[adinserter block="6"]

બધાં જ પ્રતિષ્ઠિત વિદ્વાનો અને શોધકર્તાઓ વેદને માનવતાનો સૌથી પ્રાચીનતમ ગ્રંથ માને છે. વેદમાં આદિકાળથી આજ સુધી કોઈ પ્રક્ષેપ થઇ શક્યો નથી! વેદ આદિકાળથી આજ સુધી તેના મૂળ રૂપમાં કોઈપણ પ્રકારના ફેરફાર કે બદલાવ વગર અનોખી વિધિઓ દ્વારા કેવી રીતે સચવાઈ રહ્યાં તે અંગે વધુ જાણકારી મેળવવા માટે “વેદમાં પ્રક્ષેપ કેમ ન થઇ શક્યો? ” લેખ ધ્યાનથી વાંચો. વિદ્વાનો આ અજાયબીની ગણના શ્રુષ્ટીના મહાનત્તમ આશ્ચર્યોમાં કરે છે.

ઇસ્લામ જગતના પ્રસિદ્ધ વિદ્વાન અને ઝાકીર નાઈકના ગુરુ અબ્દુલા તારીક પણ વેદોને સૌપ્રથમ ઈશ્વરીય ગ્રંથ માને છે. ભલેને તેના ‘વહાબી ફાઉન્ડેશન’ના ચાલતા ઝાકીર નાઈક આ વાતને જાહેરમાં સ્વીકારતો ન હોય પણ, ઝાકીર નાઈકે વેદ સૌપ્રથમ ઈશ્વરીય ગ્રંથ છે તે સત્યનું ક્યારેય ખંડન પણ કર્યું નથી. ઝાકીર નાઈક વેદને બદનામ કરવા માટે ચાલાકીથી વેદ મંત્રોનું ખોટું અર્થઘટન કરી તેમાં મોહંમદની ભવિષ્યવાણી સાબિત કરવાનો પ્રયાસ કરે છે. પણ તેની આ ચાલાકીથી ઝાકીર નાઇક પોતે જ વેદોને અધિકારથી સૌપ્રથમ ઈશ્વરીય ગ્રંથ માને છે એ વાત પુરવાર થાય છે.

ઝાકીર નાઈકનો આ પ્રયાસ નવો ન હોતા પ્રખ્યાત કાદિયાની મૌલાના અબ્દુલ હક વિદ્યાર્થીની બેઠ્ઠી નકલ છે. ‘વેદો જ ઈશ્વર્કૃત સૌપ્રથમ ગ્રંથ છે અને મિર્ઝા ગુલામ અંતિમ પૈગમ્બર છે’, આ બે દાવા જ આખી કાદિયાની મુહિમનો આધાર છે. વેદ મંત્રોનું ખોટું અર્થઘટન કરી વેદને કલંકિત કરવાના ઝાકીર નાઈક અને મૌલાના વિદ્યાર્થીના નિરર્થક પ્રયાસોને આપણે અગાઉ ખુલ્લા પાડી ચૂક્યાં છીએ (http://agniveer.com/528/prophet-vedas). ઝાકીર નાઈક અને મૌલાના વિદ્યાર્થીને વેદોનું સાચું જ્ઞાન તો નથી જ, પણ તેમ છતાં મુસલમાનો વચ્ચે વેદને સૌપ્રથમ ઈશ્વરીય ગ્રંથ તરીકે માન્યતા અપાવવાના તેમના પ્રયાસો પ્રસંસનીય તો છે જ!

વેદ શ્રુષ્ટીના સૌપ્રથમ ગ્રંથો તો છે પણ વેદ ઈશ્વર્કૃત નથી તેવી માન્યતા મુખ્ય રીતે ઈશ્વરને ન માનનારાઓ અને સામ્યવાદીઓની છે. “મનુષ્ય માત્ર એક રસાયણિક પ્રક્રિયા જ છે” એવી જડ માન્યતા તેમની આ ધરણાનું મૂળ છે. પણ આ લેખનો ઉદ્દેશ ઈશ્વરને ન માનનારાઓ અને સામ્યવાદીઓની(માફ કરજો રાસાયણિક પ્રક્રિયાઓની) આવી નિર્મૂલ અને અતાર્કિક દલીલો અને તેમના નિરુત્તર પ્રશ્નો પર વિચાર કરવાનો નથી.

પણ અહીં ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે નાસ્તિકોના આ ટોળાઓમાં હવે કેટલાંક હતાશ મુસલમાનો પણ જોડાયા છે. આ મુસલમાનો લેખો પ્રકશિત કરી વેદ ઈશ્વર્કૃત નથી તે સાબિત કરવામાં લાગેલા છે. પણ આ જોશમાં તેઓને એ વાતનો હોશ રહ્યો નથી કે આમ કરવાથી તેઓ પોતાની જ કબર ખોદી રહ્યાં છે. કારણ કે આમ કરવાથી ઇસ્લામના જગતના વિદ્વાનો જ જુઠ્ઠા પુરવાર થશે અને ઇસ્લામનો મૂળ પાયો જ નષ્ટ થઇ જશે. અમે આવાં લોકોને કહીએ છીએ કે પહેલાં તેઓ ઇસ્લામ જગતના એ વિદ્વાનો સામે ફતવા જારી કરે કે જેઓ વેદને સૌ પ્રથમ ગ્રંથ માને છે અથવા તો એ લોકો સામે કે જેઓ વેદોમાં મોહંમદની ભવિષ્યવાણી સાબિત કરવાનો પ્રયત્ન કરે છે. આ ઉપરાંત તેઓ પોતાની નવી કુરાનનું પણ નિષ્પક્ષ વિશ્લેષણ કરે.

પહેલાં નાસ્તિકો/સામ્યવાદીઓ અને હવે નવા મુસ્લિમોના પણ વેદ મનુષ્યકૃત છે તેવો દાવો કરતાં ફરે છે. આથી આ લેખમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરીશું કે વેદને મનુષ્યકૃત (ઋષિઓ દ્વારા રચાયેલા) કેમ માની ન શકાય?

