[adinserter block="6"]

આ લેખમાં આપણે વેદોની ઉત્પત્તિના વિષયને લઈને ચર્ચા કરીશું. આ લેખથી શરૂ થતી લેખોની શૃંખલામાં આપણે વેદોની ઉત્પત્તિ, વ્યાખ્યા, અર્થ, સિદ્ધાંત વગેરે વિષયોની સમજણ મેળવીશું. લેખોની આ શૃંખલા માનવ સંસ્કૃતિની ઉત્પત્તિથી શરુ કરીને અત્યાર સુધી થઇ ચુકેલા આપણાં મહાન ઋષિઓના કાર્ય પર આધારિત છે. લેખની લંબાઈને ધ્યાનમાં રાખીને આપણે વધારે વિગતોનો સમાવેશ ન કરતા મુખ્ય વિષયને જ કેન્દ્રબિંદુ રાખી ચર્ચા કરીશું અને અંતે યોગ્ય નિષ્કર્ષ પર આવીશું.

સ્વામી દયાયંદ સરસ્વતીએ આ વિષયો પરની ચર્ચાને તેમના દ્વારા રચિત ઋગ્વેદાદિ ભાષ્યભુમિકામાં જે સ્વરૂપ આપ્યું છે, લગભગ તે જ સ્વરૂપમાં અમે આ લેખોની શૃંખલા પ્રસ્તુત કરી રહ્યાં છીએ. વાંચકોને અનુરોધ છે કે આ વિષય પર વધુ જાણકારી માટે ઋગ્વેદાદિ ભાષ્યભુમિકા વાંચે.

લેખોની આ શૃંખલા વિષે અમે દ્રઢપણે એવું માનીએ છીએ કે, જે આ લેખોને ધ્યાનપૂર્વક વાંચી તેને સમજી લેશે, તે વ્યક્તિ જીવનમાં કદી હતાશ કે અસહાય નહીં રહે. તે આનંદમય અને અર્થપૂર્ણ જીવનનો અનુભવ કરશે અને સત્ય અને ધર્મની રક્ષામાં પોતાનું શ્રેષ્ઠતમ યોગદાન આપશે.

વેદોની ઉત્પત્તિ

નોંધ: અમે અહીં એવું ધારી લઈએ છીએ કે વાચક ઈશ્વરવાદી છે. અગાઉના લેખોમાં અમે નાસ્તિકતાની મિથ્યા ધારણાને ખોટી પુરવાર કરી ચૂકયા છીએ. પાછળથી આપણે નાસ્તિકતાને વ્યાપક રીતે નકારીશું.

યજુર્વેદ ૩૧.૭ સ્પષ્ટપણે કહે છે કે, સર્વશક્તિમાન અને સર્વવ્યાપી પરમાત્માએ જ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદની ઉત્પત્તિ કરી છે.

અથર્વવેદ ૧૦.૭.૨૦ માં પ્રશ્નોત્તર રૂપે વેદોત્પત્તિનું વર્ણન છે. જેમકે, પ્રશ્ન: જેણે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ રચ્યાં છે, તથા તે વેદોમાંનો અથર્વવેદ જેના મુખ સમાન, સામવેદ જેનો રોમવત, યજુર્વેદ હૃદયસમાન અને ઋગ્વેદ પ્રાણસમાન છે, તે કયો દેવ છે? ઉત્તર: જે સર્વ જગતનો ધારણકર્તા છે તે પરમેશ્વર જ આ ચાર વેદોનો કર્તા છે.

શતપથ બ્રાહ્મણ ૧૪.૫.૪.૧૦ કહે છે કે, સર્વવ્યાપી ઈશ્વરે જ વેદોની રચના કરી છે. જેમ પ્રાણવાયુ શરીરની અંદર દાખલ થાય છે અને બહાર આવે છે તેમ, શ્રુષ્ટિની આદિમાં ઈશ્વર વિશ્વને વેદોના જ્ઞાનથી પ્રકાશિત કરે છે અને શ્રુષ્ટિના વિનાશ(પ્રલય) સમયે વેદ જ્ઞાનનો પ્રકાશ વિશ્વમાં રહેતો નથી. પણ જેમ છોડ બીજમાં રહે છે તેમ પ્રલય સમયે પણ ઈશ્વરીય જ્ઞાન(વેદ), બદલાયા વગર, ઈશ્વરમાં રહે છે.

