હે મનુષ્ય! પ્રકૃતિથી લઈને પૃથ્વી સુધી જે કઈ સ્થિર અને ગતિશીલ જગત છે તે ઈશ્વર દ્વારા આચ્છાદિત થયેલ છે. આથી જગતથી ચિત્ત હટાવીને ત્યાગપૂર્વક તેનો ભોગ કર. ધન કે બીજી કોઈપણ ભૌતિક વસ્તુમાત્રની અભિલાષા ન કર. કારણ કે વિશ્વની આ સંપત્તિ કોઈના માલિકીની નથી.

ઈશા વાસ્યમિદઁ સર્વં યત્કિઞ્ચ જગત્યાં જગત્ |
તેન ત્યક્તેન ભુઞ્જીથા મા ગૃધઃ કસ્યસ્વિદ્ધનમ્ || ૧ || (યજુર્વેદ ૪૦.૧)

ઈશા – ઈશ્વર

વાસ્યમ  – આચ્છાદિત થયેલ

ઇદમ  – પ્રકૃતિથી લઈને પૃથ્વી સુધી

સર્વં  – સર્વ (દરેક બિંદુ, દરેક સ્થાન)

યત્  – જે

કિં ચ  – અને

જગત્યાં – ગતિશીલ વિશ્વ

જગત્  – સ્થિર વિશ્વ

તેન  – તેથી

ત્યક્તેન  – ત્યાગપૂર્વક એટલે કે જગતથી ચિત્ત હટાવીને

ભુઞ્જીથા  – ભોગ કર

મા  – ન બન

ગૃધઃ – લોભ કે અભિલાષા

સ્યસ્વિt – કે જેની

ધનમ્ – આ સંપત્તિ (ઘન કે વસ્તુમાત્ર)

ઇશોપનિષદ એટલે કે યજુર્વેદનું પ્રકરણ ૪૦, નિત્ય આનંદ અને સફળતા પ્રાપ્ત કરવા માટે અનિવાર્ય એવા બધાં જ સકારાત્મક તત્વજ્ઞાનનો ભંડાર છે. ઇશોપનિષદનાં આ પહેલાં મંત્રમાં મુખ્ય શબ્દ ‘જગત’ છે. ‘જીવન’, ‘જીવ’ અને ‘જગત’નો મુખ્ય અર્થ શું થાય છે, આ ‘જગત’ સાથે ‘જીવો’નો ઉત્તમ સંબંધ કેવો હોવો જોઈએ, જો ‘જીવ’ ‘જગત’ સાથેના તેના ઉત્તમ સંબંધને અવગણીને કર્મ કરે તો કેવી ભૂલો થવાની સંભાવના છે, આ ત્રણ વિષયો પર આ મંત્રમાં ઉપદેશ આપવામાં આવ્યો છે.

૧. પ્રકૃતિ – આપણી આજુબાજુની દુનિયા, ઈશ્વર –  સર્વવ્યાપી પરમાત્મા અને આત્મા – જેને સંબોધીને આ મંત્ર લખાયેલો છે તે, એમ ત્રણ નિત્ય તત્વો છે.

૨. આપણે આ જગતના માલિક નથી. જગતના દરેકેદરેક બિંદુમાં વ્યાપ્ત સર્વવ્યાપી ઈશ્વર જ આ જગતનો સ્વામી છે. એક માત્ર ઈશ્વરનું જ આ જગત પર પ્રભુત્વ છે. આથી આપણે આ જગતની સુવિધાઓ અને સાધન-સંપતિનો ઉપયોગ તેના પર આપણી માલિકી કે હક દાખવ્યાં વગર જ કરવો જોઈએ. 

૩. પરંતુ એનો અર્થ એ નથી કે આપણે જગતની સુવિધાઓ અને સાધન-સંપતિનો ત્યાગ કરી તેનો ભોગ ન કરવો જોઈએ. આપણે સર્વ રીતે આ જગતની સુવિધાઓ અને સાધન-સંપતિનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવો જોઈએ. આ જગત ભોગવવા માટે છે, આથી તેનો આપણે ભોગ જરૂરથી કરવો જોઈએ. પરંતુ તેને આપણી વ્યક્તિગત મિલકત ગણ્યા વગર!  

