UPI - agniveerupi@sbi, agniveer.eazypay@icici
PayPal - [email protected]

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

UPI
agniveerupi@sbi,
agniveer.eazypay@icici

Agniveer® is serving Dharma since 2008. This initiative is NO WAY associated with the defence forces scheme launched by Indian Govt in 2022

ઇશોપનિષદ મંત્ર ૧ – મોહ ત્યાગ – જીવનનું મૂળ તત્વ

This entry is part [part not set] of 12 in the series આનંદમય જીવનનું વિજ્ઞાન

ઇશોપનિષદના પહેલાં મંત્રમાં આપણે જે સુખી અને સફળ જીવનની કલ્પના કરતા હોઈએ છીએ તે સુખી સફળ જીવન જીવવાનો સાર છુંપાયેલો છે.

મંત્રનો અર્થ

હે મનુષ્ય! પ્રકૃતિથી લઈને પૃથ્વી સુધી જે કઈ સ્થિર અને ગતિશીલ જગત છે તે ઈશ્વર દ્વારા આચ્છાદિત થયેલ છે. આથી જગતથી ચિત્ત હટાવીને ત્યાગપૂર્વક તેનો ભોગ કર. તું ધન કે બીજી કોઈપણ વસ્તુમાત્રની અભિલાષા ન કર. કારણ કે આ જગતની સંપત્તિ કોઈના માલિકીની નથી.

ઈશા – ઈશ્વર

વાસ્યમ – આચ્છાદિત થયેલ

ઇદમ – પ્રકૃતિથી લઈને પૃથ્વી સુધી

સર્વં – સર્વ (દરેક બિંદુ, દરેક સ્થાન)

યત્ – જે

કિં ચ – અને

જગત્યાં – ગતિશીલ વિશ્વ

જગત્ – સ્થિર વિશ્વ

તેન – તેથી

ત્યક્તેન – ત્યાગપૂર્વક એટલે કે જગતથી ચિત્ત હટાવીને

ભુઞ્જીથા – ભોગ કર

મા – ન બન

ગૃધઃ – લોભ કે અભિલાષા

સ્યસ્વિt – કે જેની

ધનમ્ – આ સંપત્તિ (ઘન કે વસ્તુમાત્ર)

મંત્રની વ્યાખ્યા

યજુર્વેદનું પ્રકરણ ૪૦ (ઇશોપનિષદ) નિત્ય આનંદ અને સફળતાને પ્રાપ્ત કરવા માટે અનિવાર્ય એવા બધાં જ સકારાત્મક તત્વજ્ઞાનનો ભંડાર છે. આ મંત્રમાં મુખ્ય શબ્દ ‘જગત’ છે. ‘જીવન’, ‘જીવ’ અને ‘જગત’નો મુખ્ય અર્થ શું થાય છે? આ ‘જગત’ સાથે ‘જીવો’નો ઉત્તમ સંબંધ કેવો હોવો જોઈએ? જો ‘જીવ’ ‘જગત’ સાથેના તેના ઉત્તમ સંબંધને અવગણીને કર્મ કરે તો કેવી ભૂલો થવાની સંભાવના રહે છે? આ બધી જ વાતોનો આ મંત્રમાં ઉપદેશ આપવામાં આવ્યો છે.

પહેલો નિયમ – ઈશ્વર જ માલિક

પ્રકૃતિ – આપણી આજુબાજુની દુનિયા, ઈશ્વર – જે સર્વવ્યાપી છે તે અને આત્મા – જેને સંબોધીને આ મંત્ર લખાયેલો છે તે, એમ ત્રણ નિત્ય તત્વો છે.

આપણે આ જગતના માલિક નથી. જગતના દરેકેદરેક બિંદુમાં વ્યાપ્ત સર્વવ્યાપી ઈશ્વર જ આ જગતનો ખરો સ્વામી છે. એક માત્ર ઈશ્વરનું જ આ જગત પર પ્રભુત્વ છે. આથી આપણે આ જગતની સુવિધાઓ અને ભૌતિક સાધન-સંપતિનો ભોગ તેના પર આપણી માલિકી કે હક દાખવ્યાં વગર જ કરવો જોઈએ.

પણ એનો અર્થ એ નથી કે આપણે આ જગતની સુવિધાઓ અને સાધન-સંપતિનો સંપૂર્ણ ત્યાગ કરી તેનો ભોગ કરવો જ ન જોઈએ. આપણે આ જગતની સુવિધાઓ અને સાધન-સંપતિનો બને તેટલો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરવો જોઈએ. આ જગત ભોગવવા માટે જ છે આથી આપણે અવશ્ય તેનો ભોગ કરવો જોઈએ. “પણ તેને આપણી વ્યક્તિગત મિલકત ગણ્યા વગર!”