શંકરાચાર્ય ગીતા ૩.૧૫ પરના તેમના ભાષ્યમાં લખે છે કે, વાસ્તવમાં વેદોનું(જ્ઞાનનું) સર્જન કે વિનાશ થતો જ  નથી. વેદજ્ઞાન સદા ઈશ્વરમાં રહી માત્ર પ્રકાશિત કે અપ્રકાશિત થતું રહે છે.

ઋગ્વેદ ૧૦.૧૯૦.૩ કહે છે કે, શ્રુષ્ટિનું સર્જન દરેક ચક્રમાં એક સરખું જ રહે છે અને આથી જ શ્રુષ્ટિ સર્જનના દરેક ચક્રમાં ઈશ્વરીય જ્ઞાન – વેદ – પણ એક સરખું જ રહે છે.

સંદેહ: પરમાત્મા તો નિરાકાર છે, તો પછી તેણે શબ્દમય વેદોની ઉત્પત્તિ કેવી રીતે કરી?

ઈશ્વરને મનુષ્યની જેમ પોતાનું કાર્ય કરવામાં શારીરિક અંગની જરૂર પડતી નથી. આવી મર્યાદા સર્વશક્તિમાન ઈશ્વરને લાગુ પડતી નથી. કોઈપણ સાધન વગર પોતાનું કાર્ય કરવાનું સામર્થ્ય ઈશ્વરમાં સદૈવ વર્તમાન છે. વેદ કહે છે કે ઈશ્વરની કાર્ય ક્ષમતા અનંત મુખો અને અવયવો જેટલી છે. બીજા શબ્દોમાં, ઈશ્વર સર્વશક્તિમાન હોવાથી તે પોતાનું કાર્ય કરવામાં કોઈની મદદ લેતો નથી અને આથી તેને વેદોનું સર્જન કરવામાં કોઈ અંગ કે અવયવની પણ જરૂર રહેતી નથી. જે સર્વશક્તિમાન ઈશ્વર આ સમગ્ર શ્રુષ્ટિનું સર્જન કરી શકતો હોય, તે ઈશ્વર વેદોનું પણ સર્જન કરે તેમાં શંકા શાની?    

શ્વેતાશ્વતરોપનિષદ ૩.૧૯ કહે છે કે, ઈશ્વરને કોઈ અંગ કે અવયવ ન હોવા છતાં તે સર્વ જગતનો ઘારણકર્તા છે.

સંદેહ: શ્રુષ્ટિનું સર્જન તો ઈશ્વર સિવાય કોઈ આત્મા કરી શકે જ નહીં. પણ વેદોને તો બીજા ગ્રંથોની જેમ મનુષ્યો પણ રચી શકે. તો પછી વેદોની રચના ઈશ્વરે જ કરી છે તેવું ચોક્કસપણે કેવી રીતે કહી શકાય?

કોઈ પણ શાસ્ત્ર ભણીને, ઉપદેશ સાંભળીને તથા વ્યવહારને જોઈને જ મનુષ્યને જ્ઞાન થાય છે. નવા જ્ઞાનની શોધ એ પ્રાપ્ય જ્ઞાનનો પ્રસાર અને અભ્યાસ માંગી લે છે. તમે કોઈ વ્યક્તિને તેના જન્મથી લઇ મૃત્યુ સુધી જંગલમાં એકાંતમાં રાખો તો તેને કદી પણ યથાર્થ જ્ઞાન નહીં થાય અને તેનો વ્યવહાર જ્ઞાનના અભાવે પશુવત જ રહેશે.

આથી શ્રુષ્ટિની આદિમાં ઈશ્વર રચિત વેદનું અધ્યયન કર્યા પછી જ મનુષ્યને નવું જ્ઞાન શોધવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે અને ગ્રંથ રચવાને શક્તિમાન થાય છે, અન્યથા નહીં.

સંદેહ: ઈશ્વરે મનુષ્યને સ્વાભાવિક જ્ઞાન અને સહજવૃત્તિ આપ્યા જ છે. આ જ્ઞાન સર્વ ગ્રંથોથી ઉત્કૃષ્ટ છે. આ સ્વાભાવિક જ્ઞાનની ઉન્નતિ થવાથી વેદ પણ રચી શકાય છે. જો આમ છે તો પછી વેદ ઈશ્વરે રચ્યાં છે તેમ શા માટે માનવું જોઈએ?

