UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

વેદમાં ગૌમાંસ? – ભાગ ૧

વૈદિક શબ્દોના મૂળ(ધાતુ), જે સંદર્ભમાં આ શબ્દોનો પ્રયોગ થયો છે તે, વૈદિક શબ્દાવલી, ભાષાશાસ્ત્ર, વ્યાકરણ અને મંત્રોના યથાર્થ અર્થઘટન માટે અતિ આવશ્યક એવા અન્ય સાધનોનું ગહન, વસ્તુનિષ્ઠ તથા નિષ્પક્ષ વિશ્લેષણ કર્યા પછી જ આ લેખ લખવામાં આવ્યો છે. એટલે કે આ લેખ મેક્સ મૂલર, ગ્રીફીથ, વિલ્સન, વિલિયમ્સ તથા અન્ય ભારતીય વિચારકોના વેદ અને વૈદિક ભાષા પરના કાર્યનું આંધળું અનુકરણ નથી.

આમ તો આ તથાકથિત વિદ્વાનો/વિચારકો પશ્ચિમના વર્તમાન શૈક્ષણિક જગતમાં ઘણાં પ્રચલિત છે. પરંતુ વેદ અને વૈદિક ભાષા પરના તેમના કાર્યો સત્યથી ઘણાં દુર છે તેમ પ્રમાણિત કરવા માટે અમારી પાસે પર્યાપ્ત કારણો છે. આપણે આ વિષય પર અહીં વિસ્તારથી પ્રકાશ પાડીશું.

વિશ્વના સૌપ્રથમ ગ્રંથ – વેદ – પ્રતિ ફેલાવવામાં આવેલી ખોટી અફવાઓ અને ભ્રામક માન્યતાઓની સાર્થકતાની ઝીણવટપૂર્વક ચકાસણી કરતી આ પ્રથમ શોધ-શ્રુંખલામાં આપ સૌનું સ્વાગત છે.

સદીઓથી હિન્દુઓના પ્રાથમિક અને પવિત્ર ધર્મગ્રંથ વેદમાં અપવિત્ર વચનો હોવાનું લાંછન લગાવવામાં આવતું રહ્યું છે. જો આપણે આ લાંછનોને સાચા માની લઈએ તો આખી હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ દર્શનશાસ્ત્ર, હિન્દુ માન્યતાઓ, વિદ્ધતા અને પરંપરાઓમાં, જંગલીપણા, અસભ્યતા, ક્રુરતા અને નિષ્ઠુરતા સિવાય બીજું કઈ જ ન રહે.

વેદોનું જ્ઞાન હિન્દુધર્મનું મૂળ છે. વેદ આ સંસારમાં જ્ઞાનનો સૌપ્રથમ સ્ત્રોત છે. વેદ મનુષ્ય જીવનના બધાં જ પાંસાઓને આવરી લઇ, મનુષ્યને પૃથ્વી પર આનંદમય જીવન જીવવાની સાથે સાથે સર્વોત્તમ આનંદ(મોક્ષ) પ્રાપ્ત કરવા માટેના માર્ગદર્શક પણ છે.

વેદોની જુઠ્ઠી નિંદા કરવાની આ ઝુંબેશ એવા તત્વો દ્વારા ચાલવવામાં આવી રહી છે કે જેઓનો એક માત્ર ઉદ્દેશ્ય વેદમંત્રોનું ખોટું અર્થઘટન કરી સમસ્ત હિન્દુજાતિને દુનિયાની સમક્ષ નીચા દેખાડીને કલંકિત કરવાનો છે.

આ ઉપરાંત, આવાં તત્વોનો બીજો ઉદ્દેશ્ય હિન્દુઓનાં પ્રાથમિક અને પવિત્ર ધર્મગ્રંથ વેદ, સ્ત્રીઓની નિંદા, બહુવિવાહ, માંસ ભક્ષણ, જાતપાત અને ગૌમાંસ ભક્ષણ જેવા અમાનવીય સિદ્ધાંતોનું સમર્થન કરે છે તેમ પ્રમાણિત કરી, ભારતના ગરીબ અને અશિક્ષિત હિન્દુઓનું ધર્માંતરણ કરી, તેઓને તેમની ઉચ્ચ અને પવિત્ર વૈદિક સંસ્કૃતિથી અલગ કરવાનો છે.

વધુમાં, વેદ યજ્ઞોમાં(ત્યાગ અને દાન કરવા માટેની ધાર્મિક વિધિ કે અનુષ્ઠાન) પશુ હત્યાની સ્વીકૃતિ આપે છે તેવો આરોપ પણ મુકવામાં આવ્યો છે. પણ આશ્ચર્યની વાત એ છે કે, ભારતમાં જ જન્મેલા અને ભારતીય સંસ્કૃતિ અને વેદનો ગહન અભ્યાસ કર્યો હોવાનો દાવો કરનાર કેટલાંક તથાકથિત બુદ્ધિજીવીઓ વેદમાં આવાં અપવિત્ર અને અમાનવીય સિદ્ધાંતો સિદ્ધ કરવા માટે પશ્ચિમી વિદ્વાનો દ્વારા કરાયેલા વેદમંત્રોના ખોટા અર્થઘટનનો સહારો લે છે.

