નોધ: લેખ વાંચતા પહેલાં આપણે અહીં “દેવતા” અને “ઈશ્વર” વચ્ચેનો ભેદ સમજી લઈએ.

જે દિવ્ય ગુણયુક્ત હોય છે તેને “દેવતા” કહેવામાં આવે છે. જે પદાર્થ – જડ કે ચેતન – આપણાં ઉપયોગમાં આવે છે તેને “દેવતા” કહી શકાય.ઈશ્વરમાં અનંત દિવ્યગુણ હોવાથી તેને પણ “દેવતા” કહેવામાં આવે છે, પણ એનો અર્થ એ નથી કે “દેવતા” કહેવાતા દરેક જડ અને ચેતન પદાર્થને “ઈશ્વર” માની તેની ઉપાસના કરવી જોઈએ. આમ માનવું એ મોટી ભૂલ છે. માત્ર ઈશ્વર જ “ઉપાસ્ય દેવ” છે આથી માત્ર અને માત્ર ઈશ્વરની જ ઉપાસના કરવી જોઈએ.

આ ગુંચવાડાને ટાળવા માટે આપણે આ લેખમાં ઈશ્વરને સંબોધિત કરવા માટે માત્ર “ઈશ્વર” શબ્દનો જ પ્રયોગ કરીશુ.

જે સર્વ દિવ્ય ગુણ-કર્મ-સ્વભાવ અને વિધ્યાયુક્ત છે, જેમાં પૃથ્વી,સુર્યાદિ લોક સ્થિત છે, જે સર્વવ્યાપક અને સર્વ દેવોનો દેવ છે, જે એક માત્ર નિત્ય આનંદનો સ્ત્રોત્ર છે, તેવા પરમેશ્વરને જે મનુષ્ય જાણતો નથી અને તેનું ધ્યાન કરતોનથી, તે મનુષ્ય સર્વદા દુઃખસાગરમાં ડૂબેલો રહે છે. પણ જે મનુષ્ય પરમેશ્વરને અનુભવે છે તે સર્વદા સુખ અને આનંદમાં રહે છે. (ઋગવેદ ૧.૧૬૪.૩૯)

પ્રશ્ન: વેદોમાં કેટલાં ઈશ્વર છે? અમે સાભળ્યું છે કેવેદોમાં અનેક ઈશ્વર વિષે કહેવામાં આવ્યું છે.

તમે કોઈ ખોટી જગ્યાએથી સાભળ્યું હશે.વેદસ્પષ્ટપણે કહે છે કે એક અને માત્ર એક જ ઈશ્વર છે. વેદોમાં એકપણ એવો મંત્રનથી કે જેનો અર્થ એ સૂચવે છે કે ઈશ્વર એક કરતા વધારે છે. માત્ર એટલુ જ નહીં, વેદમાં આપણી અને ઈશ્વરની  વચ્ચે એજન્ટ તરીકે કામ કરતા દેવદૂત, પેગંબર  કે પછી દિવ્ય અવતારનો પણ સંપૂર્ણ નિષેધ છે.

સરળ અનુરૂપતા:

વૈદિક ઈશ્વર = ઈસાઈ ધર્મના ઈશ્વરમાંથી “ટ્રીનીટી નો સિધ્ધાંત” અને “જીજસને તાબે થવાની જરૂરીયાત”ની બાદબાકી

વૈદિક ઈશ્વર = ઇસ્લામ ધર્મના ઈશ્વરમાંથી “અંતિમપેગંબર મોહંમદ” ની બાદબાકી

બીજા શબ્દોમાં કહીએ તો, જો ઇસ્લામમાં શહાદાનો પહેલો ભાગ,લા ઇલાહા ઈલ્લલ્લાહ (અલ્લાહ જ એક અને માત્ર એક ઈશ્વર છે) રાખીને બીજો ભાગ, મુહમ્મદુર સરુલલ્લાહ (મોહંમદઅલ્લાહનો પેગંબર છે)ને છોડી દેવામાં આવે તો આ વૈદિક ઈશ્વરની માન્યતા પ્રમાણે છે.

ઇસ્લામ ધર્મમાં અલ્લાહ સિવાય બીજા કોઈની પણ પૂજા કરવી એ શિર્ક (મહાપાપ) છે. જો તમે આ સિધ્ધાંતને આગળ વધારી અલ્લાહ સિવાય કોઈમોહંમદ કે ગબ્રેઈલને માનવાનો ઇનકાર કરો તો, વેદ અનુસાર તમેશિર્કથી (મહાપાપ) બચી શકો છો.

પ્રશ્ન: વેદોમાં જે ભિન્ન ભિન્ન પ્રકારના દેવતાઓનું વર્ણન કરવામાં આવ્યું છે એના વિષે તમે શું કહો છો? ૩૩ કરોડ દેવતાઓ વિષે તમારું શું કહેવું છે? 

૧. અગાઉ જણાવ્યાં પ્રમાણે “જે દિવ્ય ગુણયુક્ત” હોય તેને “દેવતા” કહેવામાં આવે છે. પણ દેવતા શબ્દથી ઈશ્વરનું ગ્રહણ કરવું એ ભૂલ છે. વેદોમાં એવું ક્યાંય નથી લખ્યું કે આપણે આ દેવતાઓની ઉપાસના કરવી જોઈએ. પણ ઈશ્વર તો દેવોનો દેવ હોવાથી “મહાદેવ” કહેવાય છે. ઈશ્વર “મહાદેવ” એટલા માટે પણ કહેવાય છે કે તે જ સર્વ જગતની ઉત્પત્તિ, સ્થિતિ, પ્રલાયકર્તા, ન્યાયાધીશ અને અધિષ્ઠાતા છે. આથી માત્ર ઈશ્વર જ “ઉપાસ્ય દેવ” છે અને માત્ર તેની જ ઉપાસના કરવી જોઈએ.

૨. વેદોમાં ૩૩ કોટી(કરોડ) દેવતાઓની નહીં પણ ૩૩ પ્રકારના દેવતાઓની વાત છે. (સંસ્કૃતમાં “કોટી” શબ્દનો અર્થ “પ્રકાર” થાય છે.) શતપથ બ્રાહ્મણમાં બહુ સ્પષ્ટપણે આ ૩૩ પ્રકારના દેવતાઓની વ્યાખ્યા કરવામાં આવી છે, જે આ પ્રમાણે છે.

આઠ વસુ – પૃથ્વી, જળ, અગ્નિ,વાયુ, આકાશ,ચંદ્રમા, સૂર્ય, અને નક્ષત્ર.  આ આઠ સર્વ શ્રુષ્ટિના નિવાસ સ્થાન હોવાથી વસુ કહેવાય છે.

અગિયાર રુદ્ર – પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન, સમાન, નાગ, કૂર્મ્મ, કૃકલ, દેવદત્ત, ધનંજયઅને જીવાત્મા. આ અગિયાર જ્યારે શરીર છોડે છે ત્યારે રડાવનારા બને છે આથી તેઓ રુદ્ર કહેવાય છે.

બાર આદિત્ય – સવત્સરના ૧૨ મહિના. આ બાર સર્વની આયુંને લેતા જાય છે આથી તેઓ આદિત્ય કહેવાય છે.

એક વિદ્યુત -વિદ્યુતચુંબકીય બળ કે જે આપણને અત્યંત ઉપયોગી છે.

એક યજ્ઞ –  મનુષ્યો દ્વારા નિરંતર કરવામાં આવતા નિ:સ્વાર્થ સત્કર્મોને યજ્ઞ કહેવામાં આવે છે. યજ્ઞને પ્રજાપતિ પણ કહેવામાં આવે કારણ કે યજ્ઞથી વાયુ, વૃષ્ટિ, જળ, ઔષધિઓની શુદ્ધિ, વિદ્વાનોનો સત્કાર વગેરે થવાથી પ્રજાનું પાલન થાય છે.

આ ૩૩ પદાર્થો તેમના ઉપયુક્ત ગુણોને કારણે દેવ કહેવાય છે. પરમાત્મા આ બધાંનો સ્વામી અને સર્વથી મોટો હોવાથી “મહાદેવ” કહેવાય છે. શતપથ બ્રાહ્મણના ચૌદમાં કાંડમાં પરમાત્માને “ઉપાસ્ય દેવ” કહ્યો છે.