૧. ઈશ્વરે જંગલમાં રહેલી પ્રજાતિને અને આજીવન એકાંતમાં રાખેલ બાળકને પણ સ્વાભાવિક જ્ઞાન અને સહજ મનોવૃત્તિ આપી જ છે. તો પછી આ લોકો વિદ્વાન કેમ નથી બની જતા? સદીઓથી ચિમ્પાન્ઝી કેમ એવા ને એવા જ રહ્યાં અને તેમનો વિકાસ ન થયો? કેમ હજુ પણ કેટલાંક ખાસ પ્રકારના સૂક્ષ્મજીવો સૂર્યપ્રકાશના સંપર્કમાં આવતાની સાથે જ મૃત્યુ પામે છે? કેમ તેઓ સૂર્યપ્રકાશમાં જીવિત રહેવાની કળા શીખી ન શક્યા?

૨. ભાષાની ઉત્પત્તિ પણ વેદોમાંથી જ થઇ છે. અને જો આમ માનવામાં ન આવે તો આધુનિક વિજ્ઞાન માટે ભાષાની ઉત્પત્તિ કેવી રીતે થઇ તે જાણવું શક્ય નથી.

૩. આજે વર્તમાન સમયમાં વિદ્વાન થવા માટે આપણે અધ્યાપકો પાસેથી જ્ઞાન મેળવીએ છીએ. તો પછી જે વેદોમાં હજારો મંત્રોનો સમાવેશ થયેલ છે, જે વેદોની ભાષા(સંસ્કૃત) બધી જ ભાષાઓની જનની છે, જે વેદ સર્વ જ્ઞાનયુક્ત શાસ્ત્રો છે, જેમાં શ્રેષ્ઠત્તમ જીવનમુલ્યો અને તત્વજ્ઞાનનો સમાવેશ થયેલો છે, અને જે વેદનું સંરક્ષણ આદિકાળથી અત્યાર સુધી શબ્દંશના કોઈપણ જાતના ફેરફાર વગર પાઠ અને માત્રા પદ્ધતિ વડે થયેલું છે, તે વેદોને આદિકાળમાં મનુષ્યો કેવી રીતે રચી શકે?

૪. વળી ઉપર જણાવ્યાં પ્રમાણે પોતાનું સ્વાભાવિક જ્ઞાન સર્વ ગ્રંથોથી ઉત્કૃષ્ટ છે, અને આ સ્વાભાવિક જ્ઞાન જ મનુષ્યને નવા અને વધારે જટિલ જ્ઞાનની પ્રાપ્તિ કરાવશે તેમ કહેવું યોગ્ય નથી. જેમ આંખ મગજ સાથે અને મગજ આત્મા સાથે જોડાયા વગર રૂપ ગ્રહણ કરવામાં અશક્ત છે, તેમ સ્વાભાવિક જ્ઞાન પણ ઈશ્વરદત્ત જ્ઞાન અને અન્ય વિદ્વાનોના જ્ઞાન વિના કઈ પણ કરવામાં અસમર્થ છે. સ્વાભાવિક જ્ઞાન માત્રથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું જ્ઞાન થતું નથી.

૫. આમ જ્ઞાનને ગ્રહણ કરવાની અને આત્મસત્ કરવાની પ્રક્રિયા શરૂ કરવા માટે પ્રારંભિક ઈશ્વરીય જ્ઞાન હોવું ખુબ જ જરૂરી થઇ પડે છે. યોગદર્શન ૧.૨૬ કહે છે કે ઈશ્વર આદિકાળથી બધાં જ અધ્યાપકોમાંનો સૌથી શ્રેષ્ઠ અધ્યાપક છે અને તેને સમયના બંધન જેવા કોઈ પણ દોષ નડતા નથી. કુમારિલ ભટ્ટ મીમાંસા પરના તેના લેખમાં લખે છે કે, વેદો અપૌરુષેયછે, એટલે કે વેદો માનવકૃત નથી. સાંખ્ય ૫.૬ માં પણ આ જ વાત કહી છે. સાયણાચાર્યે પણ તેમના ભાષ્યમાં આ જ વાત કહી છે.

Origin-of-Vedas,-Their-Inspiration,-and-Authority

સંદેહ: વેદોનો પ્રકાશ કરવામાં ઈશ્વરનું શું કારણ છે?

૧. ઈશ્વરનું વેદોનો પ્રકાશ ન કરવા પાછળ શું કારણ હોય?