વેદમાં ગૌહત્યા અને ગૌમાંસ ભક્ષણ જેવા આરોપ હિન્દુઓની આત્મા પર એક ધાતક પ્રહાર છે.
ગૌરક્ષા અને ગૌસમ્માન એ તો હિન્દુધર્મના કેન્દ્રમાં છે. આથી જ્યારે કોઈ હિન્દુઓને તેની મૂળ માન્યતાઓ અને સિદ્ધાંતોમાં દોષ બતાવાવામાં સફળ થાય છે ત્યારે હિન્દુઓને પોતાના જ ધર્મ પ્રત્યે હીન ભાવના જાગૃત થાય છે. આમ થવાથી હિન્દુઓ ધર્માંતરણના વિષાણુંઓનો સરળ શિકાર બની જાય છે. આથી આજે એવા લાખો અજ્ઞાન અને આર્થિક રીતે પછાત હિન્દુઓ છે કે જેઓ ધર્માંતરણના વિષાણુંઓને પ્રતિ-ઉત્તર આપવામાં નિષ્ફળ જાય છે અને સરળતાથી ધર્માંતરણનો શિકાર બની જાય છે.

સમજવા જેવી વાત એ છે કે, વેદની બદનામી માટે માત્ર પશ્ચિમી અને તથાકથિત ભારતીય વિદ્વાનો જ જવાબદાર નથી. હિન્દુઓમાંના એક ખાસ વર્ગે પણ વેદને બદનામ કરવામાં કશું બાકી નથી રાખ્યું. હિન્દુઓમાંનો એક ખાસ વર્ગ વેદોના નામે આર્થિક અને સામજિક રીતે પછાત લોકોનું શોષણ કરી, પોતાની મનમાની ચલાવી, પોતાની વાત જ સાચી છે તેમ સ્વીકારવા લોકોને મજબુર કરે છે. અને જો કોઈ આનો વિરોધ કરે તો આ વર્ગ ફરી વેદને આગળ ધરી તે વ્યક્તિને દુષપરિણામ ભોગવવાની ધમકી આપે છે.

વેદને કલંકોના ઢગલા નીચે દાટવા માટે જવાબદાર મુખ્યત્વે મઘ્યકાલીન વેદભાષ્યકાર મહીધર, ઉવ્વ્ત અને સાયણ દ્વારા કરવામાં આવેલી વેદમંત્રોની વ્યાખ્યાઓ છે. વામ-માર્ગીઓ અથવા તંત્ર માર્ગીઓ દ્વારા વેદોના નામ પર પ્રચલિત કરાયેલી કુપ્રથાઓ પણ એટલી જ જવાબદાર છે.

સમય જતા વેદના નામ પર ચાલતી કુપ્રથાઓ અને મિથ્યાધારણાઓ સર્વત્ર ફેલાઈ. અને જ્યારથી તથાકથિત પશ્ચિમી વિદ્વાનોએ સંસ્કૃત ભાષાના અધકચરા જ્ઞાન સાથે સાયણ અને મહીધરના વેદ ભાષ્યોને પોતાની લિપિમાં રૂપાંતરિત કરવાનું ચાલુ કર્યું ત્યારથી, વેદના નામ પર ચાલતી કુપ્રથાઓ અને મિથ્યાધારણાઓનાં મૂળ સમાજમાં વધુ ઊંડા ઉતરતા ગયા.

પણ આ કહેવાતા પશ્ચિમી વિદ્વાનો, વેદના મૂળ અભિપ્રાયને યોગ્ય રીતે સમજવા માટે અતિ આવશ્યક એવા શિક્ષા(સ્વર વિજ્ઞાન), વ્યાકરણ, નિરુકત (શબ્દ ભાષા-શાસ્ત્ર), નિઘંટુ(વૈદિક શબ્દકોશ), છંદ, જ્યોતિષ, કલ્પ વગેરે જ્ઞાનમાં શૂન્ય હતા!

વેદ જ્ઞાન માત્ર હિન્દુઓ માટે જ સીમિત ન રહી, સમગ્ર માનવ માત્રના કલ્યાણ માટે કોઇપણ પ્રકારના બંધન, પક્ષપાત કે ભેદભાવ વગર ઉપલબ્ધ છે. આથી અગ્નિવીર આંદોલનનો ઉદ્દેશ્ય વેદના નામ પર ચાલતી કુપ્રથાઓ અને મિથ્યાધારણાઓનું વાસ્તવિક મૂલ્યાંકન કરી વેદની પવિત્રતા, શુદ્ધતા અને ઉચ્ચ સિદ્ધાંતોનું વિશ્વમાં પુન:સ્થાપન કરવાનો છે.

ભાગ ૧: પશું હિંસાનો વિરોધ:
——————————————
યજુર્વેદ ૪૦.૭:
યસ્મિન્ત્સર્વાંણી ભૂતાન્યાત્મૌવાભૂદ્વિજાનત:
તત્ર કો મોહ: ક શોક એકત્વમનુપશ્યત:

“જ્યારે મનુષ્ય દરેક પ્રાણીને આત્મા તરીકે જ જુવે છે અને વિવિધતામાં એકતા નિહાળે છે; ત્યારે તેને શોક થતો નથી અને રાગ પણ થતો નથી. તે બધાં ને પોતાના જેવો જ નિહાળે છે અને ખુશ રહે છે.”
વેદ મનુષ્યને દરેક જીવને પોતાના પ્રેમમાં સમાવી લેવાની આજ્ઞા આપે છે.