૩૩ દેવતાઓનો વિષય પોતાનામાં જ એક મોટી શોધનો વિષય છે. આ દેવતાઓની યથાયોગ્ય સમજ મેળવવા માટે ગહન અભ્યાસ અને અધ્યયનની જરૂર રહે છે. પણ વૈદિક ગ્રંથોમાં એ વાત તો સ્પષ્ટપણે કહી છે કે આ ૩૩ દેવતાઓ ઈશ્વર નથી અને આથી તેમની પૂજા ન કરવી જોઈએ.

૩. ઈશ્વર અનંત ગુણયુક્ત છે. પણ અજ્ઞાનતને કારણે મનુષ્ય ઈશ્વરના વિભિન્ન ગુણોને વિભિન્ન ઈશ્વર માની બેસે છે.

૪. આવી શંકાઓ અને ખોટી માન્યતાઓના નિવારણ માટે વેદમાં એવા ઘણાં મંત્રો છે કે જે સ્પષ્ટપણે કહે છે કે એક અને માત્ર એક જ ઈશ્વર છે અને ઈશ્વરને જીવ સાથે સંપર્ક કરવા માટે કોઈ સહાયક, એજન્ટ, પૈગંબર કે અવતારની જરૂર નથી. ઉદાહરણ તરીકે:

યજુર્વેદ ૪૦.૧

હે મનુષ્ય!પ્રકૃતિથી લઈને પૃથ્વી સુધી જે કઈ સ્થિર અને ગતિશીલ જગત છે તે ઈશ્વર દ્વારા આચ્છાદિત છે. આ સમગ્ર જગત ઈશ્વરમાં સમાયેલું છે અને તેનું સંચાલન એક અને માત્ર એક ઈશ્વર દ્વારા થઇ રહ્યું છે. આથી તું જગતથી ચિત્ત હટાવીને ત્યાગપૂર્વક તેનો ભોગ કર. તું કદાપી અન્યાયથી કોઈના ધનની આકાંક્ષા ન કર. તું અન્યાયનો ત્યાગ કરી ન્યાયપૂર્ણ ધર્માચરણ કરીને ઈશ્વરના નિત્ય આનંદને પ્રાપ્ત કર. અંતે તો ઈશ્વર જ પરમ આનંદનો સ્ત્રોત છે!

ઋગવેદ ૧૦.૪૮.૧

હે મનુષ્યો! ઈશ્વર સર્વથી પૂર્વ વિદ્યમાન અને સર્વ જગતનો પતિ છે.  ઈશ્વર જ આ સમગ્ર સંસારનું મૂળ કારણ અને સર્વ ધાનોનો વિજય કરનાર અને દાતા છે. સંતાન પોતાના પિતાને જેમ પોકારે છે તેમ સર્વ જીવોએ ઈશ્વરને પોકારાવો જોઈએ. ઈશ્વર જ સર્વ જીવોને સુખ આપનાર અને સર્વ જીવોનું પાલન પોષણ કરનાર છે.

ઋગવેદ ૧૦.૪૮.૫

ઈશ્વર પરમૈશ્વાર્યવાન્ સૂર્યની જેમ સર્વ જગતનો પ્રકાશક છે. ઈશ્વર ક્યારેય પણ પરાજય કે મૃત્યુને પ્રાપ્ત થતો નથી. ઈશ્વર જ જગતરૂપ ધનનો નિર્માતા છે. સર્વ જગતની ઉત્પત્તિ કરનાર ઈશ્વર જ છે. હે જીવો! ઐશ્વર્ય પ્રાપ્તિનો યત્ન કરતા કરતા તમે વિજ્ઞાનાદિ ધન ઈશ્વર પાસે માંગો અને ઈશ્વરની મિત્રતાથી અલગ ન રહો.

ઋગવેદ ૧૦.૪૯.૧

ઈશ્વર જ સત્યની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરનારને સનાતન જ્ઞાનનું ધન આપે છે. ઈશ્વર જ બ્રહ્મ અર્થાત વેદ જ્ઞાનનો સ્ત્રોત અને પ્રકાશક છે. ઈશ્વર જ સર્વના જ્ઞાનને વધારનાર, સત્પુરુષોનો પ્રેરક, યજ્ઞ કરનારનો ફળદાતા, અને આ વિશ્વમાં જે કાંઈ છે, તે સર્વ કાર્યને બનાવનાર અને ધારણ કરનાર છે. આથી ઈશ્વર સિવાય અન્ય કોઈને તેના સ્થાને ન પૂજો, ન માનો કે ન જાણો.

યજુર્વેદ ૧૩.૪

હે મનુષ્યો! ઈશ્વર જ શ્રુષ્ટિની પૂર્વે સર્વ તેજવાળા લોકોનું ઉત્પત્તિ સ્થાન, આધાર અને જે કાંઈ ઉત્પન્ન થયું હતું, છે અને થશે, તેનો સ્વામી હતો, છે અને રહેશે. તે પૃથ્વીથી લઈને સૂર્યલોક પર્યન્ત શ્રુષ્ટિને ધારણ કરનાર છે. તે સુખ સ્વરૂપ પરમાત્માની જ ભક્તિ કરવી જોઈએ.

અથર્વવેદ ૧૩.૪.૧૬-૨૧

એ ના તો બે છે, ન ત્રણ છે, ન ચાર છે, ન પાંચ છે, ન છ છે, ન સાત છે, ન આઠ છે, ન નવ છે, ન દસ છે. તે એક અને માત્ર એક જ છે. તેના સિવાય બીજા કોઈ ઈશ્વરની સત્તા નથી. સર્વ દેવતાઓનો ઈશ્વરમાં નિવાસ છે અને ઈશ્વર જ તેઓનું નિયંત્રણ કરે છે. આથી માત્ર ઈશ્વરની જ ઉપાસના કરવી જોઈએ, અન્યની નહીં

અથર્વવેદ ૧૦.૭.૩૮

એક માત્ર ઈશ્વર જ સર્વથી મહાન છે અને ઉપાસ્યદેવ છે. તે જ સમસ્ત જ્ઞાન અને સર્વ ક્રિયાઓનો આધાર છે.

યજુર્વેદ૩૨.૧૧

ઈશ્વર શ્રુષ્ટિના કણ-કણમાં વ્યાપ્ત છે. કોઈપણ સ્થાન ઈશ્વર વિનાનું નથી. ઈશ્વર સ્વયંભૂ છે અને તેને તેનું કામ કરવા માટે કોઈ એજન્ટ, દેવદૂત કે અવતાર ધારણ કરવાની જરૂર પડતી નથી. જે જીવાત્મા ઈશ્વરનો અનુભવ કરી તેને પ્રાપ્ત કરી શકે છે, તે જીવાત્મા મોક્ષરૂપી પરમ આનંદને માણે છે.

વેદોમાં આવાં ઘણાં મંત્રો છે જે એક અને માત્ર એક જ ઈશ્વરનું વર્ણન કરે છે અને બીજા કોઈપણ દેવતા, પયગંબર કે  અવતારને પૂજયા વિના માત્ર ઈશ્વરને જ પૂજવાનો નિર્દેશ કરે છે.

પ્રશ્ન: ઈશ્વરનું અસ્તિત્વ કઈ રીતે સિદ્ધ કરીશકાય?

પ્રત્યક્ષ અને અપ્રત્યક્ષ પ્રમાણો દ્વારા ઈશ્વરનું અસ્તિત્વ સિદ્ધ કરી શકાય.

પ્રશ્ન: પરંતુ ઈશ્વરનું પ્રત્યક્ષ પ્રમાણ મળવું શક્ય નથી.તો પછી તમે ઈશ્વરનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ કરશો?  

૧. પ્રમાણ એટલે કે ઈન્દ્રીયો દ્વારા ગ્રહણ કરવામાં આવેલું સ્પષ્ટઅને નિર્ભ્રાંત જ્ઞાન. પણ એ વાતની નોંધ લો કે ઈન્દ્રીયો અને મનથી માત્ર ગુણોનું જ પ્રત્યક્ષ થાય છે, ગુણીનું નહીં.