૨. ઈશ્વરમાં અનન્ત વિદ્યા છે. એટલે કે તે જ્ઞાનનો સાગર છે. ઈશ્વર પરોપકારી અને કલ્યાણકારી પણ છે. જ્ઞાનયુક્ત હોવું એ બહુમૂલ્ય વિશેષતા છે. આથી જો ઈશ્વર જીવાત્માઓના કલ્યાણ માટે વેદોનો પ્રકાશ ન કરે તો પછી ઈશ્વર કલ્યાણકારી અને પરોપકારી ન રહે. ઈશ્વરે મનુષ્યને વેદોનું જ્ઞાન આપ્યું છે તે જ તેના કલ્યાણકારી અને પરોપકારી હોવાનું પ્રમાણ છે.

૩. ઈશ્વર આપણાં માતા-પિતા જેવો છે. જેમ માતા-પિતા પોતાના સંતાનોને પ્રેમ કરે છે અને તેમના સદૈવ આનંદમય રહેવાની ઈચ્છા રાખે છે, તેમ ઈશ્વર પણ આ સંસારના દરેક મનુષ્ય માટે આનંદ ઈચ્છે છે. આથી જ ઈશ્વરે મનુષ્યોને વેદોનું જ્ઞાન આપ્યું કે જેથી કરીને તેઓ આ જ્ઞાનનો વ્યવહારિક પ્રયોગ કરી પરમ આનંદના ભાગી બની શકે. જો ઈશ્વરે મનુષ્યને વેદોના જ્ઞાનરૂપી આશીર્વાદ ન આપ્યો હોત તો શ્રુષ્ટિ સર્જનનો કશો જ હેતુ ન રહેત અને મનુષ્ય મોક્ષ પ્રાપ્તિ વિના પરમ આનંદના ભાગી પણ ન બનત. આપણાં અંતિમ લક્ષ્ય પરમ આનંદને પ્રાપ્ત કરવા માટે આપણી પાસે જ્યારે વેદોનું જ્ઞાન હોય ત્યારે જ બાકીની બધી જ વસ્તુનું અસ્તિત્વ અર્થપૂર્ણ નીવડે.

૪. શ્રુષ્ટિની સમગ્ર અદ્દભુત વસ્તુઓમાં જ્ઞાન જ સૌથી વધુ આનંદ આપનારી વસ્તુ છે. જે કરુણામય ઈશ્વરે મનુષ્યના કલ્યાણ માટે આવી અદ્દભુત શ્રુષ્ટિની રચના કરી છે, તે ઈશ્વર સર્વ મનુષ્યો માટે વેદોનો ઉપદેશ ન કરીને શા માટે શ્રુષ્ટિ સર્જનને વ્યર્થ બનાવે? વેદોનું જ્ઞાન ન આપીને શા માટે ઈશ્વર પરોપકારીતા જેવી પોતાની આગવી વિશેષતાની વિરુદ્ધ આચરણ કરે?

વેદો પુરાણો, બાઈબલ અને કુરાન કરતા શ્રેષ્ઠ ગ્રંથો છે. WD Brown “Superiority of Vedic Religion”માં લખે છે કે, “વૈદિક ધર્મ સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે. નહીં વિજ્ઞાન અને ધર્મનો સંગમ થાય છે. અહીં ધર્મશાસ્ત્ર વિજ્ઞાન અને તત્વજ્ઞાન પર આધારિત છે.”

L Jacoliot  તેની પુસ્તક “The Bible in India”માં લખે છે કે, “આજનું આધુનિક વિજ્ઞાન ઈશ્વરર્કૃત વેદોમાંના વિચારોની સુમેળમાં છે.” બીજા ઘણાં વૈજ્ઞાનિકો કે જેમણે વેદોનો થોડો ઘણો પણ અભ્યાસ કર્યો છે તે બધાં જ આ વાત સાથે સહમત છે.

સંદેહ: શ્રુષ્ટિની આદિમાં વેદ લખવા માટે ઈશ્વરે શાહી, પેન અને કાગળ જેવા સાધનોની વ્યવસ્થા ક્યાંથી કરી?

૧ આવી શંકા કરવાનો કોઈ આધાર નથી. આપણે અગાઉ ચર્ચા કરી જ દીધી છે કે, જેમ ઈશ્વરે કોઈપણ પ્રકારની બાહ્ય મદદ લીધા વગર કે કોઈપણ અંગ કે અવયવો વગર આવી અદભૂત શ્રુષ્ટિનું સર્જન કર્યું છે તે જ પ્રમાણે તેણે વેદ પણ રચ્યાં છે.

૨. શ્રુષ્ટિની આદિમાં ઈશ્વરે વેદોને લખીને પુસ્તક રૂપે પ્રકાશિત નથી કર્યા. શ્રુષ્ટિની આદિમાં ઈશ્વરે અગ્નિ, વાયુ, આદિત્ય તથા અંગિરા, એ ચાર ઋષિઓના હૃદયમાં એક એક વેદનો પ્રકાશ કર્યો. શતપથ બ્રાહ્મણ ૧૧.૫.૨.૩ માં કહ્યું છે કે: આ ઋષિઓ એ મહાપુરુષો હતા કે જેઓ જયારે ઊંડું ધ્યાન ધરી પરમેશ્વરના સ્વરૂપમાં સમાધિસ્થ થતા ત્યારે પરમાત્મા તેમના હૃદયમાં મંત્રોના અર્થ પ્રકાશિત કરતા. આ ઋષિઓએ ઈશ્વરીય જ્ઞાન એવી જ રીતે ગ્રહણ કર્યું જેવી રીતે બટન દબાવવાથી રમકડું ગતિશીલ બને છે.

સંદેહ: અગ્નિ, વાયુ, આદિત્ય અનુક્રમે અગ્નિ, વાયુ અને સૂર્ય જેવી જ્ઞાનરહિત જડ વસ્તુઓના નામ જણાય છે. 

આ પણ એક નિર્મૂલ શંકા છે. કારણ કે જડમાં જ્ઞાનનો અભાવ છે. અને જડ વસ્તુઓ કદી જ્ઞાન પ્રાપ્ત કરતી પણ નથી.

જેમકે કોઈ એમ કહે કે ન્યાયાલયે સમન જાહેર કર્યો છે, આનો અર્થ એ નથી કે ન્યાયાલયની ઇમારતે સમન જાહેર કર્યો છે. ન્યાયાલયની ઇમારત સમન જાહેર ન કરી શકે કારણ કે ઈમારત જડ છે. આનો અર્થ એ છે કે ન્યાયાલયમાં કામ કરતા લોકોએ જ સમન જાહેર કર્યો છે. કારણ કે વિદ્યાનો પ્રકાશ મનુષ્યોમાં જ થઇ શકે.

સંદેહ: ઈશ્વરે તે ઋષિઓને જ્ઞાન આપ્યું હશે, અને તે જ્ઞાન વડે ઋષિઓએ વેદ રચ્યાં હશે.

વધુ એક નિરાધાર શંકા. હવે જો જ્ઞાન ઈશ્વર દ્વારા જ મળ્યું હોય અને આ જ્ઞાનના આધારે જ ઋષિઓએ વેદોની રચના કરી હોય તો પછી વેદો ઈશ્વરીય જ્ઞાન જ કહેવાય ને!

સંદેહ: જો ઈશ્વર ખરેખર ન્યાયકારી હોય તો તેણે આ ચાર ઋષિઓના હૃદયમાં જ વેદનો પ્રકાશ કેમ કર્યો અને બીજા કોઇના હૃદયમાં કેમ નહીં?

ઈશ્વરે વેદનો પ્રકાશ કરવા આ ચાર ઋષિઓની પસંદગી કરી તેથી જ ન્યાયકારી પરમાત્મા ઉત્તમ ન્યાયી સિદ્ધ થાય છે. કારણ કે ન્યાયનો અર્થ જ એ છે કે જે જેવું કર્મ કરે તેને તેવું જ ફળ આપવું. આ ચાર ઋષિઓનું પૂર્વ જન્મનું પુણ્ય ઘણું વધુ હોવું જોઈએ અને તેથી જ ઈશ્વરે માનવજાતિમાં વેદના પ્રચાર માટે પહેલાં આ ચાર ઋષિઓના હૃદયમાં વેદનો પ્રકાશ પાડ્યો. ઋગ્વેદ ૧૦.૭૧.૭ કહે છે કે, ભલે ને દરેક મનુષ્યોમાં આંખ અને કાન એક સમાન હોય પણ તેમની વિવેક બુદ્ધિ ભિન્ન ભિન્ન હોય છે.

સંદેહ: પણ આ ઋષિઓ તો શ્રુષ્ટિની આદિમાં ઉત્પન્ન થયા હતા તો પછી તેમનું પૂર્વજન્મ ક્યાંથી આવ્યું?

શ્રુષ્ટિ સર્જન અને પ્રલયનું ચક્ર અનાદિ છે. શ્રુષ્ટિની આદિમાં જીવાત્મા પૂર્વ સર્જનમાં તેણે કરેલા કર્મોના ફળ અનુસાર આ નવા સર્જનમાં જન્મ લે છે. સર્વ જીવો સ્વરૂપે અનાદી છે અને તેમના કર્મો અને કાર્યરૂપ જગત પણ પ્રવાહથી અનાદી છે.

સંદેહ; શું ઈશ્વર સ્ત્રીઓને વિશેષ નથી સમજતો? કેમ ઈશ્વરે વેદોનો પ્રકાશ સ્ત્રીઓમાં ન કરી પુરુષોમાં જ કર્યો? કેમ તેણે વેદોના પ્રસાર માટે પુરુષોને જ પસંદ કર્યા?

આત્મા માટે સ્ત્રી કે પુરુષ જેવો ફરક હોતો નથી. શ્રુષ્ટિની આદિમાં ઈશ્વરે ઋષિઓને પુરુષનું શરીર આપ્યું કારણ કે માત્ર પોતાની સહજવૃત્તિથી ઉન્નતિ કરવાનો પ્રયત્ન કરતા અન્ય લોકોની સરખામણીમાં પુરુષ જ્ઞાનનો પ્રસાર અને પ્રચાર કરવામાં વધુ યોગ્ય હોય છે. પુરુષોમાં અજ્ઞાની લોકો પર જ્ઞાનનો પ્રભાવ પડવાની ક્ષમતા વધુ હોય છે. પણ સમય જતા સ્ત્રીઓ પણ ઋષિઓ બની અને તેમણે પણ વૈદિક મંત્રોનો અર્થ સમજી જ્ઞાન પ્રાપ્ત કર્યું.

સંદેહ: શું ગાયત્રી આદિ છંદો પણ ઈશ્વરે રચ્યાં?

આ શંકા થવી યોગ્ય નથી. ઈશ્વર સર્વ વિદ્યામય હોવાથી તે ગાયત્રી આદિ છંદો કેમ ન રચી શકે?

સંદેહ: ચર્તુર્મુખ બ્રહ્માએ વેદ ઉત્પન્ન કર્યા અને પછી વેદ વ્યાસે તેમને લખી ચાર ભાગોમાં વિભાજીત કર્યા તેમ ઈતિહાસ પરથી જણાય છે.

તમારી આ શંકા તદ્દન નિરાધાર છે. આ બધી નિરાધાર વાતો તો માત્ર નવીન પુરાણોમાં જ જોવા મળે છે જે પુરાણો અત્યંત ખામી યુક્ત અને મિથ્યાપૂર્ણ ધારણાઓથી ભરેલાં છે. પણ કેટલાંક લોકો એવું માને છે કે પુરાણો પણ સર્વશ્રેષ્ઠ અને ઈશ્વરકૃત ગ્રંથો છે. પણ આ તો આપણે કુરાન અને બાઈબલને ઈશ્વરકૃત ગ્રંથો ગણીએ તેવી વાત છે.

સત્ય એ છે કે બ્રહ્માને પણ સામાન્ય મનુષ્યની જેમ એક મુખ, બે હાથ અને બે પગ હતા. બ્રહ્માના ચર્તુર્મુખી હોવાનું મૂર્ખતાપૂર્ણ વર્ણન તો ખોટા પુરાણો સિવાય બીજે ક્યાંય જોવા મળતું નથી. વેદ વ્યાસે આ ચાર વેદો લખ્યાં છે તેમ કહેનાર મિથ્યાવાદી છે અને તેનું વર્ણન કરનારા પુસ્તકો પણ ઈતિહાસની કોટિમાં ગણવા યોગ્ય નથી. વેદ વ્યાસ યોગ દર્શનના ભાષ્યકાર અને મહાભારતના રચયિતા હતા. પુરાણો સિવાય બીજે ક્યાંય એવું કહેવામાં આવ્યું નથી કે વેદ વ્યાસે વેદ લખ્યાં હતા.

જો આપણે આવા મિથ્યા અને અસત્ય પ્રચારક પુરાણોને માન્ય રાખીએ તો પછી આપણે જીજસ અને મોહંમદ જેવા ઈશ્વરના દેવદૂતોમાં, રામ અને શ્રીકૃષ્ણ જેવા આદર્શ મહાપુરુષોનો અનાદર કરતી ખોટી વાતોમાં, સ્ત્રીઓ પર લગાવવામાં આવતા નિરાકણ દોષોમાં અને કુરાન અને બાઈબલમાં વર્ણિત બધી જ મૂર્ખતાઓને માન્ય રાખવી જોઈએ. આ ઉપરાંત આપણે જેને પુરાણો કહીએ છીએ તે પુસ્તકો સાંચા અને વિશ્વાસનીય છે તેનું પ્રમાણ મેળવવાનો પણ કોઈ રસ્તો નથી. સર્વશ્રેષ્ઠ ગ્રંથો સિદ્ધ થવા માટે વિશ્વાસપાત્રતા અને પ્રમાણિકતાની કસોટીમાં તો માત્ર વેદો જ ખરા ઉતરી શકે છે.

