આ લેખમાં આપણે મુક્તિ એટલે કે મોક્ષના સિદ્ધાંતને સમજીશું. સંપૂર્ણ સમજ મેળવવા માટે, વૈદિક ઈશ્વર, આત્મા અને પૂજા, આ ત્રણ લેખ વાંચો.

પ્રશ્ન: મુક્તિ અથવાતો મોક્ષ શું છે?

મુક્તિનો અર્થ થાય છે સ્વતંત્રતા.

પ્રશ્ન: કેવા પ્રકારની સ્વતંત્રતા?

દરેક આત્મા તીવ્રપણે જે મેળવવા ઈચ્છે છે એ સ્વતંત્રતા. બીજા શબ્દોમાં કહીએ તો બધા જ પ્રકારના દુઃખ અને પીડામાંથી મુક્તિ.

પ્રશ્ન: આ સ્વતંત્રતા મળ્યા પછી શું થાય છે?

આ સ્વતંત્રતા મળ્યા પછી આત્મા પરમ આનંદનો અનુભવ કરે છે અને ઈશ્વરની પ્રેરણાં નીચે રહે છે. આ અત્યંત આનંદમય અને સંતોષકારક અવસ્થા છે. ઘણાં લોકો એવું માને છે કે મુક્તિ એ નિંદ્રા જેવી અથવા તો સુષુપ્ત અવસ્થા છે. પરંતુ વાસ્તવમાં મુક્તિ એ નિંદ્રાથી તદ્દન વિરુદ્ધ એવી સર્વોત્તમ સ્તરની ચેતનાની અવસ્થા છે.

પ્રશ્ન: પરંતુ ઈશ્વર તો આમેયપહેલેથી આપણાંમાં જ વસેલો છે. આથી આપણે પહેલેથી જ  ઈશ્વરની પ્રેરણાં નીચે રહીએ છીએ.તો પછી આ મુક્તિ વિષે  એવું તો ખાસ શું છે?

જો તમે આત્મા અને ઈશ્વર વિષે કરેલી પહેલાંની ચર્ચા યાદ કરો તો આપણે એ નિષ્કર્ષ પર આવ્યા હતા કે આત્મા  પાસે ઈચ્છા કરવાની સ્વતંત્રતા હોય છે અને મર્યાદિત જ્ઞાન હોય છે. જેમ જેમ આત્મા તેની ઈચ્છાશક્તિના યોગ્ય ઉપયોગથી અજ્ઞાનતા દૂર કરતી રહે છે, તેમ તેમ આત્મા વધારે અને વધારે આનંદ મેળવતી રહે છે અને શ્રુષ્ટિ-સર્જનના ઉદ્દેશની સાથે સુમેળ થઇ કાર્ય કરે છે.  આથી આત્મા દરેક રીતે ઈશ્વરનું  અનુકરણ કરે તે ખુબ જ જરૂરી છે. અને એ પણ જરૂરી છે કે આત્મા શ્રુષ્ટિ-સર્જનના કુલ ઉદ્દેશ સાથે સહયોગી બની તે પ્રમાણે કર્યો કરે.

જીવનનો ઉદ્દેશ આત્માને એવા કાર્યો કરવા માટે સક્ષમ બનાવવાનો છે કે જે કાર્યો આત્માને શ્રુષ્ટિ-સર્જનના ઉદ્દેશની સાથે સુમેળમાં આવવા મદદ કરે. જયારે આ સુમેળ તેની ચરમ સીમાએ પહોચે છે ત્યારે આત્માને જન્મ લેવાનું કોઈ કારણ બાકી રહેતું નથી. આથી આત્મા જન્મ-મરણ અને સુખ-દુઃખના ચક્રમાંથી મુક્ત થઇ પરમ આનંદ મેળવે છે.

આમ, મુક્તિનો અર્થ શ્રુષ્ટિ-સર્જનના ઉદ્દેશની સાથે સુમેળમાં રહી કાર્યો કરવા એવો થાય છે. ઈશ્વર આપણી આજુ-બાજુ અને આપણી અંદર વસેલો છે અને આપણને હંમેશા પ્રેરણાં આપતો જ રહે છે. પરંતુ  જયારે આપણને આ વાતનું ભાન થાય અને આપણે એ પ્રમાણે કાર્યો કરીએ ત્યારે જ મુક્તિ મળે છે.

પ્રશ્ન: આ ક્ષણે આપણને મુક્તિ મેળવતા કોણ રોકી રહયું છે? ઈશ્વર આપણી મુક્તિ હમણાં જ કેમ મંજુર નથી કરી દેતો?

બીજા પ્રશ્નનો પહેલાં જવાબ આપું છુ: ઈશ્વર હંમેશા શ્રેષ્ઠત્તમ કાર્ય જ કરે છે. ઈશ્વર નિયમહીન વર્તન કરતો નથી. અજ્ઞાનતાને દૂર કરીને મુક્તિ મેળવી એ આત્માની પ્રકૃતિ છે. અને સત્કર્મો એ અજ્ઞાનતા દૂર કરવા માટેનો એક માત્ર રસ્તો છે. આપણને જન્મ લેવાની તક મળે અને યોગ્યતા પ્રમાણે ઉત્તમ વાતાવરણ મળે એ જ સત્કર્મો કરતા રહેવાનો એક માત્ર રસ્તો છે. અને જ્યાં સુધીઆપણે સત્કર્મોકરવામાં નિપુણ થઇ મુક્તિ ન મેળવી લઈએ ત્યાં સુધી ઈશ્વર આ ચક્ર ચાલું જ રાખે છે.  આમ ઈશ્વર આપણને ઝડપથી મુક્તિ મળે એટલા માટે ઉત્તમ રીતે કાર્ય કરતો રહે છે.

પહેલાં પ્રશ્નનો જવાબ: ચાલો આત્માની લાક્ષણિકતાઓની સરખામણીમાં ઈશ્વર અને પ્રકૃતિની લાક્ષણિકતાઓ જોઈએ.   

પ્રકૃતિ સત્(Sat) છે. – અસ્તિત્વ ધરાવે છે.

આત્મા સત્ અને ચિત્ (Sat and Chit) છે – અસ્તિત્વ ધરાવે છે અને ચેતન છે.

ઈશ્વર સત્ચિત્ અને આનંદ(Sat, Chit and Anand) છે –  અસ્તિત્વ ધરાવે છે, ચેતન છે અને પરમ આનંદનો સ્ત્રોત્ર છે.

જેને આપણે સચ્ચીદાનંદ કહીએ છીએ.

હવે આત્મા સહજતાથી આનંદ ધરાવતી નથી. આત્માએ પ્રયત્નો દ્વારા આનંદ તરફ આગળ વધવું પડે છે. હવે જ્યારે ઈશ્વર જ આનંદનો સ્ત્રોત છે આથી આત્માએ ઈશ્વર તરફ આગળ વધવું પડે છે.

આ વૈદિક તત્વજ્ઞાનનો બીજો પાયાનો સિદ્ધાંત છે જ્ઞાન = આનંદ”

 ઈશ્વર પરમ જ્ઞાની હોવાથી, તે પરમ આનંદનો સ્ત્રોત્ર છે.

 પણ આત્મા પાસે મર્યાદિત શક્તિ અને મર્યાદિત જ્ઞાન છે.આત્માનીઆ મર્યાદા, ઈશ્વર દ્વારા સંચાલિત કર્મના સિદ્ધાંત અનુસાર, આત્માએ કરેલા કર્મ પ્રમાણે બદલાતી રહે છે.

આમ આત્મા સત્કર્મો દ્વારા પોતાનું જ્ઞાન વધારી પોતાની મર્યાદાઓ દૂર કરે એ જ આનંદ મેળવવા માટેનો એક માત્ર રસ્તો છે.