હવે અહીં પ્રશ્ન થાય કે જો વેદ ઋષિઓને નથી રચ્યાં, તો પછી વેદોના રચયિતા કોણ? આ પ્રશ્ન એવો છે કે જાણે કોઈ એમ પૂછે કે, આ જીવન કોણે બનાવ્યું? આ શ્રુષ્ટિ કોણે બનાવી? અપરિવર્તનશીલ નિયમો દ્વારા નિપૂર્ણપૂર્વક આ શ્રુષ્ટિનું સંચાલન કોણ કરી રહ્યું છે? આ બુદ્ધિમત્તા આપણને કોણે પ્રદાન કરી? માત્ર મનુષ્ય જ સમસ્ત જીવોમાં બુદ્ધિશાળી પ્રાણી કેમ છે? વગેરે…

આ મહત્વના પ્રશ્નો ઘણું આત્મમંથન અને વિશ્લેષ્ણ માંગી લે તેવા છે. અમારો આ પ્રશ્નોના જવાબમાં બહુ નિશ્ચિત મત છે. પણ અમે અમારો મત કોઈના પર થોપવા માંગતા નથી. કારણ કે વેદ દરેક વ્યક્તિને તેની વિવેક બુદ્ધિ પ્રમાણે વિચારવાનો, સત્યની ખોજ કરવાનો અને પછી પ્રમાણિક અને નિષ્પક્ષ સમજણ કેળવ્યાં બાદ જ કોઈ વાતમાં વિશ્વાસ રાખવાનું કહે છે.

આથી જો કોઈ અમારી માન્યતાઓ અને વિચારો સાથે સહમત ન હોય તો એનો એ અર્થ નથી કે વેદ તે વ્યક્તિને નર્કની આગમાં નાખી દેશે, અને અમારી સાથે સહમત થનારને સ્વર્ગમાં મોકલશે. ઉલટાનું, જો કોઈ વ્યક્તિ પૂરી પ્રમાણિકતા અને તેની સમજનો પૂર્ણરીતે ઉપયોગ કરી સત્યની ખોજ કરતો રહે તો, સત્યનો માર્ગ તેના માટે વધુ સ્પષ્ટ થતો જાય છે અને ઈશ્વર તેને તેના આ પ્રયાસ માટે યોગ્ય ફળ પણ આપે છે.

વૈદિક સિદ્ધાંતો અને અંધશ્રદ્ધાવાદી તથા કટ્ટરવાદી વિચારધારાઓ વચ્ચે આ જ તો તફાવત છે. વૈદિક સિદ્ધાંતો અંધશ્રદ્ધા પર આધારિત નથી. કોઈ દબાવ કે બળજબરી પણ નથી. તેમાં માત્ર વ્યવહારિક, વૈજ્ઞાનિક અને તાર્કિક મનોવૃત્તિ રાખવાની વચનબદ્ધતા છે.

આ ભારે પરિચય પછી, આવો આપણે વિશ્લેષ્ણ શરું કરીએ. અમે પહેલાં વેદનો ઋષિકૃત માનનાર લોકોના દવાઓ અને દલીલો મુકીશું અને પછી તેના જવાબમાં અમે અમારી તર્કપૂર્ણ દલીલ રજુ કરીશું.

અવૈદિક દાવો:

વેદ ઈશ્વર્કૃત નથી. વેદ રામાયણ, મહાભારત, કુરાન વગેરેની જેમ મનુષ્યકૃત છે. ફરક માત્ર એટલો જ છે કે રામાયણ અને મહાભારતની રચના કોઈ એક જ ઋષિએ કરી છે, જયારે વેદ, ગુરુ ગ્રંથ સાહિબની જેમ, સમય સમય પર અલગ અલગ વ્યક્તિઓ દ્વારા લખાતા આવ્યાં છે. આમ વેદ અનેક વ્યક્તિઓના કાર્યોનો સંગ્રહ છે. આ વ્યક્તિઓ પાછળથી “ઋષિ” કહેવાયા. સમય જતા વેદોને “અપૌરુષેય (ઈશ્વર્કૃત)” સિદ્ધ કરવા માટે આજ ઋષિઓને “દ્રષ્ટા” કહેવામાં આવ્યાં. ઘણાં વેદ ગ્રંથો ઋષિઓને સ્પષ્ટપણે “મંત્રકર્તા” કહે છે.

ઉદાહરણ તરીકે:

ઐતરેય બ્રાહ્મણ ૬.૧

તાણ્ડય બ્રાહ્મણ ૧૩.૩૨૪

તૈત્તિરીય આરણ્યક ૪.૧.૧

કાત્યાયન શ્રૌતસૂત્ર ૩.૨.૯

ગુહ્યસુત્ર ૨.૧.૧૩

નિરુકત ૩.૧૧

સર્વાનુક્રમણી પરિભાષા પ્રકરણ ૨.૪

રઘુવંશ ૫.૪

જે ઋષિએ જે વેદ મંત્રની રચના કરી હોય તે વેદ મંત્રની સાથે તે ઋષિનું નામ જોડાયેલું છે. આથી એમ માનવું કે વેદ મનુષ્યકૃત નહીં [પરંતુ ઈશ્વર્કૃત છે એ તો એક અંધવિશ્વાસ સિવાય બીજું કઈ જ નથી.

અગ્નિવીર:

ઋષિઓને મંત્રોના રચયિતા કહેતા આ દવાનો મુખ્ય આધાર “મંત્રકર્તા” શબ્દ અથવા વિવિધ રૂપોમાં “મંત્રકર્તા” શબ્દના મૂળની હાજરી છે. આપણે આનું વિશ્લેષણ પાછળથી કરીશું. પણ પહેલાં કેટલાંક તાર્કિક અને ઐતિહાસિક પ્રમાણો દ્વારા આપણે એ સિદ્ધ કરી લઈએ કે ઋષિઓને વેદ મંત્રોના રચયિતા કેમ ન કહી શકાય.