જે લોકો આત્મા અનશ્વર હોવાના અને પુનઃજન્મમાં વિશ્વાસ રાખતા હોય, તે લોકો યજ્ઞોમાં પશુ વધ કરવાનું વિચારી પણ કેવી રીતે શકે? આવાં લોકો પોતાના જ મૃત સ્વજનોની આત્માઓને આ જીવિત પ્રાણીઓમાં જુવે છે.
———————————————
મનુસ્મૃતિ ૫.૫૧:
અનુમન્તા વિશસિતા નિહન્તા ક્રયવિક્રયી
સંસ્કર્તા ચોપહર્તા ચ ખાદકશ્ચેતિ ઘાતકા:

પશુઓને મારવાની આજ્ઞા આપનાર, માંસને કાપનાર, પશુઓને મારનાર, પશુઓને મારવા માટે ખરીદનાર અને વેચનાર, પકવનાર, પીરસનાર અને ખાનાર આ સર્વે હત્યારા અને પાપી છે.
———————————————
અથર્વવેદ ૬.૧૪૦.૨
બ્રીહિમમત્ત્તં યવમત્ત્તમથો માષમથો તિલમ્
ઈષ વાં ભાગો નિહિતો રત્નધેયાય દાન્તૌ મા હિંસિષ્ટં પિતરં માતરં ચ

હે દંતો! તમે ચોખા ખાઓ, જવ ખાઓ, અડદ ખાઓ અને તલ ખાઓ. આ અનાજ તમારા ભોજન માટે જ છે. જેઓ માતા અને પિતા બનવાની યોગ્યતા રાખે છે તેઓને ન મારો.
——————————————–
અથર્વવેદ ૮.૬.૨૩:
ય આમં માંસમદન્તિ પૌરુષેયં ચ એ ક્રવિ:
ગર્ભાન્ ખાદન્તિ કેશવાસ્તનિતો નાશયામસિ

જે લોકો નર અને માદા, ભ્રુણ અને ઈંડાનો નાશ કરી પેદા કરેલું, કાચું કે પકવેલું, માંસ ખાય છે તેના આ સર્વે વ્યસનો (દુર્ગુણો) નષ્ટ કરો.
અહીં માંસાહારને વ્યસન બતાવ્યું છે અને તેને દુર કરવાનો ઉપદેશ પણ આપ્યો છે.
——————————————-
અથર્વ વેદ ૧૦.૧.૨૯
અનાગોહત્યા વૈ ભીમા કૃત્યે
મા નો ગામશ્વં પુરુષ વધી:

નિર્દોષોની હત્યા કરવી એ નિશ્ચિત મોટું પાપ છે. આપણાં ગાય, ઘોડા અને પુરુષોને ન મારો.

હવે જ્યાં વેદોમાં પશુઓનો વધ કરવાનો જ સ્પષ્ટ નિષેધ છે તો પછી વેદોના નામ પર ગાય અને અન્ય પશુઓની હત્યા કરવી એ કેટલી હદે યોગ્ય ગણવી?
———————————————
યજુર્વેદ ૧.૧: અધ્ન્યા યાજમાનસ્ય પશૂન્પાહિ
હે મનુષ્ય! પશુ ‘અધ્ન્ય’ છે – ‘ક્યારેય ન મારવા યોગ્ય.’ પશુઓની રક્ષા કર.
———————————————
યજુર્વેદ ૬.૧૧: પશૂંસ્ત્રાયેથાં
પશુઓનું રક્ષણ કરો.
———————————————
યજુર્વેદ ૧૪.૮: દ્વિપાદવ ચતુષ્પાત્ પાહિ
હે મનુષ્ય! બે પગવાળા અને ચાર પગવાળા પ્રાણીઓની રક્ષા કર.
———————————————-
ક્રવ્ય દા – ક્રવ્ય (વધ કરી પ્રાપ્ત થતું માંસ) +અદા (ખાનાર) = માંસ ભક્ષક
પિશાચ – પિશિત (માંસ) + અસ (ખાનાર) = માંસ ખાનાર
અસુત્રપા – અસૂ (પ્રાણ) + ત્રપા (પર તૃપ્ત થનાર) = પોતાના ભોજન માટે બીજાનો પ્રાણ લેનાર
ગર્ભ દા અને અંડ દા = ભ્રુણ અને ઈંડા ખાનાર
માંસ દા = માંસ ખાનાર.

વૈદિક ગ્રંથોમાં માંસ ભક્ષકોનો હંમેશાથી તિરસ્કાર જ કરવામાં આવ્યો છે. માંસ ભક્ષકોને રાક્ષસ, પિશાચ જેવા વિશેષણો આપવામાં આવ્યાં છે. આવાં દુષ્ટ અને અસુર પ્રકૃતિના લોકોને સભ્ય માનવ સમાજમાંથી બહિસ્કૃત થયેલા ગણવામાં આવે છે.
——————————————–
યજુર્વેદ ૧૧.૮૩: ઉર્જ નો ધેહિ દ્વિપદે ચતુષ્પદે
બધાં જ બેપગા અને ચોપગા પ્રાણીઓ બળ અને પોષણ પ્રાપ્ત કરે.