આ જગતની કોઈપણ વસ્તુ માટે આપણને કદાપી લાલચ, લોભ કે આસક્તિનો ભાવ પેદા ન થવો જોઈએ. લોભ અને લાલચ એ તો મૂર્ખતાની પરાકાષ્ઠા છે. કારણ કે ન તો આ જગત પર આપણું પ્રભુત્વ છે, ન તો આપણે આ જગતની એક પણ વસ્તુના માલિક છે, કે ન તો મૃત્યુ પછી આ જગતમાંથી એક પણ વસ્તુ આપણી સાથે આવવાની છે. આમ આ જગતના વૈભાવોનો મોહ રાખવો વ્યર્થ છે.

જ્યારે જગતની એક પણ વસ્તુ પર આપણો કાયમી અધિકાર ક્યારેય સ્થાપિત થવાનો જ નથી તો પછી તે વસ્તુઓને આપણી માલિકીનું કરવા માટે દોટ મુકવી એ તો ખરેખર મૂર્ખતા જ છે. આપણી આ આંધળી અને અજ્ઞાનતાપૂર્ણ દોડ જ અંતે આપણાં દુઃખનું કારણ બને છે.

હકીકતમાં આ પ્રકૃતિ કોઈની માલિકીની નથી. ઇશ્વર પણ આ પ્રકૃતિનો માલિક નથી. ઈશ્વર પ્રકૃતિમાંથી ઉન્નતિશીલ જીવાત્મોના લાભાર્થે જગતનું સર્જન કરે છે. ઇશ્વર સ્વયં આ જગતમાંથી પોતાના માટે કશો જ લાભ ઉઠાવતો નથી. ઈશ્વર તો માત્ર આ જગતનું સંચાલન જ કરે છે. “ઈશ્વર ભોગી નથી પણ યોગી છે.”

આથી આપણે મૂર્ખતા છોડી, આ જગતમાં રહી, તેનો ત્યાગ્પૂર્ણ ભોગ કરી જગતનો સાચા અર્થમાં આનંદ માણવો જોઈએ.

બીજો નિયમ – ત્યાગપૂર્વક ભોગ

ઇશોપનિષદનો આ પહેલો મંત્ર જીવનનો બીજો એક મૂળભૂત નિયમ પણ શીખવાડે છે – જ્યાં સુધી મનુષ્ય લોભ, લાલચ અને આસક્તિના બંધનમાંથી મુક્ત થઈ ત્યાગપૂર્વક વસ્તુઓનો ભોગ કરતા નહીં શીખે ત્યાં સુધી તે જગતમાં રહી કદી સાચો આનંદ માણી નહીં શકે.

જગતમાં રહીને પણજગતથી અલગ રહેવું એ જ સાચો આનંદને માણવાનો “એક માત્ર” રસ્તો છે. આમ કરનારા જ સાચો યોગી છે. શરૂઆતમાં તમને આ વાત તમારા સહજ સ્વભાવની વિરુદ્ધ લાગશે. પણ જો તમે આ વિષય પર ઊંડો વિચાર કરો તો તમને ખ્યાલ આવી જશે કે આ જગતની સુવિધાઓ અને સાધન-સંપતિને પોતાની માલિકીની કરવાની લાલચ અને લોભ બધી જ સમસ્યાઓ અને ચિંતાઓનું કારણ છે. જગતની વસ્તુઓને પોતાની માલિકીની કરવાના ખ્યાલ માત્રથી જ ચિંતાઓની શરૂઆત થાય છે. જેમ કે:

હકીકત તો એ છે કે ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ આ જીગતની એક પણ વસ્તુ સાચા અર્થમાં આપણી માલિકીની થવાની જ નથી. “માત્ર જે એક સર્વવ્યાપી સત્તા છે તેને જ આપણે સત્કર્મો દ્વારા સાચા અર્થમાં પામી શકીશું. અને તે સત્તા છે પરમપિતા પરમાત્મા.”

જગતમાં રહી ઈશ્વર સિવાય જગતની અન્ય વસ્તુઓને કાયમ માટે પામવાની ઈચ્છા એ તો આપણાં પોતાના જ પડછાયા પાછળ ભગવા જેવી વાત છે. પડછાયાની નજીક પહોંચતા જ તે આગળ ખસી જાય છે. આપણાં પડછાયાને પકડવાનો એક માત્ર રસ્તો છે સૂર્ય તરફ મોઢું કરી ઉભા રહો. પડછાયાને પકડવાનો વ્યર્થ પ્રયત્ન કરવા કરતાં પ્રકાશના સ્ત્રોતને પામવાનો પ્રયત્ન કરો. આમ કરવાથી પડછાયો આપમેળે તમારી પાછળ આવશે. આમ આ જગતની વસ્તુઓને પામવાનો વ્યર્થ પ્રયત્ન કરવા કરતાં જગતના સર્જક અને સ્ત્રોત એવાં પરમપિતા પરમેશ્વરને પામવા માટે પ્રયત્નશીલ બનો.