પણ સૌથી પહેલાં “દરેક વેદ મંત્રની સાથે જે ઋષિએ તે મંત્રની રચના કરી હોય તેનું નામ જોડાયેલું છે” તે દાવાની સત્યતાની ચકાસણી કરી લઈએ:

(આ ધારણાને સમજવા માટે આપણાં માટે એ વાત જાણી લેવી અત્યંત આવશ્યક છે કે મૂળ વેદ સંહિતાના એકપણ મંત્ર સાથે કોઈ ઋષિનું નામ જોડાયેલું નથી. મૂળ વેદ સંહિતામાં માત્ર વેદ મંત્રો જ છે. જે ઋષિઓએ સર્વ પ્રથમ પરમેશ્વરના સ્વરૂપમાં સમાધિસ્ત  થઈને જે વેદ મંત્ર અથવા સૂક્તનો અર્થ જાણ્યો, તે મંત્ર અથવા સૂક્ત પર પરંપરાગત રીતે તે ઋષિઓના નામનો ઉલ્લેખ જોવા મળે છે. કાત્યાયનની “સર્વાનુક્રમણી” કે “સર્વાનુક્રમણિકા” ને આ ઋષિઓના નામનો મુખ્ય સ્ત્રોત ગણવામાં આવે છે. (કેટલીક અનુક્રમણિઓને બાદ કરતાં) અવૈદિક લોકો આ ઋષિઓને વેદ મંત્રોના અર્થના શોધકર્તા ન ગણી સ્વયં મંત્રોના રચયિતા માને છે.)

પ્રતિવાદ ૧: એક જ સૂક્તના અનેક ઋષિઓ

(૧) ઇતિહાસમાં એવો એકપણ ગ્રંથ કે સાહિત્ય જોવા નથી મળતું કે જે અલગ અલગ લોકોએ રચેલું હોવા છતાં એક સરખું જ હોય. ભાષા કે વિષયની ભિન્નતા તો જોવા મળે જ! જ્યારે વેદોમાં એવા અનેક સૂકતો છે જેની સાથે એક કરતાં વધારે ઋષિઓના નામ જોડાયેલા છે. કેટલાંક સૂકતો સાથે સો કે હજાર ઋષિઓના નામ જોડાયેલા છે.

ઉદાહરણ તરીકે, સર્વાનુક્રમણિકામાં (વૈદિક ઋષિઓના નામની સુચિ) ઋગ્વેદના આ મંત્રો સાથે એક કરતાં વધારે ઋષિઓના નામ જોડાયેલા છે: ૫.૨, ૭.૧૦૧, ૭.૧૦૨, ૮.૨૯, ૮.૯૨, ૯.૯૪, ૯.૫, ૫.૨૭, ૧.૧૦૦, ૮.૬૭, ૯.૬૬, ૯.૧૬ (આર્ષનુક્રમણી)

માત્ર ચોવીસ અક્ષરોવાળા ગાયત્રી મંત્ર સાથે ૧૦૦ ઋષિઓના નામ જોડાયેલા છે! અને ઋગ્વેદ ૮.૩૪ સાથે ૧૦૦૦ ઋષિઓના નામ જોડાયેલા છે!

૧૦૦ ઋષિઓએ ભેગા મળીને ત્રણ નાના વાક્યો કેવી રીતે બનાવ્યાં? આ ગૂઢ રહસ્યને તો માત્ર અવૈદિક બુદ્ધિવાદી જ ઉકેલી શકે!

(૨) હવે કેટલાંક લોકો એવી પણ દલીલ કરી શકે કે સર્વાનુક્રમણીના લેખક કાત્યાયનના સમયમાં ઐતિહાસિક પરંપરા તૂટી ગયેલી હોવાથી કાત્યાયને એક જ મંત્રની સાથે અનેક ઋષિઓના નામ “વા(અથવા)” નો પ્રયોગ કરીને એમ માનીને જોડી દીધા હતા કે આ બધાં ઋષિઓમાંથી કોઈ એક ઋષિએ તો આ મંત્ર બનાવ્યો જ હશે!

આવી ખોટી દલીલ તો તમારી પલાયનવાદવૃત્તિ જ દર્શાવે છે. જો તમે સર્વાનુક્રમણીને વિશ્વસનીય માનતા ન હોય તો પછી તેનો સંદર્ભ આપો છો જ શું કામ?

વધુ એક ઉદાહરણ: ‘નિરુકત’ ગ્રંથ ઘણાં વેદ મંત્રોના ગહન અર્થનો સંગ્રહ છે. યાસ્ક દ્વારા રચિત આ નિરુકત ગ્રંથ સર્વાનુક્રમણીથી પણ ઘણો પ્રાચીન ગ્રંથ છે. આચાર્ય શૌનક દ્વારા રચિત ‘બૃહદ્દદેવતા’ મુખ્યત્વે નિરુકત પર આધારિત છે. આ જ ‘બૃહદ્દદેવતા’નો ઉપયોગ કત્યાન્યને સર્વાનુક્રમણીની રચના કરવા માટે કર્યો હતો.

નિરુકત ૪.૬માં “ત્રિત ઋષિને” ઋગ્વેદ ૧.૧૭૫ સૂક્તાનો દ્રષ્ટા કહેવામાં આવ્યાં છે. બૃહદ્દદેવતા ૩.૧૩૨-૩.૧૩૬ પણ આમ જ કહે છે. કત્યાયને ઘણાં ઋષિઓના નામ સૂચિબદ્ધ કરીને તેમને “વા” થી જોડ્યાં. આનો અર્થ એ થાય છે કે ઐતિહાસિક પરંપરા તૂટી ગયેલી હોવાથી નહીં પણ, એક જ મંત્રનો અનેક ઋષિઓ દ્વારા સાક્ષાત્કાર થયો હોવાથી કાત્યાયને તે બધાં જ ઋષિઓના નામ તે મંત્ર સાથે જોડ્યાં.