૪. આ જગતની કોઈપણ વસ્તુ માટે આપણને કદાપી લાલચ કે લોભ ન થવો જોઈએ. લોભ અને લાલચ એ તો મૂર્ખતાની પરાકાષ્ઠા છે. કારણ કે ન તો આ જગત પર આપણું પ્રભુત્વ છે, ન તો આપણે આ જગતની એક પણ વસ્તુના માલિક છે, કે ન તો મૃત્યુ પછી આપણે આ જગતમાંથી એક પણ વસ્તુ આપણી સાથે લઇ જવાના છીએ. આમ આ જગતના વૈભાવોનો મોહ રાખવો વ્યર્થ છે.

આમ જ્યારે જગતની એક પણ વસ્તુ પર આપણો કાયમી અધિકાર ક્યારેય સ્થાપિત થવાનો જ નથી તો પછી તે વસ્તુઓને આપણી માલિકીનું કરવા માટે દોટ મુકવી એ તો ખરેખર મૂર્ખતા જ છે. અને આપણી આ જ અજ્ઞાનતા અને ભૌતિક વૈભવો પાછળની આપણી મૂર્ખતાપૂર્ણ દોડ જ દુઃખનું કારણ છે.

વાસ્તવમાં આ પ્રકૃતિ કોઈની માલિકીની નથી. ઇશ્વર પણ આ પ્રકૃતિનો માલિક નથી. ઈશ્વર પ્રકૃતિમાંથી ઉન્નતિશીલ જીવાત્મોના લાભાર્થે જગતનું સર્જન કરે છે. ઇશ્વર સ્વયં આ જગતમાંથી પોતાના માટે કશો જ લાભ ઉઠાવતો નથી. ઈશ્વર તો માત્ર આ જગતનું સંચાલન જ કરે છે.

આથી આપણે મૂર્ખતા છોડી, આ જગતમાં રહી સાચા અર્થમાં મજા માણવી જોઈએ.

આ મંત્ર જીવનનો બીજો પણ એક મૂળભૂત નિયમ શીખવાડે છે – જ્યાં સુધી મનુષ્ય લોભ, લાલચ અને મોહના બંધનમાંથી મુક્ત થઈ ત્યાગપૂર્વક વસ્તુઓનો ભોગ કરતાં નહીં શીખે ત્યાં સુધી તે આ જગતમાં રહી કદી સાચો આનંદ માણી નહીં શકે.

 જગતમાં રહીને પણ જગતથી અલગ રહેવું એ જ સાચો આનંદને માણવાનો એક માત્ર રસ્તો છે. શરૂઆતમાં તમને આ વાત તમારા સહજ સ્વભાવની વિરુદ્ધમાં લાગશે. પણ જો તમે આ વિષય પર ઊંડો વિચાર કરો તો તમને ખ્યાલ આવી જશે કે આ જગતની સુવિધાઓ અને સાધન-સંપતિને પોતાની માલિકીની કરવાની લાલચ અને લોભ જ બધી ચિંતાઓનું કારણ છે.

જગતની વસ્તુઓને પોતાની માલિકીની કરવાના ખ્યાલ માત્રથી જ ચિંતાઓની શરૂઆત થાય છે. જેમ કે:

૧. પહેલાં આપણે વસ્તુને પોતાની માલિકીની કરવાના જુદાં-જુદાં રસ્તાઓ વિષે ચિંતા કરતાં હોઈએ છીએ.

૨. એક વાર વસ્તુ આપણી માલિકીની થઇ જાય છે ત્યાર બાદ તેને ટકાવી રાખવા માટે ચિંતાતુર રહીએ છીએ.

૩. અને છેલ્લે જયારે જો વસ્તુ નાશ પામે છે, આપણી પાસેથી છીનવાય જાય છે અથવા તો તે વસ્તુને છોડીને જવાનું થાય છે ત્યારે ફરી પાછું આપણને દુ:ખ અને ચિંતા થાય છે.

હકીકત તો એ છે કે ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં આ જીગતાની એક પણ વસ્તુ સાચા અર્થમાં આપણી માલિકીની કરવી અસંભવ છે. માત્ર જે એક સર્વવ્યાપી તત્વ છે તેને જ આપણે પ્રયત્નથી સાચા અર્થમાં પામી શકીશું. અને તે તત્વ છે પરમપિતા પરમાત્મા.