મને બાળપણનો એક રમુજી ટુચકો યાદ આવે છે. એક બાળકે તીસ-માર-ખાનને અમુક સમયમાં દૂર રહેલી ટ્રાફિક લાઈટને અડકીને પાછો આવવા માટે પડકાર આપ્યો. બીજા દિવસે ખુબ જ ગુસ્સામાં તીસ-માર-ખાન પેલા બાળકને આડોશપાડોશમાં શોધતો આવ્યો. જયારે કોઈએ તેને પૂછ્યું કે શું થયું, ત્યારે પેલા તીસ-માર-ખાને ગુસ્સામાં કહ્યું કે “પેલા બાળકે મને બસની લાઈટ પાછળ આખા શહેરમાં ભગાવ્યો!”

જયારે મેં પહેલી વાર આ રમુજી ટુચકો સાંભળ્યો ત્યારે હું ખુબ હસ્યો. પણ સમય જતા મને એ વાતનો ખ્યાલ આવી ગયો કે આ રમુજી ટુચકા પાછળ એક કાળું સત્ય છુપાયેલું છે. આ કાળા સત્યનું જ આજે દુનિયા પર પ્રભુત્વ છે. આપણે પણ આ જગતની અસાધ્ય વસ્તુઓ પાછળ આજીવન મુર્ખ બની ભાગતા રહીએ છીએ.

આપણી સમસ્યા એ છે કે આપણે ઘનિક, પ્રખ્યાત, અને સત્તાઘારી લોકોની ખોટી ચમક દમકથી અંજાય જઈએ છીએ. આપણને પણ તેમના જેવા બનવાની ભૂખ જાગે છે. આપણે આવા લોકોને આપણાં પ્રેરણાસ્ત્રોત અને આદર્શ માની લઈ તેમના જેવા બનવા માટે પ્રેરિત થતા રહીએ છીએ. પણ આપણી આ ભુખ ક્યારેય સંતોષાતી નથી. આપણે વધારે અને વધારે માન, ધન, અને સત્તાના લોભમાં આંધળી દોટ મુકતા રહીએ છીએ. પણ અંતે આમાંથી કશુંય મેળવ્યાનો સંતોષ અને આનંદ કાયમી રહેતો નથી.

મૃત્યુ આવતા જ આ આંધળી દોટનો અચાનક અંત આવે છે. મૃત્યુ સમયે આપણને ભાન થાય છે આપણે તો જ્યાં હતા ત્યાં ના ત્યાં જ છીએ. મૃત્યુની સાથે જ માન, ધન, અને સત્તા જેવા રમકડાઓ એક જ ક્ષણમાં આપણી પાસેથી છીનવાય જાય છે. આ એ જ રમકડાઓ છે કે હંમેશા આપણી માલિકીના રહેવાના છે તેવા ભ્રમમાં આપણે આખું જીવન આપણી જાતને મૂર્ખ બનાવતા રહ્યાં. આમ, આ બધી જ ચિંતાઓ અને હતાશાઓ, બધાં જ સમાધાનો, બધી જ મુશ્કેલીઓ, આ બધું ગાંડપણ અને જીવનભર કરેલા નાટક પછી પણ આપણે જ્યાં હતા ત્યાં ના ત્યાં જ રહી જઈએ છીએ. આપણને કશું જ પ્રાપ્ત થતું નથી. અમિતાભ, શાહરુખ ખાન, ઓબામા, સોનિયા, લાલુ, પોપ, ઝાકીર, અંબાણી, ઓસામા, ગરીબ, ધનવાન કે બીજી કોઈપણ પ્રસિદ્ધ કે સામાન્ય વ્યક્તિ – આ બધાંનો અંત એક સરખો જ છે.

કેટલાંક લોકો એવું તર્ક આપશે કે “આવા પ્રસિદ્ધ લોકો પોતાના મૃત્યુ પાછળ તેમની પ્રસિદ્ધિનો ઘણાં લાંબા સમય સુધી રહેનારો વારસો છોડી જાય છે.” પણ આપણે એ વાત સ્પષ્ટરીતે સમજી લઈએ કે જો તેમનો આ વારસો કદાચ રહે તો પણ, આ વારસો “મારો” છે તેમ કહેનારુ તો કોઈ હશે જ નહીં. એક દિવસ તો આ તથાકથિત વારસાની યાદ પણ ભુસાઈ જશે. આપણે એ વાત પણ સમજી લેવી જોઈએ કે જેમણે આ પ્રસિદ્ધ લોકોના વારસાને યાદ રાખ્યો હશે તે લોકો પણ એક દિવસ મૃત્યુ પામશે. અને મૃત્યુ પામવાની સાથે જ તેઓ પોતાના અને પોતાના પૂર્વજોના પ્રસિદ્ધિના વારસાને એક જ ક્ષણમાં ભૂલી જશે.

સંક્ષેપ્તમાં, આ જગતનું કશું જ આપણી માલિકીનું નથી અને તેને મેળવવા માટે ગમે તેટલા પ્રયત્નો કર્યા પછી પણ આમાંની એક પણ વસ્તુ મૃત્યુ પછી આપણી સાથે આવવાની નથી.