ઉદાહરણ તરીકે, જયારે તમે આ લેખ વાંચો છો ત્યારે તમને અગ્નિવીરના હોવાનું જ્ઞાન થતું નથી. પરંતુ આ કમ્પ્યુટરની સ્ક્રીન પર કેટલીક આકૃતિઓ દેખાય છે. આ આકૃતિઓને તમે સ્વયં સમજી તેનું અર્થઘટન કરો છો. અને પછી તમે એવા નિષ્કર્ષ  પર આવો છો કે આ લેખનો કોઈ ને કોઈ લેખક હોવો જ જોઈએ. આમ તમને અગ્નિવીરના હોવાનું પ્રમાણ મળે છે. વાસ્તવમાં આ “અપ્રત્યક્ષ”પ્રમાણ છે, ભલેને તમને “પ્રત્યક્ષ” લાગતું હોય.

આ જ પ્રમાણે આ શ્રુષ્ટિ, કે જેના ગુણોને આપણે જ્ઞાનઈન્દ્રીયો  દ્વારા અનુભવીએ છીએ, તે ઈશ્વરના અસ્તિત્વ તરફ સંકેત કરે છે.

૨. જયારે શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીભ, નાક અને મન ઇન્દ્રિયોનો અનુક્રમે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, સુખ-દુ:ખ જેવા વિષયો સાથે સંબંધ સ્થાપિત થવાથી જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તેને “પ્રત્યક્ષ” કહેવાય છે. આ સબંધને આપણે “પ્રત્યેક્ષ પ્રમાણ” કહીએ છીએ. ઉદાહરણ તરીકે જયારે તમેકેરી ખાઓ છો ત્યારે તમે મીઠાશનો અનુભવ કરો છો. મીઠાશને તમે કેરી સાથે જોડો છો. અહીં મહત્વની વાત એ છે કે તમે આવા  “પ્રત્યક્ષ પ્રમાણ” ને માત્ર ત્યારે જકોઈ ચોક્કસ ઇન્દ્રી સાથે જોડી શકો છો, કે જયારે એ ઇન્દ્રીનો જ વિષયનો અનુભવ કરવા માટે પ્રયોગ થયો હોય.

આમ ઉપરના ઉદાહરણમાં તમને કેરીનું “પ્રત્યક્ષ પ્રમાણ”  કાનદ્વારા નહીં પણ માત્ર “જીભ”, “નાક” કે “ચક્ષુ” દ્વારા જ મળી શકે.

વાસ્તવમાં આ પણ “અપ્રત્યક્ષ પ્રમાણ” જ છે. ભલે ને સમજવામાં સરળતા રહે તે માટે આપણે તેને “પ્રત્યક્ષ પ્રમાણ”  કહેતા હોઈએ.

હવે જયારે ઈશ્વર અતિ સુક્ષ્મ પદાર્થ હોવાથી, શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીભ, નાક જેવી સ્થૂળ ઈન્દ્રીયો દ્વારા ઈશ્વરનું  “પ્રત્યક્ષ પ્રમાણ” મેળવવુંઅસંભવ છે. ઉદાહરણ તરીકે, આપણે ખુબ જ શક્તિશાળી સૂક્ષ્મદર્શક યંત્રથી પણ અત્યંત સુક્ષ્મ અણુઓને જોઈ શકતા નથી, આપણે અત્યંત લઘું કે ઉચ્ચ આવૃત્તિવવાળા તરંગોને સાંભળી શકતા નથી, આપણને પ્રત્યેક અણુના સ્પર્શનો અનુભવ થતો નથી.

બીજા શબ્દોમાં કહીયે તો, જેમ કેરીનું “પ્રત્યક્ષ પ્રમાણ”  કાનદ્વારા મળવું સંભવ નથી, અને જેમ કોઈપણ ઇન્દ્રિય દ્વારા અત્યંત સુક્ષ્મ પરમાણુઓ અનુભવી શકાતા નથી, તેમ ઈશ્વરનું પ્રત્યક્ષ પણ કોઈ સ્થૂળ કે શુદ્ર ઇન્દ્રિય દ્વારા થવું સંભવ નથી.

૩. માત્ર મન જ એક એવી ઈન્દ્રી છે કે જેના દ્વારા ઈશ્વરની અનુભૂતિ શક્ય છે. જયારે મનની ખલેલને (અનિયંત્રિત વિચારો) શાંત કરી મન પર સંપૂર્ણ નિયંત્રણ મેળવી લેવામાં આવે છે અને જ્યારે અભ્યાસ અને અધ્યયન દ્વારા ઈશ્વરના ગુણોનું યથાયોગ્ય જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે, ત્યારે આપણી બુદ્ધિ દ્વારા ઈશ્વરનું “પ્રત્યક્ષ પ્રમાણ” એવી જ રીતે મળે છે જેવી રીતે સ્વાદથી કેરીનો અનુભવ થાય છે.

આ જ આપણાં જીવનનું આ લક્ષ્ય છે. વિભિન્ન પ્રકારના ઉપાયોથી યોગી લોક આ લક્ષ્યને પામવાનો પ્રયત્ન કરતા રહે છે. આ ઉપાયોમાં અહિંસા, સત્યનો સ્વીકાર અસત્યનો પરિત્યાગ, સર્વ જીવ પ્રત્યે દયા-કરુણાની ભાવના, સર્વના કલ્યાણ માટે પ્રયાસ, નૈતિકતાપૂર્ણ અને ચરિત્રસંપન્ન જીવન, અન્યાય સામે લડાઈ, જનએકતા માટે પ્રયાસ વગેરેનો સમાવેશ થાય છે.

૪. જો આપણે ધ્યાન આપીએ તો આપણને આપણાં દૈનિક જીવનમાં ઈશ્વરના અસ્તિત્વનો પ્રત્યક્ષસંકેત મળતો જ રહે છે. જયારે આપણે ચોરી, ક્રુરતા, છેતરપીંડી જેવા કોઈ દુષ્ટ કર્મ કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે તેજ ક્ષણે આત્માની અંદરથી ભય, લજ્જા, શંકા ઉઠે છે, અને જયારે આપણે પરોપકાર જેવા સુકર્મ કરીએ છીએ ત્યારે આત્માની અંદરથી આનંદ, નિર્ભયતા, સંતોષ, ઉત્સાહ ઉઠે છે.

આત્માનો આ અવાજ જીવાત્મા તરફથી નહીં પણ પરમાત્મા તરફથી છે. પણવારંવાર આપણે આ અવાજને આપણી મૂર્ખતાપૂર્ણ પ્રવૃત્તિઓથી અતિશય મોટા ઘોંઘાટભર્યા સંગીતથી દબાવતા રહીએ છીએ. પણ જ્યારે આપણે શાંત હોઈએ છીએ ત્યારે આપણને આત્માના અવાજની તીવ્રતા વધેલી હોવાનો અનુભવ થાય છે.

૫. પણ જયારે જીવાત્મા માનસિકખલેલ દૂર કરી, શુદ્ધ થઈને પરમાત્માનો વિચાર કરવામાં તત્પર રહે છે ત્યારે તે સ્વયં તથા ઈશ્વરનો પ્રત્યેક્ષ અનુભવ કરે છે.

આમ પ્રત્યક્ષ અને અપ્રત્યેક્ષ એમ બંને પ્રમાણોથી ઈશ્વરનો એટલો જ સ્પષ્ટ અનુભવ થાય કે જેટલો સ્પષ્ટ અનુભવ આપણે આપણી સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા અન્ય પદાર્થોનો કરીએ છીએ.

પ્રશ્ન: ઈશ્વર ક્યાં વસેલો છે?

૧. ઈશ્વર સર્વવ્યાપી હોવાથી આ શ્રુષ્ટિના કણે કણમાં વસેલો છે. ઈશ્વર જો કોઈ નિશ્ચિત સ્થાને જેમ કે આકાશમાં કે કોઈ ખાસ સિંહાસન પર રહેતો હોત, તો ઈશ્વર સર્વજ્ઞ, સર્વશક્તિમાન, શ્રુષ્ટિસર્જક, શ્રુષ્ટિસંચાલક કે પ્રલયકર્તા ન હોય શકે. કારણ કે આપણે જે સ્થાન પર હાજર ન હોઈએ તે સ્થાન પર કાર્ય ન કરી શકીએ!

૨. હવે જો તમે એવું કહો કે જેમ સૂર્ય આકાશમાં એક સ્થાન પર રહી સમસ્ત સંસારને પ્રકાશિત કરે છે અને જેમ રીમોટ-કંટ્રોલ દૂરથી ટીવી ને સંચાલિત કરે છે, તેમ ઈશ્વર પણ કોઈ દૂરના સ્થાનેથી સમગ્ર સંસારનું નિયંત્રણ કરે છે, તો તમારું આ તર્ક યોગ્ય નથી. કારણ કે સૂર્યથી સંસારનું પ્રકાશિત થવું અને રીમોટ-કંટ્રોલથી ટીવીનું સંચાલન થવું, આ બંને કામ અવકાશમાં પ્રવાસ કરતા કિરણોત્સર્ગ તરંગો મારફતે જ થાય છે. અવકાશમાં પ્રવાસ કરતા આ કિરણોત્સર્ગ તરંગોને આપણે નરી આંખે જોઈ શકતા નથી. પણ “સંસાર અને સૂર્ય”  અને “ટીવી અને રીમોટ-કંટ્રોલ” એકબીજાથી દૂર હોવા છતાં આ અદ્રશ્ય તરંગો દ્વારા જોડાયેલા રહે છે. આમ વાસ્તવમાં રીમોટ કંટ્રોલ (દૂરથી વસ્તુનું સંચાલન) જેવું કશું હોતું જ નથી. આમ ઈશ્વરનું કોઈ વસ્તુનું નિયંત્રણ કરવું સિદ્ધ કરે છે કે ઈશ્વર તે વસ્તુમાં છે. 

૩. જો ઈશ્વર સર્વવ્યાપી હોય તો તે એક સ્થાને સીમિત કેમ રહે? ઈસાઈ સંપ્રદાય કહે છે ગોડ ચોથા આકાશમાં છે. ઇસ્લામ કહે છે અલ્લાહ સાતમાં આકાશમાં છે. અને આ બે સંપ્રદાયોના અનુયાયીઓ પોતાને સાચા પુરવાર કરવા માટે સતત લડતા રહે છે. તો શું ગોડ અને અલ્લાહએ અલગ અલગ આકાશમાં એટલા માટે રહેવાનું નક્કી કર્યું હશે કે જેથી તેઓ પણ પોતાના અનુયાયીઓની જેમ લડવાનું શરું ન કરી દે?

વાસ્તવમાં તો આ બધી બાળબુદ્ધિની વાતો છે. ઈશ્વર સર્વશક્તિમાન હોવાથી અને સમગ્ર શ્રુષ્ટિનું સંચાલન કરતો હોવાથી, તેના માટે કોઈ એક નિશ્ચિત સ્થાનમાં સીમિત થઇ જવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. છતાં પણ જો ઈશ્વર આમ કરે તો તે સર્વશક્તિમાન ન કહેવાય.

પ્રશ્ન: શું એનો અર્થ એ છે કે ઈશ્વર મળમૂત્ર, મદિરા જેવી અપવિત્ર વસ્તુઓમાં પણ છે?

૧. સમગ્ર સંસાર ઈશ્વરમાં છે. કારણ કે ઈશ્વર આ બધી વસ્તુઓની બહાર છે પરંતુ ઈશ્વરની બહાર કાંઈ જ નથી. આથી સંસારના પ્રત્યેક કણમાં ઈશ્વર વ્યાપ્ત છે. આ સત્યને આપણે એક ઉપમા દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. આપણે ઈશ્વરની અંદર એવી જ રીતે છે કે જેમ કપડાનો ટુકડો પાણી ભરેલા ટબમાં હોય છે. આ સ્થિતિમાં પાણી કપડાના ટુકડાની બહાર, કપડાના ટુકડાની આજુબાજુ અને કપડાના ટુકડાની અંદર પ્રસરેલું હોય છે. કપડાનો ટુકડાનો કોઈપણ ભાગ પાણીથી ભીંજાયા વગરનો રહેતો નથી, પરંતુ કપડાના આ ટુકડાની બહાર પણ સર્વત્ર પાણી છે.

૨. કોઈ વસ્તુ સ્વચ્છ છે અસ્વચ્છ તે એ વાત પર નિર્ભર કરે છે કે આપણાં માટે તે વસ્તુ કેટલી મહત્વની છે.  જેમ કે અણુઓના સંયોજનથી સ્વાદિષ્ટ કેરી બને છે. પરંતુ કેરી ખાધા પછી તેના અણુઓનું જ્યારે વિઘટન અને અન્ય રસાયણો સાથે પ્રક્રિયા થયા બાદ મળમૂત્રમાં પરિવર્તન થાય છે ત્યારે તે આપણાં માટે અપવિત્ર બની જાય છે. પણ વાસ્તવમાં આ પ્રકૃતિના વિવિધ અણુઓના સંયોજનથી બનતા વિભિન્ન પદાર્થો છે. હવે આપણાં સૌનું આ સંસારમાં ઉદ્દેશય છે. આ કારણે આપણે સૌ દરેક વસ્તુને આ ઉદ્દેશ્ય તરફ આગળ વધવાની દ્રષ્ટિથી જોઈએ છીએ. જે વસ્તુઓ આ ઉદેશ્યને પ્રાપ્ત કરવામાં ઉપયોગી હોય તેને આપણે પવિત્ર ગણી સ્વીકારીએ છીએ અને બાકીની બિનઉપયોગી વસ્તુઓને અપવિત્ર ગણી ત્યાગ કરીએ છીએ. પણ ઈશ્વરને આવો કોઈ ઉદ્દેશ્ય ન હોવાથી તેના માટે કોઈપણ વસ્તુ પવિત્ર કે અપવિત્ર નથી. ઈશ્વર સર્વવ્યાપી હોવાથી તેના માટે કોઈ વસ્તુનો ત્યાગ કરવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી! ઈશ્વરનું કામ તો ન્યાયપૂર્ણ રીતે જીવોને કર્મફળ આપી તેઓને મુક્તિ આપવામાં સહાય કરવાનું છે. આમ આ સમગ્ર સંસારની એક પણ એવી વસ્તુ નથી કે જે ઈશ્વરથી અસ્પૃશ્ય હોય.

૩. આ જ વાત બીજા એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. ઈશ્વર કોઈ એવો સમાજસેવક નથી કે જે પોતાની વાતાનુકૂલિત ઓફીસમાં બેઠો બેઠો યોજનાઓ તો બનાવતો રહે અને જ્યાં ખરેખર સામાજિક કાર્ય કરવાની જરૂર છે તેવા ઝૂંપડપટ્ટી જેવા ગીચ અને ગંદકીવાળા સ્થાને જવાનું ટાળે. ઉલટાનું, વૈદિક ઈશ્વર જીવોના લાભાર્થ માટે સંસારની અત્યંત અપવિત્ર વસ્તુમાં રહીને તેને નિયંત્રિત કરતો રહે છે.

૪. આમ ઈશ્વર પરિપૂર્ણ હોવાથી, તે સર્વ પદાર્થોમાં વ્યાપ્ત હોવા છતાં અને સર્વ પદાર્થ ઈશ્વરમાં હોવા છતાં, ઈશ્વર સર્વ પદાર્થોથી ભિન્ન અને પૃથક છે.

પ્રશ્ન: શું ઈશ્વર દયાળુ અને ન્યાયકારી છે?

ઈશ્વર દયા અને ન્યાયનો સાક્ષાત દ્રષ્ટાંત છે.

પ્રશ્ન: ન્યાય એટલે કર્માનુસાર ન અધિક કે ન નૂન્ય સુખ દુઃખ પહોચાડવું. જ્યારે દયા એટલે અપરાધીને વિના દંડ કરે છોડી દેવો. આમ દયા અને ન્યાય આ બંને તો પરસ્પર વિરોધી ગુણ છે. તો આ બંને વિરોધી ગુણ ઈશ્વરમાં એક સાથે કેવી રીતે સંભવી શકે?

દયા અને ન્યાયમાં નામ માત્રનો જ ભેદ છે. કારણ કે ન્યાયથી જે પ્રયોજન સિદ્ધ થાય છે, તે જ દયાથી થાય છે.

૧. દયાનો અર્થ એ નથી કે અપરાધીને દંડ ન ફટકારી તેને ક્ષમા આપી દેવી. જો દયાના નામે અપરાધીને ક્ષમા આપી છોડી મુકવામાં આવે તો ભવિષ્યમાં બીજા ઘણાં નિર્દોષ અને સજ્જન લોકો તેના અપરાધના ભોગ બને. બીજા શબ્દોમાં કહીએ તો, જો અપરાધીને દંડ ફટકારી ન્યાયની સ્થાપના કરવામાં ન આવે તો બીજા નિર્દોષ મનુષ્યો સાથે દયાપૂર્ણ વર્તન નહીં થાય. વધુમાં, જો અપરાધીને દંડ ન કરી તેના પર દયા કરવામાં આવે તો અપરાધી ભવિષ્યમાં વધુ ગંભીર અપરાધ કરતો અટકશે નહીં અને દુઃખને પ્રાપ્ત થશે. આમ તેની સાથે ન્યાય પણ નહીં થાય.

ઉદાહરણ તરીકે, એક અપરાધી લૂંટારાને છોડી મુકવાથી તે હજારો સજ્જન લોકોને દુઃખ પહોચાડશે. આમ જો એક લૂંટારાને છોડવાથી, હજારો લોકોને દુઃખ પ્રાપ્ત થતું હોય તો તે દયા કેવી રીતે હોય શકે? લૂંટારાને કરદારમાં પૂરી તેને ભવિષ્યમાં પાપ કરવાથી બચાવી લેવો તે લૂંટારા પર દયા છે. એક લૂંટારાને મારી નાખવાથી નિર્દોષ લોકોને થતું નુકશાન અટકાવાવું એ નિર્દોષ લોકો દયા છે. આમ ન્યાયમાં જ સર્વ માટે દયા રહેલી છે. 

૨. વાસ્તવમાં ઈશ્વરનું પ્રયોજન છે “દયા” અને આ પ્રયોજનને સિદ્ધ કરવાની રીત છે “ન્યાય”. જયારે ઈશ્વર કોઈ અપરાધીને તેના દુષ્કર્મ માટે દંડ કરે છે ત્યારે વાસ્તવમાં ઈશ્વરનું પ્રયોજન તે અપરાધીને ભવિષ્યમાં દુષ્કર્મ કરતા અટકાવવાનું હોય છે. આમ કરી ઈશ્વર અપરાધીના અત્યાચારથી નિર્દોષ લોકોની રક્ષા કરી તેમના પર દયા કરે છે. આમ ન્યાય દ્વારા સર્વ દયાનું પ્રયોજન સિદ્ધ થાય છે.

૩. વેદો અનુસાર અને વ્યવહારિક અવલોકન અને નિરીક્ષણ પરથી એ જ્ઞાત થાય છે કે બધાં જ દુઃખોનું મૂળ કારણ અજ્ઞાનતા છે. આ અજ્ઞાનતા જ દુષ્કર્મોને જન્મ આપે છે, કે જેને આપણે અપરાધ કહીએ છીએ. આથી જ્યારે જ્યારે જીવ દુષ્કર્મ કરે છે ત્યારે ઈશ્વર જીવની દુષ્કર્મ કરવાની સ્વતંત્રતાને બાધિત કરી નાખે છે. આમ કરી ઈશ્વર જીવને તેની અજ્ઞાનતા અને દુ:ખ દૂર કરવાની તક આપે છે.

૪. અપરાધ માટે માત્ર માફી માંગી લેવાથી ઈશ્વર જીવને ક્ષમા નથી કરતો. પાપ અને અપરાધનું મૂળ કારણ અજ્ઞાનતા હોવાથી, જ્યાં સુધી જીવની અજ્ઞાનતા નાશ નથી થઇ જતી, ત્યાં સુધી જીવ અનેક જન્મો સુધી તેના સત્કામો કે દુષ્કર્મોનું ફળ નિરંતર ભોગવતો જ રહે છે. ઈશ્વરની આ ન્યાય વ્યવસ્થા પાછળનું પ્રયોજન દરેક જીવને મોક્ષ આપી તેના પર દયા કરવાનું છે.

પ્રશ્ન: શું આનો અર્થ એ છે કે ઈશ્વર મારા પાપકર્મો બદલ મને ક્યારેય ક્ષમા નહીં કરે? તો પછી ઇસ્લામ અને ઈશાઈ ધર્મ વધારે સારા છે. જો હું મારા ગુન્હાઓ કબુલ કરું અને માફી માંગુ તો ભૂતકાળના મારા બધાં પાપોનો રેકોર્ડ ભુંસાઈ જશે અને મને નવેસરથી જીવવાની તક આપવામાં આવશે.   

૧. ઈશ્વર તમારા પાપકર્મોને માફ કરી તમારા પર દયા કરે છે. પણ ઈશ્વરની આ દયા તમારા પાપકર્મોના ન્યાયપૂર્ણ ફળમાં રહેલી છે અને નહીં કે ભૂતકાળના પાપોનો રેકોર્ડ ભૂંસી નાખવામાં.

૨. જો ઈશ્વર તમારા ભૂતકાળના પાપોનો રેકોર્ડ ભુંસતો હોય તો ઈશ્વર નિર્દય અને અન્યાયકારી બને. કારણ કે આવી સ્થિતિમાં, ભલેને તમે પહેલી કક્ષામાંથી આગળ જવાની યોગ્યતાન મેળવી હોય તો પણ ઈશ્વર તેમને બીજી કક્ષામાં બઢતી આપે છે. આ ઉપરાંત જો ક્ષમા માગી લેવાથી ઈશ્વર તમારા પાપકર્મોનો રેકોર્ડ ભુંસી નાખે તો ઈશ્વર અન્ય જીવો સાથે પણ અન્યાય કરે.

૩. ક્ષમાનો અર્થ છે કે આનંદ પ્રાપ્તિ માટે જીવાત્માને સત્કર્મો કરવાની વધુ એક તક આપવી અને નહીં કે જ્યાં તમે ૦% ની જ યોગ્યતા ધરાવતા હોય ત્યાં તમને ૧૦૦% અંક આપી દેવા. વાસ્તવમાં ઈશ્વર દ્વારા આપવામાં આવતું જીવાત્માના પાપકર્મનું ફળ જીવાત્માને સત્કર્મો કરવાની વધુ એક તક છે. યાદ રાખો કે તમારી યોગ્યતા એક જ ક્ષણમાં અથવા તો એક શબ્દ “sorry” કહેવાથી વધી જતી નથી. યોગ્યતા વધારવાની પ્રક્રિયા નિરંતર અભ્યાસ, અધ્યયન અને પુરુષાર્થ માંગી લે છે. માત્ર આળસું વ્યક્તિઓ જ અભ્યાસ, અધ્યયન અને પુરુષાર્થનો માર્ગ ત્યજી ૧૦૦% અંક મેળવવાનો વ્યર્થ પ્રયત્ન કરતા રહે છે.

૪. ઈશ્વર પાપકર્મોને માફ કરી દેશે તેવી લાલચ આપી જે વિષાણુંઓ ધર્માંતરણમાં સક્રિય ભૂમિકા ભજવે છે તેઓ વાસ્તવમાં પોતાને અને બીજાઓને મુર્ખ બનાવે છે. કારણ કે માનીલો કે કોઈ વ્યક્તિને મધુમેહ છે. તો શું તેના આ રોગનો ઉપચાર માત્ર “sorry”કહેવાથી થઇ જશે? જયારે શારીરિક રોગનો ઉપચાર માત્ર “sorry” કહેવાથી થતો નથી તો મન કે જે સંસારનું અતિ જટિલ તંત્ર છે તેનો ઉપચાર માત્ર “sorry”કહેવાથી કઈ રીતે થઇ શકે?

૫. વાસ્તવમાં આવી વિચારસરણી અને સિદ્ધાંતોમાં એક દેખીતો દોષ છે – તેઓ માત્ર એક જ જન્મમાં માને છે અને પુનઃજન્મમાં માનતા નથી. આથી તેઓ લોકોને આકર્ષવા માટે આ જ જન્મમાં ઈશ્વર સુધી જલ્દી પહોચવા માટેના ખોટા નુસ્ખાઓ વાપરે છે. અને બીજા બુદ્ધિસંપન્ન લોકો જો તેમની સાથે સહમત ન થાય તો તેઓને ખુબ જ ડરાવે છે. આપણે અગાઉ એક જન્મના સિદ્ધાંતમાં રહેલી ખામીઓને  God must be crazy! લેખમાં આવરી લીધી છે.

૬. વૈદિક દર્શન અત્યંત સહજ, વૈજ્ઞાનિક, વાસ્તવિકાને અનુરૂપ અને તર્કસંગત છે. વૈદિક દર્શનમાં એવું કોઈ નર્ક છે કે જ્યાં માતા સમાન પ્રેમાળ અને દયાળુ ઈશ્વર તમને હંમેશને માટે બળવા માટે નાંખી દે. આ ઉપરાંત, જીવોની સત્કર્મ અને પુરુષાર્થ દ્વારા યોગ્યતા વધારી આનંદ પ્રાપ્ત કરવાની પ્રક્રિયામાં વૈદિક ઈશ્વર ક્યારેય અવરોધ બનતો નથી.

આનાથી વધુ સંતોષજનક બીજું શું હોય શકે? (૧) ખોટા પ્રમાણપત્ર દ્વારા મેળવેલો પ્રથમ નંબર? કે જ્યાં આપણને ખબર છે કે પરિશ્રમ ન કર્યો હોવાથી વાસ્તવમાં આપણને શૂન્ય જ મળ્યો છે. કે પછી (૨) સખત પરિશ્રમથી મેળવેલો પ્રથમ નંબર? કે જ્યાં આપણને ખબર છે કે વિષયના નિષ્ણાંત બનવા માટે આપણે બનતો બધો જ પ્રયત્ન કરી ચુક્યાં છીએ.

આમ વેદોમાં ઈશ્વર પ્રાપ્તિનો (પરમાનંદ કે મોક્ષ) કોઈ લાંબો કે ટૂંકો માર્ગ નથી. પુરુષાર્થ દ્વારા સત્યને ધારણ કરી અસત્યનો પરિત્યાગ કરતા રહેવું એ જ એક માત્ર માર્ગ સાચો માર્ગ છે! પુરુષાર્થ કરી સત્યના માર્ગ (વૈદિક સિદ્ધાંતો) પર ચાલવાથી આપણને જે શુદ્ધ આનંદ મળી શકે છે તે આનંદની તો કલ્પના પણ ભ્રમણાઓ અને વહેમો પેદા કરનારા બીજા ટૂંકા માર્ગો પર ચાલવાથી કરી શકાતી નથી.

પ્રશ્ન: ઈશ્વર સાકાર છે કે નિરાકાર?

વેદમાં ઈશ્વરને નિરાકાર કહ્યો છે. પણ તર્ક અને સામાન્ય બુદ્ધિના પ્રયોગથી આપણે પણ એ જ નિષ્કર્ષ પર આવીશું કે ઈશ્વર નિરાકાર છે.

૧. આકારવાળી કોઈપણ વસ્તુની કોઈ ને કોઈ પરિસીમા હોય છે. આથી જો ઈશ્વરને આકાર હોય તો ઈશ્વર તેના આકારની પરિસીમાની બહાર ન હોય શકે. એટલે કે ઈશ્વર સીમિત બની જાય. અને જો આકારને કારણે ઈશ્વર સીમિત બની જતો હોય તો પછી ઈશ્વર સર્વવ્યાપી ન હોય શકે!

૨ જો ઈશ્વર શુક્ષ્મ ન રહી સ્થૂળ હોય તો જ ઈશ્વરના આકારને જોવો સંભવ બને. પણ વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો, જે પદાર્થ પરથી પ્રકાશના તરંગો પરાવર્તિત ન થતા હોય તેપદાર્થને જોવો સંભવ નથી. વેદમાં સ્પષ્ટપણે કહ્યું છે કે ઈશ્વર સૂક્ષ્મત્તમ છેઅને સર્વ જગતમાં કોઈપણ અવકાશ વિના વ્યાપક છે. (યજુર્વેદ ૪૦.૮).આથી ઈશ્વર સાકાર ન હોય શકે.

૩. જો ઈશ્વર સાકાર હોય તો એનો અર્થે એ થાય કે ઈશ્વરના આકારનુંકોઈએ સર્જન કર્યું હોવું જોઈએ. પણ તે શક્ય નથી. કારણ કે ઈશ્વરે સર્વનું સર્જન કર્યું છે તો પછી ઈશ્વરનો કોઈ સર્જક કેવી રીતે હોય શકે? હવે જો એમ માની લઈએ કે ઈશ્વરે પોતે જ પોતાના આકારનું સર્જન કર્યું છે, તો એનો અર્થ એ થાય કે ઈશ્વરઅગાઉ નિરાકાર હતો!

૪. જો તમે એમ કહો કે ઈશ્વરને સાકાર અને નિરાકાર બંને છે, તોતે શક્ય નથી. કારણ કે આ બે પરસ્પર વિરોધી ગુણ કોઈ એક જ પદાર્થમાં ન હોય શકે!

૫. જો તમે કહો કે ઈશ્વર સમયાંતરે દિવ્ય સ્વરૂપ ધારણ કરે છે, તો પહેલાં તમેસ્પષ્ટ કરો કે કોનું દિવ્ય સ્વરૂપ? માનીલો કે ઈશ્વર મનુષ્યરૂપી દિવ્ય સ્વરૂપધારણ કરે છે. તો પછી તમે ઈશ્વરીય પરમાણુઓની અને અનીશ્વરીય પરમાણુઓની સીમા કેવી રીતે નક્કી કરશો?હવે જયારે ઈશ્વર સર્વત્ર એક સમાન રીતે વ્યાપેલો છે તો પછી તમેમનુષ્યરૂપી ઈશ્વરને બાકીના સંસારથી કેવી રીતે અલગ પાડશો? અને જો ઈશ્વર સર્વત્ર એકરસ રીતે વ્યાપેલો હોય તો પછી આપણે સીમાઓ જોઈ જ કેવી રીતે શકીએ?

૬. આપણું આ મનુષ્ય શરીર વાસ્તવમાં દ્રવ્ય અનેઉર્જાનું બાકીના સંસાર સાથે નિરંતર ચાલતું વિનિમય છે. મનુષ્યશરીરના પરમાણુઓને સંસારના પરમાણુઓથી અલગ પાડવા એ અશક્ય વાત છે. આથી માનવીય-ઈશ્વર શરીરને પણ અલગ પાડવું અશક્ય છે.ઉદાહરણ તરીકે, શું માનવીય-ઈશ્વર શરીરમાનાં થૂંક,મળ-મૂત્ર અને પરસેવો પણ દિવ્ય હશે?

૭. વેદોમાં ક્યાંય ઈશ્વરના સાકાર હોવાની ધારણા નથી. આ ઉપરાંત ઈશ્વર માટે એવુંપણ કાર્ય નથી કે જેના માટે ઈશ્વરે આકાર ધારણ કરવો પડે!

૮. સામાન્ય રીતે આપણે જેને ઈશ્વરના દિવ્ય સ્વરૂપ માનીએ છીએ – જેમ કે રામઅને કૃષ્ણ – એ વાસ્તવમાં ઈશ્વરની પ્રેરણાથી પ્રેરિત થઇ કર્મ કરનારા હતા. તમને યાદ હશે કે આપણે “આત્માનાઅવાજ” વિશે વાત કરી હતી. આ મહાપુરુષો ઈશ્વર ભક્તિ અને પવિત્ર મનના ઉચ્ચત્તમ ઉદાહરણ હતા. આથી સામાન્ય મનુષ્યોની દ્રષ્ટિમાં તેઓ ઈશ્વર સમાન હતા. પણ વેદમાં ઈશ્વર સિવાય અન્ય કોઈપણની ઉપાસના કરવાનો નિષેધ છે. માત્ર ઈશ્વર જ ઉપાસ્ય દેવ છે. આથી આ મહાપુરુષોની પૂજા કરવાને બદલે, આપણે આપણાં જીવનમાં તેમના આદર્શોનું અનુકરણ કરવું જોઈએ. આ મહાપુરુષોના આદર્શોનું અનુકરણ વેદાનુકુલ છે, જેનું વિવરણ The power of Now! – Know Vedas લેખમાં વિગતવાર કર્યું છે.