હિન્દુઓ આ મંત્રને ભોજન ગ્રહણ કરતાં પહેલાં બોલે છે. આમાં પ્રત્યેક પ્રાણી બળ અને પોષણ મેળવે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. આમ જે દર્શન અને સંસ્કૃતિ જીવનની દરેક ક્ષણે પ્રત્યેક પ્રાણીમાત્રના કલ્યાણની પ્રાર્થના કરતી હોય, તે સંસ્કૃતિ પશુઓના વધને માન્યતા કેવી રીતે આપી શકે?
———————————————–
ભાગ ૨: યજ્ઞમાં હિંસાનો વિરોધ
કેટલાક લોકોમાં એવી પ્રચલિત માન્યતા છે કે વૈદિક યજ્ઞ અને હવનમાં પશુઓનો વધ કરવામાં આવે છે. પણ આ એક તદ્દન ખોટી માન્યતા છે. વેદોમાં યજ્ઞોને ઉમદા, આદર્શ અને શ્રેષ્ઠત્તમ શુદ્ધિ કર્મ માનવામાં આવે છે. કારણ કે યજ્ઞ અને હવન કરવાથી ઉત્પન્ન થતો વાયુ વાતાવરણને શુદ્ધ કરે છે.
—————————————–
નિરુકત ૨.૭:
અધ્વર ઇતિ યજ્ઞાનામ- ધ્વરતિહિંસા કર્મા તત્પ્રતિષેધ:
વૈદિક ભાષાશાસ્ત્રમાં – નિરુકત – યાસ્કાચાર્ય અનુસાર ‘યજ્ઞ’નું બીજું એક નામ ‘અધ્વર’ છે.

‘ધ્વર’ શબ્દનો અર્થ થાય છે ‘હિંસક (હિંસા યુક્ત) કર્મ’. આથી ‘અ-ધ્વર’ શબ્દનો અર્થ થાય છે ‘અહિંસક (હિંસા રહિત) કર્મ’. વેદમાં ઘણી મોટી માત્રામાં ‘અધ્વર’ શબ્દનો આવો પ્રયોગ થયેલો જોવા મળે છે.
———————————————
મહાભારત પછીના સમયકાળમાં વેદ મંત્રોનાં ખોટા અર્થઘટનની સાથે સાથે અન્ય ગ્રંથોમાં પણ સમયાંતરે પ્રક્ષેપ થતો ગયો. આચાર્ય શંકર વૈદિક મૂલ્યોની પુનઃસ્થાપના કરવામાં કેટલીક હદ સુધી સફળ નીવડ્યા. સ્વામી દયાનંદ સરસ્વતીએ – આધુનિક ભારતના પિતામહ – વૈદિક ભાષાના સાચા નિયમો અને યથાર્થ પ્રમાણોના આધારે વેદોની સાચી વ્યાખ્યા કરી. સ્વામી દયાનંદ સરસ્વતીએ વેદ ભાષ્યો, સત્યાર્થ પ્રકાશ, ઋગ્વેદાદિભાષ્યભુમિકા તથા અન્ય ગ્રંથોની રચના કરી. સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા રચિત આ સાહીત્યોના માધ્યમથી વૈદિક સિદ્ધાંતોને આધારમાની વ્યાપક પ્રમાણમાં સમાજ સુધારનું કાર્ય થયું. સાથે સાથે વેદ વિષે પ્રચલિત થયેલી કુપ્રથાઓ અને મિથ્યાઘારણાઓનું પણ નિરાકરણ થયું.

હવે યજ્ઞ માટે વેદો શું કહે છે તે જાણીએ:
————————————–
ઋગ્વેદ ૧.૧.૪:
અગ્ને યં યજ્ઞમધ્વરં વિશ્વત: પરિ ભૂરસિ
સ ઈદ દેવેષુ ગચ્છતિ

હે તેજસ્વિતા પ્રદાતા! તમારા દ્વારા અધિકૃતપણે સૂચવેલ હિંસા રહિત યજ્ઞ પ્રત્યેક માટે બધી જ રીતે લાભકારક અને દિવ્યગુણો યુક્ત છે. તથા આદર્શ મનુષ્યો દ્વારા તેનો સ્વીકાર થયેલ છે.
—————————————-
ઋગ્વેદમાં સર્વત્ર યજ્ઞને ‘અવધ્ય (હિંસા રહિત)’ કહેવામાં આવ્યો છે. અન્ય ત્રણ વેદોમાં પણ આમ જ છે. તો પછી કોઈ એવા નિષ્કર્ષ પર કેવી રીતે આવી શકે કે વેદ હિંસા અને પશુ હત્યાની આજ્ઞા કરે છે? યજ્ઞોમાં પશુઓની અવધારણા યજ્ઞોના વિવિધ પ્રકારના નામો ને કારણે આવી છે. જેમ કે અશ્વમેઘ યજ્ઞ, ગોમેઘ યજ્ઞ અને નરમેઘ યજ્ઞ. દુર-દુર સુધીની કલ્પનામાં પણ આ સંદર્ભમાં ‘મેઘ’નો અર્થ વધ થવો સંભવ નથી.