તો કરવું શું? – સૌથી મોટી મૂંઝવણ

તો પછી આપણે શું કરવું જોઈએ? શું આપણે કોઈ માંદલા રોગીની જેમ નિરુદ્દેશ બની આપણાં અંતની રાહ જોતા રહેવું જોઈએ? ઘણાં તથાકથિત બુદ્ધિજીવીઓ અને તત્વજ્ઞાનીઓ કદાચ તમને આવી પણ સલાહ આપશે. કેટલાંક લોકો એમ કહેશે કે વર્તમાનમાં જીવો અને ભવિષ્યની ચિંતા છોડો. વળી કોઈક એમ કહેશે કે આપણે આપણાં જીવનનો ભરપુર આનંદ માણવો જોઈએ અને જયારે મૃત્યુ આવે ત્યારે તેનો સામનો કરવો જોઈએ. વર્તમાન સમયમાં આના વિષે ચિંતા કરવાનો કશો જ અર્થ નથી. કેટલાંક લોકો એવી સલાહ આપશે કે મૃત્યુ એ તો એક અદ્દભૂત નિંદ્રાની અવસ્થા છે આથી તેનાથી ડરવાનું ન હોય.

પણ હકીકતમાં જયારે આવા તત્વજ્ઞાનીઓ અને તેમના અનુંઆયીઓની કાનપટ્ટી પર બંદુક રાખવામાં આવે ત્યારે આમાંના કેટલા તેમના પોતાના જ તત્વજ્ઞાનની બડાઈઓ મારતા રહેશે? જે સત્યનો સામનો નથી કરી શકતા તેવા લોકો જ આવી વિચારધારાઓને જન્મ આપે છે. આવી વિચારધારાઓ જ જીવનને નિરર્થક બનાવે છે. આ બધી માત્ર ધ્યાન ભંગ કરવાની વાતો છે. (જેમ કે દુખાવા માટેનો બામ લગાવવાથી આપણું ધ્યાન દુખાવાની સંવેદનાથી ખસીને ચામડીની બળતરાની નવી સંવેદના તરફ જતું રહે છે.) પણ હકીકત તો એ છે કે આ બધું કર્યા પછી પણ અંદરથી એક અવાજ આવે છે જે કહે છે કે એક “દિવસ તો આપણો અંત આવવાનો જ છે.”

દરેક જીવને મૃત્યુનો ભય હોય અને જીવ મૃત્યુને ટાળવાનો પ્રયત્ન કરે તે સ્વાભવિક છે. જો મૃત્યુ ખરેખર પીડાદાયક ન હોય તો પછી શા માટે આપણને મૃત્યુનો સહજ અણગમો રહે છે? શા માટે આ સમાજ હત્યાને એક મોટો ગુનો માને છે? મૃત્યુનો ડર એ તો આપણી અંદર એવી સહજતાથી રહેલો છે કે જેનું પ્રમાણ આપવાની કે જેને સમજાવવાની કોઈ જરૂર જ રહેતી નથી. આપણાં દરેક કાર્યમાં આ ડર અપ્રત્યક્ષ રીતે છુપાયેલો હોય છે. અને જયારે આપણે મૃત્યુના આ અટલ સત્યને થોડો સમય રહેનારી ધન સંપત્તિને ભેગી કરી તેમાંથી આનંદ મેળવવા માટે કરાતી દોડધામ સાથે જોડીએ છીએ ત્યારે આપણને આપણી મૂર્ખતા સમજાય છે. “આમ વસ્તુઓને આપણી માલિકીની કરવી એ આપણાં જીવનનનું લક્ષ્ય ન હોય શકે કારણ કે આપણે સાચા અર્થમાં તેના માલિક ક્યારેય બનવાના નથી.”

સમાધાન સ્પષ્ટ છે                             

ઇશોપનિષદનો પહેલો મંત્ર બસની લાઈટ પાછળ ભાગવાની ક્રિયાને માત્ર મૂર્ખતા કહીને પુરો થઈ જતો નથી. આ મંત્ર આવી મૂંઝવણમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવે છે. “ઈશ્વર સર્વવ્યાપી હોવાથી દરેકે દરેક વસ્તુઓમાં ઈશ્વરનો નિવાસછે”તેમ કહી આ મંત્ર થોડા જ શબ્દોમાં દુ:ખ અને પીડાનું મૂળ કારણ શું છે તે આપણને સમજાવે છે.