નિરુકત ૧.૪ સ્પષ્ટપણે કહે છે કે “વા” નો પ્રયોગ માત્ર “વિકલ્પ” ના રૂપમાં જ નહીં પણ, “સમૂહ”નું જ્ઞાન કરાવા માટે પણ થાય છે. ‘વૈજયંતી કોષ’ પણ આમ જ કહે છે.

કત્યાયને પોતે જ સર્વાનુક્રમણીમાં “વા” નો ઉપયોગ જુદાં-જુદાં સંદર્ભોમાં કર્યો છે. પરિભાષા પ્રકરણ ૧૨.૨ માં કાત્યાયન લખે છે કે જ્યારે “વા” નો ઉપયોગ કરીને કોઈ ઋષિનું નામ લેવામાં આવે છે તો એનો અર્થ એ થાય કે પહેલાં ઋષિ ઉપરાંત આ ઋષિએ પણ આ વેદ મંત્ર જાણ્યો હતા. વધુ જાણકારી માટે ઋગ્વેદ અનુક્રમણી ૩.૨૩, ૫.૨૭, ૮.૨, ૯.૯૮ જુવો. રસપ્રદ વાત એ છે કે જો આપણે ‘શૌનક ઋષિ’ દ્વારા રચિત ‘આર્ષાનુક્રમણી’ ૯.૯૮ જોઈએ તો તેમાં ઋષિઓના નામ જોડવા માટે શૌનક ઋષિએ “ચ(અને)” નો પ્રયોગ કર્યો છે, જ્યારે સર્વાનુક્રમણીમાં ઋષિઓના નામ જોડવા માટે કત્યાયને “વા” નો ઉપયોગ કર્યો છે.

આજ પ્રમાણે, સર્વાનુક્રમણી ૮.૯૨ અને આર્ષાનુક્રમણી ૮.૪૦ માં આપણે જોઈશું કે જ્યાં કત્યાયને  “વા” નો પ્રયોગ કર્યો છે, ત્યાં શૌનકે “ચ” નો પ્રયોગ કર્યો છે. સર્વાનુક્રમણી ૧.૧૦૫ માં પણ આમ જ છે.

આમ ઘણાં સ્થાને એક જ વેદ મંત્ર અને સૂક્ત સાથે એક કરતાં વધારે ઋષિઓના નામ જોડાયેલા જોવા મળશે, જેથી એ પ્રમાણિત થાય કે ઋષિઓ વેદના રચયિતા ન હોય શકે!

(૩) કેટલાંક એવી પણ દલીલ કરી શકે છે કે એક જ સૂક્તના મંત્રો અલગ અલગ ઋષિઓ દ્વારા બનાવવામાં આવ્યાં, આથી એક સૂક્તના ઘણાં બધાં ઋષિઓ છે. પરંતુ આવી દલીલમાં કોઈ દમ નથી, કારણ કે કાત્યાયન જેવા ઋષિ દ્વારા આવી ભૂલ થવી સંભવ નથી.

સર્વાનુક્રમણી ૯.૬૬ અનુસાર “પવસ્વ” સૂક્તના ૧૦૦ “વૈખાનસ” ઋષિઓ છે. જ્યારે આ સૂકતમાં માત્ર ત્રીસ જ મંત્રો છે. ત્રણ મંત્રોના ૧૦૦૦ ઋષિ હોવાના ઉદાહરણ પણ આપણે જોઈ ચૂક્યાં છીએ.

વધુમાં, જ્યાં એક જ સૂક્તના મંત્રોને જુદાં-જુદાં ઋષિઓએ જોયા ત્યાં કત્યાયાને તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. ઉદાહરણ તરીકે, સર્વાનુક્રમણિકા ૯.૧૦૬ અનુસાર “ઇન્દ્રમચ્છ” સૂક્તના ૧૪ મંત્રોમાંથી, ‘ચાક્ષુષા’એ ૩ મંત્રોનો, ‘માનવ ચક્ષુ’એ ૩ મંત્રોનો, ‘અપ્સ્વ ચક્ષુ’એ ૩ મંત્રોનો અને ‘અગ્નિ’એ ૫ મંત્રોનો ઈશ્વરમાં સમાંધિસ્ત થઈને અર્થ જાણ્યો.

સર્વાનુક્રમણિકા ૫.૨૪ કહે છે કે, ઋગ્વેદના ૫ માં મંડલના ૨૪ માં સૂક્તના ચારેય મંત્રો ચાર જુદાં-જુદાં ઋષિઓએ જોયા.

આ જ પ્રમાણે સર્વાનુક્રમણિકા ૧૦.૧૭૯ અને ૧૦.૧૮૧ પણ જુવો.

આમ એક સૂક્તના મંત્રોને વિભિન્ન ઋષિઓએ બનાવ્યાં તેવો નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. આનો એક જ નિષ્કર્ષ નીકળે છે કે ઋષિઓએ ઈશ્વરમાં સમાંધિસ્ત થઈને વિવિધ વેદ મંત્રોનો અર્થ જાણ્યો, નહીં કે કે વેદ મંત્રો રચ્યાં.

પ્રતિવાદ ૨: એક જ મંત્રના અનેક ઋષિઓ

વેદમાં એવા ઘણાં મંત્રો છે કે જે ઘણી વાર અલગ-અલગ સ્થાને જુદાં-જુદાં સંદર્ભમાં આવ્યાં. જો ઋષિઓ જ વેદ મંત્રોના રચયિતા હોય તો બધાં જ સ્થાને એક જ ઋષિનું નામ આવતું જોઈતું હતું. પણ આપણે તો જોઈએ છીએ કે એક જ મંત્ર સાથે અલગ-અલગ ઋષિઓના નામ જોડાયેલા છે.

ઉદાહરણ:

ઋગ્વેદ ૧.૨૩.૧૬-૧૮ અને અથર્વવેદ ૧.૪.૧-૩

ઋગ્વેદ ૧૦.૯.૧-૭ અને અથર્વવેદ ૧.૫.૧-૪ / ૧.૬.૧-૩

ઋગ્વેદ ૧૦.૧૫૨.૧ અને અથર્વવેદ ૧.૨૦.૪

ઋગ્વેદ ૧૦.૧૫૨.૨-૫ અને અથર્વવેદ ૧.૨૧.૧-૪

ઋગ્વેદ ૧૦.૧૬૩.૧,૨,૪ અને અથર્વવેદ ૨.૩૩.૧,૨,૫

અથર્વવેદ ૪.૧૫.૧૩ અને અથર્વવેદ ૭.૧૦૩.

ઋગ્વેદ ૧.૧૧૫.૧ અને યજુર્વેદ ૧૩.૪૬

ઋગ્વેદ ૧.૨૨.૧૯ અને યજુર્વેદ ૧૩.૩૩

ઋગ્વેદ ૧.૧૩.૧૯ અને ઋગ્વેદ ૫.૫.૮

ઋગ્વેદ ૧.૨૩.૨૧-૨૩ અને યજુર્વેદ ૧૦.૯.૭-૯

ઋગ્વેદ ૪.૪૮૩ અને યજુર્વેદ ૧૭.૯૧

આ બધી જ જોડિયો સાથે અલગ-અલગ ઋષિઓના નામ જોડાયેલા છે.

આવાં બીજા ઘણાં ઉદાહરણો આપી શકાય છે. આમ એક જ મંત્રના આટલા બધાં ઋષિઓ કેવી રીતે હોય શકે તે સમજવા માટેનો એક જ રસ્તો છે કે આપણે એવું સ્વીકારી લઈએ કે – ઋષિઓ મંત્રકર્તા નહીં પણ મંત્રદ્રષ્ટા હતા.

પ્રતિવાદ ૩: વેદ મંત્રો ઋષિઓના જન્મ પહેલાથી વિદ્યમાન હતા

વેદ મંત્રો તો ઋષિઓના જન્મ પહેલાથી જ વિદ્યમાન છે તેના ઘણાં પ્રમાણ છે. તો પછી ઋષિઓ વેદ મંત્રો કેવી રીતે રચી શકે?

ઉદાહરણ:

(૧) સર્વાનુક્રમણિકા અનુસાર ઋગ્વેદ ૧.૨૪ “કસ્ય નૂનં” મંત્રના ઋષિ “શુન:શેપ” છે. ત્યાં કહેવામાં આવ્યું છે કે ૧૪ મંત્રોના સૂક્તના ઋષિ અજીગર્તના પુત્ર શુન:શેપ છે. ઐતરેય બ્રાહ્મણ ૩૩.૩.૪ કહે છે કે શુન:શેપ ઋષિએ “કસ્ય નૂનં” મંત્રથી ઈશ્વરની ઉપાસના કરી. “વરરુચિ” ના “નિરુકત સમુચ્ચય”માં આ જ મંત્ર દ્વારા અજીગર્ત ઋષિએ ઈશ્વરની ઉપાસના કરી હોવાનો ઉલ્લેખ છે. આમ પિતા અને પુત્ર બંને એ આ એક જ મંત્રથી ઈશ્વરની ઉપાસન કરી. તેમ છતાં શુન:શેપને જ આ મંત્રનો ઋષિ કેમ માનવામાં આવે છે?

આથી જો શુન:શેપને(પુત્રને) આ મંત્રનો રચયિતા માનવામાં આવે તો પછી અજીગર્ત ઋષિએ(પિતાએ) આ મંત્ર પહેથી જ કેવી રીતે જાણ્યો હોય? આ ઉપરાંત પિતાએ પુત્ર પાસેથી આ મંત્ર શીખ્યાં હોવાનું કોઈ પ્રમાણ ઐતરેય બ્રાહ્મણ કે પછી નિરુકત સમુચ્ચયમાં જોવા મળતું નથી.

આમ પિતાના સમયમાં પણ મંત્ર ઉપલબ્ધ હોવા છતાં પુત્રને (શુન:શેપને) આ મંત્રનો ઋષિ માનવામાં આવે છે. આથી એ સ્પષ્ટ થાય છે કે ઋષિઓ મંત્રદ્રષ્ટા હતા, મંત્ર રચયિતા નહીં.

(૨) તૈત્તિરીય સંહિતા ૫.૨.૩ અને કાઠક સંહિતા વિશ્વમિત્રને ઋગ્વેદ ૩.૨૨ના ઋષિ ગણે છે. પણ સર્વાનુક્રમણી ૩.૨૨ અને આર્ષાનુક્રમણી ૩.૪ અનુસાર આ મંત્ર વિશ્વમિત્રના પિતા “ગાથિ”ના સમયમાં પણ હતો.

વિશ્વમિત્ર અને ગાથિ બંને આ મંત્રના ઋષિ છે. આથી એ સ્પષ્ટ થાય છે કે ઋષિઓ મંત્રદ્રષ્ટા હતા, મંત્ર રચયિતા નહીં.

(૩) સર્વાનુક્રમણી અનુસાર ઋગ્વેદ ૬૦.૬૧ અને ઋગ્વેદ ૬૦.૬૨ ના ઋષિ “નાભાનેદિષ્ઠ” છે. ઋગ્વેદ ૧૦.૬૨ ના ૧૦ માં મંત્રમાં “યદુ” અને “તુર્વશુ” શબ્દ આવે છે. કેટલાંક લોકોનું એવું માનવું છે કે આ ઐતિહાસિક રાજાઓના નામ છે. (પણ અમારા મતાનુસાર  “યદુ” અને “તુર્વશુ” કોઈ ઐતિહાસિક નામ નથી પરતું કોઈ વિચારનું નામ છે.)

