંચ પછી કે.

  4. મનુસ્મૃતિ માત્ર જન્મજાત આધાર ને જ વર્ણ વ્યવસ્થા માને છે.
    તમારા કહેવા મુજબ જો કર્મ થી બ્રાહ્મણ બની જવાતું હોત તો આખા દેશના જે મુખ્ય મંદિરો છે એમાંથી કોઈ એક મંદિરની વ્યવસ્થા બિન-બ્રાહ્મણ નાં હાથમાં હોત.
    આવી કાલ્પનિક કથાઓ પોસ્ટ કરી લોકોનું ભગવાકરણનો પ્રયાસ અયોગ્ય છે.

    ટૂંકું ને ટચ,
    શુ કોઈ હિન્દૂ વ્યક્તિ કર્મ મુજબ પુત્રીનું કન્યાદાન કરે છે કે જન્મજાત જ્ઞાતિ જોઈને.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories