[adinserter block="6"]

અજ્ઞાનતાને કારણે વેદ વિષે પ્રચલિત થયેલી નિરાધાર અને અપ્રમાણિત મિથ્યા ધારણાઓ આજે આપણાં દેશમાં ચાલી રહેલા દલિત આંદોલનો પાછળનું મુખ્ય કારણ છે. જેમ કે:

  • વેદ બ્રાહ્મણવાદી ગ્રંથો છે.
  • વેદ શૂદ્રો તરફ પક્ષપાત અને ભેદભાવ રાખી તેમને અન્યાય કરે છે.
  • હિન્દુ ધર્મના મૂળ વેદ જન્મ પર આધારિત જાતિ વ્યવસ્થાના પણ મૂળ છે.

પરંતુ વાસ્તવમાં આનાથી વધુ મોટું અસત્ય બીજું કઈ નથી. જાતિ-વ્યવસ્થા પરના લેખોની આ શૃંખલામાં આપણે વેદ અને તેને સંબંધિત બીજા ગ્રંથોમાંથી નીચેની બાબતોની સાર્થકતા પુરવાર કરવા પ્રમાણો આપીશું:

૧. મૈકાલેથી પ્રભાવિત અને પ્રેરિત થયેલા તથાકથિત બુદ્ધિજીવીઓએ ચાર વર્ણો અને ખાસ કરીને શૂદ્રની જે વ્યાખ્યા કરી છે તે વેદાનુકૂળ નથી.

૨. વૈદિક જીવન શૈલીમાં જન્મ પર આધારિત જાતિ-વ્યવસ્થા કે તેની આડમાં થતા પક્ષપાતને કોઈ સ્થાન નથી. વૈદિક જીવન શૈલીમાં દરેક મનુષ્યને સમાન અધિકાર આપવાનું જ વિધાન છે.

૩. વેદો જ એક માત્ર એવા ગ્રંથો છે કે જેમાં સર્વોચ્ચ સ્તરના લાયકાતથી ચૂંટાયેલા લોકોના શાસનતંત્રની સાથે સાથે બધાં જ મનુષ્યોને એક સરખી તક આપવાનું વિધાન છે. માનવ અધિકારો પર લખાયેલી આધુનિક સમયની એકપણ પુસ્તક આ વિષયમાં વેદોની સરખામણીમાં ન આવી શકે.   

જાતિ-વ્યવસ્થાનું સત્ય સમજતા પહેલાં આપણે આ લેખમાં વૈદિક મંત્રો શૂદ્રો વિષે શું કહે છે તે જાણી લઈએ.

યજુર્વેદ ૧૮.૪૮:

હે ઈશ્વર! બ્રાહ્મણો, ક્ષત્રિયો, શૂદ્રો અને વૈશ્યોને સમાનરૂપે જ્ઞાનની જ્યોતિ પ્રદાન કર. મને પણ આવું જ જ્ઞાન આપ કે જેથી હું સત્ય જોઈ શકું. આમ, વેદનો શુદ્ર ચાર વર્ણોનો એક ભાગ હોવાથી “આર્ય” છે. જો તે “અનાર્ય” હોત તો વેદમાં તેના વિનાશની પ્રાર્થના કરવામાં આવી હોત.

યજુર્વેદ ૨૦.૧૭:

ગામ, જંગલ કે સભા વિરુદ્ધ કરેલા અમારા અપરાધો, કર્મ ઇન્દ્રીયો દ્વારા કરેલા અપરાધો, શૂદ્રો કે વૈશ્યો વિરુધ્ધ કરેલા અપરાધો અને ધર્મના નામ પર કરેલા અમારા અપરાધો માફ કરજે. અને સાથે સાથે અમારી આવી અપરાધિક વૃત્તીઓથી અમને છુટકારો આપજે.

યજુર્વેદ ૨૬.૨:

હે મનુષ્ય! જેમ મેં વેદોનું જ્ઞાન સમગ્ર માનવજાતિના કલ્યાણ માટે આપ્યું છે, તેમ તું પણ બ્રાહ્મણો, ક્ષત્રિયો, શૂદ્રો, વૈશ્યો અને  સ્ત્રીઓની સાથે સાથે અત્યંત પછાત લોકોના કલ્યાણ માટે વૈદિક જ્ઞાનનો પ્રચાર કર. વિદ્વાન અને ધનિક લોકો પણ મારા આ જ્ઞાનના માર્ગથી વિચલિત ન થાય.

અથર્વવેદ ૧૯.૩૨.૮:

હે ઈશ્વર! હું બ્રાહ્મણો, ક્ષત્રિયો, શૂદ્રો અને વૈશ્યો, એમ બધાંનો પ્રિયજન બનું. બધાં મારા પ્રશંસક બને.

અથર્વવેદ ૧૯.૬૨.૧:

બધાં જ શ્રેષ્ઠ અને નેક મનુષ્યો મને પસંદ કરે. રાજા અને ક્ષત્રિય પણ મને પસંદ કરે. બધાં જ મને સ્નેહ ભરી નજરે જુવે. શૂદ્રો અને વૈશ્યો પણ મને પસંદ કરે.

ઉપરના મંત્રો પરથી એ સ્પષ્ટ થાય છે કે વૈદિક મનુષ્ય:

– બધાં જ અપરાધો સહીત, શૂદ્રો સાથે કરેલા અપરાધ માટે પણ ક્ષમા માંગે છે.

શૂદ્ર સહીત બધાં જ વર્ણોમાં વૈદિક જ્ઞાનનો પ્રચાર કરે છે.

– બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય એમ ચારે વર્ણોને એક સમાન ગણે છે અને તેમને એક સરખું સન્માન આપે છે.

આમ એ વાત સ્પષ્ટ થાય છે કે વેદો અનુસાર, શૂદ્રો પણ બીજા વર્ણો જેટલા જ સન્માનના અધિકારી છે. વૈદિક પ્રાર્થનામાં પણ શૂદ્રોને ઉચ્ચ સન્માન આપવામાં આવ્યું છે.

અહી ધ્યાનમાં લેવા જેવી વાત એ છે કે ઉપરના દરેક મંત્રોમાં શૂદ્ર શબ્દ વૈશ્ય શબ્દ કરતા પહેલાં આવે છે. આથી કોઈ એવું પણ નહિ કહી શકે કે શૂદ્રોને મંત્રોમાં છેલ્લું સ્થાન આપવામાં આવ્યું છે અથવા તો ઓછું મહત્વ આપવામાં આવ્યું છે.   

આ પ્રમાણો પરથી એ સિદ્ધ થાય છે કે શૂદ્રો એ એવી કોઈ જાતિ કે વર્ગ નથી કે જેના તરફ પક્ષપાત કે ભેદભાવ રાખવો જોઈએ.

હવે પછીના લેખોમાં આપણે દાસ, દસ્યુ અને અનાર્ય શબ્દો વિષે ચર્ચા કરીશું. આ શબ્દોને વેદ અધ્યયનના અભાવના કારણે શૂદ્ર શબ્દના સમાનર્થી ગણવામાં આવે છે.

સત્યમેવ જયતે!

This article is also available in English at http://agniveer.com/vedas-and-shudra/

Nothing Found

[adinserter block="13"]