૯. જો ઈશ્વર અવતાર લે છે અને આ ઈશ્વરીય અવતારની પૂજા કરવા માત્રથી જ મુક્તિનો માર્ગ ખુલ્લો થઇ જતો હોત તો વેદમાં આ વિષય પર જરૂરથી વિસ્તૃત વર્ણન હોત. પરંતુ વેદમાંતો અવતારવાદનો સંકેત પણ નથી.

પ્રશ્ન: શું આનો અર્થ એ થયો કે બધાં મંદિરો અને રામ, કૃષ્ણ, દુર્ગા, લક્ષ્મી વગેરેની પૂજા વ્યર્થ છે?

આને સમજવા માટે ઉદાહરણ તરીકે દૂર કોઈ ગામડામાં રહતી એક એવી માતાને જોઈએ કે જેના પુત્રને સાપ કરડી ગયો છે. તે નિસહાય માતા તેના બાળકનો જીવ બચાવવા માટે ઝાડ-ફૂંક કરતા કોઈ તાંત્રિકની પાસે જવા દોટ મુકે છે. તો શું આ માતા સાચું કરી રહી છે કે ખોટું?

મોટાભાગના ઈશ્વરભક્તો, ભલે પછી તે હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ કે કોઈ અન્ય ધર્મના હોય, આ જ પ્રકારના હોય છે. તેમની ભાવનાઓ સાચી છે અને સન્માનને પાત્ર છે. પરંતુ અજ્ઞાનતાને કારણે તેઓ ઈશ્વરભક્તિનો ખોટો માર્ગ અપનાવે છે. તેઓની આ ચેષ્ટા એ વાતનું પ્રમાણ આપે છે કે ભલેને હિન્દુઓ વેદોને સર્વોત્તમ માને, પણ આજના સમયમાં ભાગ્યેજ કોઈ વેદોને જાણે છે.

પૂર્વવર્તી મહાપુરુષો પ્રતિ કૃતજ્ઞભાવ વ્યક્ત કરવાનો એક માત્ર રસ્તો એ છે કે તેઓના દિવ્યગુણોને જીવનમાં આત્મસાત્ કરી તે પ્રમાણેના ઉત્કૃષ્ટ કર્મો કરતા રહેવું. ઉદાહરણ તરીકે, અત્યારે રાષ્ટ્રભરમાં દરેક સ્થાને ભ્રષ્ટાચાર, આતંકવાદ, અનૈતિકતા રૂપી રાવણ હાજર છે. પણ જો આપણે સંગઠિત થઈ ને ભ્રષ્ટાચાર, આતંકવાદ, અનૈતિકતા રૂપી રાવણ પર વિજય મેળવીએ તો તે રામ, કૃષ્ણ, દુર્ગા, હનુમાન વગેરેને આપણી સાચી શ્રન્ધાંજલિ હશે!

હું મારા જીવનમાં હનુમાનજીનો ભક્ત રહ્યો છું. મારી પાસે હનુમાનજી પ્રતિ કૃતજ્ઞભાવ વ્યક્ત કરવાનો એક માત્ર રસ્તો એ છે કે હું મારું ઉચ્ચ ચરિત્ર જાળવી રાખું છું અને રાષ્ટ્ર અને સમાજની સેવા કરવા માટે મારા શરીરને સ્વસ્થ અને શક્તિશાળી બનાવવા સદૈવ પ્રયત્નશીલ રહું. જો આપણું શરીર નબળું અને પેટ મોટું અને મેદવાળું થઇ ગયું હોય અને આપણે આવા રોગી શરીરને સ્વસ્થ અને શક્તિશાળી બનાવવાનો પ્રયત્ન ન કરતા હોઈએ તો નાટકીયરૂપમાં હનુમાનજીની ભક્તિ કરવાનો શો અર્થ?

જોકે ઈશ્વરભક્તિ પાછળની ભાવના સન્માનને પાત્ર છે અને કોઈપણ સંપ્રદાયના ઈશ્વરભક્તિની પવિત્ર ભાવનાઓ સામે અમે નતમસ્તક છીએ, પણ તેમ છતાં અમારી કામના તો એ જ છે કે રામ અને કૃષ્ણએ પોતાના જીવનમાં ઈશ્વરભક્તિનો જે માર્ગ અપનાવ્યો હતો તે માર્ગ પર દરેક ઈશ્વરભક્ત ચાલે!

પ્રશ્ન: ઈશ્વર સર્વશક્તિમાન છે કે નહીં?  

હા ઈશ્વર સર્વશક્તિમાન છે. પણ ઈશ્વરના સર્વશક્તિમાન હોવાનો એ અર્થ નથી કે ઈશ્વર જે ઈચ્છે તે મનફાવે કરતો રહે છે. પોતાની ઈચ્છાથી કાંઈપણ કરતા રહેવું એ તો અનુસાશનહીનતાનું સુચન છે. આથી જો ઈશ્વર અનુસાશનહીનતા આચરે તો તે પરિપૂર્ણ અને ન્યાયી ન રહે.

તેનાથીવિરુદ્ધ, ઈશ્વર સૌથી વધારે અનુસાશનપૂર્ણ છે. અહીં સર્વશક્તિમાનનો અર્થ એ થાય છે કે ઈશ્વર પોતાનું કામ અર્થાત,  શ્રુષ્ટિની ઉત્પત્તિ, શ્રુષ્ટિનું પાલન, પ્રલય, વેદ જ્ઞાનનો પ્રકાશ અને સર્વ જીવોના પાપ-પુણ્યની યથાયોગ્ય વ્યવસ્થા, કરવામાં કદાપી કોઈપણની સહાયતા લેતો નથી. એટલે કે ઈશ્વર પોતાના અનંત સામર્થ્યથી જ પોતાનું સર્વ કામ પૂર્ણ કરી લે છે.

પ્રશ્ન: શું ઈશ્વર આદિ છે કે અનાદિ? એટલે કે ઈશ્વરનો કોઈ આરંભ છે કે નહીં?

ઈશ્વર અનાદિ છે. ઈશ્વરનો કોઈ આરંભ કે અંત નથી. એવો કોઈ સમય ન હતો કે જ્યારે ઈશ્વર ન હતો, અને એવો કોઈ સમય આવશે નહીં કે જ્યારે ઈશ્વર નહીં હોય. ઈશ્વર હંમેશાથી હતો અને હંમેશા રહેશે. વધુમાં, ઈશ્વરના સર્વ ગુણો સર્વકાળે એક સમાન જ રહે છે.

આત્મા અને મૂળ પ્રકૃતિ પણ ઈશ્વરની જેમ જ અનાદિ છે.

પ્રશ્ન: ઈશ્વર શું ચાહે છે?

ઈશ્વર સર્વ જીવોની ભલાઈ અને સુખ ચાહે છે. ઈશ્વર ઈચ્છે છે સર્વ જીવ પોતાની યોગ્યતાને આધારે શ્રેષ્ઠત્તમ કર્મો કરી સુખ અને આનંદ પ્રાપ્ત કરે.

પ્રશ્ન: શું આપણે ઈશ્વરની પૂજા કરવી જોઈએ?

હા ઈશ્વરની સ્તુતિ, પ્રાર્થના અને ઉપાસના કરવી જોઈએ.

પ્રશ્ન: જો ઈશ્વરની પૂજા કરવા છતાં ઈશ્વર આપણને પાપકર્મ ફળમાંથી મુક્ત નથી કરતો, તો પછી ઈશ્વરની પૂજા કરવાથી શો લાભ?  