આ સમગ્ર પ્રક્રિયા નીચે પ્રમાણે થાય છે.

૧. કર્મો એ સંસ્કારનું સર્જન કરે છે અને સંસ્કાર આત્માની શક્તિની સીમા નક્કી કરે છે. તમે જે ક્ષણે કોઈ કાર્ય કરો એ જ ક્ષણે સંસ્કારનું સર્જન થાય છે. તમારા સંસ્કાર એક સરખી પરિસ્થિતિઓમાં એકખાસ પ્રકારનું કાર્ય વારંવાર કરવાની તમારી વધતી જતી સંભાવનાનું સુચન છે.  

 આમ, તમે જો કોઈ ખોટું કાર્ય કરો છો – છેતરપીંડી કરવી, કોઈનો ધીક્કાર કરવો વગેરે – ત્યારે આવા ખરાબ કાર્યો કરવાની તમારી સંભાવના વધે છે. આ તમારી શક્તિની સીમા ઓછી કરે છે અને આથી તમે વધારે અજ્ઞાની બનો છો અને ઓછો આનંદ મેળવો છો. આમ તમે મુક્તિથી દૂર જાઓ છો.

 પરંતુ, તમે જયારે કોઈ સારું કાર્ય કરો છો – દયા દાખવવી, સત્યનો જ સ્વીકાર કરવો, ઉચ્ચ ચરિત્ર જાળવવું વગેરે –  ત્યારે આવા સારા કાર્યો કરવાની તમારી સંભાવના વધે છે. આવું થવાથી તમને વધારે જ્ઞાન મળે છે અને તમે વધુ આનંદ મેળવો છો. આમ તમે મુક્તિની વધારે નજીક જાઓ છો.

૨. આ પ્રક્રિયામાં દરેકેદરેક કાર્યનો (વિચારો અને લાગણીઓ સહીત) સમાવેશ થાય છે. એ વાત યાદ રાખો કે જયારે તમે કોઈ કાર્ય પહેલી વાર જ કરો છો તો પણ તે કાર્ય ફરી કરવાની સંભાવનાની સાથે સાથે તમારા વધારે હોશિયાર કે મૂર્ખ બનવાની સંભાવના પણ વધે છે.

૩. એક સામાન્ય આત્મા દરેક ક્ષણે સારા અને ખરાબ કર્મોની વચ્ચે ડોલતી રહે છે. તે થોડાં સારા કર્મો કરે છે અને પછી થોડાં ખરાબ કર્મો કરે છે. આમ થવાથી તે આત્માને મુક્તિ મળવામાં બહુ વાર લાગે છે.

૪. પરંતુ સાચો યોગી તેની ઈચ્છાશક્તિના ઉપયોગથી કોઈપણ ખરાબ કર્મ ન કરી, સચેત રહી, હંમેશા સત્કર્મો જ કરે છે. આમ થવાથી તેના ખરાબ કર્મો કરવાના જુનાં સંસ્કારો નબળા પડતા જાય છે અને તેનું સ્થાન સારા સંસ્કારો લે છે. અને ધીરે ધીરે યોગી ખરાબ સંસ્કારોના બધા જ બીજ બાળી નાંખે છે. આમ થવાથી યોગી કોઈપણ સંજોગોમાં ખરાબ કાર્યો કરતો નથી. આમ યોગી ખરાબ સંસ્કારોના બધા જ બીજ બાળી નાંખે છે અને તે ખરાબ કર્મો કરાવતા સંસ્કારોની જાળમાંથી મુક્ત થાય છે. આમ યોગી એક સૈનિકની જેમ પીછેહઠ કર્યા વિના મુક્તિ તરફ આગળ વધતો રહે છે.

 તે ઈશ્વરને સંપૂર્ણપણે સમર્પિત થઇ જાય છે અને ઈશ્વરરૂપી સંપૂર્ણ આનંદ મેળવે છે.

ખરાબ સંસ્કારોના બધા જ બીજ બાળી નાંખવાની આ પ્રક્રિયા ઉત્સાહ અને આત્મવિશ્વાસથી કરેલો સતત અભ્યાસ અને ઈશ્વરમાં શ્રદ્ધા, એ બંને માંગી લે છે.

આપણી ઈચ્છાશક્તિ દ્વારા આ સમગ્ર પ્રક્રિયાનું નિયંત્રણ થતું રહે છે.

 મોટા ભાગના લોકો પોતાની ઈચ્છાશક્તિનો સાચી દિશામાં ઉપયોગ કરવાનું ટાળે છે અને આથી તેઓ કઠપૂતળીની જેમ પરિસ્થિતિઓને આધીન થયેલા રહે છે. આથી તેઓ પોતે જ પોતાની પ્રગતિ અવરોધે છે. યોગીઓ આનાથી વિરુદ્ધ રીતે કાર્ય કરે છે.

આથી જ ગીતામાં કહયું છે કે સામાન્ય મનુષ્ય માટે જે દિવસ છે તે યોગી માટે રાત છે અને સામાન્ય મનુષ્ય માટે જે રાત છે તે યોગી માટે દિવસ છે.

જેટલી વધારે દ્રઢતાથી તમે તમારી ઈચ્છાશક્તિનો ઉપયોગ કરશો, તેટલી વધારે ઝડપથી તમને મુક્તિ મળશે. 

 પ્રશ્ન: મુક્તિ મેળવવા માટે જ્ઞાન જરૂરી છે. તો શું એનો એ અર્થ છે કે મુક્તિ મેળવવા માટે આ વિશ્વમાં જે શક્ય છે તે બધાનું જ્ઞાન હોવું જોઈએ?

તમે ઈચ્છો તો પણ તમે બધું જાણી ન શકો. કારણ કે તમે ઈશ્વર નથી.

અહીં અમે આત્મજ્ઞાનની અનુભૂતિની વાત કરી રહ્યાં છીએ અને નહિ કે આ દુનિયાના ભૌતિક જ્ઞાનની. આથી અમે અહીં સહજ જ્ઞાન તરફ લઇ જતા સિદ્ધાંતની વાત કરી રહ્યાં છીએ અને નહિ કે ગોખણીયું જ્ઞાન.

જયારે કોઈ સિદ્ધાંતને સમજવામાં મદદરૂપ થાય ત્યારે જ ગોખણીયું જ્ઞાન ઉપયોગી અને મદદરૂપ છે.

 યજુર્વેદ ૪૦.૧૪ આ વાતને ખુબ જ સુંદર રીતે સંક્ષિપ્ત કરે છે: જે વ્યક્તિ વિદ્યા અને અવિદ્યાના સિદ્ધાંતને સ્પષ્ટપણે સમજે છે તે પોતાને કર્મો દ્વારા મૃત્યુના બંધનમાથી મુક્તિના પરમ આનંદ તરફ જાય છે.

 પ્રશ્ન: તમારા મતે જ્ઞાન અને અજ્ઞાન શું છે?

યોગ દર્શન ૨.૫ આ સિદ્ધાંતને ખુબ જ સુંદર રીતે સમજાવે છે:

તે કહે છે કે વિદ્યા અને અવિદ્યા ચાર પ્રકારની હોય છે.

૧. જે ક્ષણિક છે તેને કાયમી સમજવું, અને જે કાયમી છે તેને ક્ષણિક સમજવું.

ઉદાહરણ તરીકે, એમ માનવું કે આપણું શરીર અને આ દેખીતું વિશ્વ કાયમ રહેવાનું છે અને કાયમ રહેતા એવા આત્મા અને ઈશ્વરને ક્ષણિક સમજવા એ અજ્ઞાનતા છે. મોટા ભાગના લોકો આવુ માનીને જ કાર્યો કરે છે અને આથી તેઓ અવિદ્યામાં જકડાયેલા રહે છે.

