[adinserter block="6"]

આ લેખમાં વૈદિક પ્રાર્થના વિધિ ઊંડાણમાં સમજીશું. પણ તે પહેલાં વૈદિક ઈશ્વર લેખમાં ઈશ્વરની પૂજા કરવાના જે લાભ જણાવ્યાં હતા તેને અહીં ફરી એક વાર સમજી લઈએ.

 પ્રશ્ન: જો ઈશ્વરની પૂજા કરવા છતાં ઈશ્વર આપણને પાપકર્મ ફળમાંથી મુક્ત નથી કરતો, તો પછી ઈશ્વરની પૂજા કરવાથી શો લાભ? 

એ સત્ય છે કે પૂજા કરવા છતાં પણ ઈશ્વર જીવને પાપકર્મ ફળમાંથી મુક્ત નથી કરતો. દરેક જીવને તેના સત્કર્મો કે દુષ્કર્મોનું ફળ ઈશ્વરની ન્યાય વ્યવસ્થા અનુસાર ભોગવવું જ પડે છે. ઈશ્વરની પૂજા કરવાથી કે ઈશ્વર પાસે માફી માંગી લેવાથી જીવના પાપકર્મોનો નાશ થતો નથી.

માત્ર આળસુ અને છેતરપીંડી કરનારા લોકો જ સફળતા મેળવવા માટે આવા અનૈતિક માધ્યમનો સહારો લે છે.

ઈશ્વરની પૂજા કરવાના લાભ અલગ જ છે, જેમ કે:

૧. ઈશ્વર અને તેના દ્વારા રચાયેલ શ્રુષ્ટિને વધુ સારી રીતે સમજી શકાય છે.

૨. ઈશ્વરના ગુણોને વધુ સારી રીતે સમજી તેને આપણાં જીવનમાં ધારણ કરી શકાય છે.

૩. મનની શુદ્ધિ થાય છે. મન શુદ્ધ થવાથી આપણી “આત્માનો અવાજ” વધુ સ્પષ્ટપણે સાંભળી શકાય છે અને આપણે ઈશ્વર પાસેથી આત્માના અવાજના રૂપમાં નિરંતર અને સ્પષ્ટ માર્ગદર્શન મેળવી શકીએ છીએ.

૪. આપણી અજ્ઞાનતાનો નાશ થાય છે, આત્મબળ મળે છે અને આપણે દ્રઢ આત્મવિશ્વાસ સાથે જીવનના કઠોર પડકારોનો સામનો સહજતાથી કરવામાં સક્ષમ બનીએ છીએ.

૫. આપણી અજ્ઞાનતાનો સંપૂર્ણપણે નાશ કરવામાં સક્ષમ બનીએ છીએ અને અંતે મોક્ષરૂપી પરમ આનંદને પ્રાપ્ત કરીએ છીએ.

ઈશ્વરની પૂજા કરવા માટેનું હું અહીં વધુ એક કારણ જોડું છું.

ઈશ્વરે જગતમાં સર્વ પદાર્થો જીવોના સુખ માટે આપી આપણાં પર અપાર કૃપા કરી છે અને આગળ પણ તેની કૃપા આપણાં પર નિરંતર વરસતી રહેશે. આથી આપણો ઈશ્વર પ્રતિ કૃતજ્ઞભાવ એટલો જ સ્વાભવિક છે કે જેટલો કૃતજ્ઞભાવ આપણને આપણાં માતા-પિતા પ્રતિ તેમના આશીર્વાદ બદલ હોય છે. માત્ર મહામુર્ખ વ્યક્તિ જ ઈશ્વર પ્રતિ કૃતજ્ઞભાવ ન રાખી, ઈશ્વરની ઉપાસના ન કરી, પોતાની આત્મા અને અંત:કરણને પવિત્ર અને સત્યથી પૂર્ણ કરવાની તક ગુમાવશે. 

એ વાતનું ધ્યાન રાખો કે વૈદિક પૂજા માત્ર યાંત્રિક રીતે કરવામાં આવતા મંત્રોચ્ચાર કે પાઠ વાંચન નથી. વૈદિક પૂજાનો અર્થ વિચાર શૂન્યતા પણ નથી. વૈદિક પૂજા એ જ્ઞાન, કર્મ અને ચિંતન(મનન) દ્વરા વિદ્વતાને આત્મસાત કરવાની અગ્રસક્રીય રીત છે.

પ્રશ્ન: આપણે ઈશ્વરની પૂજા કેવી રીતે કરવી જોઈએ?

જીવનના નિત્ય ક્રમ અને પ્રત્યેક કર્મમાં ઈશ્વરની પૂજા રહેલી છે. પરંતુ ઈશ્વરની સાચી પૂજા તો “આત્માના અવાજ” ને નિરંતર અનુસરવામાં છે. જીવનની દરેક ક્ષણે આત્માના અવાજને અનુસરનારનું જીવન “યજ્ઞ” કહેવાય છે. – યજ્ઞરૂપી જીવન એટલે કે ઉત્કૃષ્ટ ઉદ્દેશોને પૂર્ણ કરવા માટે સમર્પિત જીવન.

આ પૂજાને કર્મો દ્વારા કરવામાં આવેલ પૂજા કહેવાય છે. પરંતુ આ ઉપરાંત મનુષ્ય અધર્મયુક્ત કર્મો તરફ વળ્યાં વગર પોતાનું જીવન માત્ર ઉત્કૃષ્ટ હેતુ માટે નિ:સ્વાર્થ કર્મો કરતા રહેવામાં જ વિતાવે એ માટે વૈદિક પૂજાના બીજા બે પાસાઓનો પણ અભ્યાસ કરવો વ્યક્તિ માટે અત્યંત આવશ્યક બને છે. આ બે પાસાઓ છે:

૧. જ્ઞાન – જ્ઞાન પ્રાપ્તિ

૨. મનન – જ્ઞાનને આપણાં સંસ્કારોનો ભાગ બનાવવા માટે જ્ઞાન ગ્રહણ કર્યા બાદ તેના પર ચિંતન કરવું

જ્ઞાન-મનન-કર્મ એક સમૂહ સ્વરૂપે એકબીજા સાથે હંમેશા જોડાયેલા રહે છે. તેમનો અલગ-અલગ અભ્યાસ નિરર્થક છે.

આ લેખમાં આપણે મુખ્ય રીતે “મનન” એટલે કે ચિંતન” પર વધારે ભાર મૂકીશું અને માની લઈશું કે બાકીના બે પાસાઓ – જ્ઞાન અને કર્મ – મનનની સાથે સાથે જ પ્રયોગમાં લેવાઈ રહ્યાં છે. હવેથી સરળતા ખાતર આપણે આ લેખમાં “પૂજા” શબ્દનો ઉપયોગ મનનના સંદર્ભમાં કરીશું

પ્રશ્ન: ઈશ્વરની પૂજા પદ્ધતિના મૂખ્ય અંગ કયા છે?