એ વાત સાચી છે કે પૂજા કરવા છતાં પણ ઈશ્વર જીવને પાપકર્મ ફળમાંથી મુક્ત નથી કરતો. દરેક જીવને તેના સત્કર્મો કે દુષ્કર્મોનું ઈશ્વરની ન્યાય વ્યવસ્થા અનુસાર ફળ તો ભોગવવું જ પડે છે. ઈશ્વરની પૂજા કરવાથી કે ઈશ્વર પાસે માફી માંગી લેવાથી જીવના પાપકર્મોનો નાશ નથી થતો. માત્ર આળસુ અને છેતરપીંડી કરનારા લોકો જ સફળતા મેળવવા માટે આવા અનૈતિક માધ્યમનો સહારો લે છે.

ઈશ્વરની પૂજા કરવાના લાભ અલગ જ છે, જેમ કે:

૧. ઈશ્વર અને તેના દ્વારા રચાયેલ શ્રુષ્ટિને વધુ સારી રીતેસમજી શકાય છે.

૨. ઈશ્વરના ગુણોને વધુ સારી રીતે સમજી તેને આપણાં જીવનમાં ધારણ કરી શકાય છે.

૩. મનની શુદ્ધિ થાય છે. મન શુદ્ધ થવાથી આપણી “આત્માનો અવાજ” વધુ સ્પષ્ટપણે સાંભળી શકાય છે અને આપણે ઈશ્વર પાસેથી આત્માના અવાજના રૂપમાં નિરંતર અને સ્પષ્ટ માર્ગદર્શન મેળવીશકીએ છીએ.

૪. આપણી અજ્ઞાનતાનો નાશ થાય છે, આત્મબળ મળે છેઅને આપણે દ્રઢ આત્મવિશ્વાસ સાથે જીવનના કઠોર પડકારોનો સામનો સહજતાથી કરવામાં સક્ષમ બનીએ છીએ.

૫. આપણી અજ્ઞાનતાનો સંપૂર્ણપણે નાશ કરવામાં સક્ષમ બનીએ છીએ અને અંતે મોક્ષરૂપી પરમ આનંદને પ્રાપ્ત કરીએ છીએ.

ધ્યાન રાખો કે પૂજાનો અર્થ યાંત્રિક મંત્રોચ્ચારણ કે મનને વિચારશૂન્ય કરવું એવો નથી. ઈશ્વરની પૂજા એ તો જ્ઞાન, કર્મ અને ઉપાસના દ્વારા જ્ઞાનને આત્મસાત કરવાની ક્રિયાત્મક રીતછે.

પાછળથી આપણે આના પર વધારે ચર્ચા કરીશુ. પણ હાલ પૂરતું તમે  How to worship? વાંચી શકો છો.

પ્રશ્ન: ઈશ્વરને કોઈ અંગ કે ઇન્દ્રિયો નથી તો ઈશ્વર પોતાના સર્વ કાર્ય કેવી રીતે કરે છે?

ઈશ્વર ઇન્દ્રિયો અને અંતઃકરણના કામ પોતાના સામર્થ્યથી કરે છે. પરમેશ્વરના હાથ નથી, પણ પોતાના શક્તિરૂપી હાથથી સર્વનું રચન અને ગ્રહણ કરે છે. ઈશ્વરને પગ નથી, પણ ઈશ્વર સર્વવ્યાપક હોવાથી સર્વથી અધિક વેગવાન છે. ઈશ્વરને ચક્ષુનું ગોલક નથી, પણ ઈશ્વરની આંખો આકાશમાં પ્રત્યેક બિંદુમાં હોવાથી ઈશ્વર સર્વને યથાવત જુએ છે. શ્રોત્ર નથી પણ ઈશ્વર સર્વની વાતો સંભાળે છે. ઈશ્વરને અંતઃકરણ નથી પણ તે સર્વેને જાણે છે, પણ ઈશ્વરને અવધિ સહીત જાણનાર કોઈ નથી. આ શ્લોક ઉપનિષદમાં આવે છે. ઇશોપનિષદ પણ આનું વિસ્તૃત વર્ણન કરે છે.

પ્રશ્ન: શું ઈશ્વરને તેની સીમાઓનું જ્ઞાન છે?

ઈશ્વર સર્વજ્ઞ હોવાથી બધું જ જાણે છે. એનો અર્થ એ થયો કે ઈશ્વર જે સત્ય છે તે બધું જ જાણે છે. ઈશ્વર અસીમિત છે તે સત્ય છે આથી ઈશ્વર જાણે છે કે તે અસીમિત છે. આથી ઈશ્વર અસીમિતની સીમા જાણવાનો પ્રયત્ન કરે જ નહીં. અને જો કરે તો ઈશ્વર અજ્ઞાની પુરવાર થાય!

પ્રશ્ન: ઈશ્વર સગુણ છે કે નિર્ગુણછે?

બંને! જે ગુણોથી સહીત છે તે સગુણ, અને જે ગુણોથી રહિત છે તે નિર્ગુણ કહેવાય છે. પોતપોતાના સ્વાભાવિક ગુણથી સહીત, અને બીજા વિરોધીના ગુણોથી રહિત હોવાથી સર્વ પદાર્થ સગુણ અને નિર્ગુણ છે. પરમેશ્વર પોતાના દયા, ન્યાય, અનંત જ્ઞાન, અનંત બળ, સર્જક, પાલનહાર જેવા ગુણોથી સહીત હોવાથી સગુણ છે. પરમેશ્વર જડતા, ક્રોધ, મૂર્ખતા, જન્મ, મૃત્યુ જેવા દોષોથી રહિત હોવાથી નિર્ગુણછે.

પ્રશ્ન: વેદો અનુસાર ઈશ્વરના દિવ્યગુણો સંક્ષેપમાં વર્ણવો.

ઈશ્વરના ગુણો અનંત છે જેનું શબ્દોમાં વર્ણન કરી શકાય તેમ નથી.પરંતુ તેમ છતાં ઈશ્વરના કેટલાંક દિવ્યધૂનો નીચે પ્રમાણે છે.

તેનું અસ્તિત્વ છે.

તે ચેતન છે.

તે દરેક સુખ અને આનંદનો મૂળ સ્ત્રોત્ર છે.

તે નિરાકાર છે.

તે અપરિવર્તનશીલ છે.

તે સર્વશક્તિમાન છે.

તે ન્યાયી છે.

તે દયાળુ છે.

તે અજન્મા છે.

તે અમર છે.

તે અનંત છે.

તે સર્વવ્યાપી છે.

તે નિર્વિકાર છે.

તેની કોઈ શરૂઆત કે અંત નથી.

તે અનુપમ છે.

તે સમગ્ર શ્રુષ્ટિનો પાલનહાર છે.

તે સમગ્ર શ્રુષ્ટિનું સર્જન કરે છે.

તે સર્વજ્ઞ છે.

તે પરિપૂર્ણ છે.

તે અભય છે.

તે શુદ્ધ સ્વરૂપ છે.

તેને કોઈ એજન્ટ નથી અને સર્વ જીવો સાથે તેનો સીધો જ સબંધ છે.

તે જ ઉપાસ્ય દેવ છે.

આનંદ મેળવવાનો અને સર્વ દુ:ખ દૂર કરવાનો આ જ એકમાત્ર રસ્તો છે.

Original post in English is available at http://agniveer.com/vedic-god/

Liked the post? Make a contribution and help revive Dharma.

Disclaimer:  We believe in "Vasudhaiv Kutumbakam" (entire humanity is my own family). "Love all, hate none" is one of our slogans. Striving for world peace is one of our objectives. For us, entire humanity is one single family without any artificial discrimination on basis of caste, gender, region and religion. By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. Please read Full Disclaimer.
Previous articleवेदों में नारी
Next articleMega Shuddhi event
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.
  • […] http://agniveer.com/2715/vedic-worship-hinduism/ આપણે આ પહેલાના લેખ વૈદિક ઈશ્વર માં ઈશ્વરની પૂજા કરવાના લાભ જણાવ્યા […]

  • નમસ્તે માનનીય આર્ય અગ્નિવીર જી અને રોનક અને કૃતિ ત્રિવેદી , અતિ સુંદર લેખ.