જગતમાં રહી ઈશ્વર સિવાય જગતની અન્ય વસ્તુઓને કાયમ માટે પામવાની ઈચ્છા એ તો આપણાં પોતાના જ પડછાયા પાછળ ભગવા જેવી વાત છે. પડછાયાની નજીક પહોંચતા જ તે આગળ ખસી જાય છે. આપણાં પડછાયાને પકડવાનો એક માત્ર રસ્તો એ છે કે આપણે સૂર્ય તરફ મોઢું કરી ઉભા રહીએ. પડછાયાને પકડવાનો વ્યર્થ પ્રયત્ન કરવા કરતાં પ્રકાશના સ્ત્રોત્રને પામવાનો પ્રયત્ન કરીએ. આમ કરવાથી પડછાયો આપમેળે જ આપણી પાછળ આવશે. આમ, આ જગતની વસ્તુઓને પામવાનો વ્યર્થ પ્રયત્ન કરવા કરતાં આપણે જગતના સ્ત્રોત એવાં પરમપિતા પરમેશ્વરને પામવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ.    

મને બાળપણનો એક રમુજી ટુચકો યાદ આવે છે. એક બાળકે તીસ-માર-ખાનને અમુક સમયમાં દૂર રહેલી ટ્રાફિક લાઈટને અડકીને પાછો આવવા માટે પડકાર આપ્યો. બીજા દિવસે ખુબ જ ગુસ્સામાં તીસ-માર-ખાન પેલા બાળકને આડોશપાડોશમાં શોધતો આવ્યો. જયારે કોઈએ તેને પૂછ્યું કે શું થયું, ત્યારે પેલા તીસ-માર-ખાને ગુસ્સામાં કહયું “પેલા બાળકે મને બસની લાઈટ પાછળ આખા શહેરમાં દોડાવ્યો!”

જયારે મેં પહેલી વાર આ રમુજી ટુચકો સાંભળ્યો ત્યારે હું ખુબ હસ્યો. પણ સમય જતા મને એ વાતનો ખ્યાલ આવી ગયો કે આ રમુજી ટુચકા પાછળ એક કાળું સત્ય છુપાયેલું છે, અને આ કાળા સત્યનું જ આજે વિશ્વ પર પ્રભુત્વ છે. આપણે પણ આ જગતમાં કદી આપણી ન થનારી વસ્તુઓ પાછળ આજીવન ભાગતા રહીએ છીએ.

આપણી સમસ્યા એ છે કે આપણે ઘનિક, પ્રખ્યાત, સત્તાઘારી લોકોની ખોટી ચમક દમકથી અંજાય જઈએ છીએ. આપણને પણ તેમના જેવા બનવાની ભૂખ જાગે છે. આપણે તેમને આપણાં પ્રેરણાસ્ત્રોત અને આદર્શ માની લઈ તેમના જેવા બનવા માટે પ્રેરિત થતા રહીએ છીએ. આપણી આ ભુખ ક્યારેય સંતોષાતી નથી. આપણે વધારે અને વધારે માન, ધન, અને સત્તાના લોભમાં આંધળી દોડ દોડતા રહીએ છીએ. પણ આમાંથી કશુંય મેળવ્યાનો સંતોષ તો થતો નથી.

પછી આ આંધળી દોડનો અચાનક જ અંત આવે છે. મૃત્યુ સમયે આપણને ભાન થાય છે આપણે તો જ્યાં હતા ત્યાં ના ત્યાં જ છીએ. માન, ધન, અને સત્તા જેવા રમકડાઓ એક જ ક્ષણમાં આપણી પાસેથી છીનવાય જાય છે. આ એ જ રમકડાઓ છે કે જે હંમેશા આપણી માલિકીના રહેવાના છે તેવા ભ્રમમાં આપણે આખું જીવન આપણી જાતને મૂર્ખ બનાવતા રહીએ છીએ. આમ, આ બધી જ ચિંતાઓ અને હતાશાઓ, બધાં જ સમાધાનો, બધી જ મુશ્કેલીઓ, આ બધું ગાડપણ અને જીવનભર કરેલા નાટક પછી પણ આપણે જ્યાં હતા ત્યા ના ત્યાં જ રહી જઈએ છીએ. આપણને કશું જ મળતું નથી.     