મહાભારત આદિપર્વ ૯૫ અનુસાર “યદુ” અને “તુર્વશુ” મનુની સાતમી પેઢીમાં જન્મ્યાં હતા. (મનુ – ઈલા – પુરુરવા – આયુ – નહુષ – યયાતિ – યદુ – તુર્વશુ). મહાભારત આદિપર્વ ૭૫.૧૫-૧૬ કહે છે કે  “નાભાનેદિષ્ઠ”  મનુનો પુત્ર અને ઈલાનો ભાઈ હતો.

આથી જો વેદોમાં ઈતિહાસ માની લેવામાં આવે અને એ પણ માની લઈએ કે નાભાનેદિષ્ઠઋષિએ ઋગ્વેદ ૧૦.૬૨.૧૦ મંત્રની રચના કરી તો નાભાનેદિષ્ઠ ઋષિ પોતાની છઠ્ઠી પેઢીમાં જન્મ લેનારના નામ એ મંત્રમાં કેવી રીતે લખી શકે. આથી કાતો વેદોમાં ઈતિહાસ નથી કાતો નાભાનેદિષ્ઠ ઋષિ મંત્રોના રચયિતા નથી!

કેટલાંક લોકો એવી દલીલ કરી શકે કે નાભાનેદિષ્ઠ ઋષિ ઘણાં લાંબા સમય સુધી જીવિત રહ્યાં હતા અને આ મંત્રની રચના તેમણે તેમના જીવનના અંતિમ ચરણમાં કરી હતી. પણ આમ હોવું એ પણ શક્ય નથી કારણ કે ઐતરેય બ્રાહ્મણ ૫.૧૪ અનુસાર ગુરુકુળની શિક્ષા પૂર્ણ કરી પાછા આવ્યાં બાદ નાભાનેદિષ્ઠ ઋષિને આ મંત્રોનું જ્ઞાન તેમના પિતા દ્વારા મળ્યું.

નિરુકત ૨.૩ અનુસાર “યદુ” અને “તુર્વશુ” કોઈ ઐતિહાસિક વ્યક્તિ નથી પણ એક પ્રકારના ગુણ દર્શાવતા મનુષ્ય છે.

(૪) ઋગ્વેદ મંડલ ૩ સૂક્ત ૩૩ ના ઋષિ વિશ્વામિત્ર છે. તેમાં “વિપાત શુતુદ્રિ” શબ્દ આવે છે. નિરુકત ૨.૨૪ અને બૃહદ્દદેવતા ૪.૧૦૫-૧૦૬ ની કથાઓ અનુસાર – વિશ્વામિત્ર એ રાજા સુદાસના પુરોહિત હતા અને તે ‘વિપાત’ અને ‘શુતુદ્રિ’ નામક બે નદીઓના સંગમ સ્થાને ગયા. હવે મહાભારત આદિપર્વ ૧૭૭.૪-૬ અને નિરુકત ૯.૨૬ માં વર્ણન છે કે મહર્ષિ વશિષ્ઠ આ નદીઓનું નામકરણ – વિપાત અને શુતુદ્રિ – કર્યું હતું. આ નામકરણ રાજા સુદાસના પુત્ર સૌદાસ દ્વારા મહર્ષિ વશિષ્ઠના બે પુત્રોના વધ કર્યા પછી થયું. આથી જો વિશ્વામિત્રને આ મંત્રોના રચયિતા માનવામાં આવે તો તેમને આ બે નામોનો ઉલ્લેખ મહર્ષિ વશિષ્ઠથી બહુ પહેલાં કેવી રીતે કર્યો?

હકિકત તો એ છે કે મંત્રો વિશ્વામિત્રના સમયથી પહેલાં વિદ્યમાન હતા. અને મંત્રમાં જે “વિપાત શુતુદ્રિ” શબ્દ છે તે કોઈ નદીઓના નામ નથી. ઉલટાનું આ નદીઓના નામ આ વેદ મંત્રમાથી લેવામાં આવ્યાં. વેદ આદિકાળથી જ ઉપલબ્ધ હોવાથી કોઈ વ્યક્તિ કે સ્થાનનું નામ વેદમાંથી લેવામાં આવે તેમાં આશ્ચર્ય પામવા જેવું કઈ નથી. આજે પણ મહાભારત, રામાયણ વગેરેમાં આવેલા શબ્દોથી લોકો પોરના બાળકો કે પછી સ્થાનનું નામ રાખતા હોય છે. ઉદાહરણ તરીકે, રામ, સીતા, શિવાજી પાર્ક વગેરે..

(૫) તૈત્તિરીય બ્રાહ્મણ ૫.૧૪, તૈત્તિરીય સંહિતા ૩.૧.૩ અને ભાગવત ૯.૪.૧-૧૪ માં કથા આવે છે કે મનુએ તેના પુત્ર નાભાનેદિષ્ઠને ઋગ્વેદના દશમાં મંડલના સૂક્ત ૩૧ અને ૩૨ નો પ્રચાર કરવા માટે આજ્ઞા આપી હતી. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે નાભાનેદિષ્ઠના પિતાને પણ આ સૂક્તોનું જ્ઞાન હતું. આમ ભલેને નાભાનેદિષ્ઠને આ સૂક્તોના ઋષિ માનવામાં આવે પણ નાભાનેદિષ્ઠ આ સૂક્તોના રચયિતા તો નથી જ.

(૬) સર્વાનુક્રમણી અનુસાર ઋગ્વેદ ૪.૧૯,૨૨,૨૩ ના ઋષિ “વામદેવ” છે. જ્યારે ગોપથ બ્રાહ્મણ ઉત્તરાર્ધ ૬.૧ અને ઐતરેય બ્રાહ્મણ ૬.૧૮ અનુસાર વિશ્વામિત્ર આ મંત્રોના દ્રષ્ટા હતા અને વામદેવ ઋષિ આ મંત્રોના પ્રચારક હતા. આમ આ બંને ઋષિઓ આ મંત્રોના વિદ્વાન હતા નહીં કે રચયિતા.