ઈશ્વરની પૂજા પદ્ધતિના મૂખ્ય ત્રણ અંગ છે.

૧. સ્તુતિ – ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવથી પોતાના ગુણ, કર્મ અને સ્વભાવ સુધારવા

૨. પ્રાર્થના – નિરભિમાન થઈ ઈશ્વરમાંથી ઉત્સાહ અને સહાયતાની પ્રાપ્તિ થવી  

૩. ઉપાસના – ઈશ્વર સાથે મેળ અને તેનો સાક્ષાત્કાર થવો.

લેખની લંબાઈને ઘ્યાનમાં લેતા આપણે અહીં ઈશ્વરની પૂજા પદ્ધતિના પ્રથમ બે અંગ – સ્તુતિ અને પ્રાર્થના – ને જ કેન્દ્રમાં રાખી તેને ઊંડાણમાં સમજવાનો પ્રયત્ન કરીશું, અને “ઉપાસના” વિષયને અહીં સંક્ષિપ્તમાં જ વર્ણવીશું. કારણ કે ઉપાસનાનું આખું વિજ્ઞાન વધારે સ્પષ્ટીકરણ અને વિવરણ માંગી લે તેવું છે

એ વાતની નોંધ લો કે સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસના ત્રણ અલગ અલગ પૂજા પદ્ધતિઓ ન હોતા એક જ પૂજા પદ્ધતિના ત્રણ અભિન્ન અંગ છે.  

પ્રશ્ન: સ્તુતિને વિગતવાર સમજાવો?

ઈશ્વર અથવા કોઈ અન્ય સત્તાના ગુણ, કર્મ અને સ્વભાવનું સંપૂર્ણ સત્યભાવથી કથન, શ્રાવણ અને સત્યભાષણ કરવું એટલે સ્તુતિ. આમ કોઈની ખોટી મસ્કાબાજી કે પછી અનુચિત નિંદા સ્તુતિ નથી.

ઈશ્વરની સ્તુતિ કરવાનો ઉદ્દેશ એ છે કે જેવા ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવ છે, તેવા પોતાના ગુણ, કર્મ અને સ્વભાવ પણ કરવા. જેમ કે ઈશ્વર ન્યાયકારી છે તેમ પોતે પણ ન્યાયકારી થવું, જેમ ઈશ્વર દયાળુ છે તેમ પોતે પણ દયાળુ થવું, જેમ ઈશ્વર પુરુષાર્થી છે તેમ પોતે પણ પુરુષાર્થી બનવું.

જે કેવળ ભાંડ સમાન ઈશ્વરનું ગુણ કીર્તન કરતો રહે છે અને પોતાનું ચરિત્ર નથી સુધરતો તેની સ્તુતિ વ્યર્થ છે. કારણ કે ઈશ્વર એ કોઈ અહમપ્રેમી તાનાશાહ નથી કે જેને પોતાના ગુણગાન સંભાળવામાં રસ હોય. પોતાના ગુણ. કર્મ અને સ્વભાવને ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવની જેમ ઉત્તમ કરવા એ જ ઈશ્વરની સ્તુતિનો એક માત્ર ઉદ્દેશ છે.

સ્તુતિ બે પ્રકારની છે:

પરંતુ આ બે પ્રકારની સ્તુતિમાં અંતર માત્ર શબ્દાર્થના ફેરફારને લઈને જ છે અને નહીં કે મૂળભૂત સિદ્ધાંતને લઈને.

સગુણ સ્તુતિ

ઈશ્વરમાં વિદ્યમાન હોય તેવા દિવ્યગુણોનું સ્મરણ કરી કરવામાં આવતી સ્તુતિ એટલે સગુણ સ્તુતિ. ઉદાહરણ તરીકે, ઈશ્વર સર્વવ્યાપક છે, સનાતન છે, શુદ્ધ છે, સર્વજ્ઞ છે, આ સગુણ સ્તુતિ અર્થાત જે જે ગુણો સહીત પરમેશ્વરની સ્તુતિ કરવી તે “સગુણ સ્તુતિ” છે.

નિર્ગુણ સ્તુતિ

ઈશ્વરમાં વિદ્યમાન ન હોય તેવા ગુણોનું સ્મરણ કરી કરવામાં આવતી સ્તુતિ એટલે નિર્ગુણ સ્તુતિ. ઉદાહરણ તરીકે, ઈશ્વર અકાય છે, નિરાકાર છે, નિષ્પાપ છે, આ નિર્ગુણ સ્તુતિ અર્થાત જે જે રાગદ્વેષાદી ગુણોથી પૃથ્થક માની પરમેશ્વરની સ્તુતિ કરવી તે “નિર્ગુણ સ્તુતિ” છે.

પ્રશ્ન: ઈશ્વરની સ્તુતિ ગાતા કેટલાંક વેદમંત્ર જણાવશો?

વેદોનો મુખ્ય વિષય જ ઈશ્વર છે. આથી વેદમાં ઈશ્વરની સ્તુતિ ગાતા ઘણાં મંત્રો જોવા મળે છે. ઉદાહરણ તરીકે:

યજુર્વેદ ૪૦.૮

સર્વમાં વ્યાપક, શીઘ્રકારી અને સર્વશક્તિમાન, શુદ્ધ, સર્વજ્ઞ, સનાતન, સર્વોપરી વિરાજમાન, સર્વાંન્તર્યામી, પરમેશ્વર પોતાની જીવરૂપ અનાદિ પ્રજાને પોતાની સનાતન વિદ્યાથી યથાવત અર્થોનો બોધ વેદ દ્વારા કરાવે છે. (આ સગુણ સ્તુતિ કહેવાય છે)

પરમેશ્વર અકાય છે, અર્થાત કદી શરીર ધારણ કરતો નથી કે જન્મ લેતો નથી, જેમાં છિદ્ર નથી હોતા. તે નાડી આદિ બંધમાં આવતો નથી, તે કદી પાપ કરતો નથી, જેમાં કલેશ, દુઃખ, અજ્ઞાન કદી પણ નથી હોતું. (આ નિર્ગુણ સ્તુતિ કહેવાય છે)

અથર્વવેદ ૧૦.૮.૧ અને ૧૦.૭.૩૨-૩૪

જે પરમાત્મા ભૂત, વર્તમાન અને ભવિષ્યને પૂર્ણરીતે જાણનાર ત્રીકાળજ્ઞાની છે, જે સર્વ જગતમાં વ્યાપી રહેલો છે અને સર્વનો એ અધિષ્ઠતા અર્થાત સ્વામી છે, જે  નિર્વિકાર અને કેવળ સુખસ્વરૂપ છે અર્થાત જેમાં દુઃખનો લેશ માત્ર પણ નથી, તે સર્વથી મહાન સર્વ સામર્થ્યયુક્ત પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમન કરીએ છીએ.

જેના યથાર્થ જ્ઞાનનું સાધન ભૂમિ અર્થાત પૃથ્વી જેના પાદસ્થાની છે, અંતરીક્ષ એટલે કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું સ્થાન જેના ઉદરસ્થાની છે અને સર્વથી ઉચ્ચ સ્થાનમાં સૂર્યથી પ્રકાશમાન આકાશને જેણે પોતાના શિર:સ્થાની બનાવ્યું છે, તે સર્વથી મહાન સર્વ સામર્થ્યયુક્ત પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમન કરીએ છીએ.

જે સૂર્ય અને ચંદ્રમાને પ્રત્યેક કલ્પની આદિમાં નવા નવા બનાવે છે તે તેના ચક્ષુસ્થાની છે અને અગ્નિને મુખસ્થાને બનાવે છે, તે સર્વથી મહાન સર્વ સામર્થ્યયુક્ત પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમન કરીએ છીએ.

બ્રહ્માંડના વાયુ જેના પ્રાણ અને અપાન વાયુ તુલ્ય છે; પ્રકાશક કિરણો જેના નેત્રવત્ છે; જેના વિના રૂપ ગ્રહણ થઇ શકાતું નથી; દશે દિશાનોને જેણે સર્વ વ્યવહારોની સિદ્ધિ કરનારી બનાવી છે એવો જે અનંત વિદ્યાયુક્ત સર્વ શ્રેષ્ઠ પરમાત્મા સર્વનો ઇષ્ટદેવ છે તે પરમાત્માને અમે અત્યંત પ્રેમથી નમન કરીએ છીએ.

યજુર્વેદ ૨૫.૧૩

જે જગદીશ્વર પોતાની કૃપાથી જીવમાત્રને વિદ્યાવિજ્ઞાન આપે છે, જે શરીર, ઇન્દ્રિયો, પ્રાણ, મન થતા આત્માને પુષ્ટ કરી ઉત્સાહ, પરાક્રમ તથા દ્રઢતાયુક્ત કરે છે, તેની જ સધળા વિદ્વાનો ઉપાસના કરે છે. જેના વેદ વિદ્યારૂપ અનુશાસનને વિદ્વાનો સ્વીકારી તે પ્રમાણે આચરણ કરે છે, જેની આશ્રયરૂપ છાયા અર્થાત કૃપા મોક્ષનું કારણ છે, જેની અનાશ્રાયરૂપ છાયા અર્થાત અકૃપા જન્મ-મરણના ચક્રમાં નાખનારી છે, એવા સર્વ સુખસ્વરૂપ તથા સર્વ પ્રજાના સ્વામી પરમાત્માની પ્રાપ્તિ માટે આપણે સત્ય, પ્રેમ, ભક્તિ જેવા સાધનો વડે ઉપાસના કરી મોક્ષને પ્રાપ્ત થઈએ.

પ્રશ્ન: પ્રાર્થનાને વિગતવાર સમજાવો?

યોગ્ય પુરુષાર્થ પછી ઉતમ કર્મોની સિદ્ધિ માટે પરમેશ્વરની સહાયતા લેવી તેને “પ્રાર્થના” કહે છે. યોગ્ય પુરષાર્થ કર્યા સિવાય કે હાનિકારક ઉદેશ્યોની પુરતી માટે કરવામાં આવતી પ્રાર્થના ઈશ્વર કદી માન્ય રાખતો નથી. આમ પ્રાર્થના આળસુ કે દુરાચારી વ્યક્તિ માટે નથી.

૧. મનુષ્ય જે વાતની પ્રાર્થના કરે છે તેણે પોતાના જીવનમાં તે પ્રમાણે વર્તવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો મનુષ્ય પરમેશ્વર પાસે જ્ઞાન પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે તો, તેણે સૌ પ્રથમ જ્ઞાન પ્રાપ્તિ માટે પોતાનાંથી જેટલો પર્યંત થઇ શકે તેટલો પર્યંત કરવો. અર્થાત, યોગ્ય પુરુષાર્થ કર્યા બાદ પ્રાર્થના કરવાથી જ પ્રાર્થના સાર્થક નીવડે છે. જે ઈશ્વર સ્વયં પુરુષાર્થી છે તે ઈશ્વર પાસે પુરુષાર્થ કર્યા સિવાય પ્રાર્થના કરવી એ પ્રાર્થના કરનારની નહીં પણ ભિખારીની નિશાની છે. આમ પુરુષાર્થ બાદ જ પ્રાર્થના કરવી યોગ્ય છે.

૨. કોઈનું અહિત કરવાના ઉદ્દેશ્યથી ઈશ્વરને પ્રાથના કદી ન કરવી. આમ કરવાથી ઉલટા પરિણામો આવે છે. કારણ કે આમ કરવાથી પ્રાર્થના કરનારનું મન દુષિત થાય છે અને આથી ભવિષ્યમાં તેની દુર્ગતિ થાય છે. આવી પ્રાર્થના કદી ન કરવી જોઈએ કારણ કે ઈશ્વર પણ આવી પ્રાર્થનાનો સ્વીકાર કરતો નથી. ઉદાહરણ તરીકે, ઈશ્વર આવી પ્રાર્થનાને સ્વીકારતો નથી, જેમ કે:

“હે પરમેશ્વર ! આપ મારા શત્રુઓનો નાશ કરો. મને સૌથી શક્તિશાળી બનાવો. સર્વે મારી જ પ્રતિષ્ઠા હોય અને સૌ મારે આધીન થઇ જાય. કારણ કે જો તમારો શત્રુ પણ આવી જ પ્રાર્થના ઈશ્વરને કરે તો શું ઈશ્વર બંનેનો નાશ કરે?

જો કોઈ એમ કહે કે, જેમો પ્રેમ અધિક હોય તેની પ્રાર્થના સફળ થાય છે, તો પછી જેમો પ્રેમ ન્યૂન હોય તેના શત્રુનો ન્યૂન નાશ થવો જોઈએ. આ તો મૂર્ખતા છે.

૩. આવી જ મૂર્ખતાની પ્રાર્થના કરતા કરતા કોઈ એવી પ્રાર્થના કરે કે હે પરમેશ્વર ! આપ અમને રોટલી બનાવી ખવડાવો, મકાન ચોખ્ખું કરી આપો, વસ્ત્ર ધોઈ આપો, ખેતીવાડી પણ કરી આપો. આ પ્રકારે પરમેશ્વરને ભરોસે આળસુ બની બેસી રહેવું મહામુર્ખાતા છે.

યજુર્વેદ ૪૦.૨ માં ઈશ્વર આજ્ઞા કરે છે કે: હે મનુષ્ય ! તું ૧૦૦ વર્ષો પ્રયત્ન અર્થાત કર્મ કરતા કરતા જીવવાની ઈચ્છા કર. આળસી કદી ન થા. જે મનુષ્ય ઈશ્વરની આ આજ્ઞાનું પાલન કરતો નથી અને કર્મ કરવાનું ટાળે છે તે મનુષ્ય કદી સુખ પ્રાપ્ત કરી શકતો નથી. ભલે ને તેમાં અન્ય ઘણાં સદ્દગુણો કેમ હોય!

જીવનમાં પુરુષાર્થનો ગુણ અત્યંત મહત્વનો છે. જો મનુષ્ય પુરુષાર્થી ન હોય તો તેના બીજા ગુણો ભેગા મળીને પણ તેની ઉન્નતિ કરી શકતા નથી.

ધર્મથી પુરુષાર્થી પુરુષને જ ઈશ્વર સહાય કરે છે.

૪. આપણે પુરુષાર્થી મનુષ્યને જ કામ આપીએ છીએ, આળસી મનુષ્યને નહીં. જેને આંખો છે અને જોવાની ઈચ્છા છે તેને જ કશું બતાવી શકાય, આંધળાને નહીં. જે કોઈ ગોળ મીઠો છે, તેમ બોલ્યા જ કરે, તેથી તેને ગોળનો સ્વાદ કદી પ્રાપ્ત થતો નથી. પણ જે ગોળ મેળવવા માટે પ્રયત્ન કરે છે, તેને વહેલાં કે મોડાં ગોળ મળી જ જાય છે. આમ પરમેશ્વર પણ પુરુષાર્થ કર્યા બાદ સૌને ઉપકાર કરવની પ્રાર્થનામાં સહાયક થાય છે, પણ હાનિકારક કર્મોમાં નહીં.

પ્રશ્ન: ઈશ્વરની પ્રાર્થના કરતા કેટલાંક વેદમંત્રો જણાવશો?  

વેદોમાં ઈશ્વરની પ્રાર્થના કરતા ઘણાં મંત્રો છે. “ઈશ્વરની પ્રાર્થના” એ અત્યંત સુખદાયક અનુભવ છે. પરંતુ એ વાતનું સદા ધ્યાન રાખો કે પ્રાર્થના ત્યારે જ સાર્થક નીવડે છે કે જ્યારે તમે નિરંતર ઉત્સાહપૂર્વકના પ્રયત્નો કરતા હો.

યજુર્વેદ ૩૨.૧૪

હે અગ્ને અર્થાત પ્રકાશસ્વરૂપ તેજસ્વી પરમેશ્વર ! આપની કૃપાથી વિદ્વાનો, જ્ઞાનીઓ અને યોગીઓએ જે બુદ્ધિ પ્રાપ્ત કરી છે, અને જે બુદ્ધિથી તેઓ તારી ઉપાસના કરે છે, વર્તમાન સમયમાં અમોને પણ તે જ બુદ્ધિથી યુક્ત કર. અમો નિસ્વાર્થભાવે અમારું સર્વસ્વ તને સમર્પિત કરીએ છીએ કારણ કે અમારી પાસે જે કાંઈપણ છે તેનો દાતા તું જ છે. (આ મંત્રની વધારે સમજ મેળવવા માટે Power of Now વાંચો.)

યજુર્વેદ ૧૯.૯

આપ પ્રકાશસ્વરૂપ પરમેશ્વર છો, કૃપા કરી અમારામાં પણ પ્રકાશ સ્થાપન કરો.

આપ અનંત પરાક્રમયુક્ત છો, અમારામાં પણ પૂર્ણ પરાક્રમ આપો.

આપ અનંત બળયુક્ત છો, તેથી અમોમાં પણ બળ ધારણ કરાવો.

આપ અનંત સામર્થ્યયુક્ત છો, અમોને પણ પૂર્ણ સામર્થ્ય આપો.

આપ દુષ્ટ કામ અને દુષ્ટ ઉપર ક્રોધ કરનાર છો, અમોને પણ એવા જ બનાવો.

તું નિંદા, સ્તુતિને સહન કરનાર છે, કૃપાથી અમોને પણ એવા જ બનાવી માત્ર લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સામર્થ્ય આપ.

અમોને દુષ્ટતાથી દુર લઇ જઈ ભલાઈ તરફ વાળ.

યજુર્વેદ ૩૪.૧-૬ (શિવ સંકલ્પ મંત્રો)

હે પ્રેમાળ અને દયાળુ ઈશ્વર ! તારી કૃપાથી મારું મન જાગ્રત અવસ્થામાં દૂર દૂર જાય છે તથા હંમેશા દિવ્યગુણયુક્ત રહે છે. તે જ મારું મન નિંદ્રા અવસ્થામાં દૂર દૂર જવા સમાન વ્યવહાર કરે છે. તારી કૃપાથી મને મળેલું પ્રકશિત મન સદા શિવસંકલ્પ રહે. અર્થાત મારું મન પોતાને અને અન્ય પ્રાણીઓને અર્થે સદા કલ્યાણનો સંકલ્પ કરનારું થાય અને કોઈની હાનિ કરવની ઈચ્છાયુક્ત કદી ન થાય.

હે સર્વજ્ઞ અને સર્વાંન્તરર્યામી પરમેશ્વર ! જે મનથી ધૈર્યયુક્ત વિદ્વાનો લોક કલ્યાણ માટે સત્કર્મ કરે છે અને દુષ્ટો સામે યુદ્ધ કરે છે, જે મન અપૂર્વ સામર્થ્યયુક્ત છે અને જે મન સદા સર્વ પ્રાણીઓનું કલ્યાણ કરનારું છે, તે મારું મન સદા ધર્માચરણ કરવાની ઈચ્છાયુક્ત થઈને અધર્મને સર્વથા છોડી દે.

જે ઉત્કૃષ્ટ જ્ઞાનપ્રદાતા છે, જે મારામાં સદા પ્રકાશયુક્ત છે, જે યોગ્ય નિર્ણય લેવામાં સહાયક છે, જેના વગર કોઈપણ કાર્ય સંપન્ન થઇ શકતું નથી, તે મારું મન સદા શુદ્ધ ગુણોની ઈચ્છા કરી દુષ્ટ ગુણોથી પૃથક રહે.

હે જગદીશ્વર ! જે મનથી યોગી લોક સર્વ ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણી શકે છે, જે મન ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાપ્તિ માટે અને આત્માને પરમાત્મા સાથે મેળવવામાં સહાયભૂત છે, જે મન પાંચ જ્ઞાનેન્દ્રિય, બુદ્ધિ અને આત્માની સાથે મળી સત્કર્મો કરે છે, તે મારું મન સર્વદા શુદ્ધ અને લોક કલ્યાણમાં પ્રવૃત રહે.

હે પરમ વિદ્વાન પરમેશ્વર! આપની કૃપાથી મારા મનમાં ચાર વેદોનું (ઋગવેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ) જ્ઞાન એવી રીતે પ્રતિષ્ઠિત થયેલું છે જેમ રથની મધ્યમાં ધરીની અંદર આરા લાગેલા રહે છે. જે મનની અંદર અને બહાર સર્વજ્ઞ, સર્વવ્યાપક અને ચેતન ઈશ્વરનો વાસ છે, તે મારું મન સર્વદા કલ્યાણકારી કર્મોમાં પ્રવૃત રહે. આમ કરી મારું મન વેદજ્ઞાન પ્રાપ્ત કરવામાં સમર્થ બને અને તેમાં સર્વદા અવિદ્યાનો અભાવ રહે અને તે વિદ્યાપ્રિય બન્યું રહે.

હે સર્વનિયન્તા પરમેશ્વર! જે મન ઘોડાના નિયન્તા સારથીની સમાન મનુષ્યોને અહીં-તહીં ડોલાવે છે, જે હદયમાં પ્રતિષ્ઠિત ગતિમાન અને અત્યંત વેગવાળું છે, તે મારું મન મારી સર્વ ઇન્દ્રિયોને અધર્માચરણથી રોકી ધર્મપંથ પણ સદા ચલાવ્યાં કરે, એવી મારા પર કૃપા કરો.

યજુર્વેદ ૪૦.૧૬

હે  આનંદ પ્રદાતા ! હે સ્વપ્રકાશસ્વરૂપ સર્વજ્ઞ ઈશ્વર ! આપ અમોને શ્રેષ્ઠ માર્ગથી સંપૂર્ણ બુદ્ધિયુક્ત કરો. અમોને અમારામાં રહેલ કુટિલ અને પાપાચરણરૂપ માર્ગથી પૃથક કરો. અમો તારી નમ્રતાપૂર્વક સ્તુતિ કરીએ છીએ છે કે આપ અમારા મન, વચન અને કર્મ પ્રવિત્ર કરો.   

યજુર્વેદ ૧૬.૧૫

હે રુદ્ર ! (દુષ્ટને પાપના દુઃખસ્વરૂપ ફળ આપીને રુદન કરાવનાર પરમેશ્વર!) અમોને અમારાથી નાના, અમારા વડીલો, અમારા માતા-પિતા, ગર્ભમાં રહેલ જીવ, અમારા પ્રિયજનો કે પછી કોઈપણ નિર્દોષ જીવોને કોઈપણ પ્રકારની હાનિ ન પહોચાડવા પ્રેરિત કર. અમોને એવા માર્ગે ચાલવ કે જે માર્ગે ચાલી અમે તારા દંડને પાત્ર ન બનીએ.

શતપથ બ્રાહ્મણ ૧૪.૩.૧.૩૦

અમે અસત્યનો પરિત્યાગ કરી સત્યને ગ્રહણ કરીએ. અમે અંધકારરૂપી અવિદ્યાને છોડીને વિદ્યારૂપી જ્યોતિને પ્રાપ્ત કરીએ. અમે મૃત્યુરોગથી પૃથક થઇ અમરત્વરૂપી મોક્ષને પ્રાપ્ત થઈએ. હે પરમેશ્વર ! આમ થવા માટે અમોને પ્રેરણા આપ.

યજુર્વેદ ૨.૧૦

હે સર્વઐશ્વર્યસંપન્ન ઈશ્વર! અમોને સ્વસ્થ શરીર, સર્વોત્તમ ઇન્દ્રીઓ અને મનમાં સ્થિર કર. અમારી સર્વ ઇન્દ્રિયો તથા મન ઉત્તમ થાય, અમોને ઉત્તમ પદાર્થ મળે અને સર્વ ઇન્દ્રિયો અને અવયવોનું પોષણ ઉત્તમ પ્રકારે થાય. અમોને સર્વ સદ્દગુણ યુક્ત કર. તું વિદ્યા, શક્તિ અને સમૃદ્ધિ આદિ ધનયુક્ત છે. અમારા રાષ્ટ્રને સામર્થ્યવાન, શક્તિમાન અને સમૃદ્ધ બનાવવામાં અમારી સહાય કર. અમારી ઈચ્છાઓ સદૈવ સત્ય થાય અને અમો સદા સત્કર્મો કરતા રહીએ. અમારી ન્યાયપૂર્વકની ઈચ્છાયુક્ત ક્રિયાઓ સિદ્ધ થાય. અમે ભ્રષ્ટાચાર, દેશદ્રોહ જેવા રાષ્ટના શત્રુઓનો નાશ કરી એક  શક્તિશાળી ચક્રવર્તી અને ન્યાયી રાષ્ટ્રની સ્થાપના કરીએ.

ઋગ્વેદ ૧.૩૯.૨

અમે સદા સશકત અને શક્તિમાન નબી રહીએ. અમારા શસ્ત્રો હંમેશા કાર્યક્ષમ સ્થિતિમાં ઉપલબ્ધ રહે. અમારા શસ્ત્રો અને શક્તિ નિર્દોષ લોકોની રક્ષામાં પાપી શક્તિઓને સદા પરાજિત કરતા રહે અને પાપીઓની સેનાને સદા રોકી રાખે. અમારી શક્તિ, અમારું અદમ્ય સાહસ અને અમારી વીરતા, એક સમૃદ્ધ, શક્તિશાળી, ન્યાયી અને ચક્રવર્તી સામ્રાજ્યની સ્થાપના કરવામાં સહાયક બને. અમે ભ્રષ્ટાચાર, અન્યાય, દેશદ્રોહ જેવી પાપી શક્તિઓને પરાજિત કરતા રહીએ. પરંતુ આ પ્રાર્થના ત્યારે જ સાર્થક થઇ શકે કે જયારે આપણે સત્ય, ન્યાય, સદાચાર અને દયા માર્ગના પથિક હોઈએ. જે લોકા આવી પ્રાર્થના સફળ થવાની આશા રાખે છે પરંતુ સ્વયં પ્રપંચી, અન્યાયી, કપટી અને પાપી છે તમને ઈશ્વરની ન્યાય વ્યવસ્થા અનુસાર ભારે પરાજયનો સામનો કરવો પડે છે. આથી આપણે સદા સત્કર્મો જ કરતા રહેવું જોઈએ.

યજુર્વેદ ૩૮.૧૪

હે ઈશ્વર ! અમે સદા સત્કર્મો કરીએ. અમારી ઈચ્છાઓ શુભ અને ઉત્તમ તથા અમારા શરીર ઉત્તમોત્તમ તથા પુષ્ટિકારક અન્નથી બળવાન કર. અમે સદા કર્મશીલ બની રહીએ. અમે સદા વેદવિદ્યા અને વિજ્ઞાન ગ્રહણ કરી માનવમાત્રનું કલ્યાણ કરવામાં પ્રયત્નશીલ રહીએ. અમે બ્રાહ્મણવર્ણ જેવા ગુણ, કર્મ અને સ્વભાવયુક્ત થઇ વિદ્યા ગ્રહણ અને વિદ્યા પ્રચાર કરીએ. અમે દેશના આંતરિક અને બાહ્ય શત્રુઓનો નાશ કરી શક્તિશાળી ચક્રવર્તી રાષ્ટ્રની સ્થાપના અને સંચાલન કરે તેવા ક્ષત્રિય સ્વભાવવાળા થઈએ.

જેમ પૃથ્વી, સૂર્ય, અગ્નિ જેવા પદાર્થોથી સર્વ જગતને પ્રકાશ અને ઉપકાર પહોંચે છે તેમ જ્ઞાન, વિજ્ઞાન, કલાકૌશલની સાથે વિમાન, વાહનો, યંત્રો અને અન્ય ઉપકારક ઉપકરણોને વિકસાવી સમાજ પર ઉપકાર કરીએ. હે ન્યાયકારી ઈશ્વર ! જેમ તું ન્યાયકારી છે, તેમ અમો પણ ન્યાયકારી બનીએ. હે સર્વહિતકારક પરમેશ્વર ! જેમ તું સર્વહિતકારક છે તેમ અમો પણ પરસ્પરના વેર ત્યજી, કોઈપણ જીવ પ્રત્યે શત્રુતાનો ભાવ ન રાખી, સર્વના મિત્ર અને સર્વહિતકારી બનીએ. હે ઈશ્વર ! અમારું રાષ્ટ્ર સર્વ સામર્થવાન બને, અમે સમૃદ્ધિના શિખર પર પહોચીએ અને અમે સદ્દગુણો સંપન્ન થઈએ.  

યજુર્વેદ ૧૮.૨૯

જે આ આખા જગતમાં વ્યાપી રહ્યો છે તે ઈશ્વર આપણો માતા-પિતા, ગુરુ અને પરમ મિત્ર છે. હે મનુષ્યો ! તે ઈશ્વરની પ્રાપ્તિ માટે તમારું સર્વ આયુષ સમર્પણ કરો. અર્થાત મનુષ્યે પોતાનું જીવન તે ઈશ્વરની સેવામાં અને આજ્ઞા પાળવામાં જ ગાળવું. તે જ પ્રમાણે મનુષ્યે પોતાના પ્રાણ, જ્ઞાનેદ્રીઓ, મન, આત્મા, સુખ, જ્ઞાન, સત્કર્મો, કર્મફળ, યજ્ઞ, સર્વ ક્રિયાઓની વિદ્યા, ન્યાયાચરણ, ભૂમિ આદિ રહેવાના સ્થાન, મહાન સિદ્ધિ આ સર્વ વસ્તુઓ ઈશ્વરને સમર્પણ કરી કૃતજ્ઞ થવું. કારણ કે મનુષ્ય પાસે જે કાઈપણ છે તે સર્વ પદાર્થોનો સ્ત્રોત્ર ઈશ્વર જ છે. આથી હે મનુષ્યો ! ઈશ્વર પ્રાપ્તિ જ તમારા જીવનનો એક માત્ર ઉદ્દેશ હોય. ઈશ્વર સમર્પણ એ જ તમારો જીવન મંત્ર બને!        

આપણે ઈશ્વર સિવાય કોઈ વ્યક્તિ વિશેષ કે વંશને સ્વામી ન માનીએ. આપણે સદા ઈશ્વરના સનાતન નિયમો અનુસારનું વર્તન કરીએ. આપણે સદા ઈશ્વરની આજ્ઞા પાલન કરવામાં પ્રયત્નશીલ અને ઉત્સાહી બની રહીએ. ઈશ્વરની આજ્ઞા વિરુદ્ધના માનવનિર્મિત નિયમોને ન માનીએ. આપણે સૌ એક થઇ એવી પાપી શક્તિઓનો નાશ કરીએ કે જે સાચા ઈશ્વરને નહીં પરંતુ સ્વયંનો જ ઈશ્વર તરીકે સ્વીકાર કરવા આપણને બાધ્ય કરવાનો પ્રયત્ન કરે છે. બીજા શબ્દોમાં, આપણે સૌ એક થઈએ, ક્યારેય એકબીજાનું અહિત ન ઈચ્છીએ. અને સદા મન,વચન અને કર્મમાં સત્યનું આચરણ કરતા રહીએ.   

આપણે માત્ર અને માત્ર સર્વજ્ઞ ઈશ્વરને જ સ્વામી માની તેની આજ્ઞાનું પાલન કરતા રહીએ, કોઈ અલ્પજ્ઞ વ્યક્તિ કે વંશની ઈશ્વર વિરુદ્ધની આજ્ઞાનું નહીં. 

પ્રશ્ન: ઉપાસનાનો અર્થ સમજાવશો?

ઉપાસના શબ્દનો અર્થ સમીપસ્થ થવું છે. ઉપાસનાથી પરબ્રહ્મ સાથે મેળ અને તેનો સાક્ષાત્કાર થાય છે. જે કરવાથી ઈશ્વરના આનંદસ્વરૂપમાં પોતાના આત્માને મગ્ન કરવામાં આવે છે, તેને ઉપાસના કહે છે. ઈશ્વરની આજ્ઞા અનુસાર આપણે મન, વચન અને કર્મમાં વ્યવહાર કરી શકીએ તે માટે ઈશ્વરને સમજવા માટે જે પ્રયત્ન કરવામાં આવે છે તેને ઉપાસના કહે છે. પરમેશ્વરના સમીપસ્થ થવા માટે અને તેનો સાક્ષાત્કાર કરવા માટે જે જે કર્મ કરવા આવશ્યક છે તે બધાં જ કર્મો “ઉપાસના” કહેવાય છે.

જે મનુષ્યે પોતાની અજ્ઞાનતાના બધાં જ બીજ નષ્ટ કરી દીધા છે, જેણે આત્મસ્થ થઇ પરમાત્મામાં ચિત્ત લગાડ્યું છે, તેને પરમાત્મા સાથેના યોગનું જે સુખ પ્રાપ્ત થાય છે, તે સુખનું વાણીથી વર્ણન કરી શકાતું નથી. કારણ કે ઈશ્વરના આનંદને તો જીવાત્મા તેના અંત:કારણમાં ગ્રહણ કરે છે.

પ્રશ્ન: ઈશ્વર ઉપાસનાની વિધિ જણાવશો?  

ઈશ્વર ઉપાસના ઘણો લાંબો અને ગહન વિષય છે. ઈશ્વર ઉપાસના યોગ દર્શનનો મુખ્ય વિષય છે. આપણે આ લેખમાં ઈશ્વર ઉપાસના વિધિ પર ટુંકી વિગત આપીશું અને ભવિષ્યમાં ક્યારેક આ વિષય પર ઊંડાણમાં ચર્ચા કરીશું.

ઈશ્વર ઉપાસનાનો પ્રારંભ કરવા ઇચ્છનારને નીચે વર્ણિત ક્રિયાઓ સૌ પ્રથમ કરવી જોઈએ.

એ વાતની નોંધ લો કે જ્યાં સુધી ઉપાસક ઉપાસનાના વિધિના આ પ્રથમ તબક્કામાં વર્ણિત ક્રિયાઓ કરવામાં સફળ થતો નથી ત્યાં સુધી ઉપાસનાની બાકીની વિધિ તેના માટે અસરકારક નીવડતી નથી. ઉપાસના વિધિના આ પ્રથમ તબક્કાના બે અંગ છે. – યમ અને નિયમ

યમ

અહિંસા – શરીર, વાણી, તથા મનથી દરેક સમયે સમસ્ત પ્રાણીઓ પ્રતિ તિરસ્કાર કે દ્વેષનો ભાવ ન રાખી પ્રેમપૂર્વક વ્યવહાર કરવો “અહિંસા” કહેવાય છે.

સત્ય – જોયેલું, સાંભળેલું, વાંચેલું અને અનુમાન કરેલું જે જ્ઞાન મનમાં છે એવું જ જ્ઞાન વાણીથી બોલવું અને શરીરથી આચરણમાં લાવવું “સત્ય” કહેવાય છે.

અસ્તેય – કોઈ વસ્તુના સ્વામીની આજ્ઞા વિના તે વસ્તુને ન તો શરીરથી લેવી, ના લેવા માટે કોઈને વાણીથી કહેવું, કે ન મનમાં તે વસ્તુને લેવાની ઈચ્છા કરવી “અસ્તેય” કહેવાય છે.

બ્રહ્મચર્ય – મન થતા ઇન્દ્રિયો સંયમ રાખી વીર્ય આદિ શારીરિક શક્તિઓની રક્ષા કરવી, વેદાદિ શાસ્ત્રોનો અભ્યાસ કરવો અને ઈશ્વરની ઉપાસના કરવી “બ્રહ્મચર્ય” કહેવાય છે.

અપરિગ્રહ – હાનીકારક કે અનાવશ્યક વસ્તુઓ અને હાનીકારક કે અનાવશ્યક વિચારોનો સંગ્રહ ન કરવો “અપરિગ્રહ” કહેવાય છે.

નિયમ

શુદ્ધિ – શુદ્ધિ બે પ્રકારની હોય છે. પહેલી બાહ્ય શુદ્ધિ અને બીજી આંતરિક શુદ્ધિ. શરીર, વસ્ત્ર, પાત્ર, ખાનપાન વગેરેને પવિત્ર રાખવું “બાહ્ય શુદ્ધિ” કહેવાય છે. વિદ્યા, સત્સંગ, સ્વાધ્યાય, સત્ય ભાષણ, ધર્માંચારણથી મન-શુદ્ધિ વગેરેથી અંત:કારણને શુદ્ધ કરવું “આંતરિક શુદ્ધિ” કહેવાય છે.

આત્મસંતોષ – જ્ઞાન, વિદ્યા, બળ તથા સાધનોથી પૂર્ણ પુરષાર્થ કર્યા બાદ જેટલો પણ આનંદ, વિદ્યા, બળ, ધન ફળરૂપમાં પ્રાપ્ત થાય તેનાથી સંતુષ્ટ રહવું અને તેનાથી અધિક મળવાની ઈચ્છા ન કરવી “આત્મસંતોષ” કહેવાય છે.

તપ – ધર્માચરણરૂપ ઉત્તમ કર્મો કરતા કરતા ભૂખ-તરસ, સર્દી-ગરમી, હાની-લાભ, માન-અપમાન આદિ ને પ્રસન્નતાપુર્વક સહન કરવા “તપ” કહેવાય છે.

સ્વાધ્યાય – મોક્ષ પ્રાપ્તિ માટે વેદાદિ સત્ય શાસ્ત્રોનો અભ્યાસ અને મંત્રો જાપ તથા આત્મચિંતન કરવું એ “સ્વાધ્યાય” કહેવાય છે.

ઈશ્વર પ્રણિધાન – શરીર, બુદ્ધિ, બળ, જ્ઞાન ધન આદિ સાધનોને ઈશ્વરપ્રદ્દ્ત માની તેમનો પ્રયોગ લૌકિક ઉદ્દેશ માટે નહીં પણ ઈશ્વર પ્રાપ્તિ માટે કરવો; તથા ઈશ્વર મને જોઈ, સંભાળી અને જાણી રહ્યો છે તે ભાવના સદા મનમાં બનાવી રાખવી “ઈશ્વર પ્રણિધાન” કહેવાય છે.

જયારે આ મૂળ પ્રક્રિયા સમજાઈ જાય ત્યારે મનુષ્ય ઉપાસક બને છે.  

આખી ઉપાસના વિધિનું તત્વ આ બે અંગોમાં હોવાથી ઉપાસનાના આ બે અંગના અભ્યાસમાં નિપુણ બન્યા બાદ જ તમે ઉપાસનાના બાકીના છ અંગોનો અભ્યાસ શરુ કરી શકો તેમ નથી. પણ ઉપાસનાના બાકીના છ અંગોનો અભ્યાસ કરવા માટે ઉપાસનાના પ્રથમ બે અંગોને સમજી તેનો નિરંતર પ્રમાણિકપણે અભ્યાસ કરતા રહેવાની જરૂર તો રહે જ છે. કદાચ શરૂઆતમાં તેમાં સંપૂર્ણ સફળતા ન મળે તો પણ વધુ દ્રઢ સંકલ્પ કરી યમ નિયમમાં નિપુણ બનાવાનો પ્રયત્ન કરવો જોઈએ.

ઉપાસનાના બાકીના છ અંગોની ચર્ચા ફરી ક્યારેક ઊંડાણમાં કરીશું.

પ્રશ્ન: આપણે ઉપાસના કેવી રીતે કરવી જોઈએ?

ઈશ્વર ઉપાસના પદ્ધતિ નીચે પ્રમાણે ક્રમાનુસાર કરવી જોઈએ.

૧. એકાંત અને શાંત સ્થાન શોધવું

૨. આસનમાં બેસવું અર્થાત ઈશ્વરનું ધ્યાન કરવા માટે એકાંત અને શાંત સ્થાન પર સુખપૂર્વક સ્થિર બેસવું.

૩. પ્રાણાયમ કરવું અર્થાત આસન પર સ્થિરતાપૂર્વક બેઠા પછી મનની અસ્થિરતા અને ચંચળતાને રોકવા માટે શ્વાસોચ્છવાસની ક્રિયાનું નિયંત્રણ કરવું. (એ વાતનું ધ્યાન રાખો કે આજકાલ રામદેવ બાબાની શિબિરોમાં જે યોગ શીખડાવવામાં આવે છે તે માત્ર એક શારીરિક કસરત જ છે અને તેનો સાચી યોગવિદ્યા સાથે કશો જ સબંધ નથી. સાચા અર્થમાં પ્રાણાયમ શીખવા માટે સત્યાર્થ પ્રકાશનું બીજું પ્રકરણ વાંચો.)

૪. મનને બાહ્ય ખલેલ અને અશાંતિથી અલગ કરી નિયંત્રણમાં લાવ્યાં બાદ જ્યારે ઇન્દ્રીઓ પોતાનું કામ કરવાનું બંધ કરે ત્યારે મનને નાભી, હદય, ગળું, નેત્ર, શિખા, કે પીઠના મધ્ય ભાગ જેવા શરીરના કોઈ એક સ્થાન પર સ્થિર કરવું.