આ મૂંઝવણમાંથી બહાર નીકળવાનો ઉપાય એકદમ સ્પષ્ટ છે. જે વસ્તુઓ કારે આપણી થવાની જ નથી એ વસ્તુઓ મેળવવા માટે વ્યર્થ પ્રયત્ન કર્યા કરતાં, જે સર્વવ્યાપી (આપણી અંદર અને આપણી બહાર) છે અને જે હંમેશા આપણી સાથે જ રહેવાનો છે તેને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વરને પામવાનો પ્રયત્ન કરો. ઈશ્વર જ આ જગતનો સ્વામી અને સંચાલક હોવાથી અને સદા આપણી સાથે રહેતો હોવાથી, બુદ્ધિમાન વ્યક્તિની જેમ ઈશ્વરને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરો. એવી ઇચ્છાઓ કે જેની પુરતી ક્યારેય થવાની નથી તેની પાછળ ભગવાને બદલે જે સૌથી સાધ્ય અને સૌથી કલ્યાણકારી છે તે પરમ ઈશ્વરને પ્રાપ્ત કરો. “ઈશ્વર સર્વવ્યાપી હોવાથી, ઈશ્વરને પ્રાપ્ત કરવાનો અર્થ છે ઈશ્વરની અનુભૂતિ કરવી અને તેના ગુણ, કર્મ અને સ્વભાવને સમજી તે પ્રમાણેના કર્મો કરવા.” ઈશ્વરને પામવાનું બીજું મહત્વનું કારણ એ પણ છે કે માત્ર ઈશ્વર જ એક એવી સત્તા છે કે જે મૃત્યુ પછી પણ આપણી સાથે રહેવાની છે.

આમ, આ મંત્ર જીવન તરફનો આપણો અભિગમ બદલે છે. આ મંત્ર સમજાવે છે કે આપણે આપણાં સંબંધોના, શરીરના, વિચારોના, મનના, કપડાના, ધન-સંપત્તિના, કીર્તિ વગેરેના માલિક ન હોતા, માત્ર ઈશ્વરના કર્મચારીઓ જ છે.

જગત એક કંપની અને ઈશ્વર એ કંપનીનો સી.ઈ.ઓ

આ જગત એ આપણું કાર્યસ્થળ, આપણી ઓફીસ અથવા તો આપણી કંપની “વર્લ્ડ ઇનકોર્પોરેશન” છે.

આપણાં દરેકેદરેક વિચાર, વચન અને કર્મનું દરેક ક્ષણે આ વર્લ્ડ ઇનકોર્પોરેશનના સી.ઈ.ઓ (ઈશ્વર) દ્વારા મૂલ્યાંકન થતું રહે છે. ઈશ્વર આપણું મુલ્યાંકન વર્લ્ડ ઇનકોર્પોરેશનમાં રહી આપણે કેવા કામ કરીએ છીએ તેના આધારે કરે છે. તે આપણને પદવૃદ્ધિ કે પદાવનતિ (demotion) પણ આપતો રહે છે.

આપણે જગતરૂપી “વર્લ્ડ ઇનકોર્પોરેશન” ના એક “બિઝનસ યુનિટ”ને ચલાવીએ છીએ. આ બિઝનસ યુનિટનું નામ છે “મી અને માય વર્લ્ડ ઇનકોર્પોરેશન”. પણ આવા અસંખ્ય બિઝનસ યુનિટ ભેગા મળીને બનતી વર્લ્ડ ઇનકોર્પોરેશન કંપનીનો સાચો માલિક તો માત્ર ઈશ્વર જ છે. આપણે માત્ર પોતાના જ બિઝનસ યુનિટનો ફાયદો ન જોતા, વર્લ્ડ ઇનકોર્પોરેશનને વધારેમાં વધારે ફાયદો કેવી રીતે થાય તે માટે ભેગા મળીને કામ કરવાનું હોય છે.

જેમ આપણે કોઈ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કંપનીમાં કામ કરતા હોઈએ છીએ તેવી જ રીતે આપણે આ વર્લ્ડ ઇનકોર્પોરેશનમાં પણ કામ કરવાનું હોય છે. જેમ કંપનીની પેન, લેપટોપ, ટેબલ, ખુરશી, કે પછી કંપનીમાંથી મળતી બીજી કોઈ વસ્તુઓ, કે પછી કંપની તરફથી આપવામાં આવતી કાર કે વિમાન યાત્રા જેવી કોઈપણ સુવિધાઓ આપણી માલિકીની નથી, તેમ વર્લ્ડ ઇનકોર્પોરેશનની એકપણ વસ્તુ આપણી માલિકીની નથી. જેમ કંપનીમાંથી મળતી વસ્તુઓ અને સુવિધાઓનો ઉપયોગ આપણે કંપનીનું લક્ષ્ય અને ઉદ્દેશો પૂર્ણ કરવા માટે કરવાનો હોય છે તેમ આ જગતની સાધન-સુવિધાઓનો ઉપયોગ આપણે વર્લ્ડ ઇનકોર્પોરેશનના લક્ષ્ય અને ઉદ્દેશો પૂર્ણ કરવા માટે કરવાનો હોય છે.

નૈતિકતાને આધારે ચાલતી કોઈપણ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કંપનીમાં જો આપણે કંપનીની સુવિધાઓનો ઉપયોગ આપણાં વ્યક્તિગત લાભ માટે કરીએ તો આપણે સજાના પાત્ર બનીએ છીએ. આ જ રીતે જો આપણે વર્લ્ડ ઇનકોર્પોરેશન કંપનીના નિયમોની વિરુદ્ધ કામ કરીશું તો આપણે સજાના પાત્ર બનીશું.