૨. જે શુદ્ધ છે તેને અશુદ્ધ ગણવું અને જે અશુદ્ધ છે તેને શુદ્ધ ગણવું.

ઉદાહરણ તરીકે, રક્ત અને મળ-મૂત્રથી ભરેલા આપણાં શરીરને શુદ્ધ ગણી તેની તરફ વાસના, મોહ કે આકર્ષણ હોવું, અને સત્ય, બ્રમ્હચર્ય, લાગણી, આત્મસંયમ જેવા ગુણોને અશુદ્ધ સમજવા.

૩. જે દુ:ખ છે તેને સુખ સમજવું અને જે સુખ છે તેને દુ:ખ સમજવું.

ઉદાહરણ તરીકે, વાસના, ગુસ્સો, લોભ, ભ્રમ, મોહ, ઈર્ષ્યા, શોક, પસ્તાવો, દ્વેષ, આળસ, અજ્ઞાનતા વગેરે આપણને સુખ આપશે એવી ખોટી આશા રાખીને કાર્યો કરવા. અને આત્મસંયમ, દયા-કરુણા, શાંતિ, ઉદ્યમશીલતા, નિષ્ઠા, સાદગી જેવા ગુણો દુ:ખના મૂળ કારણો છે તેમ માની તેમને ગ્રહણ ન કરવા.

૪. જે ચેતન છે તેને જડ સમજવું અને જે જડ છે તેને ચેતન સમજવું.

ઉદાહરણ તરીકે, શરીર અને મનને ચેતન સમજવા. અને ચેતન એવી આત્મા અને ઈશ્વરની અવગણના કરવી.

અવિદ્યાનો વિરોધી શબ્દ વિદ્યા(જ્ઞાન) એવો થાય છે.

જયારે વિદ્યા સ્પષ્ટપણે ગ્રંથિત થઇ જાય છે ત્યારે આત્માને જન્મ અને મૃત્યુના બંધનમાં રહેવાની કોઈ જરૂર રહેતી નથી. આથી આત્મા સંપૂર્ણ સ્વંત્રત બને છે અને મુક્તિ એટલે કે અપાર આનંદ મેળવે છે.    

પ્રશ્ન: તમારા મતે દુ:ખ અથવા તો પીડાનો અર્થ શો થાય છે?

યોગ દર્શન ૨.૩-૯ દુ:ખને તેના કારણો સહીત સંક્ષિપ્તમાં સમજાવે છે.

તે કહે છે ૫ પ્રકારના કલેશ અથવા તો દુઃખ હોય છે.

૧. અવિદ્યા(Ignorance):  અવિદ્યા એટલે કે અજ્ઞાનતા એ બીજા બધા જ દુઃખોનું મૂળ છે. બીજા બધા જ પ્રકારના દુ:ખો અજ્ઞાનતાને કારણે પેદા થાય છે.

૨. અસ્મિતા(Ego):એવું માનવું કે આપણે જ મન, બુદ્ધિ અને શરીર છીએ અને તેના પર ખોટું અભિમાન હોવું અને સર્વોપરીતા અથવા તો લઘુતા ગ્રંથી હોવી. અભ્યાસ, વિવેક અને વૈરાગ્યથી આ અજ્ઞાનતાનો નાશ કરવો જ જોઈએ.

૩. રાગ(Attachment): ઇન્દ્રિયો દ્વારા ભોગ કરી આનંદ મેળવવાની વૃત્તિ હોવી અને આમ કરવાનો લોભ હોવો.

૪. દ્વેષ(Repulsion): જે સંજોગો કે વસ્તુઓએ આપણને ભૂતકાળમાં દુઃખ આપ્યું છે તેના માટે તિરસ્કાર હોવો.

૫. અભિનિવેષ((Fear of Death): અમર રહેવાની તીવ્ર અભિલાષા હોવી. દરેક જીવને – કીડીથી માંડીને ખુબ જ બુદ્ધિશાળી વિદ્વાનો – મૃત્યુનો ડર હોય છે. અને પોતાને મૃત્યુનો સામનો ન કરવો પડે તે માટે હંમેશા પ્રયત્ન કરતા રહે છે. અહીં જ પુનઃજન્મનું પ્રમાણ મળે છે. જયારે મનુષ્ય એ વાત સમજી લે કે માત્ર શરીર જ મૃત્યુ પામે છે અને આત્મા ઈશ્વરના આશીર્વાદથી સદા સુરક્ષિત રહે છે ત્યારે આ દુઃખનો નાશ થાય છે.

પ્રશ્ન: તો આપણે મુક્તિ કે મોક્ષ કેવી રીતે મેળવી શકીએ?  

મુક્તિના સિદ્ધાંતને અને તેના તથ્યને અમે અગાઉ સમજાવી દીધો છે. પણ ટૂંકમાં કહીએ તો, મુક્તિ નીચે જણાવ્યા પ્રમાણે વર્તવાથી મેળવી શકાય છે.

૧. “આત્માના અવાજ” રૂપી ઈશ્વરના માર્ગદર્શનને અનુસરીને અને અહંમુક્ત સત્યની શ્રેષ્ઠ સમજ કેળવીને.

૨. પાપ, ગુન્હાઓ, ગુસ્સો, હતાશા, રંજ, ખરાબ સંગત, ખરાબ આદતો, નશો, વ્યસન જેવી ખરાબ વૃતીઓથી દૂર

રહીને.

૩. સચેત રીતે સત્યની શોધ કરવાથી, દયા દાખવવાથી, વિશ્વનું ભલું ચાહવાથી, શિસ્તબદ્ધ રહેવાથી, સ્વસ્થ રહેવાથી, ઈશ્વરની પૂજા કરવાથી, ધ્યાન કરવાથી અને આ માટે બનતો એવો બધો જ પ્રયત્ન કરવાથી.

૪. પ્રમાણિક અને નિખાલસ રહી પક્ષપાતી ન બનવાથી.

૫. ઈશ્વર દ્વારા નિયોજીત કરેલી સમાજ અને વિશ્વ તરફની આપણી જવાબદારીઓ માંથી ભાગી ન છૂટવાથી.

આપણે પાછળથી આ વિષે ઊંડાણમાં ચર્ચા કરીશું. પણ અત્યાર સુધી આપણે જે કઈપણ ચર્ચા કરી તે પરથી સમજુ માણસ  ભવિષ્યનો માર્ગ સમજી શકે છે.

પ્રશ્ન: મુક્તિ મળ્યા પછી આત્માનું શું થાય છે? શું તે સમુદ્રમાંના પાણીની બુંદની જેમ તેની ઓળખ ખોઈ બેસે છે?

જો આત્મા તેની ઓળખ કાયમ માટે ગુમાવતી હોત તો આ ક્યારનુંય બની ગયું હોત અને આપણે આજે અરસપરસ એકબીજા સાથે ક્રિયા-પ્રતિક્રિયા ન કરી રહ્યાં હોત. હવે સમયની કોઈ શરૂઆત નથી. આથી અનંત સમય પસાર થવા છતાં આપણે આપણી ઓળખ ગુમાવી નથી. આથી ભવિષ્યમાં આપણે આપણી ઓળખ ખોઈ દઈશું તેની શક્યતા સંપૂર્ણ શૂન્ય છે.

જે રીતે અગ્નિની મોટી જ્વાળામાં લોખંડનો ગરમ ટુકડો નાની અગ્નિની જ્વાળા બની જાય છે, તેવી રીતે મુક્તિ મળ્યા પછી આત્મા ઈશ્વરીય આનંદમાં સંપૂર્ણપણે ડૂબેલી રહી તેની ઓળખ જાળવી રાખે છે. આપણે કોઈ મનગમતા કામમાં મગ્ન હોઈએ ત્યારે સ્વયમને ભૂલી જઈએ છીએ. આવી જ રીતે આત્મા પણ મુક્તિ મળ્યા પછી ઈશ્વરમાં લીન થઇ જાય છે પણ આત્માની ઓળખનો સંપૂર્ણ નાશ થતો નથી.