૫. પોતાની આત્માનું અને પરમાત્માનું વિવેચન કરો. પરમાત્મા સાથે ભાવાત્મક રીતે જોડાવાનો પ્રયત્ન કરી પરમાત્માના આનંદમાં મગ્ન થાઓ. બાહ્ય જગતને ભૂલી જાઓ. જેમ સુંદર સંગીત સાંભળતી વખતે આપણે મચ્છરના ગણગણાંટની અવગણના કરીએ છીએ, તેમ ઉપાસના સમયે મનમાં ઉભરતા અનિયંત્રિત વિચારોની અવગણના કરો.

૬. મનની નબળાઈ અને પાપયુક્ત વિચારોને દુર કરી મનને વિશુદ્ધ કરવાનો સંકલ્પ કરો!

પ્રશ્ન: ઉપાસનાથી થતા લાભ સમજાવશો?  

આપણે આ લેખની શરૂઆતમાં જ ઉપસના કરવાના કેટલાંક લાભ જાણ્યાં, તેમ છતાં નીચે કેટલાંક વધુ લાભ જણાવ્યાં છે.

૧. જે કોઈ ઉપાસના કરે છે તેનો આત્મા અને અંત:કારણ પવિત્ર થઇ સત્યથી પૂર્ણ થઇ જાય છે. અને સત્ય = આનંદ હોવાથી ઉપાસના કરનાર જીવાત્મા અન્ય જીવોની સરખામણીમાં જીવનનો વધુ આનંદ માણે છે.

૨. ધીરે ધીરે આ સત્ય સ્વરૂપ આંનદ ઉપાસકને મુક્તિ સ્વરૂપ પરમ આનંદ તરફ લઇ જાય છે કે જ્યાં કોઈપણ પ્રકારનું દુ:ખ હોતું નથી. પરમ આનંદની આ અવસ્થા જેવી બીજી કોઈ ઉત્તમ અવસ્થા નથી.

૩. જે ઉપાસક ૨૪-૭-૩૬૫ ઈશ્વર સમર્પિત રહે છે તે જીવનમાં વધુને વધુ સુખ અને આનંદને પ્રાપ્ત થાય છે. ઉપાસક ઉપાસના ન કરનારની સરખામણીમાં વધુ સક્ષમ, સચેત, ઉત્સાહી અને સફળ બને છે. 

૪. ઈશ્વર જ ભૌતિક અને આધ્યાત્મિક સુખનો સ્ત્રોત હોવાથી ઈશ્વરનો ઉપાસક ભૌતિક અને આધ્યાત્મિક રીતે ખુબ જ સફળ બને છે! 

૫. જેમ ઠંડીથી થર-થર ધ્રુજતો વ્યક્તિ અગ્નિ પાસે આવી ઠંડીથી નિવૃત થઇ જાય છે, તેમ પરમેશ્વરની સમીપ પ્રાપ્ત થવાથી જીવાત્મા સર્વ દોષ અને દુ:ખથી મુક્ત થઈ જાય છે. જીવાત્માના ગુણ, કર્મ અને સ્વભાવ પરમેશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવ જેવા થાય છે અને જીવાત્મા પરમ આનંદયુક્ત પવિત્ર થઇ જાય છે.

૬. ઈશ્વરની ઉપાસના કરવાથી મનુષ્યનું આત્મબળ એટલું વધશે કે તે પર્વત સમાન દુ:ખ પ્રાપ્ત થવા છતાં ગભરાશે નહીં, એ સર્વ દુ:ખોને શાંતચિત્તે સહન કરશે અને તેમાંથી બહાર આવી જશે. મનુષ્ય જીવનમાં આનાથી વધારે અદ્દભુત બીજું શું હોય શકે!

૭. જે પરમેશ્વરની સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસના નથી કરતા તે મહામુર્ખ અને કૃતઘ્ન હોય છે. કારણ કે પરમાત્માએ આ જગતના સર્વ પદાર્થોને જીવોના સુખ માટે આપી રાખ્યા છે, આથી ઈશ્વરની આ કૃપા ભૂલી જવી અને ઈશ્વરને પણ ન માનવો, એ કૃતઘ્નતા અને મૂર્ખતા છે.

જરા વિચારો કે પોતાના માતા-પિતાને ત્યજી દેનાર કૃતઘ્ન, સ્વાર્થી અને મહામુર્ખ વ્યક્તિઓ સાથે આપણે કેવો વ્યહવાર કરવો જોઈએ!  

વૈદિક પ્રાર્થનાનો આ જ સાર છે!

આપણે સર્વ પૃથ્વીવાસીઓ, હૃદયમાંના દ્વેષનો ત્યાગ કરી, પરસ્પર એકતા જાળવી પરમ કૃપાળુ ઈશ્વરની નિરંતર ઉપાસના કરીએ.

યજુર્વેદ ૩૦.૩:

હે નિત્યાનંદ સ્વરૂપ ઈશ્વર ! હે અનંત વિદ્યાવાન ! હે સર્વ જગ પ્રકાશક ! હે સકલ જગ ઉત્પાદક ! અમારા સઘળાં દુઃખો તથા દુઃખના કારણ એવાં દુર્ગુણોને અમારાથી સર્વદા દૂર રાખો અને અમોને સત્યનિષ્ઠ અને કલ્યાણકારી સત્કર્મો તરફ વાળો.

તારી સત્યસ્વરૂપ વિદ્યાના પ્રકાશથી અમો અમારી બુદ્ધિને શુદ્ધ કરીએ અને તારી પ્રેરણાથી નિરંતર સત્કર્મસ્વરૂપ પુરુષાર્થ કરી અમો શક્તિશાળી અને ન્યાયકારી રાષ્ટ્રનું નિર્માણ અને આરોગ્ય જેવા ભૌતિક સુખ તથા મોક્ષરૂપી આધ્યાત્મિક સુખને પાપ્ત કરીએ. 

શાંતિ શાંતિ શાંતિ

Original post in English is available at http://agniveer.com/vedic-worship-hinduism/

 

[adinserter block="13"]
Previous articleವೇದದಲ್ಲಿ ಗೋಮಾಂಸ ಸೇವನೆ ಇಲ್ಲ
Next articleವೇದಗಳಲ್ಲಿ ಜಾತಿ ಪದ್ಧತಿ ಇಲ್ಲ
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.
  • નાવિક વગરની નૌકા ક્યાં પહોંચે તે ખબર નથી
    ધ્યેય વગરનો પંથી ક્યાં પહોંચે તે ખબર નથી
    કપાયેલી પતંગ ક્યાં પહોંચે તે ખબર નથી
    ધર્મ જાણ્યા વગરનો હિંદુ ક્યાં પહોંચે તે ખબર નથી