(૭) સર્વાનુક્રમણી અનુસાર ઋગ્વેદ ૧૦.૩૦-૩૨ ના ઋષિ “કવષ એલુષ” છે. કૌષીતકિ બ્રાહ્મણ કહે છે કે કવષે “પણ” મંત્ર જાણ્યો. આથી એ વાત સ્પષ્ટ થાય છે કે આ મંત્રોને કવષ સિવાય બીજા અન્ય ઋષિઓ પણ જાણતા હતા. આથી ઋષિને મંત્રના રચયિતા ન માની શકાય.

પ્રતિવાદ ૪: “મંત્રકર્તા” નો અર્થ “મંત્ર રચયિતા” એવો નથી

“કર્તા” શબ્દ “કૃત” થી બને છે અને “કૃત” = ‘કૃંજ +કવિપ્’ (અષ્ટાધ્યાયી ૩.૨.૮૯)

હવે આપણે “કૃંજ”નો અર્થ સમજીએ.

(૧) નિરુકત ૨.૧૧ ઋષિનો અર્થ “દ્રષ્ટા” એવો કરે છે. નિરુકત ૩.૧૧ ઋષિને “મંત્રકર્તા” કહે છે. આમ યાસ્કના નિરુકત અનુસાર “કર્તા” જ “મંત્રદ્રષ્ટા” છે. “કરવું(કર્તા)” અને “જોવું(દ્રષ્ટા)” આ બંને શબ્દો “કૃંજ” ધાતુમાંથી બનેલા છે.

‘કૃંજ’નો આવો જ અર્થ, સાયણ આચર્યે ઐતરેય બ્રાહ્મણ ૬.૧ ના ભાષ્યમાં, ભટ્ટ ભાસ્કરે તૈત્તિરીય આરણ્યક ૪.૧.૧ ના ભાષ્યમાં અને કાત્યાયન ગર્ગ શ્રોતસૂત્ર ૩.૨.૯ ની વ્યાખ્યામાં કરે છે.

(૨) મનુસ્મૃતિમાં મનુ મહારાજે તાણ્ડય બ્રહ્માણ ૧૩.૩.૨૪ ની સમજણ આપી છે. જેમાં મનુ મહારાજ ‘મંત્રકર્તા’ નો અર્થ મંત્રનો ‘અધ્યાપક’ કરે છે. આથી ‘કૃંજ’ ધાતુનો અર્થ ‘ભણાવવું’ એવો પણ થાય છે. સાયણાચાર્ય પણ તાણ્ડય બ્રહ્માણની આ કથામાં ‘મંત્રકર્તા’ નો અર્થ ‘મંત્રદ્રષ્ટા’ જ કરે છે.

(૩) અષ્ટાધ્યાયી(૧.૩.૧) પતંજલિ ભાષ્યમાં ‘કૃંજ’ નો અર્થ ‘સ્થાપના’ અથવા તો ‘અનુસરણ’ છે.

(૪) જૈમિની ઋષિના મીમાંસા શાસ્ત્ર(૪.૨.૬)માં કૃંજ નો અર્થ “સ્વીકારવું” એવો થાય છે.

(૫) વૈદિક કે પછી ઉત્તર વૈદિક સાહિત્યોમાં એવું કોઈ પ્રમાણ નથી મળતું કે જ્યાં “મંત્રકર્તા” કે “મંત્રકાર” કે પછી આના જેવો બીજો કોઈપણ શબ્દ “મંત્રના રચયિતા” માટે સંબોધિત કરાયો હોય.

(૬) સર્વાનુક્રમણી(પરિભાષા ૨.૪)માં સ્પષ્ટપણે કહે છે કે મંત્રના “દ્રષ્ટા” અથવા મંત્રના “જ્ઞાતા” જ તે મંત્રનો ઋષિ છે.

આમ, અવૈદિકદાવા કરનારાઓએ જેટલા પણ સંદર્ભો ઋષિઓને “મંત્રકર્તા” બતાવવા માટે આપેલા છે, એ બધાંનો વાસ્તવમાં અર્થ “મંત્રદ્રષ્ટા” છે.

પ્રાચીન વૈદિક સાહિત્યોમાં “મંત્રદ્રષ્ટા”ના કેટલાંક ઉદાહરણો:

તૈત્તિરીય સંહિતા ૧.૫.૪, ૨.૬.૮, ૫.૨.૧, ઐતરેય બ્રાહ્મણ ૩.૧૯, શતપથ બ્રાહ્મણ ૯.૨.૨.૩૮, ૯.૨.૨.૧, કૌષીતકિ બ્રાહ્મણ ૧૨.૧, તાણ્ડય બ્રાહ્મણ  ૪.૭.૩, નિરુકત ૨.૧૧, ૩.૧૧

સર્વાનુક્રમણી ૨.૧, ૩.૧, ૩.૩૬, ૪.૧, ૬.૧, ૭.૧, ૭.૧૦૨, ૮.૧, ૮.૧૦, ૮.૨૪, બૃહદ્દદેવતા ૧.૧, આર્ષાનુક્રમણી ૧.૧, અનુવાકાનુક્રમણી ૨,૩૯,૧.૧

આશ્ચર્યની વાત એ છે કે જે ગ્રંથોનો સહારો લઇ અવૈદિક લોકો એવો દાવો કરતા ફરે છે કે ઋષિઓએ વેદ મંત્રો બનાવ્યાં હતા, તે જ ગ્રંથોમાંથી ઋષિઓના ‘મંત્રદ્રષ્ટા’ અથવા ‘મંત્રજ્ઞાતા’ હોવાના પ્રમાણો મળે છે. 

સંદેહ:

વેદોમાં આવેલા ‘વિશ્વામિત્ર’, ‘જમદગ્નિ’, ‘ભરદ્વાજ’ જેવા નામો કે જે વેદ મંત્રોના ઋષિઓ પણ હતા અને ઐતિહાસિક વ્યક્તિ પણ. આ વિષે તમારું શું કહેવું છે?