વર્લ્ડ ઇનકોર્પોરેશન અને બીજી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કંપનીમાં ફરક માત્ર એટલો જ છે કે બીજી રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કંપનીઓમાં સજા અને ઇનામ આપવામાં કદાચ વાર લાગતી હશે. પણ ઈશ્વર સર્વવ્યાપી અને પરિપૂર્ણ હોવાથી તેની વર્લ્ડ ઇનકોર્પોરેશન કંપની પણ પરિપૂર્ણ છે. આથી વર્લ્ડ ઇનકોર્પોરેશનમાં આપણને સજા કે ઇનામ મળતા વાર લગતી નથી. સજા અને ઇનામ આપવામાં વર્લ્ડ ઇનકોર્પોરેશનનો સી.ઈ.ઓ ઈશ્વર એ વાતનું ધ્યાન રાખે છે આપણને કોઈપણ પ્રકારનો અન્યાય ન થાય. એટલે કે વર્લ્ડ ઇનકોર્પોરેશનનો સી.ઈ.ઓ આપણને જે આપે છે તે આપણાં માટે યોગ્ય અને કલ્યાણકારી જ હોય છે.

આમ આ મંત્ર આપણને એક એવો બિઝનસ હેડ બની જગતનો આનંદ માણવાનું કહે છે કે જે બિઝનસ હેડનો અધિકાર માત્ર તેના કર્મો પર જ હોય અને નહીં કે વર્લ્ડ ઇનકોર્પોરેશનના સાધન-સંસાધનો પર. આપણાં (બિઝનસ હેડના) બધાં જ કામ આ વર્લ્ડ ઇનકોર્પોરેશનને વધારેમાં વધારે ફાયદો કરી આપે તેવા હોવા જોઈએ કારણ કે આપણાં કામનું સ્કોર કાર્ડ ઈશ્વર એટલે કે વર્લ્ડ ઇનકોર્પોરેશનના સી.ઈ.ઓ પાસે હંમેશા રહે છે. વર્લ્ડ ઇનકોર્પોરેશનનો સી.ઈ.ઓ (ઈશ્વર) એક આદર્શ અને પરિપૂર્ણ સી.ઈ.ઓ છે. તે આપણને વર્લ્ડ ઇનકોર્પોરેશનમાં રહી આપણાં લક્ષ્યની પુરતી માટે જરૂરી એવા બધાં જ સંસાધન અને સીવીધાઓ પુરા પાડે છે. આથી બિઝનસ હેડ તરીકે આપણો ધ્યેય આપણાં બિઝનસ યુનિટના સંસાધનો વધારવાનો નહીં પણ વર્લ્ડ ઇનકોર્પોરેશનના ઉદ્દેશોને પૂર્ણ કરવાનો હોવો જોઈએ.

“વ્યવસાયીક જીવન જેવો જ અભિગમ વાસ્તવિક જીવનમાં રાખવાથી આપણને કોઈપણ ચિંતા, ડર કે નિરુદ્દેશતા રહેતી નથી.” આથી મૃત્યુના ભયને ટાળવા માટે ગમે તે રીતે જીવન જીવી લેવાની જગ્યાએ, મૃત્યુ (મધ્યાંતર) પહેલાં સતત આપણી ઉપલબ્ધિઓને વધારતા રહી એક મહાન અને આદર્શ જીવન જીવવા માટે આપણે અગ્રસક્રીય બની અને પુરા ઉત્સાહથી કર્મો કરીએ છીએ. આમ કરવાથી આપણાં સાત્વિક સંસ્કારો વધુ પ્રબળ બને છે અને આ ઉચ્ચ સંસ્કારોને  કારણે ઈશ્વર માત્ર આ જન્મમાં જ નહીં પણ “મધ્યાંતર (મૃત્યુ)” પછી આપણાં બીજા જન્મમાં આપણી પદવૃદ્ધિ કરે છે.