પ્રશ્ન: મુક્તિની અવસ્થામાં આત્મા ક્યાં રહે છે?

મુક્તિ મળ્યા પછી આત્મા સર્વવ્યાપી ઈશ્વરમાં રહે છે. આ અવસ્થામાં શ્રેષ્ઠ જ્ઞાન ધરાવતા એવા ઈશ્વરના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ હોવાથી, આત્માને તેના સ્થાન અને અવરજવર માટે કોઈ બંધન હોતા નથી.

પ્રશ્ન: મુક્તિ સમયકાળ દરમિયાન શું આત્માને શરીર હોય છે?

ના. આત્મા માટે શરીરની હવે કોઈ જરૂર રહેતી નથી. માત્ર મુક્તિ તરફ આગળ વધવા માટે જ શરીરની જરૂર પડે છે, મુક્તિ મળ્યા પછી નહિ.

પ્રશ્ન: શરીર વગર આત્મા ઈશ્વરીય આનંદ કેવી રીતે માંણી શકે?

મુક્તિ મળ્યા પછી પણ શારીરિક ઈન્દ્રિયોને ઉપયોગમાં લાવતી એવી આત્માની મૂળ શક્તિ આત્મા પાસે જ રહે છે. આત્મા માત્ર ઈચ્છાશક્તિથી જ સાંભળી શકે છે, સ્પર્શ કરી શકે છે, જોઈ શકે છે, સ્વાદ માંણી શકે છે અને વિચારી શકે છે. જેણે મુક્તિ મેળવવા માટે બધી જ મર્યાદાઓ તોડી નાખી હોય તેના માટે મુક્તિ મેળવ્યા પછી શરીર રૂપી મર્યાદાની જરૂર રહેતી નથી. વધારે માહિતી માટે વેદાંત ૪.૪.૧૦-૧૨,, કઠ ઉપનિષદ ૨.૩.૧૦ અને છાન્દોગ્ય ઉપનિષદ ૮.૭.૧, ૮.૧૨.૫-૬, ૮.૧૨.૧ નો સંદર્ભ કરો.

પ્રશ્ન: શું મુક્તિ કાયમી અથવા તો અનંતકાળ માટે છે?

ના. મુક્તિ કાયમી નથી. જો મુક્તિ કાયમી હોત તો આપણે બધાએ ક્યારનીય મુક્તિ મેળવી લીધી હોત અને આ પૃથ્વી પરની કોઈપણ આત્મા મુક્તિ મેળવવા માટે પ્રયાસ ન કરી રહી હોત. આમ તો શ્રુષ્ટિ સર્જનની સમગ્ર પ્રક્રિયા નિરર્થક નીવડે.

અને જો અત્યાર સુધીમાં આપણે મુક્તિ મેળવવા માટે અસમર્થ રહ્યાં તો, ભવિષ્યમાં મુક્તિ મેળવવાનું પણ અશક્ય બની જાય.

કારણ કે આત્મા અજન્માં છે અને સમયની કોઈ શરૂઆત નથી. વેદો, ગીતા, ઉપનીષદો જેવા ગ્રંથો પ્રમાણે આપણે અનંતકાળથી અસ્તિત્વમાં છીએ. જો આપણે અનંતકાળથી મુક્તિ નથી મેળવી શકતા, તો આપણે ક્યારેય મુક્તિ ન મેળવી શકીએ.

આથી, મુક્તિનો સમયગાળો પુરો થયા પછી આત્મા આ વિશ્વમાં પાછી આવે છે અને મુક્તિ તરફની તેની મુસાફરી ફરીથી શરુ કરે છે.આમ મુક્તિ એ કાયમી નથી.  

મુક્તિ અવસ્થાનો સમયગાળો મનુષ્યના આયુષ્યની સરખામણીમાં ખુબ જ વધારે હોય છે. મુણ્ડક ઉપનિષદ પ્રમાણે, મુક્તિનો સમયગાળો ૩૬,૦૦૦ શ્રુષ્ટિ સર્જનના ચક્ર બરાબર હોય છે. અને શ્રુષ્ટિ સર્જનનું એક ચક્ર એટલે ૪૩.૨ x ૨૦૦૦ લાખ વર્ષ.

જયારે ગ્રંથો એવું કહે છે કે મુક્તિ અનંતકાળ સુધી છે, ત્યારે તેઓ એ સૂચવે છે કે જ્યાં સુધી મુક્તિનો આ સમયગાળો પૂર્ણ થતો નથી ત્યાં સુધી આત્મા જીવન અને મૃત્યુના ચક્રના બંધનમાં આવતી નથી.

પ્રશ્ન: મુક્તિ કાયમી હોતી નથી તેનું કોઈ વેદોં માંથી પ્રમાણ મળે છે?

ઋગ્વેદ ૧.૨૪.૧-૨:

પ્રશ્ન: કોણ અતિ શુદ્ધ છે? આ વિશ્વમાં કોણ સૌથી વધુ તેજસ્વી છે? આપણને મુક્તિ રૂપી ઉત્તમ આનંદની ભેટ આપ્યા પછી આ વિશ્વમાં ફરી વાર આપણને માતા-પિતા કોણ આપે છે?

ઉત્તર: સ્વયમ તેજસ્વી, અનંત, હંમેશા મુક્ત એવો ઈશ્વર જ અતિ શુદ્ધ છે. માત્ર તે જ આપણને મુક્તિ રૂપી ઉત્તમ આનંદની ભેટ આપ્યા પછી આ વિશ્વમાં ફરી વાર માતા-પિતા આપે છે.

શંકરાચાર્યએ તેમના ગ્રંથ, છાન્દોગ્ય ઉપનિષદ (૮.૧૫.૧ અને ૪.૧૫.૧)માં કહયું છે કે, જ્યાં સુધી મુક્તિનો સમયગાળો પુરો ન થાય ત્યાં સુધી આત્મા બ્રહ્મલોકમાં જ રહે છે. ૬.૨.૧૫ ના વર્ણનમાં તે કહે છે કે આત્મા મુક્તિ અવસ્થામાં ઘણાં વર્ષો (Samvastara) રહે છે. શતપથ બ્રાહ્મણ ૧૪.૬.૧.૧૮ તે વિગતવાર ખુલાસો કરે છે કે  “જો આત્મા મુક્તિ મેળવ્યા પછી વિશ્વમાં પાછી ન આવે તો મંત્રમાનો “Iha” શબ્દનો કોઈ અર્થ ન રહે.”

 પ્રશ્ન: મુક્તિ કાયમી હોય છે તે માન્યતા કેટલી ખામીયુક્ત છે?

૧. ઉપર જણાવ્યા પ્રમાણે તે વેદોની વિરુદ્ધ છે.

૨.. આત્મા અજન્માં હોવા છતાં અને તે અનંતકાળથી અસ્તિત્વ ધરાવતી હોવા છતાં પણ જો મુક્તિ ન મેળવી શકે, તો પછી જો મુક્તિ કાયમી હોત, તો મુક્તિ મેળવવી આપમેળે જ અશક્ય બની જાય. મુક્તિ રહિત અવસ્થામાં આપણું અસ્તિત્વ એ વાતની સાબિતી છે કે મુક્તિ કાયમી હોતી નથી.

૩. આત્માના કર્મો મર્યાદિત છે અને મર્યાદિત કર્મોના ફળ અમર્યાદિત ન હોય શકે.