અમિતાભ, શાહરુખ ખાન, ઓબામા, સોનિયા, લાલુ, પોપ, ઝાકીર, અંબાણી, ઓસામા, ગરીબ, ધનવાન કે બીજી કોઈપણ પ્રસિદ્ધ કે સામાન્ય વ્યક્તિ – આ બધાંનો અંત એક સરખો જ છે. હવે કેટલાંક લોકો એવું તર્ક આપશે કે “આ પ્રસિદ્ધ લોકો પોતાના મૃત્યુ પાછળ તેમની પ્રસિદ્ધિનો એવો વારસો છોડી ગયા છે કે જે લાંબા સમય સુધી રહેવાનો છે.” પણ આપણે એ વાત સ્પષ્ટરીતે સમજી લઈએ કે જો તેમનો આ વારસો કદાચ રહે તો પણ, આ વારસો “મારો” છે તેમ કહેનારુ તો કોઈ હશે જ નહીં. એક દિવસ તો આ તથાકથિત વારસાની યાદ પણ ભુસાઈ જશે. આપણે એ વાત પણ સમજી લેવી જોઈએ કે જેમણે આ પ્રસિદ્ધ લોકોના વારસાને યાદ રાખ્યો હશે તે લોકો પણ એક દિવસ મૃત્યુ પામશે. અને મૃત્યુ પામવાથી તેઓ પોતાના અને પોતાના પૂર્વજોના પ્રસિદ્ધિના વારસાને એક જ ક્ષણમાં ભૂલી જશે.

સંક્ષેપ્તમાં, આ વિશ્વમાનું કશું જ આપણી માલિકીનું નથી અને તેને મેળવવા માટે ગમે તેટલા પ્રયત્નો કર્યા પછી પણ આમાંની એક પણ વસ્તુ મૃત્યુ પછી આપણી સાથે આવવાની નથી.

તો પછી આપણે કરવું શું? શું આપણે કોઈ માંદલા રોગીની જેમ નિરુદ્દેશ બની આપણાં અંતની રાહ જોતા બેસી રહેવું જોઈએ? ઘણાં તત્વજ્ઞાનીઓ કદાચ તમને આવી પણ સલાહ આપશે. કેટલાંક લોકો એમ કહેશે કે વર્તમાનમાં જીવો અને ભવિષ્યની ચિંતા છોડો. વળી કોઈક એમ કહેશે કે આપણે આપણાં જીવનનો ભરપુર આનંદ માણવો જોઈએ અને અને જયારે મૃત્યુ આવે ત્યારે તેનો સામનો કરવો જોઈએ, પણ વર્તમાનમાં આના વિષે ચિંતા કરવાનો કશો જ અર્થ નથી. બીજા વર્ગના લોકો એવી સલાહ આપશે કે મૃત્યુ એ તો એક અદ્દભુત નિંદ્રાની અવસ્થા છે આથી તેનાથી ગભરાવું ન જોઈએ.

પણ હકીકતમાં જયારે આવા તત્વજ્ઞાનીઓ અને તેમના અનુંઆયીઓની કાનપટ્ટી પર બંદુક રાખવામાં આવે ત્યારે આમાંના કેટલા તેમના પોતાના જ તત્વજ્ઞાનની બડાઈઓ મારતા રહેશે? જે સત્ય કહેતા ડરે છે તેવા લોકોની આ બધી માત્ર કહેવાતી વાતો અને વિચારધારાઓ છે જે હંમેશા દુ:સાહસી કાર્યો કરવા પ્રેરિત કરે છે. આ બધી તો માત્ર ધ્યાન ભંગ કરવાની વાતો છે. (જેમ કે દુખાવા માટેનો બામ લગાવવાથી આપણું ધ્યાન દુખાવાની સંવેદનાથી ખસી ચામડીની બળતરાની નવી સંવેદના તરફ જાય છે.) પણ હકીકત તો એ છે કે આ બધું કર્યા પછી પણ અંદરથી એક અવાજ આવે છે જે કહે છે કે એક દિવસતો આપણો અંત આવવાનો જ છે.

દરેક જીવને મૃત્યુનો ભય હોય અને જીવ તેને ટાળવાનો પ્રયત્ન કરે તે સ્વાભવિક છે. જો મૃત્યુ ખરેખર પીડાદાયક ન હોય તો પછી શા માટે આપણને મૃત્યુનો સહજ અણગમો રહે છે? શા માટે આ સમાજ હત્યાને એક મોટો ગુનો ગણે છે? મૃત્યુનો ડર એ તો આપણી અંદર એવી સહજતાથી રહેલો છે કે જેને સમજાવવાની કોઈ જરૂર જ રહેતી નથી. આપણાં જીવનમાં કરવામાં આવતા દરેક કાર્યોમાં પણ આ ડર અપ્રત્યક્ષ રીતે છુપાયેલો હોય છે. અને જયારે આપણે મૃત્યુને જગતની ભૌતિક ધન સંપત્તિ ભેગી કરવાની આપણી આંધળી દોડ સાથે જોડીએ છીએ ત્યારે આપણને આપણી મૂર્ખતાનું ભાન થાય છે. આમ વસ્તુઓને આપણી માલિકીની કરવી એ આપણાં જીવનનનું લક્ષ્ય ન હોય શકે કારણ કે આપણે તેને કદી પ્રાપ્ત કરી શકવાના નથી.    