જો શ્રુષ્ટિની આદિથી વેદ એક જ હોય અને પાછળથી વેદ વ્યાસે તેમને ચાર ભાગમાં વિભાજીત કર્યા હોય તો પછી વેદ વ્યાસ પહેલાંના કોઈપણ ગ્રંથો બહુવચનમાં(વેદો) સંબોધિત ન થવા જોઈએ. આ ઉપરાંત વેદ વ્યાસ પહેલાં વેદોના ચાર નામ પણ ન હોવા જોઇએ. પણ વાસ્તવિક સંદર્ભોને જોતા આ વાત સાચી પુરવાર થતી નથી. આથી શ્રુષ્ટિની આદિથી જ ચાર વેદો હતા તેમ પુરવાર થાય છે.

વધુ માહિતી માટે:

અથર્વવેદ ૪.૩૬.૬, અથર્વવેદ ૧૯.૯.૧૨, ઋગ્વેદ ૧૦.૯૦.૯, યજુર્વેદ ૩૧.૭, અથર્વવેદ ૧૬.૬.૧૩, યજુર્વેદ ૩૪.૫, અથર્વવેદ ૧૦.૭.૨૦, યજુર્વેદ ૧૮.૨૯, યજુર્વેદ ૩૬.૧, યજુર્વેદ ૧૨.૪, શતપથ ૬.૭.૨.૬, તૈતરીય સંહિતા ૪.૧.૧૦.૫, મૈત્રાયણી સંહિતા ૧૬.૮, શાખ્યન ગ્રીહ્યા સૂત્ર ૧.૨૨.૧૫, યજુર્વેદ ૧૦.૬૭, અથર્વવેદ ૧૧.૭.૧૪, અથર્વવેદ ૧૫.૬.૭-૮, અથર્વવેદ ૧૨.૧.૩૮, અથર્વવેદ ૧૧.૭.૨૪, ઋગ્વેદ ૪.૫૮.૩, યજુર્વેદ ૧૭.૬૧, ગોપથ બ્રાહ્મણ ૧.૧૩, શતપથ ૧૪.૫.૪.૧૦, બૃહદ ઉપનિષદ ૩.૪.૧૦, એતરેય બ્રાહ્મણ ૨૫.૭, ગોપથ ૩.૧ વગેરેનો સંદર્ભ કરો.

આ સંદર્ભોનો ઉલ્લેખ ઉપનિષદો, મનુસ્મૃતિ, મહાભારત, સર્વઅનુક્રમણિ, રામાયણ જેવા બીજા ઘણા ગ્રંથોમાં થયો છે.

ઘણાં વિદ્વાનો એવું કહે છે કે મહાભારત એ પાંચમો વેદ છે. જો આમ હોય તો પરોક્ષ રીતે એમ સાબિત થાય છે કે મૂળ વેદો તો ચાર જ છે. આ ઉપરાંત આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને અર્થવેદ આ ચાર ઉપવેદો કહેવાય છે. આ પણ એ જ સિદ્ધ કરે છે કે મૂળ વેદો તો ચાર જ છે.

સંદેહ: વેદ સંહિતામાં મંત્રો અને સૂકતો પર ઋષિઓના નામ લખેલા છે. આથી ઋષિઓએ જ વેદ રચ્યાં છે તેમ કેમ ન કહી શકાય

૧. જે ઋષિઓને જે મંત્રોના અર્થનું જ્ઞાન થયું તેના પર તે ઋષિઓના નામ છે. ઘણા મંત્રો પર એક કરતા વધારે ઋષિઓના નામ છે. પણ આ ઋષિઓએ વેદ રચ્યાં નથી.

૨. બ્રહ્માનો જન્મ વ્યાસ અને મધુચંદન જેવા ઋષિઓના જન્મથી ઘણાં વર્ષો પહેલા થયો હતો. બ્રહ્માએ પણ વેદોનું જ્ઞાન મૂળ ચાર ઋષિઓ પાસેથી મેળવ્યું હતું. મનુસ્મૃતિમાં પણ આમ જ કહ્યું છે. આથી એ વાત પ્રમાણિત થાય છે કે વેદોનું જ્ઞાન આ બધાં જ ઋષિઓથી પહેલાનું જ છે.