૪. જો મુક્તિ કાયમી હોત તો બધી જ આત્માઓને મુક્તિ મળ્યા પછી આ વિશ્વમાં કોઈપણ આત્મા બાકી ન રહે અને વિશ્વનો અંત આવી જાય. વળી આત્મા અજન્માં હોવાથી નવી આત્માઓનું સર્જન પણ ન થઈ શકે. અને જો નવી આત્માઓનું સર્જન કરવામાં આવે તો તેમનો નાશ પણ અટળ બની જાય.

૫. જો મુક્તિ ચક્રીય ન હોત તો મુક્તિ એક એવું કેદખાનું બની જાય કે જ્યાંથી કોઈ પાછુ ન આવી શકે.

૬. જો આ મુક્તિ રૂપી આનંદ અનંતકાળ સુધી હોય તો આનંદનું મૂલ્ય પણ ધીરે ધીરે ઓછું થતું જાય. એ વાતની નોંધ લો કે આત્મા એ ઈશ્વર નથી અને આથી તે અનંત સમય સુધી આનંદનો સમાવેશ કરવા માટે સક્ષમ નથી. આત્માની આનંદ માણવાની ક્ષમતા પણ મર્યાદિત છે. આથી આત્મા મુક્તિનો સમયગાળો પુરો થયા પછી આ વિશ્વમાં પાછી આવે તે જ તેના માટે શ્રેષ્ઠ ન્યાય છે.

પ્રશ્ન: જો મુક્તિનો સમયગાળો પુરો થાય પછી પાછું જ આવવાનું હોય તો પછી મુક્તિ મેળવવા માટે શા માટે પ્રયત્નો કરવા જોઈએ? આમેય મુક્તિ પણ કાયમી નથી!

આત્મા મર્યાદિત ક્ષમતા અને જ્ઞાન ધરાવે છે. આથી જો કોઈ વસ્તુ આત્માની ક્ષમતાથી વધારે ચડિયાતી અને ઘણાં લાંબા સમય સુધી હોય તો તે ક્ષણિક ન કહેવાય.

આ પૃથ્વી પર આપણે એક કલાક, એક દિવસ, થોડા મહિનાઓ કે વર્ષો ખુશ રહેવા માટે ખુબ જ પ્રયત્નો કરીએ છીએ. માત્ર ૧૦૦ વર્ષના આપણાં જીવન માટે આપણે ઘણું બધું આયોજન કરીએ છીએ. આપણે આજે ખાધું હોય તો પછી કાલે ક્યારે ખાઈશું તેનું પણ આયોજન કરી લઈએ છીએ.

હવે જો આપણે આવા ટૂંકા ગાળાના લક્ષ્યોને મેળવવા માટે પ્રયત્ન કરી શકતા હોઈએ તો આવી ખુબ જ લાંબા સમયગાળાની અકલ્પનીય આનંદ આપનારી મુક્તિ માટે કેમ પ્રયત્ન ન કરવો જોઈએ?

પ્રશ્ન: બરાબર છે. પણ મુક્તિ માટેનો મારો સિદ્ધાંત અલગ છે. જેમ કે, મને હજી પણ માનવામાં આવતું નથી કે મુક્તિ કાયમી નથી. હું એવું માનું છું કે આત્મા અને ઈશ્વર એક જ છે. મને બીજા મતભેદો પણ છે. તો મારે શું કરવું જોઈએ?

૧. આવા સિદ્ધાંતો કે ઉચ્ચ કક્ષાનું જ્ઞાન ઘણું જ મન-નિયંત્રણ માંગી લે છે. તેમાં ઉદ્દભવતા મોટા ભાગના મતભેદોનું કારણ આ સિદ્ધાંતોને સમજાવવા માટે વપરાયેલા શબ્દો અને રૂપકોમાં રહેલી ભિન્નતા છે.

૨. મુક્તિ વાસ્તવમાં કેવી હોય છે એ તો મુક્તિ મળ્યા પછી જ સ્પષ્ટપણે સમજી શકશે. પણ એ વાત ખુબ જ સ્પષ્ટ અને નિશ્ચિત છે કે – આપણને દેખાતું આ વિશ્વ બધું જ નથી. આનાથી પરે પણ કંઇક છે અને આપણું અસ્તિત્વ આ વર્તમાન જીવન અને મૃત્યુથી પરે પણ છે. આથી મુક્તિ મેળવવા માટે દરેકે પ્રયત્ન કરવો જ જોઈએ.

૩. પ્રયત્નો દ્વાર સ્વયમની અનુભૂતિ થયા પછી જ આપણે આ સત્યને આગળ વધારે સમજી શકીશું.

આથી તમારા મત ભિન્ન હોય તો પણ કોઈ ફરક પડતો નથી. મુક્તિના સિદ્ધાંત વિષે આપણે ભલે ગમે તે વિચારતા હોઈએ પરંતુ મુક્તિ મેળવવા માટે જરૂરી ફરજો અને જવાબદારીઓ આપણાં બધા માટે એક સરખી જ છે. – પ્રયત્નો દ્વારા અજ્ઞાનતા દુર કરવી.

આથી આગળ વધવા માટેનો માર્ગ આપણાં બધા માટે એક સરખો જ છે ભલેને પછી નિર્ધારિત લક્ષ્ય વિશેના આપણાં વિચારો અલગ અલગ હોય.

જે કઈપણ હશે તે આપણાં બધા માટે શ્રેષ્ઠ જ હશે આથી ચાલો આપણાં સહિયારા માર્ગ પર આગળ વધીએ.

પ્રશ્ન: શું મુક્તિ માત્ર એક જ જન્મમાં મળી જાય છે કે પછી તેના માટે ઘણાં જન્મો લેવા પડે છે?

મુક્તિ મેળવવા માટે ઘણાં જન્મો લેવા પડે છે. કારણ કે દરેક ખરાબ સંસ્કાર દુર થાય તે માટે પુરતા સમય અને પ્રયત્નોની જરૂર પડે છે. હવે આપણને એ વાતની ખબર હોતી નથી કે આપણે આ માટે અગાઉથી કેટલા જન્મો લઇ ચુક્યા છે, આથી આપણે આ જન્મમાં જ મુક્તિ મેળવવા માટે શ્રેષ્ઠ પ્રયત્નો કરવા જોઈએ. આમેય પ્રયત્નનોની તીવ્રતાની ગણતરી આપણાં કર્મોમાં સૌથી વધારે થાય છે.

પ્રશ્ન: જો આપણે એક કરતા વધારે જન્મો લઈએ છીએ તો પછી આપણને આ જન્મો યાદ કેમ નથી હોતા?

૧. આત્મા મર્યાદિત જ્ઞાન ધરાવે છે અને આથી મગજમાં સંગ્રહ થયો હોય તેનાથી વધારે યાદ રાખી શકતી નથી. પાછલા જન્મની વાત જવા દો, આપણને ગર્ભમાં આપણો વાસ, આપણું બાળપણ, વર્ષો પહેલાં જોયેલા સપનાં અને કરેલા કાર્યો એમાનું કશું જ યાદ હોતું નથી. હવે હું તમને એવું પુછું કે તમારા જન્મના ૧૨ વર્ષ પછી, ચોથા મહિનાની ત્રીજી તારીખના ત્રણ કલાક અને પાંચ મીનીટે તમે શું કર્યું હતું કે તમે શું વિચાર્યું હતું? તો તમે એનો જવાબ નહિ આપી શકો. તમને તો થોડા કલાકો પહેલાંના તમારા બધા વિચારો પણ યાદ નહિ હોય. તો શું એનો અર્થ એ થાય કે તે સમયે તમારું અસ્તિત્વ ન હતું?