ઇશોપનિષદનો આ પહેલો મંત્ર સંક્ષિપ્તમાં બસની લાઈટ પાછળ ભાગવાની ક્રિયાને માત્ર મૂર્ખતા કહીને પુરો નથી થઈ જતો. પણ તેની સાથે સાથે આપણે આગળ શું કરવું જોઈએ તેનું સાચું માર્ગદર્શન પણ આપે છે. દરેકેદરેક વસ્તુઓમાં ઈશ્વરનો નિવાસ છે તેમ કહી આ મંત્ર પહેલાં થોડા શબ્દોમાં જ દુ:ખ અને પીડાનું મૂળ કારણ શું છે તે આપણને સમજાવી દે છે.

આનો ઉપાય એકદમ સ્પષ્ટ છે. જે વસ્તુઓ આપણી ક્યારેય નથી થવાની એ વસ્તુઓ મેળવવા માટે વ્યર્થ પ્રયત્ન કર્યા કરતાં, જે સર્વવ્યાપી(આપણી અંદર અને આપણી બહાર) છે તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વરને પામવાનો પ્રયત્ન કરો. ઈશ્વર જ આ વિશ્વનો સંચાલક હોવાથી અને હંમેશા આપણી નિકટ રહેતો હોવાથી, બુદ્ધિમાન વ્યક્તિની જેમ, માત્ર તેને જ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. એવી ઇચ્છાઓ કે જેની પુરતી ક્યારેય થવાની નથી તેની પાછળ ભગવાને બદલે જે સાધ્ય છે અને જે કલ્યાણકારી છે તે પરમપિતા પરમેશ્વરને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. ઈશ્વર આપણી સાથે અને આપણી અંદર હોવાથી, ઈશ્વરને પ્રાપ્ત કરવાનો અર્થ છે “ઈશ્વરની અનુભૂતિ કરવી, તેના ગુણ અને સ્વભાવ સમજીને તે પ્રમાણે ઉત્તમ કર્મો કરવાં.”

આમ, આ મંત્ર જીવન તરફનો આપણો અભિગમ બદલે છે. આ મંત્ર સમજાવે છે કે આપણે આપણાં સંબંધોના, શરીરના, વિચારોના, મનના, કપડાના, ધન-સંપત્તિના, કીર્તિ વગેરેના માલિક ન હોતા, માત્ર ઈશ્વરના કર્મચારીઓ જ છે.

૧. આ વિશ્વ એ આપણું કાર્યસ્થળ, આપણી ઓફીસ અથવા તો આપણી કંપની “World Inc છે.

૨. આપણાં દરેકેદરેક વિચારો, શબ્દો અને કર્મોનું દરેક ક્ષણે આ World Inc ના CEO – ઈશ્વર –  દ્વારા મૂલ્યાંકન થતું રહે છે અને તે પ્રમાણે ઈશ્વર આપણાં પદમાં વધારો(promotion) કે ઘટાડો(demotion) કરતો રહે છે.

૩. આપણે આ “World Inc ના એક નાના ભાગને (business unit) ચલાવીએ છીએ. પરંતુ માત્ર ઈશ્વર જ આવા બધાં વ્યવસાયીક ભાગોનો(business units) સર્વોચ્ચ માલિક છે.   

૪. આથી આપણે માત્ર પોતાના જ વ્યવસાયીક ભાગનો જ ફાયદો ન જોતા, સમગ્ર વિશ્વરૂપી કંપનીને વધારેમાં વધારે ફાયદો થાય તે માટે ભેગા મળીને કામ કરવું જોઈએ.