જીવન પરિવર્તન

આમ કરવાથી આપણને માત્ર આપણાં સહજ સ્વભાવ પ્રમાણે જ વર્તવાની જરૂર જણાય છે. આમ થવાથી ન તો આપણે દુનિયાથી અલગ રહીએ છીએ કે ન તો તેની મોહ જાળમાં ફસાઈએ છીએ. આપણે એક હોશિયાર મેનેજરની જેમ આ જગત અને તેમાંની સાધન-સંપત્તિનો આપણાં અંતિમ લક્ષ્યની પ્રાપ્તિ માટે “ઉપયોગ માત્ર જ” કરીએ છીએ. એટલે કે આપણે ત્યાગપૂર્ણ ભોગ કરવાની કળા શીખી જઈએ છીએ. આપણે નવરા લોકોની જેમ અર્થહીન વાતોમાં આપણો સમય બરબાદ કરતાં નથી. આનાથી ઉલટું, આપણે વધારે લક્ષ્યાત્મક બની વર્લ્ડ ઇનકોર્પોરેશનનો ફાયદો વધારવા માટે જે જ્ઞાન અને કર્મ જરૂરી છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. આપણને આ જગતમાંની કોઈપણ વસ્તુ ગુમાવવાનો ડર રહેતો નથી કારણ કે તે વસ્તુ આપણી માલિકીની ક્યારેય હતી જ નહીં. આના કરતાં આ ક્ષણે આપણી પાસે જે છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. અને કંપનીના લક્ષ્ય સિદ્ધ કરવા માટે જે કર્મો કરવાના હોય છે તેનો વિચાર કરીએ છીએ. આપણું મન સંતુલિત બને છે અને આપણે પરિસ્થિતિઓથી વિચલિત થતા નથી. વર્લ્ડ ઇનકોર્પોરેશનના કામ માટે જો જોઈ સ્થાને જવું થાય અને જો આપણી પાસે વિમાન હોત તો આપણે કોઈ ખાસ ગૌરવ અનુભવતા નથી. આપણે માત્ર તેનો ઉપયોગ કરીએ છીએ. જો વિમાન ન હોય તો પણ આપણે એવા જ ઉત્સાહ સાથે બીજા કોઈ વાહનનો ઉપયોગ કરી આપણાં લક્ષ્યની પુરતી માટે આગળ વધીએ છીએ.

આપણને ધન કમાવાની અને સારી સુખસુવિધાઓ ભોગવવાની ચાહના હોય તે સ્વાભાવિક છે. આપણને માન અને ખ્યાતી મેળવવાની ચાહના હોય તે પણ સ્વાભાવિક છે. પણ આપણી આ ઇચ્છાઓ આપણાં પોતાના માટે નહીં પણ વર્લ્ડ ઇનકોર્પોરેશનના ઉદ્દેશોની પૂરતી માટે જ હોવી જોઈએ. આપણે “માત્ર મારા માટે”નું નહીં પણ “ઈદં ન મમ– મારું નહીં”ના સૂત્રને અનુસરીએ. અનેભિખારી બની વર્લ્ડ ઇનકોર્પોરેશનના માલિક બનવાના સપના જોયા કરતાં (જે કદી શક્ય બનવાનું નથી) આપણે વર્લ્ડ ઇનકોર્પોરેશનના સૌથી આદર્શ અને કાર્યક્ષમ બિઝનસ હેડ બનીએ!

આમ ઇશોપનિષદનો આ મંત્ર વૈદિક વિચારસરણીની આધારશીલા ગણાતા “ઈદં ન મમ – મારું નહીં” અને “સ્વાહા – માત્ર મોટા લક્ષની પુરતી માટે જ”નો ટુંકમાં સાર આપે છે. એમાં કોઈ શંકાનું સ્થાન નથી કે આવા મૂલ્યો અને વિચારસરણી ધરાવતા લોકોને જ કંપનીઓમાં અને સંસ્થાઓમાં બહુ માન-સન્માન મળે છે. આ જ વસ્તુ તેમને સફળ બનાવે છે. ડો. અબ્દુલ કલામ આના એક આદર્શ ઉદાહરણ હતા.

જરા કલ્પના કરો કે માત્ર આ થોડી વૈદિક વિદ્વતા આપણાં જીવનમાં ઉતારવાથી આપણે આટલી બધી સફળતા મળી શકે, તો જો વેદોનો ઊંડો અભ્યાસ કરી તેનું જ્ઞાન આત્મસત્ કરવાથી આપણે કેવી મહાન સફળતા મેળવી શકીએ!

નિષ્કર્ષ

જે વ્યક્તિ આ મંત્રમાં છુપાયેલા ગહન સારને થોડો પણ સમજી પોતાના જીવનમાં ઉતારે છે તે વિજયી બને છે. આ મંત્રનુ સાચું અનુસરણ કરનાર વ્યક્તિ ક્ષણિક રહેનાર માટી અને કાંકરા ભેગા કરવામાં સમય વેડફ્યા કરતાં, મૃત્ય પછી પણ સાથે રહેનાર મોતીઓ ભેગા કરવામાં પોતાના સમયનો સદ્દઉપયોગ કરશે! જયારે બીજા લોકો પોતાના ભ્રષ્ટ હોવાનું પરિણામ ભોગવતા હશે ત્યારે હોશિયાર બિઝનસ હેડની પદવૃદ્ધિ થઇ ગઈ હશે.

મૂર્ખ લોકો જીવનમાં ક્યારેય હાથમાં ન આવનારી ખુશી પાછળ ભાગતા રહે છે અને તે ખોટો આનંદ મેળવવાની લાલસામાં હતાશા, ખાલીપણું, પસ્તાવો, શરમ, ડર, તણાવ મેળવી પોતાનું જીવન બરબાદ કરતાં રહે છે. આનાથી ઉલટું, હોશિયાર અને પ્રમાણિક બિઝનસ હેડ વર્લ્ડ ઇનકોર્પોરેશનમાં રહી તેનો સાચો આનંદ માળે છે અને દરેક ક્ષણે આદર્શ કર્મો કરવાને કારણે ઈશ્વર તેની પદવૃદ્ધિ કરતો રહે છે. એટલે કે તેના આનંદનું ક્ષેત્ર વધારતો રહે છે.