૨. આપણને આપણો પાછલો જન્મ યાદ નથી રહેતો અને દરેક નવા જન્મમાં આપણને નવેસરથી કામ કરવાની તક મળે છે એ માટે આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ. આપણે જીવનમાં આપણાં વિચારો અને કર્મોથી અને દુ:ખદ ઘટનાઓથી એટલા નિરાશ થઇ જઈએ છીએ કે આપણે તેમને ભૂલી જવા માંગીએ છીએ. તો જરા વિચાર કરો કે જો આપણને પાછલા બધા જ જન્મો યાદ રહેતા હોત તો આપણે ખાલી તેમને યાદ રાખીને જ મૃત્યુ પામ્યા હોત!

આથી આપણાં પાછલા જન્મોને યાદ રાખવા એ ઈશ્વરનું કામ છે. આપણું કામ આપણી ઈચ્છાશક્તિના ઉપયોગથી સત્કર્મો કરી અજ્ઞાનતા દુર કરવાનું છે.

પ્રશ્ન: આપણને આપણાં પાછલા કર્મો યાદ ન હોવા છતાં ઈશ્વર આપણને તેના માટે સજા શા માટે કરે છે?

તમને જયારે તાવ આવે છે ત્યારે તમે નિદાન માટે ડોક્ટર પાસે જાઓ છો. તમને તાવ આવવા માટેનું કારણ ખબર હોતું નથી. પરંતુ તમે એ વાતનો જરૂરથી સ્વીકાર કરશો કે ભૂતકાળમાં કશીક ભૂલ થઇ જ હશે કે જેથી કરીને મને તાવ આવ્યો.

આવી જ રીતે, ઈશ્વર રચિત કર્મનો સિદ્ધાંત સમજવા માટે આપણને પાછલા કર્મો યાદ રાખવાની જરૂર હોતી નથી.

આપણે આ વિશ્વમાં ઘણી બધી વિવિધતાઓ, સામાજિક સ્તરો, પ્રાણીઓના વર્ગો વગેરે જોઈએ છીએ. અને એકદમ ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે આ બધું અત્યંત જટિલ હોવા છતાં આયોજનપૂર્વક થઇ રહ્યું છે. આધુનિક વિજ્ઞાને મોટા મોટા દાવાઓ કર્યા હોવા છતાં પણ આપણે આ જટિલતા અને આયોજનને ૧% પણ સમજી શક્યા નથી.

વિશ્વમાંની વિવિધતાઓ અને તેનું સુનીયોજિત સંચાલન પરથી આપણે એ નિષ્કર્ષ કાઢી શકીએ કે મહાન સંચાલક આપણને આપણાં પાછલા કર્મો પ્રમાણે વિવિધ પરિસ્થિતિઓ આપે છે.

સમજુ લોકો કે જેઓ આત્મનિરીક્ષણ કરી શકે છે તેઓ સત્કર્મોના લાભો અને ખરાબ કર્મોના નુકશાન ઓછા સમયમાં જ જોઈ શકે છે. તો પછી આનો વિસ્તાર આપણાં આ જીવનની બહાર પણ કેમ ન થયેલો હોવો જોઈએ.

આથી જો તમને તમારો પાછલો જન્મ યાદ ન હોય તો પણ આ વિશ્વ એ સત્યનું સાક્ષી છે કે આપણું જીવન પૂરું થયા પછી અને નવો જન્મ મળ્યા પછી પણ ઈશ્વર સતતપણે આપણાં કર્મો અનુસાર આપણને અનુકુળ વાતાવરણ આપતો જ રહે છે.

 પ્રશ્ન: જો ઈશ્વર આપણને જન્મ પછી જન્મ આપતો જ રહે છે તો પછી મુક્તિ મેળવવા માટે શા માટે ઉતાવળ કરવી જોઈએ? હું મારા વર્તમાનનો આનંદ માંણી રહ્યો છુ. આથી હું જ્યાં છુ મને ત્યાં જ રહેવા દો.

આ તર્ક MBA કરી નવો બહાર આવેલ કોઈ ચપળ સ્નાતક કરતો હોય તેમ લાગે છે. પરંતુ ઈશ્વર આપણાં બધાથી વધારે ચપળ છે. આ વિશ્વમાં ક્યાં તો તમે પ્રગતિ કરો છો અથવા તો ક્રમશ: અધોગતિ કરો છો. પ્રગતિ વગરની સ્થિરતા એ પણ અધોગતિ જ છે. આપણે પ્રેમાળ અને આકર્ષક બાળક સાથે રમવાનો આનંદ માંણીએ છીએ. પરંતુ આપણને તેનું આકર્ષણ થોડાં મહિનાઓ સુધી જ રહે છે. કલ્પના કરો કે જો આ બાળક ઘણાં વર્ષો સુધી નાનું જ રહે તો શું થાય? આપણને ચિંતા થવા લાગે કે આ બાળકને કોઈ ગંભીર રોગ થયો છે. આપણે એવી પ્રાર્થના કરવા લાગીશું કે આ બાળક સ્વસ્થ રીતે વૃદ્ધિ પામે. આ જ રીતે આપણે તેના સર્જનમાં વૃદ્ધિ પામીએ એવું ઈશ્વર ઇચ્છે છે.

આ જ પ્રમાણે જો કોઈ કંપનીની અમુક વર્ષો સુધી વૃદ્ધિ ન કરે તો તેનું મૂલ્યાંકન ખુબ જ ઘટી જાય છે.    

 આ જ રીતે, પહેલેથી સચેત થઇને પ્રગતિ માટે પ્રયત્નો ન કરીએ તો વાસ્તવમાં આપણે આપણું મૂલ્ય ઘટાડીએ છીએ. આથી આપણો આવનારો જન્મ આપણાં આ જન્મ કરતા વધારે ખરાબ બને છે. આપણી માનવજાતને ઉચિત ઠેરાવવા માટે પણ આપણે સચેત રીતે પ્રયત્નો કરવા જોઈએ.

પ્રશ્ન: શું પ્રાણીઓ મુક્તિ મેળવી શકે છે?

હા. પ્રાણીઓ પણ મુક્તિ મેળવી શકે છે. કારણ કે દરેક જીવોમાં આત્મા એક સમાન જ હોય છે. પરંતુ પ્રાણીઓ મનુષ્ય સ્વરૂપે જન્મ લીધા પછી જ મુક્તિ માટે પ્રયત્ન કરી શકે છે.

એ વાત યાદ રાખો કે મનુષ્ય જ એ એક માત્ર એવી યોની છે કે જે પોતાની ઈચ્છાશક્તિના ઉપયોગની ક્ષમતાથી મુક્તિ મેળવી શકે છે. બીજી બધી પ્રાણી જાતીઓ તો નિદાન કેન્દ્રો જેવી હોય છે કે જેમાં આત્મા ભૂતકાળના કર્મોના ફળ સ્વરૂપે ઊંડે ઉતરેલા ખરાબ સંસ્કારોને દુર કરતી રહે છે.

આમ, જે મનુષ્યો કોઈ ખાસ પ્રકારની લત કે આદતો સાથે મનોગ્રસ્ત(obsessed) હોય તેઓ તે પ્રમાણેની પ્રાણી યોનીમાં જન્મ લે છે. આમ થવાથી મનુષ્યોને તેમના તે સંસ્કારોને મુક્ત કરવાની તક મળે. જયારે આવા સંસ્કારો સંપૂર્ણપણે દૂર થઇ જાય છે ત્યારે તેઓ ફરીથી મનુષ્ય યોનીમાં જન્મ લઇ મુક્તિ માટે પ્રયત્નો કરવા યોગ્ય બને છે.

આથી દરેક મનુષ્યે પોતે તેના આવતા જન્મમાં પણ મનુષ્ય યોની મેળવી શકે અને મુક્તિ તરફનો તેનો પ્રવાસ ચાલુ રાખી શકે તે માટે શ્રેષ્ઠત્તમ પ્રયત્નો કરવા જોઈએ. મનુષ્ય જન્મથી અમૂલ્ય બીજું કંઈ જ નથી. અને આથી આપણે આવી સુવર્ણ તકનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવો જોઈએ.