સમાધાન:

આ બધાં જ શબ્દો ઐતિહાસિક પુરુષોના નામ નથી પણ ગુણવાચક નામ છે. ઉદાહરણ તરીકે, શતપથ બ્રાહ્મણમાં આવે છે કે ‘પ્રાણ’નો અર્થ છે ‘વશિષ્ઠ’, ‘મન’ એટલે કે ‘ભરદ્વાજ’, ‘શ્રોત(કાન)’નો અર્થ છે ‘વિશ્વામિત્ર’  વગેરે. ઐતરેય બ્રાહ્મણ ૨.૨.૧ પણ આમ જ કહે છે. ઋગ્વેદ ૮.૨.૧૬ માં કણ્વ નો અર્થ – મેધાવી વ્યક્તિ છે – નિઘન્ટુ (વૈદિક શબ્દકોષ) અનુસાર.

સંદેહ:

એનું શું કારણ છે કે ઘણાં વેદ મંત્રોના ઋષિઓના નામ સ્વયં તે વેદ મંત્રોમાં જ આયા છે?

સમાધાન:

આપણે એ સમજી લઈએ કે કોઈ વ્યક્તિને તેનું નામ ક્યાંથી મળે છે. વ્યક્તિને તેનું નામ કા તો જન્મથી, કા તો તેની પસંદથી, કા તો તેના કાર્યોથી અથવા તો તેની પ્રસિદ્ધિથી મળે છે. મોટા ભાગના મહાપુરુષો તેમના જન્મના નામથી નહીં પણ કર્મના નામથી ઓળખાયા. ઉદાહરણ તરીકે, સુભાષચંદ્ર બોસ “નેતાજી” તરીકે ઓળખાયા, મૂલશંકર “સ્વામી દયાનંદ” નામથી પ્રસિદ્ધ થયા. મોહનદાસ “મહાત્મા” નામથી પ્રસિદ્ધ થયા. “અગ્નિવીર” તરીકે ઓળખાતા લોકોના વ્યક્તિગત નામ ભાગ્યે જ કોઈ જાણતું હશે.

આ જ પ્રમાણે જે ઋષિઓએ જે વિષયોના મંત્રો પર વધુ શોધ કરી તેઓએ તે નામથી પ્રસિદ્ધિ મેળવી.

–   ઋગ્વેદ ૧૦.૯૦ પુરુષ સૂક્તનો – જેમાં વિરાટ પુરુષ અર્થાત પરમેશ્વરનું વર્ણન છે – ઋષિ “નારાયણ” છે, જે પરમેશ્વર વાચક શબ્દ છે.

–   ઋગ્વેદ ૧૦.૯૭ – જેમાં ઔષધિઓના ગુણોનું વર્ણન છે – નો ઋષિ “ભિષક” છે. જેનો અર્થ થાય છે “વૈદ્ય”.

–   ઋગ્વેદ ૧૦.૧૦૧ નો ઋષિ “બુધ:સૌમ્ય” છે – જેનો અર્થ છે બુદ્ધિ અને સૌમ્ય ગુણ યુક્ત – જે આ સૂક્તના વિષયને અનુરૂપ છે.

આપણને આવાં બીજા ઘણાં ઉદાહરણો જોવા મળશે.

વૈદિક ઋષિઓને પોતાના નામની પ્રસિદ્ધિ મેળવવાની લાલસા ન હતી. તેઓ જીવન-મૃત્યુના ચક્રથી ઉપર ઉઠવા માટે પોતાનું જીવન વેદ જ્ઞાનરૂપી અમૃતની શોધમાં સમર્પિત કરી દીધું હતું. આમ આ ઋષિઓ માટે નામ એ તો બસ સામાજિક ઔપચારિકતા માત્ર જ હતા. આમ વૈદિક ઋષિઓના નામ તેમણે જે વિષયોના મંત્રો પર વધુ શોધ કરી હતી તેને અનુરૂપ હતા.

સ્વામી દયાનંદ સરસ્વતીના શબ્દોમાં – જે જે ઋષિઓએ સમાંધિસ્ત થઈને જે જે મંત્રનો અર્થ જાણ્યો અને તે મંત્રોનો પ્રચાર કર્યો તે તે મંત્રો સાથે તે ઋષિઓના નામ જોડાયા. જે લોકો ઋષિઓને મંત્રકર્તા બતાવે છે તે બધાં જ મિથ્યાવાદી છે. ઋષિઓ તો વેદ મંત્રોના ‘અર્થપ્રકાશક’ હતા.

આમ મંત્રોનો રચયિતા એ જ વિરાટ પુરુષ(પરમેશ્વર) છે કે જેણે આ શ્રુષ્ટિ, જીવન, બુદ્ધિ, આ જીજ્ઞાસા અને ક્ષમતા પ્રદાન કરી કે જેથી કરીને આપણે જાણી શકીએ કે “વેદના રચયિતા કોણ છે?”. ભલે ને કોઈ આની સાથે અસહમત હોય પણ વેદના રચયિતા વિષે સૌથી વધુ પ્રમાણિક અને વિશ્વસનીય સ્પષ્ટીકરણ તો આ જ છે.

સંદર્ભ: પંડિત યુધિષ્ઠિર મીમાસંક, પંડિત ધર્મદેવ વિદ્યામાર્તંડ, પંડિત ભગવદત્ત, આચાર્ય વૈદ્યનાથ શાસ્ત્રી, પંડિત શિવ શંકર શર્મા અને અન્ય વૈદિક વિદ્વાનો.

Original post in English is available at http://agniveer.com/who-wrote-vedas/ 

 

[adinserter block="13"]
Previous articleવેદમાં પ્રક્ષેપ કેમ ન થઇ શક્યો?
Next article“વેદ” વિષે આટલું તો જરૂરથી જાણો!
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.