હવે કોઈને એવો પ્રશ્ન થાય કે આ આદર્શ કર્મો કયા છે અને વર્લ્ડ ઇનકોર્પોરેશનના એવા તો કેવા ઉદ્દેશો છે કે જેને પુરા કરવાની આશા આપણી પાસેથી રાખવામાં આવે છે? આ પ્રશ્નોનો જવાબ આપવા માટે તમારે કોઈ દેવદુત કે ઈશ્વરીય અવતારની જરૂર નથી. “તમારે માત્ર તમારા આત્માના અવાજને અનુસરી, પ્રમાણિક રીતે તમારા મન, વચન અને કર્મથી દરેક ક્ષણે સત્યનો સ્વીકાર અને અસત્યનો અસ્વીકાર કરતાં રહેવાની જરૂર છે.” આત્માના અવાજને સાંભળવાનું મિશન હાથમાં લીધા પછી અતિ સહજ અંત:પ્રજ્ઞાથી લક્ષ્ય માટે આગળ વધવાનો રસ્તો પણ નીકળશે. આત્માના અવાજને અનુસરવાથી વેદોનું જ્ઞાન પ્રાપ્ત કરવાની પ્રેરણા પણ મળશે.

આમા વધારે ઊંડા ઉતરતા સમજાશે કે શા માટે જ્ઞાન પ્રાપ્ત કરીને ઈશ્વરને પામવાની પ્રેરણા સ્વયં ઈશ્વર જ આપણને આત્માના અવાજના રૂપમાં આપતો રહે છે. આપણને એ પણ સમજાય જશે કે શા માટે ઈશ્વર પ્રાપ્તિનો આ જ સૌથી શ્રેષ્ઠ અને સાચો રસ્તો છે. વેદ નિત્ય આનંદ પ્રાપ્ત કરવની એટલે કે ઈશ્વરને પ્રાપ્ત કરવાની સમગ્ર પ્રક્રિયાને વધુ ઝડપી અને કાર્યક્ષમ બનાવવાનું માર્ગદર્શન આપે છે. બોજા શબ્દોમાં કહીએ તો વેદ વર્લ્ડ ઇનકોર્પોરેશનની પોલીસી ગાઈડલાઈન્સ છે. વેદો (વર્લ્ડ ઇનકોર્પોરેશનની પોલીસી ગાઈડલાઈન્સ) માત્ર સંદર્ભગ્રંથ તરીકે જ ઉપલબ્ધ નથી પણ ઈશ્વરે દરેક જીવાત્માની (બિઝનસ હેડની) અંદર આત્માના અવાજના રૂપમાં આ પોલીસી ગાઈડલાઈન્સ મુકેલી જ છે. અને આ આત્માનો અવાજ (પોલીસી ગાઈડલાઈન્સ) આપણને પરોપકારી બનવા, સત્કર્મો કરવા અને જ્ઞાનની પ્રાપ્તિ અને પ્રચાર-પ્રસાર કરવા સતત પ્રેરિત કરતો રહે છે.

જેમ-જેમ વૈદિક મંત્રોને આપણે વધારે ઊંડાણમાં અભ્યાસ કરીશું તેમ-તેમ આપણાં જીવનના ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે આત્માના અવાજરૂપી પોલીસી ગાઈડલાઈન્સનો ઉપયોગ કેવી રીતે કરવો તેનો પણ ખ્યાલ આવી જશે.

સારાંશ

હે ઈશ્વર! આ મારી અજ્ઞાનતા જે તારી અવગણના કરવા માટે અને આ જગતની સાધન-સંપતિઓ પાછળ ભાગવા માટે મને પ્રેરિત કરે છે તે અજ્ઞાનતા હંમેશના માટે નષ્ટ પામે. મારી અજ્ઞાનતા દુર કરવા માટે હું સદા પ્રયત્નશીલ રહીશ તેનું હું તને વચન આપું છું. મારું આ વચન જ મારી પ્રાર્થના છે. તારા આશીર્વાદ અને તારી પ્રેરણાથી હું તને અને માત્ર તને જ પામું કારણ કે આ જગતમાં માત્ર તું જ સાધ્ય છે અને માત્ર તું જ પરમ આનંદનો સ્ત્રોત્ર છે! તને પ્રાપ્ત કરવાના ઉત્તમ વિચારો મારામાં હંમેશા પ્રબળ રહે!

To purchase the book kindly visit: [mybooktable book=”the-science-of-blissful-living_gujarati” display=”default” buybutton_shadowbox=”false”]

Series Navigation

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
91,924FollowersFollow
0SubscribersSubscribe
Give Aahuti in Yajnaspot_img

Related Articles

Categories