 પ્રશ્ન: અજ્ઞાનતા પણ એક પ્રકારનો આનંદ જ છે. શ્રીમંત માણસ આરામદાયક પલંગમાં સુઈને પણ સુખી નથી. અને એક મજુરને પથ્થર પર પણ ગાઢ નિંદ્રા આવી જાય છે. જંગલમાં પ્રાણીઓ ખુશ રહેતા હોય છે જયારે મનુષ્યો ચિંતા કરતા રહે છે. આથી જ્ઞાન નહિ પણ અજ્ઞાનતા જ આનંદ છે.

આ બાળક જેવું તર્ક છે:

૧. તમે શ્રીમંતને મજુર બનવાનો વિકલ્પ આપો અને મજુરને શ્રીમંત બનવાનો વિકલ્પ આપો. અને તમે જોશો કે શ્રીમંત ક્યારેય સહમત નહિ થાય અને મજુર આ તક તરત જ ઝડપી લેશે. જો બંનેના જીવનમાં સરખો જ આનંદ હોય તો એકને પણ પોતાની હાલની પરિસ્થિતિ બદલવાની સહેજ પણ ઈચ્છા ન થઇ હોય.

૨. કોઈપણ સમજુ માણસને પ્રાણી બનવાની ઈચ્છા ન હોય કારણ કે મનુષ્યો પ્રાણીઓને સરખામણીમાં ખુબ જ ઉચ્ચ સ્તરના આનંદ સુધી પહોંચી શકે છે.

૩. શ્રીમંત માણસના દુઃખનું કારણ પૈસો નથી પરંતુ તેની ખામી ભરેલી વિચારસરણી છે. આ ખામી ભરેલી વિચારસરણી એ તે માણસના પોતાના કર્મો છે.

૪. આનંદ મેળવવામાં અજ્ઞાનતાથી બાધા આવે છે. અલ્પજ્ઞાન થી ઉચ્ચજ્ઞાન તરફ આગળ વધવું એ આત્માની પ્રાકૃતિક વૃત્તિ છે. ૧ વર્ષના નાના બાળકની રમતોનો આનંદ તમારા વધેલા જ્ઞાનને કારણે તમે માંણી શકતા નથી. જે લોકોનું એમ કહેવું કે “અજ્ઞાનતા એ જ આનંદ” છે એ તેમનું ખામીભર્યું જ્ઞાન એટલે કે અવિદ્યા છે.

પણ જો તમે વિદ્યા મેળવો તો તમે વધારે અને વધારે આનંદ મેળવશો. આ સિવાય બીજો કોઈ રસ્તો નથી.

પ્રશ્ન: સ્વર્ગ/નર્ક વિષે તમારું શું કહેવું છે?

સ્વ નો અર્થ થાય છે આનંદ. અને આનંદ મેળવવો એટલે સ્વર્ગ.

દુ:ખ મેળવવું એટલે નર્ક.

સ્વર્ગ અને નર્ક એ કોઈ કાલ્પનિક સ્થાન નથી. સ્વર્ગ અને નર્ક આપણાં જ પ્રયત્નો દ્વારા સર્જાતી પરિસ્થિતિઓ છે.

જયારે આપણે દરેક ક્ષણે સ્વર્ગ મેળવવાની ટેવ વિકસાવીએ છીએ ત્યારે અજ્ઞાનતાના બધા જ મૂળનો નાશ થઇ જાય છે અને આપણે પરમ આનંદ એટલે કે ઈશ્વરને પામીએ છીએ.

મૃત્યુ પછી સ્વર્ગ કે નર્ક જેવું કોઈ ખાસ સ્થાન મળે છે તેવા ભ્રમમાં ન રહેવા માટે ગંભીરતાપૂર્વક અમે સૌને વિનંતી કરીએ છીએ. એવું પણ ન માનશો કે જે લોકો ધર્મ સંપ્રદાયોની વાતો સાથે સહમત હશે તેમને જ સ્વર્ગ મળશે અને બાકીના લોકોને નર્ક મળશે. આવા ધર્મ સંપ્રદાયો, જ્યાં સુધી લોકો ગુન્હેગાર નથી કે ઉપદ્રવ કે કલેશ ફેલાવતા નથી ત્યાં સુધી, શ્રદ્ધાળુઓ તરફ સહિષ્ણુ હોવા જોઈએ. પૃથ્વી પર જ સ્વર્ગ મેળવવા અને પછી મુક્તિ અવસ્થામાં ઈશ્વરના આશીર્વાદ મેળવવા માટે બધી જ આત્માઓ તરફ લાગણીની ભાવના હોવી ખુબ જ જરૂરી છે.

પ્રશ્ન: બરાબર છે. મને એ સમજાય ગયું કે મુક્તિ મેળવવા માટે અજ્ઞાનતા દુર કરવી જરૂરી છે. શું આ કારણે આપણે કોઈ દુર એકાંત સ્થાને જઈને ધ્યાન કરવું જોઈએ અને મોક્ષ મેળવવો જોઈએ?

વૈદિક જ્ઞાનનો અર્થ એ નથી કે અમુક મંત્રોને યાદ રાખવા કે પછી કોઈ ચોક્કસ સિદ્ધાંતોને સમજવા. તેનો અર્થ એ થાય છે કે જે કઈપણ વિચારો, શબ્દો અને કાર્યોમાં દેખાય છે તેની સંપૂર્ણ સમજ મેળવવી – જ્ઞાન, કર્મો અને મનન.

આ સાયકલ ચલાવતા શીખવા જેવી વાત છે. સાયકલની રુપરેખા જોતા રહેવું કે તેના પર લખાયેલી કોઈ પુસ્તક વાંચવી એ પૂરતું નથી. તમારે જાતે જ સાયકલ ચલાવવી પડશે અને સતત એનો અભ્યાસ કરવો પડશે. આના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

 આ જ પ્રમાણે મુક્તિ મેળવવા તમારે આ વિશ્વમાં જ રહેવું પડશે, જેમ કમળ કાદવમાં ખીલી ને પણ ગંદુ થતું નથી તેમ તમારે પણ આ જગતમાં જ રહીને અહીંની વ્યવસ્થાને ચોખ્ખી કરવા માટે શ્રેષ્ઠત્તમ પ્રયત્નો કરવા પડશે. આથી જયારે આ દુનિયામાં આપણાં કર્તવ્ય પાલનની જરૂર હોય ત્યારે કોઈ દુર એકાંત સ્થાને ધ્યાન કરવા નાસી છૂટવું એ મુક્તિ તરફ નહિ પણ અજ્ઞાનતા તરફ દોરી જશે અને આ અજ્ઞાનતા એ મુક્તિની એકદમ વિપરીત છે.

એકાંત થોડા સમય માટે કોઈ ચોક્કસ હેતુની પુરતી માટે ઉપયોગી કોઈ શકે, પરંતુ મુક્તિ તો બીજી આત્માઓના સહયોગ વિના શક્ય નથી. જે વ્યક્તિ મુક્તિ માટે જરૂરી એવી વેદોની આવી મૂળભૂત જરૂરીયાતને ધ્યાનમાં લીધા વિના મુક્તિ મેળવવાનો પ્રયત્ન કરે છે તે માત્ર ઉદાસીન જ રહે છે.

પ્રશ્ન: તો પછી જંગલમાં તપ કરતા આ બધા સન્યાસીઓ અને મુનિઓનું શું? શું તેઓ પલાયનવાદી(escapist) છે?