૫. જેમ આપણે આપણાં વ્યવસાયીક જીવનમાં કામ કરીએ છીએ તેવી જ રીતે આપણે અહીં પણ કામ કરવું પડશે. પેન, લેપટોપ, ટેબલ, ખુરશી, કંપનીમાંથી મળતી બીજી બધી સુવિધાઓ, કંપની તરફથી આપવામાં આવતી કાર કે વિમાન યાત્રા, જેવી કોઈપણ વસ્તુઓ કે સુવિધાઓ આપણી માલિકીની નથી. તેમ છતાં આપણે આ બધી વસ્તુઓનો ઉપયોગ કંપનીનું લક્ષ્ય અને ઉદ્દેશો પૂર્ણ કરવા માટે પુરા આનંદથી કરીએ છીએ. આપણે આવી જ રીતે આ વિશ્વરૂપી કંપનીમાં કામ કરવું જોઈએ.

૬. નૈતિકતા જેના મૂળમાં છે તેવી કોઈપણ કંપનીમાં જો આપણે કંપનીની સુવિધાઓનો આપણાં પોતાના વ્યક્તિગત લાભ માટે ઉપયોગ કરીએ તો આપણે દંડને પાત્ર બનીએ છીએ. આ જ રીતે વિશ્વરૂપી કંપનીમાં પણ આપણે જો વિશ્વની શાસન-વ્યવસ્થાના નિયમોની વિરુદ્ધમાં કામ કરીએ તો દંડને પાત્ર બનીએ છીએ.

૭. દુનિયાની બીજી કંપનીઓમાં દંડ અને પુરસ્કાર આપવામાં કદાચ વાર લાગતી હશે. પરંતુ ઈશ્વર સર્વવ્યાપી હોવાથી પરિપૂર્ણ વિશ્વરૂપી કંપનીમાં દંડ અને પુરસ્કાર તરત જ આપવામાં આવે છે. ઈશ્વર એ વાતનું ધ્યાન રાખે છે કે દંડ અને પુરસ્કાર આપણાં કર્મો અનુસાર જ મળે. – વધારે નહીં કે ઓછી પણ નહીં.

આમ આ મંત્ર આપણને એક એવી વ્યક્તિ બની વિશ્વનો આનંદ માણવાનું કહે છે કે જેનો અધિકાર માત્ર તેના કાર્યો પર જ હોય અને નહીં કે વિશ્વની સાધન-સંપત્તિ પર. આપણાં બધાં જ કામ આ વિશ્વરૂપી કંપની ને વધારેમાં વધારે ફાયદો કરે તેવા જ હોવા જોઈએ અને આપણે ઈશ્વરને(આ “World Inc”ના CEO) રીપોર્ટ કરવો જોઈએ. અને પરિપૂર્ણ ઈશ્વર આપણને લક્ષ્યની પુરતી માટે જરૂરી એવા બધાં જ સંસાધન પુરા પાડશે. આપણું ધ્યેય માત્ર વ્યવસાયીક ભાગોના સંસાધન વધારવાનું નહીં, પણ આખી વિશ્વરૂપી કંપનીના ઉદ્દેશોને પૂર્ણ કરવાનું છે.

વ્યવસાયીક જીવન જેવો જ અભિગમ વાસ્તવિક જીવનમાં પણ રાખવાથી આપણને કોઈપણ ચિંતા, ડર કે નિરુદ્દેશતા રહેતી નથી. મૃત્યુમાંથી છટકી જવા માટે નિરર્થક જ જીવનનો આનંદ માણવાનો પ્રયત્ન કરવા કરતાં, આપણાં “મધ્યાંતર (મૃત્યુ)”  પહેલાં આપણે અગાઉથી જ સક્રિય બની, પુરા જોશ સાથે અને સત્યના માર્ગ પર ચાલી આપણી ઉપલબ્દ્ધીઓ વધારવી જોઈએ. આમ કરવાથી ઈશ્વર દ્વારા આપણાં “મધ્યાંતર (મૃત્યુ)”  પછી બીજા જન્મમાં આપણને વધારે ઉંચો હોદ્દો આપવામાં આવશે.     