યજુર્વેદ ‘અશ્વ’ શબ્દનું વર્ણન કરતાં કહે છે કે:
——————————————————–
યજુર્વેદ ૧૩.૪૮:
ઈમં મા હિંસીરેકશફં પશું કનિક્રદં વાજિનં વાજિનેષુ

એક ખરીવાળા, હણહણવાનો અવાજ કરનાર અને અન્ય પશુઓની સરખામણીમાં અતિ વેગવાન એવા પશુઓનો વધ ન કરો.
———————————————————-
‘અશ્વમેઘ’નો અર્થ યજ્ઞમાં અશ્વની(ઘોડા) બલી આપવી એવો થતો નથી. ઉલટાનું, યજુર્વેદમાં ઘોડાને ન મારવાનો સ્પષ્ટ ઉલ્લેખ થયેલ છે.

શતપથ બ્રાહ્મણમાં ‘રાષ્ટ્ર’ અથવા ‘સામ્રાજ્ય’ને ‘અશ્વ’ કહ્યો છે.

‘મેઘ’નો અર્થ વધ ન હોય શકે. ‘મેઘ’ શબ્દ બુદ્ધિપૂર્વક કરવામાં આવેલા કર્મોને વ્યક્ત કરે છે. આ ઉપરાંત, ‘મેઘ’ શબ્દનો અર્થ મનુષ્યોનું એકત્રીકરણ/સંગતીકરણ પણ છે. જેમ કે મેઘ શબ્દની ધાતુ(મૂળ) મેધૃ-સં-ગ-મે ના અર્થથી સ્પષ્ટ થાય છે.

શતપથ ૧૩.૧.૬.૩
રાષ્ટ્રં વા અશ્વમેધ:
અન્નં હિ ગૌ:
અગ્નિર્ગા અશ્વ:
આજ્યં મેધા:

સ્વામી દયાનંદ સરસ્વતી સત્યાર્થ પ્રકાશમાં લખે છે કે:
“રાષ્ટ્ર કે સામ્રાજ્યના વૈભવ, કલ્યાણ અને સમૃદ્ધિ માટે સમર્પિત જે યજ્ઞ છે તે અશ્વમેઘ યજ્ઞ!”

“અન્નને શુદ્ધ રાખવું, ઇન્દ્રિયોને વશમાં રાખવી, સૂર્ય કિરણોનો યોગ્ય ઉપયોગ કરવો –ગૌમેઘ યજ્ઞ છે.

ભૂમિની ઉન્નતિ કરવી એ ‘ગૌમેઘ’ યજ્ઞ છે.

જે ભૂમિનો ભાગ પડતર છે તેને ફરીથી ફળદ્રુપ બનાવવો, પાકને માટે યોગ્ય બનાવવો અને વધારે અન્ન ઉત્પન્ન કરવું એ ‘ગૌમેઘ’ યજ્ઞ છે.”

“ગૌ” નો અર્થ પૃથ્વી પણ થાય છે. આમ પૃથ્વી તથા પર્યાવરણની શુદ્ધતા માટે સમર્પિત યજ્ઞ ‘ગૌમેઘ’ યજ્ઞ છે. “

“જ્યારે મનુષ્ય મૃત્યુ પામે છે ત્યાર પછી તેના શરીરનો વૈદિક વિધિપૂર્ણ થતા અગ્નિ સંસ્કારને ‘નરમેઘ’ યજ્ઞ કહે છે.”
———————————————–
ભાગ ૩: વેદમાં ગોમાંસ નિષેધ
વેદ પશુ હત્યાનો વિરોધ માત્ર જ નથી કરતાં પણ ગૌહત્યાનો પ્રચંડ વિરોધ કરી ગૌહત્યા પ્રતિબંધિત કરે છે. યજુર્વેદમાં ગાયોને જીવનદાયી પોષણદાતામાની ગૌહત્યા વર્જિત કરવામાં આવી છે.
———————————
યજુર્વેદ ૧૩.૪૯:
ઘૃતં દુહાનામદિતિં જાનાયાગ્ને મા હિંસી:

સદૈવ રક્ષાને પાત્ર એવા ગાય અને બળદની હત્યા ન કરો.
—————————————-
ઋગ્વેદ ૭.૫૬.૧૭
આરે ગોહા નૃહા વધો વો અસ્તુ

ઋગ્વેદમાં ગૌહત્યાને મનુષ્ય હત્યા જેવો જ ઘોર અને અક્ષમ્ય અપરાધ માનવામાં આવ્યો છે. અને આથી તેમાં ગૌહત્યા જેવો અપરાધ કરનાર માટે દંડનું વિધાન છે.
—————————————–
ઋગ્વેદ ૧.૧૬૪.૪૦ / અથર્વ ૭.૭૩.૧૧ / અથર્વ ૯.૧૦.૨૦
સૂયવસાદ ભગવતી હિ ભૂયા અથો વયં ભગવન્ત: સ્યામ
અદ્ધી તર્ણમધ્ન્યે વિશ્વદાનીં પિબ શુદ્ધમુદકમાચરન્તી

અધ્ન્યા ગૌ – કોઈપણ સંજોગોમાં ન મારવા યોગ્ય – લીલું ઘાસ અને શુદ્ધ જળનું સેવન કરી પોતાને સ્વસ્થ રાખે, કે જેથી કરીને આપણે ઉત્તમ જ્ઞાન, સદગુણો અને ઐશ્વર્યથી યુક્ત થઈએ.
—————————————
વૈદિક શબ્દકોશ ‘નિઘંટુ’માં ગાયના સમાનર્થી શબ્દોમાં ‘અધ્ન્યા’, ‘અહિ’ અને ‘અદિતિ’ શબ્દોનો પણ સમાવેશ થાય છે. નિઘંટુના ભાષ્યકાર યાસ્કે આ ત્રણ શબ્દોની વ્યાખ્યા નીચે પ્રમાણે કરી છે:
અધ્ન્યા – જેની કદી હત્યા ન કરવી જોઈએ.
અહિ – જેનો કદાપી વધ ન થવો જોઈએ.
અદિતિ – જેના ખંડ(કટકા) ન કરવા જોઈએ.