જો તમે હાલના એવા સન્યાસીઓ વિષે કહો છો કે જેઓ થોડા સમય માટે પુન:શક્તિ સંચાર કરવા માટે અથવા તો તેમના ઘરડાં આયુષ્યને કારણે અને સમાજમાં સચેત રીતે કાર્ય કરવા સક્ષમ ન હોવાને કારણે જંગલમાં જતા હોય તો તેમાં કશું ખોટું નથી.

પણ જો તેઓ સશક્ત હોય અને છતાં કાયમી એકાંતવાસ શોધતા હોય તો હા તેઓ પલાયનવાદી છે અને મૂર્ખ છે. વૈરાગ્યનો અર્થ છે મોહથી દુર રહેવું અને નહિ કે કર્મોથી.

આવો બનાવટી એકાંતવાસ એ ઈશ્વરનું અપમાન છે. જો ઈશ્વરને એવું લાગ્યું હોત કે તમારા માટે એકાંતવાસ જ શ્રેષ્ઠ છે તો પછી ઈશ્વરે તમને કોઈ એકલવાયા ગ્રહ પર જન્મ આપ્યો હોત, અને નહિ કે પૃથ્વી જેવા ગ્રહ પર કે જ્યાં માણસોથી ભરેલો સમાજ સમસ્યાઓનો અને પડકારોનો સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત તમે જ્ઞાન પણ વિશ્વ સાથેની તમારી પરસ્પર પ્રતિક્રિયાથી જ મેળવો છો. આથી વિશ્વ સાથેની પ્રતિક્રિયા બંધ કરવાથી જ્ઞાન વધારવાની તક પણ ગુમાવાય છે.

જો તમે કોઈ આદર્શ સમાજમાં જનમ્યાં હોત કે જ્યાં દરેક જણ પોતપોતાની ફરજો સારી રીતે બજાવતું હોય તો કદાચ તમને લોકોની ચહેલપહેલથી દુર જઈ આ વિશ્વ ફરીને તેનું નિરક્ષણ કરવાની સ્વતંત્રતા મળી હોત.

પરંતુ આજે જ્યાં ભ્રષ્ટાચાર, અસહિષ્ણુતા, વેરભાવ, ગરીબી, દુ:ખ, અનૈતિકતા વગેરે આપણાં સમાજમાં વ્યાપેલા છે ત્યારે કોઈ અસ્થિર મગજવાળો અથવા તો નામર્દ અને ડરપોક માણસ જ આવા પડકારોમાંથી ભાગી છૂટવાનો વિચાર કરે. વાસ્તવમાં ઈશ્વર ઈચ્છે છે કે આપણે આવા પડકારો ઝીલીએ, તેના પર કામ કરીએ અને છેવટે વૈરાગ્ય મેળવીએ અને અજ્ઞાનતા દૂર કરીએ.

એ ખુબ જ શરમજનક વાત છે કે આધ્યાત્મિકતાના નામ પર આપણાં કર્મયોગી દેશના મોટા ભાગના લોકો રાષ્ટ્ર અને સમાજ તરફની પોતાની ફરજોમાંથી નાસી છુટે છે. આમ કરવાથી તેઓ માત્ર પોતાની પ્રગતિ જ નથી અવરોધતા પણ મૂર્ખતા તરફ આંધળી દોટ મૂકી રહ્યાં છે. આ દેશદ્રોહનો ખુબ જ પીડાદાયક ચહેરો છે.

જો તમે ઇતિહાસના પાનાં પલટાવો તો, આપણાં ઇતિહાસના ખુબ જ આપત્તિજનક સમય દરમિયાન જે દંભી બાબાઓ, સાધુઓ અને ગુરુઓ એકાંતવાસમાં મનની શાંતિ શોધવામાં વ્યસ્ત હતા અથવા તો આધ્યાત્મિકતાના નામે જાદુઈ યુક્તિઓ કરી રહ્યાં હતા તેઓ આધ્યાત્મિકતાના ખુબ જ ખોટા દ્રષ્ટાંતો હતા. દુર્ભાગ્યે આપણાં દેશમાં આવા દંભી દ્રષ્ટાંતોની સંખ્યા બહુ વધારે છે. આ કારણે આપણો દેશ આધ્યાત્મિકતાનો શ્રેષ્ઠત્તમ આધાર હોવા છતાં શરમજનક રીતે આપણો સમાજ દુનિયામાં ખુબ જ નબળો અને અસહાય બની ચુક્યો છે. અને આપણે છેલ્લા ઓછામાં ઓછા ૧૦૦૦ વર્ષોથી એક પછી એક સતત લપડાકો ખાતા આવ્યા છીએ.

રાષ્ટ્ર અને સમાજ સામે આવી પડેલી ચુનોતીઓનો જે મહાપુરુષોએ હિંમતપૂર્વક સામનો કર્યો હતો અને મોટા ઉદ્દેશ ખાતર પોતાનું બલિદાન આપ્યું હતું તેઓ જ આધ્યાત્મિકતાના સાચા આદર્શો છે. તેઓ જ મુક્તિના સાચા હકદાર હતા અને તેમના અટલ પ્રયત્નો દ્વારા તેમણે વિદ્યા અને વૈરાગ્યના દ્રષ્ટાંતો સ્થાપિત કર્યા હતા. તેઓ અમારા માટે સાચા યોગીઓ છે. હું શિવાજી, રાણા પ્રતાપ, બિસ્મિલ, અશ્ફાકુલ્લા ખાન, નેતાજી, આઝાદ અને સ્વામી દયાનંદ જેવા બીજા ઘણાં આદર્શોની વાત કરી રહ્યો છું.

સ્વામી દયાનંદ દરરોજ ઘણાં માઇલ સુધી દોડતા હતા, કસરત કરતા હતા, મગદળનો અભ્યાસ કરતા હતા અને જીવનભર સખત તાલીમ લેતા રહ્યાં હતા. કારણ કે મુક્તિનો સિદ્ધાંત માત્ર માનોબળી અને પ્રયાસી લોકો માટે જ છે.

આપણે બધા જ આવા અસરકારક અને ઉત્સાહી એવા મુક્તિના એ કર્તવ્ય તરફ આગળ વધીએ કે જે માત્ર સ્વયમ સુધી જ મર્યાદિત ન રહી, સમાજ, રાષ્ટ્ર અને સમગ્ર માનવજાત માટે છે. આ માટે ઈશ્વર આપણને શક્તિ, ઉત્સાહ અને શુદ્ધતા પ્રદાન કરે!

આ પછીના લેખમાં આપણે મુક્તિ મેળવવાની રીતોને વધારે ઊંડાણમાં જોઈશું.

Original post in English is available at http://agniveer.com/salvation-hinduism/

Liked the post? Make a contribution and help revive Dharma.

Disclaimer:  We believe in "Vasudhaiv Kutumbakam" (entire humanity is my own family). "Love all, hate none" is one of our slogans. Striving for world peace is one of our objectives. For us, entire humanity is one single family without any artificial discrimination on basis of caste, gender, region and religion. By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. Please read Full Disclaimer.
Previous articleईश्वर तो पागल ही होना चाहिए !
Next articleLearn Sanskrit Month 17
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.
  • ખુબ સરસ. ગુજરાતી માં વાચવાની ખુબ મજા આવી. તર્ક સિદ્ધ હકીકતો દ્વારા જ યોગ્ય નિર્ણય લઇ સકાય.

  • @Aryaveer
    Its great you are translating article in Indian regional languages also. Though, I do not understand language of article. Vedic Reglion is not restricted to some regions and languages and it is different from Islam in which one cant be Muslim if he does not speak some Arbi words/Shahada and belief in some Arabic prophets etc. In Vedic religion one can be vedic without reciting Sanskrit Mantras of Veda. That is the beauty and universality of Vedic religion.