આમ કરવાથી આપણને માત્ર આપણાં સહજ સ્વભાવ પ્રમાણે જ વર્તવાની જરૂર જણાય છે. આમ થવાથી ન તો આપણે દુનિયાથી અલગ રહીએ છીએ કે ન તો તેની મોહ જાળમાં ફસાઈએ છીએ. આપણે એક હોશિયાર મેનેજરની જેમ આ વિશ્વ અને તેમાંની સાધન-સંપત્તિનો ઉપયોગ માત્ર આપણાં અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ માટે જ કરીએ છીએ. આપણે નવરા લોકોની જેમ અર્થહીન તત્વજ્ઞાનની વ્યર્થ વાતોમાં આપણો સમય બરબાદ કરતાં નથી. આનાથી ઉલટું, આપણે વધારે લક્ષ્યાત્મક બની વિશ્વરૂપી કંપનીનો ફાયદો વધારવા માટે જે જરૂરી છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આપણને આ વિશ્વમાંની કોઈપણ વસ્તુ ગુમાવવાનો ડર રહેતો નથી કારણ કે તે વસ્તુ આપણી માલિકીની ક્યારેય હતી જ નહીં. ઉલટાનું, આપણે દરેક ક્ષણે આપણે આપણી પાસે જે છે તેના પર અને કંપનીના લક્ષ્ય સિદ્ધ કરવા માટે જે જરૂરી છે તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. જો આપણાં લક્ષ્ય સુધી પહોચવા માટે વિમાન હોય તો આપણે કોઈ ખાસ ગૌરવ અનુભવતા નથી. આપણે માત્ર તેનો ઉપયોગ કરીએ છીએ, અને પછી બીજા લક્ષ્યની પુરતી માટે આગળ વધી આ આખી પ્રક્રિયાનો આનંદ માણીએ છીએ. જો વિમાન ન હોય તો પણ આપણે એવા જ ઉત્સાહ સાથે બીજા કોઈ વાહનનો ઉપયોગ કરી આપણાં લક્ષ્યની પુરતી માટે આગળ વધીએ છીએ.

આપણને ધન કમાવાની અને સારી સુવિધાઓ મેળવવાની ચાહના હોય છે. આપણને માન અને ખ્યાતી મેળવવાની ચાહના હોય છે. પરંતુ આપણી આ ઇચ્છાઓ આપણાં પોતાના માટે નહીં પણ વિશ્વરૂપી કંપનીના ઉદ્દેશોની પૂરતી માટે જ હોય. આપણે “માત્ર મારા માટે”નું નહીં પણ “ઇદં ન મમ  – મારું નહીં”ના સૂત્રને અનુસરીએ. અને ભિખારી બની કંપનીના માલિક બનવાના સપના જોયા કરતાં આપણે કંપનીમાં સૌથી વધારે પગાર મેળવતા કર્મચારી બનીએ!

આમ ઇશોપનિષદનો આ મંત્ર વૈદિક વિચારસરણીની આધારશીલા ગણાતા ““ઇદં ન મમ – મારું નહીં” અને “સ્વાહા – માત્ર મોટા લક્ષની પુરતી માટે જ”નો ટુંકમાં સાર આપે છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી કે આવા જ મૂલ્યો અને વિચારસરણી ધરાવતા લોકોને કંપનીઓમાં અને સંસ્થાઓમાં બહુ માન-સન્માન મળે છે. આ જ વસ્તુ તેમને સફળ બનાવે છે. જરા કલ્પના કરો કે માત્ર આ થોડી વૈદિક વિદ્વતા આપણાં જીવનમાં ઉતારવાથી આપણે આટલી બધી સફળતા મેળવી શકીએ છીએ, તો જો વેદોનો ઊંડો અભ્યાસ કરી વધુ જ્ઞાન આપણાં જીવનમાં ઉતારીએ તો આપણે કેવા ઉચ્ચ સ્તરની સફળતા મેળવી શકીએ!  

જે વ્યક્તિ આ મંત્રમાં છુપાયેલા ગહન સારને સમજી પોતાના જીવનમાં ઉતારે છે તે વિજયી બને છે. આ મંત્ર અનુસારનું જીવન જીવનાર વ્યક્તિ અંતમાં છીનવાય જતા માટી અને કાંકરા ભેગા કરવામાં સમય વેડફ્યા કરતાં, મૃત્ય પછી પણ સાથે રહે એવા મોતીઓ ભેગા કરવામાં પોતાના સમયનો સદ્દઉપયોગ કરશે! જયારે બીજા લોકો પોતાના ભ્રષ્ટ હોવાનું પરિણામ ભોગવતા હશે ત્યારે હોશિયાર મેનેજરે પોતાનો પદ વધારો મેળવી લીધો હશે. જીવનમાં મૂર્ખ લોકો ક્યારેય તેમના હાથમાં ન આવનાર સુખ પાછળ ભાગતા રહે છે અને તે ખોટો આનંદ મેળવવાની લાલસામાં હતાશા, ખાલીપણું, પસ્તાવો, શરમ, ડર, તણાવ મેળવી પોતાનું જીવન બરબાદ કરતાં રહે છે. આનાથી ઉલટું, હોશિયાર મેનેજર સાચો આનંદ અને સુખ મેળવતો રહે છે અને દરેક ક્ષણે તેના ઉમદા કાર્યોના કારણે ઈશ્વર દ્વારા વધુ આનંદના ક્ષેત્રમાં તેનો પદ વધારો થતો રહે છે.    