ઉપરની આ ત્રણ વ્યાખ્યાઓથી એ સૂચિત થાય છે કે પ્રાણીઓને કોઈપણ પ્રકારની પીડા કે યાતના ન આપવી જોઈએ. સમગ્ર વેદમાં ગાયને આ નામોથી સંબોધવામાં આવી છે.
——————————————–
ઋગ્વેદ ૧.૧૬૪.૨૭:
અધ્ન્યેયં સ વર્ધતાં મહતે સૌભગાય
અધ્ન્યા ગાય – આપણાં માટે આરોગ્ય અને સમૃદ્ધિ લાવે છે.

ઋગ્વેદ ૫.૮૩.૮:
સુપ્રપાણં ભવત્વધ્ન્યાભ્ય:
અધ્ન્યા ગાય માટે શુદ્ધ જળની ઉત્તમ સુવિધા હોવી જોઈએ.

ઋગ્વેદ ૧૦.૮૭.૧૬:
યઃ પૌરુષેયેણ ક્રવિષા સમડક્તે યો અશ્વ્યેન પશુના યાતુધાન:
યો અધ્ન્યાયા ભરતિ ક્ષીરમગ્ને તેષાં શીર્ષાણિ હરસાપિ વૃશ્ચ

જે મનુષ્ય માંસનું સેવન કરે છે, જે ઘોડા કે અન્ય પશુઓનું માંસ ખાય છે અને ગાયોની હત્યા કરીને તેના અમૃત સમાન દુધથી બીજાઓને વંચિત કરે છે, હે રાજન! જે બીજા કોઈ ઉપાયોથી ન માને તો પોતાના તેજથી તેનો શિરચ્છેદ કર. આ અંતિમ દંડ છે જે તેઓને આપી શકાય.
અહીં પશુ હિંસકને મૃત્યુ દંડ આપવાનું વિધાન છે.

યજુર્વેદ ૧૨.૭૩:
વિમુચ્યધ્વમધ્ન્યા દેવયાના અગન્મ
અધ્ન્યા ગાય અને બળદ તમને સમૃદ્ધિ પ્રદાન કરે છે.

ઋગ્વેદ ૮.૧૦૧.૧૫: મા ગામનાગામદિતિં વધિષ્ટ
ગાયનો વધ ન કરો. ગાય નિષ્પાપી અને અદિતિ – અખંડનીય(જેના કટકા ન થઇ શકે) છે.

યજુર્વેદ ૩૦.૧૮: અન્તકાય ગોઘાતં
ગૌહત્યા કરનારનો સંહાર કરવામાં આવે.

અથર્વવેદ ૧.૧૬.૪:
યદિ નો ગાં હંસિ યદ્અશ્વ્મ યદિ પુરુષ
તં ત્વા સીસેના વિધ્યામો યથા નો સો અવીરહા
જો કોઈ આપણી ગાય, ઘોડા અને પુરુષોની હત્યા કરે તો તેને સીસાની ગોળીથી મારી નાખો.

અથર્વવેદ ૩.૩૦.૧: વત્સં જાતમિવાઘ્ન્યા
જેમ અઘ્ન્યા ગૌ – હત્યા ના કરવા યોગ્ય ગાય- તેના વાછરાડાને પ્રેમ કરે છે તેમ આપણે પણ પ્રેમ કરીએ.

અથર્વવેદ ૧૧.૧.૩૪: ઘેનું સદનં રયીણામ્
ગાય બધાં જ ઐશ્વર્યોનું ઉદ્દગમસ્થાન છે.

ઋગ્વેદના છઠ્ઠા મંડળનું સંપૂર્ણ અઠ્ઠાવીસમુ સૂક્ત ગાયનો મહિમા ગાય છે.

૧. આ ગાવો અગ્મન્નુત ભદ્રમક્રન્ત્સીદન્તુ
પ્રત્યેક વ્યક્તિ એ સુનિશ્ચિત કરે કે ગાયો યાતનાઓથી હંમેશા દુર રહે અને સ્વસ્થ રહે.

૨. ભૂયોભૂયો રયિમિદસ્ય વર્ધયન્નભિન્ને
ગાયોની દેખ-ભાળ કરનારાઓ પર ઈશ્વર કૃપા બની રહે.

૩. ન તા નશન્ત્તિ ન દભાતિ તસ્કરો નાસામામિત્રો વ્યથિરા દધર્ષતિ
શત્રુ પણ ગાય પર શસ્ત્રનો પ્રયોગ ન કરે.

૪. ન તા અર્વા રેનુકકાટો અશ્નુંતે ન સંસ્કૃત્રમુપ યન્ત્તિ તા અભિ
કોઇપણ ગાયની હત્યા ન કરે.