આપણે આવા આરોપોનું ખંડન વેદના રચયિતા કોણ? લેખમાં વધુ ઊંડાણમાં કરી ચૂક્યાં છીએ.

સંદેહ: ઈશ્વરીય જ્ઞાનના વેદ અને શ્રુતિ એવા બે નામ શાથી પડ્યાં? 

વેદ શબ્દનો અર્થ થાય છે જાણવું, હોવું, લાભ થવો, અથવા તો વિચારવું. શ્રુતિ શબ્દનો અર્થ થાય છે સાંભળવું.

જેને ભણવાથી યથાર્થ વિદ્યાનું જ્ઞાન થાય છે, જેથી મનુષ્ય વિદ્વાન બને છે, જેના વડે સર્વ સુખોનો લાભ થાય છે, અને જેનાથી મનુષ્યને સત્ય અસત્યનો વિચાર થાય છે તેને વેદ કહે છે. અને આ બધાં જ ગુણો ઈશ્વરીય જ્ઞાનમાં હોવાથી ઈશ્વરીય જ્ઞાનને વેદ કહે છે.

મનુષ્યો શ્રુષ્ટિના આરંભથી સર્વ સત્ય વિદ્યાઓ સાંભળતા જ આવ્યાં છે, તેને લીધે વેદનું નામ શ્રુતિ છે. કારણ કે આજ સુધી કોઈએ કોઈ દેહધારીને વેદ રચતા જોયો નથી, કારણ કે નિરાકાર ઈશ્વરે જ વેદ રચ્યાં છે.

સંદેહ: વેદોત્પત્તિ થયાને કેટલા વર્ષો થયા?

સૂર્ય સિદ્ધાંત જેવા ગ્રંથો અનુસાર અને ભારતીય પ્રથા અનુસાર વેદો ૧ અબજ અને ૯૭ કરોડ વર્ષો જુના છે. આટલા જ વર્ષો આ વર્તમાન શ્રુષ્ટિ અને માનવની ઉત્પત્તિને પણ થયા છે. વિદ્વાનો માટે આ હજુ પણ એક ચર્ચાનો વિષય છે. પણ ભારતમાં જયારે પણ કોઈ સ્થાને યજ્ઞ થાય છે ત્યારે લોકો વેદો અને શ્રુષ્ટિની ઉત્પત્તિનો સમય મન્વંતર, યુગ અને વર્ષોમાં કહે છે. અને વેદો અને શ્રુષ્ટિ ઉત્પત્તિ સમયની આ ગણતરી સમગ્ર ભારતમાં એક સરખી જ છે.

સંદેહ: વિલ્સન અને મેક્સ મૂલર એવો દાવો કરે છે કે વેદો ૨૦૦૦-૩૦૦૦ વર્ષો જુના છે. શું આ સત્ય નથી?

આ લોકો બીજા કોઈ નહીં પણ ઇસાઇ ધર્મપ્રચારક હતા. તેઓને સંસ્કૃત ભાષા કે ભારતીય સંસ્કૃતિ વિષે જ્ઞાન ન હતું. તેમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિનો નાશ કરવાનો હતો. આ કામ માટે અંગ્રેજ સરકાર તરફથી નાણાંકીય સહાય મળતી હોવાથી તેઓ આ કામમાં ઘણી હદ સુધી સફળ પણ થયા. પણ દુર્ભાગ્યે વેદ વિષે તેઓએ ફેલાવેલી મિથ્યા ધારણાઓનો કોઈ આધાર નથી. તેમણે કરેલા દાવાઓ તર્ક કે બુદ્ધિમત્તા પર આધારિત ન હતા. આ ઇસાઇ ધર્મપ્રચારકોનું કામ આપણાં સાંસ્કૃતિક મૂળની આલોચના પર આધારિત હતું. પણ વેદો તો શ્રુષ્ટિના આરંભથી જ પ્રકાશિત હતા અને આજથી બીજા ૨ અબજ અને ૩૩ કરોડ વર્ષો(શ્રુષ્ટિના વિનાશના સમય) સુધી પ્રકાશિત રહેશે.

Original post in English is available at http://agniveer.com/origin-of-vedas/

[adinserter block="13"]
Previous articleIndia’s External Threats- Roots and Solutions
Next articleHelp poor survive the cold of winter in India
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.