હવે કોઈને એવો પ્રશ્ન થાય કે આ ઉમદા કાર્યો કયા છે અને વિશ્વરૂપી કંપનીના એવા તો કેવા ઉદ્દેશો છે કે જેને પુરા કરવાની આશા આપણી પાસેથી રાખવામાં આવે છે? આ પ્રશ્નોનો જવાબ આપવા માટે તમારે કોઈ દેવદુત કે ઈશ્વરીય અવતારની જરૂર નથી. તમારે માત્ર તમારા આત્માના અવાજને અનુસરી, તમારા મન, વચન અને કર્મથી દરેક ક્ષણે સત્યનો સ્વીકાર અને અસત્યનો અસ્વીકાર કરતાં રહેવાની જરૂર છે. આમ થયા બાદ, અતિ સહજ અંત:પ્રજ્ઞાથી લક્ષ્ય માટે આગળ વધવાનો રસ્તો નીકળશે અને અને વેદોના નિષ્ણાંત બનવાની પ્રેરણા પણ આમાંથી જ મળશે.

આમા વધારે ઊંડા ઉતરતા સમજાશે કે ઈશ્વર પ્રાપ્તિ માટે જ જ્ઞાનયોગ તરફ વળવા ઈશ્વર તરફથી જ પ્રેરણા મળતી રહે છે. અને એ જ સૌથી શ્રેષ્ઠ અને સાચો રસ્તો છે. આનંદ મેળવવા આપણી ઝડપ અને ક્ષમતા વધારવા માટે વેદો આપણને પુરતું જ્ઞાન અને માર્ગદર્શન પૂરું પાડે છે. આમ વેદો એ વિશ્વરૂપી કંપનીની કાર્યપદ્ધતિ(policy guidelines) છે. વેદો આ કાર્યપદ્ધતિ માટેનો કોઈ સંદર્ભગ્રંથ જ નથી પરંતુ ઈશ્વરે બધાંની અંદર આત્માના અવાજના રૂપમાં આ વિશ્વરૂપી કંપનીની કાર્યપદ્ધતિ સહજ રીતે મુકેલી જ છે. અને આ આત્માનો અવાજ આપણને પરોપકારી બનવા, સત્કર્મો કરવા અને જ્ઞાનનો પ્રચાર કરવા સતત પ્રેરિત કરતો રહે છે.

જેમ જેમ આ વૈદિક મંત્રોને આપણે વધારે ઊંડાણમાં સમજીશું તેમ તેમ આપણે સમજતા જઈશું કે આપણાં ઉદ્દેશો કયા છે, અને વેદોરૂપી માર્ગદર્શન દ્વારા તેઓને કેવી રીતે જીવનમાં ઉતારવા.

હે ઈશ્વર! આ મારી અજ્ઞાનતા જ છે જે તારી અવગણના કરવા માટે અને આ વિશ્વ કે જે કદી મારું ન હતું તેની પાછળ ભાગવા માટે મને પ્રેરિત કરે છે. તે અજ્ઞાનતા હંમેશના માટે નાશ પામે. મારી અજ્ઞાનતાનો નાશ કરવા માટે હું મારો બનતો પ્રયત્ન કરીશ તેનું હું તને વચન આપું છુ. તારા આશીર્વાદથી હું તને અને માત્ર તને જ પામું કારણ કે માત્ર તું જ પરમ આનંદનો સ્ત્રોત્ર છે! આવા ઉમદા વિચારો મારામાં હંમેશા પ્રબળ રહે!

Original article in English: Lets truly enjoy! – Ishopanishad Mantra 1

Facebook Comments

Liked the post? Make a contribution and help revive Dharma.

Disclaimer:  We believe in "Vasudhaiv Kutumbakam" (entire humanity is my own family). "Love all, hate none" is one of our slogans. Striving for world peace is one of our objectives. For us, entire humanity is one single family without any artificial discrimination on basis of caste, gender, region and religion. By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. Please read Full Disclaimer.
Previous articleગૌરક્ષાના ૬ રસ્તા – પી.એમ. સ્ટાઈલ
Next articleKnow REAL meaning of Yagya – True ‘Fire’ Worship
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.