૫. ગાવો ભગો ગાવ ઇન્દ્રો મેં અચ્છન્
ગાય બળ અને સમૃદ્ધિ લાવે છે.

૬. યૂયં ગાવો મેદયથા
જો ગાય સ્વસ્થ અને પ્રસન્ન રહેશે તો પુરુષ અને સ્ત્રીઓ પણ નિરોગી અને સમૃદ્ધ રહેશે.

૭. મા વ: સ્તેન ઈશત માધશંસ:
ગાય લીલું ઘાસ અને શુદ્ધ જળનું સેવન કરે. ગાયની હત્યા ન થાય અને તે આપણાં માટે સમૃદ્ધિ લાવે.
———————————————-
વેદમાં માત્ર ગાય માટે જ નહીં પણ સમસ્ત પ્રાણી જગત માટે પ્રદર્શિત થયેલી ઉચ્ચ આદરની ભાવનાને સમજવા માટે હજુ કેટલા પ્રમાણો આપવામાં આવે?

વેદમાંથી જ પ્રસ્તુત કરાયેલા ઉપરના પ્રમાણોના આધારે કોઈપણ સુશિક્ષિત અને બુદ્ધિવાન વ્યક્તિ એ નિર્ણય લઇ શકે કે વેદમાં કોઈપણ પ્રકારના અમાનવીય વ્યવહારોને સ્થાન નથી. અને ગૌવધ અને ગૌમાંસનો તો પૂર્ણત: નિષેધ છે.

વેદોમાં ક્યાંય ગૌમાંસનું વિધાન નથી.

સંદર્ભ સૂચી:
૧. ઋગ્વેદ ભાષ્ય – સ્વામી દયાયંદ સરસ્વતી
૨. યજુર્વેદ ભાષ્ય – સ્વામી દયાનંદ સરસ્વતી
૩. No Beef in Vedas by BD Ukhul
૪. વેદો કા યથાર્થ સ્વરૂપ – પંડિત ધર્મદેવ વિદ્યાવાચસ્પતિ
૫. ચાર વેદ સંહિતા – પંડિત દામોદર સાતવલેકર
૬. પ્રાચીન ભારતમે ગૌમાસ – એક સમીક્ષા – ગીતા પ્રેસ, ગોરખપુર
૭. The Myth of Holy Cow – by DN Jha
૮. Hymns of Atharvaveda – Griffith
૯. Scared Books of the east – Max Muller
૧૦. Rigveda translations by Williams/Jones
૧૧. Sanskrit English Dictionary – Monier Williams
૧૨. વેદ ભાષ્ય – દયાનાદ સંસ્થાન
૧૩. Western Indologists – a study of motives by Pt Bhagvadutt
૧૪. સત્યાર્થ પ્રકાશ – સ્વામી દયાનંદ સરસ્વતી
૧૫. ઋગ્વેદાદિભાસ્યભૂમિકા – સ્વામી દયાનંદ સરસ્વતી
૧૬. Cloud over understanding of Vedas by BD Ukhul
૧૭. શતપથ બ્રાહ્મણ
૧૮. નિરુકત – યાસ્કાચાર્ય
૧૯. ધાતુપાથ – પાણીનિ
————————————————————
પરિશિષ્ટ, ૧૪ અપ્રિલ ૨૦૧૦:
આ લેખ પ્રકાશિત કર્યા બાદ, અગ્નિવીર પાસે એવા સ્ત્રોતો તરફથી તીખી પ્રતિક્રિયા આવી કે જેઓ એ સત્ય નથી પચાવી શક્યા કે વેદ અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ તેમની આધુનિક સામ્યવાદી વિચારધારા કરતાં વધુ આદર્શસ્વરૂપ છે. આ લેખ પ્રકાશિત કર્યા બાદ અગ્નિવીરને ઘણાં ઈમેઈલ મળ્યાં કે જેમાં આ લેખને ખોટો પુરવાર કરવાના પ્રયત્ન રૂપે વેદમાંથી ગૌહત્યાનું સમર્થન કરતાં વધુ સંદર્ભો આપવામાં આવ્યાં. આ સંદર્ભોમાં ઋગ્વેદમાંના બે મંત્રો અને મનુસ્મૃતિ અને અન્ય ગ્રંથોમાંથી કેટલાક શ્લોકોનો સમાવેશ થાય છે. આના પ્રતિ-ઉત્તરમાં હું નીચેની વાતો કહેવા માંગુ છું:

૧. વેદમાં ગૌમાંસ સિદ્ધ કરવા માટે આ લેખમાં મનુસ્મૃતિમાંથી પ્રમાણો આપવામાં આવ્યા છે. એ મનુસ્મૃતિ કે જેમાં પશુવધની અનુમતિ આપનારને જ હત્યારો કહ્યો છે. આથી વેદમાં ગૌમાંસ સિદ્ધ કરતાં શ્લોકોને કા તો પ્રક્ષેપિત મનુસ્મૃતિમાંથી લેવામાં આવ્યા હોવા જોઈએ, અથવા તો શ્લોકોનું ખોટું અર્થઘટન કરી પ્રસ્તુત કરવામાં આવ્યા હોવા જોઈએ. અગ્નિવીર તમને ડો. સુરેન્દ્રકુમાર દ્વારા ભાષ્ય કરાયેલ મનુસ્મૃતિનું અધ્યયન કરવાની સલાહ આપે છે.

૨. પ્રાચીન વૈદિક સાહિત્યોમાં ગૌમાંસ સિદ્ધ કરવા માટે હંમેશા તત્પર એવા કુટનીતિવાળા લોકો ‘માંસ’ શબ્દનો અર્થ હંમેશા ‘પ્રાણીના માંસ’ ના સંદર્ભમાં જ લે છે. પણ વાસ્તવમાં ‘માંસ’ શબ્દની સામાન્ય પરિભાષા ‘ગરયુક્ત’ વસ્તુના રૂપમાં કરવામાં આવે છે. મીટ ને ‘માંસ’ કહેવામાં આવે છે કારણ કે મીટ ‘ગરયુક્ત’ હોય છે. આથી જ્યાં ‘માંસ’ શબ્દ દેખાય ત્યાં તેનો અર્થ મીટ કરવો એ યોગ્ય નથી.

૩. બીજા જે ગ્રંથોમાંથી આ લોકોએ સંદર્ભો આપ્યા છે તે બધાં જ શંકાસ્પદ છે અને તેઓને પ્રમાણ ન માની શકાય. આવાં લોકોએ વેદને બદનામ કરવાની એક સરળ યુક્તિ શોધી કાઢી છે. સંસ્કૃતમાં કોઈના પણ ધ્વારા જે કઈ લખાયેલું હોય તેને વૈદિક ધર્મ માની લો, અને તેના મન ફાવે તેવા અર્થ કરી દુનિયા સમક્ષ રજુ કરો! આવી જ રીતે તેઓ આપણી પાઠ્ય પુસ્તકોને અપ્રમાણીત અને અપમાનજનક દાવાઓથી ભરી આપણને મુર્ખ બનાવતા આવ્યા છે.

૪. આવાં લોકો વેદમાંથી જે બે મંત્રોને સામે ધરી ગોમાંસ ભક્ષણ સિદ્ધ કરવાનો પ્રયત્ન કરે છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે:

દાવો: ઋગ્વેદ ૧૦.૮૫.૧૩ કહે છે કે, કન્યા વિવાહના અવસર પર ગાયો અને બળદોની હત્યા કરો.
સત્ય: મંત્ર કહે છે કે શિયાળાની ઋતુમાં સૂર્યના કિરણો નબળા પડે છે પણ પછી વસંત ઋતુ આવતાની સાથે ફરીથી પ્રખર બને છે. અહીં સૂર્યના કિરણો માટે ‘ગૌ’ શબ્દનો પ્રયોગ થયો છે જેનો અર્થ ‘ગાય’ પણ થાય છે. આથી સૂર્યના કિરણોની જગ્યાએ ગાયને પણ વિષયના રૂપમાં લઈને મંત્રનો અર્થ કરી શકાય છે. ‘નબળા’ ને સૂચિત કરવા માટે ‘હન્યતે’ શબ્દનો પ્રયોગ થયો છે, જેનો અર્થ ‘હત્યા’ પણ થઇ શકે છે. હવે જો આપણે આમ માની લઈએ તો પણ મંત્ર આગળ કહે છે કે (જેનો અનુવાદ જાણીજોઈને કરવમાં આવ્યો નથી.) વસંત ઋતુમાં તે પોતાના વાસ્તવિક રૂપને પુન:પ્રાપ્ત કરી લે છે.

શિયાળામાં જે ગાયની હત્યા કરવામાં આવી હોય તે ગાય ફરીથી વસંત ઋતુમાં જીવિત કેવી રીતે થાય? આમ અહીં અજ્ઞાન અને પક્ષપાતી સામ્યવાદીઓ વેદને બદનામ કરવા માટે કેવી યુક્તિઓ અજમાવે છે તેનો ખ્યાલ આવે છે.

દાવો: ઋગ્વેદ ૬.૧૭.૧ કહે છે કે, ઇન્દ્ર ગાય, વાછરડા, ઘોડા અને ભેસનું માંસ ખાતા હતા.
મંત્ર કહે છે કે, જેમ યજ્ઞ સામગ્રી યજ્ઞની અગ્નિને વધુને વધુ પ્રજ્વલિત કરે છે તેમ, પ્રતિભાશાળી વિદ્વાનો પોતાના જ્ઞાનથી વિશ્વને પ્રકાશિત કરે છે. અહીં એ વાત સમજાતી નથી કે આ મંત્રમાં ઇન્દ્ર ગાય, વાછરડા, ઘોડા અને ભેસ ક્યાંથી શોધી કાઢવામાં આવ્યા.

અંતમાં, અગ્નિવીરનો ખુલ્લો પડકાર છે કે જે કોઈપણ ચારેય વેદમાંથી ગૌહત્યા કે ગૌમાંસ ભક્ષણને સમર્થન આપતો એક પણ મંત્ર શોધી બતાવે તો અગ્નિવીર તે વ્યક્તિનો ધર્મ સ્વીકારવા તૈયાર છે. પણ જો તે આમ ન કરી શકે તો તે વેદનો સ્વીકાર કરી મૂળ ધર્મ તરફ પાછો વળે!

સત્યમેવ જયતે!

This article is also available in English at http://agniveer.com/68/no-beef-in-vedas/

[mybooktable book=”no-beef-in-hinduism” display=”summary” buybutton_shadowbox=”true”]

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories