વેદમાનું બીજું એક અનમોલ રત્ન એટલે ગાયત્રી મંત્ર. આ પ્રકરણમાં આપણે સમજીશું કે ગાયત્રી મંત્ર કેવી રીતે આપણાં જીવનમાં અદ્દભૂત પરિવર્તન લાવી શકે છે.

વેદ મંત્રોની સમસ્યા

મને એક વાર પૂછવામાં આવ્યું કે વેદોમાં મારો સૌથી વધુ પ્રિય વેદ મંત્ર કયો છે. ત્યારે મેં કહ્યું કે “અગ્નિ વ્રતપતે…”. થોડા દિવસ પછી મને ફરીથી પૂછવામાં આવ્યું ત્યારે મેં કહ્યું કે “ત્રયમ્બકં યજામહે…”. કાલે મને કોઈ બીજો મંત્ર ગમતો હતો અને આજે કોઈ બીજો મંત્ર ગમે છે. વેદોની આ ઘણી જીજ્ઞાસા જગાડનારી સમસ્યા છે. વેદોનો દરેકેદરેક મંત્ર જ્ઞાનનો સાગર છે. તમે આ વૈદિક મંત્રોનો જેટલો વધારે ઊંડાણમાં અભ્યાસ કરશો તેટલી વધારે બંધન મુક્તિ અનુભવશો. તમને આકસ્મિત લાભ અને ઉત્સાહની અનુભૂતિ થશે. તમે વધુ પરાક્રમી બનશો. વૈદિક મંત્રોના અભ્યાસથી થતા અદ્દભૂત અનુભવોનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય નથી.

જયારે આપણે આ મંત્રોનો અભ્યાસ, તેના પર ચિંતન અને મનન કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે મંત્રમાં છુપાયેલા ગહન જ્ઞાન અને અનુભૂતિની સરખામણીમાં કોઈ ન આવી શકે. વૈદિક મંત્રોના સારને સમજી અને આત્મસાત્ કરવા જેવી અસરકારક અને આનંદદાયક વસ્તુ બીજી કોઈ હોય ન શકે. મંત્રનું અધ્યયન અને ચિંતન કર્યા પછી જયારે આપણું મન આ ભૌતિક જગતમાં પાછુ ફરે છે ત્યારે જીવન વધારે ઉદ્દેશપૂર્ણ અને અર્થપૂર્ણ લાગે છે. પછી જ્યારે આપણે બીજા કોઈ વૈદિક મંત્રનું ચિંતન કરીએ છીએ ત્યારે અલગ જ આનંદના સાગરમાં ડૂબી જઈએ છીએ. આથી જ વૈદિક મંત્રોની પરસ્પર સરખામણી કરવી અશક્ય બની જાય છે. દરેક મંત્રમાં ગહન સાર, જ્ઞાન અને અર્થ છુપાયેલો હોવાથી કેટલીક વાર તો એવું લાગે છે કે વેદ મંત્રોને સમજવા માટે આપણું આખું જીવન ઓછુ પડશે!

વેદ મંત્રોથી થતા લાભ

આપણાં ઋષિઓએ ભારપૂર્વક કહ્યું છે કે વૈદિક મંત્રોનું અભ્યાસ, ચિંતન અને પ્રચાર કરવું એ દરેક આર્યનું પરમ કર્તવ્ય છે. કારણ કે:

વૈદિક મંત્રોનું ક્ષેત્ર ઘણું વિશાળ અને વ્યાપક છે. દરેક વેદ મંત્રમાં ગહન અર્થ અને સાર છુપાયેલા છે. આપણાં મર્યાદિત જ્ઞાન અને બુદ્ધિને કારણે તથા પુરતા માનસિક પ્રશિક્ષણના અભાવે શરૂઆતમાં આપણાં માટે વેદમંત્રોના ગહન અર્થેને સમજવા મુશ્કેલ લાગે છે. પણ વેદોમાં એવા કેટલાંક મંત્રો છે જેમનો અર્થ આપણને સરળતાથી સમજાઈ જાય છે. આ મંત્રો આપણાં જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે ઘણો મોટો ભાગ ભજવે છે. અને આથી જ આપણાં ઋષિઓ આવા મંત્રોના ચિંતનને આપણાં રોજીંદા જીવનનો ભાગ બનાવવાનો આગ્રહ રાખ્યો છે.

આવો જ એક વેદનો સૌથી સરળ પણ વિશષ્ટ મંત્ર છે ગાયત્રી મંત્ર. ગાયત્રી મંત્રનો એટલો મહિમા છે કે આપણાં ઋષિઓએ એટલે સુધી કહ્યું છે કે જો કોઈ વ્યક્તિ વેદોનો અભ્યાસ ન પણ કરે પણ જો ગાયત્રી મંત્રનું નિયમિત ચિંતન કરે તો આ ચિંતન વ્યકિતના ક્રમિક અને સર્વાંગી વિકાસ માટે પૂરતુ છે.

આપણે આ પ્રકરણમાં ગાયત્રી મંત્ર પર ટુંકમાં ચર્ચા કરીશું અને સમજીશું કે આ મંત્ર ખરેખર અદ્દભૂત કેમ છે.

ગાયત્રી મંત્રનો અર્થ

યજુર્વેદ ૩૬.૩ અનુસાર આપણે ગાયત્રી મંત્રને સમજવાનો પ્રયત્ન કરીશું:

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્

મંત્રનો ઠીક-ઠીક અર્થ

હે એક અને માત્ર એક સર્વશક્તિમાન સર્વજ્ઞ ઈશ્વર!

તુ ભૂ: – સમગ્ર બ્રહ્માંડના જીવોનો આધાર અને અજન્મા છે! તું જીવન કરતા પણ વધારે પ્રિય છે કારણ કે જીવન તારાથી જ છે!

તુ ભૂવ: – દુઃખ અને શોકમુક્ત મુક્ત છે! જયારે અમે તને પ્રાપ્ત કરીશું ત્યારે અમારા બધાં જ દુ:ખોનો અંત આવશે!

તુ સ્વઃ – સમગ્ર શ્રુષ્ટિનો પાલનહાર અને સંચાલક છે! તું જ પરમ આનંદનો સ્ત્રોત છે!

તુ સવિતુર – સમગ્ર શ્રુષ્ટિનો સર્જક અને બધાં ઐશ્વર્યનો દાતા છે!

તુ દેવઃ – સદૈવ દાતા જ બની રહે છે! તું કદી કાઈ લેતો નથી. જેની ચાહ દરેક જીવાત્માને છે! જે સર્વથી તેજસ્વી છે! જે જ્ઞાનવર્ધક છે!

ર્વરેણ્યં – માત્ર તું જ પામવાને યોગ્ય છે. તારાથી શ્રેષ્ઠ કશું જ સાધ્ય નથી. તને પ્રાપ્ત કરવા જેવું ઉપર્યુક્ત કામ બીજું કાઈ નથી. તને પ્રાપ્ત કરવાથી બધું પ્રાપ્ત થઇ જાય છે. તો તું નથી તો કશું જ નથી. કારણ કે આ શ્રુષ્ટિમાં જે કંઈપણ છે તેનો સ્ત્રોત તું જ છે.

ભર્ગો – તું જ શુદ્ધ અને કોઈપણ પ્રકારના વિકાર વગર પરિપૂર્ણ છે. તું જ શુદ્ધતાનો સ્ત્રોત છે. જે પણ તને પામે છે તે અશુદ્ધ રહેતુ નથી. તારાથી અધિક શુદ્ધ અન્ય કોઈ નથી.

તત્ – તું સર્વગુણ સંપન્ન છે આથી તારા સિવાય બીજા કોઈની ચેષ્ટા કરવી નિરર્થક છે.

ધીમહિ – અમારી બુદ્ધિથી અમે તને પામીએ. તારું ધ્યાન કરવામાં અને અમારી ધ્યાનશક્તિનો ઉપયોગ કરીએ.

ધિયો યો નઃ પ્રચોદયાત્ – કારણ કે તે જ અમારી બુદ્ધિને પ્રકાશિત કરી છે અને આગળ પણ કરતો રહીશ. માત્ર તું જ અમને અસત્યથી સત્ય તરફ, દુઃખથી આનંદ તરફ, અશુદ્ધતાથી શુદ્ધતા તરફ, અધર્મથી ધર્મ તરફ અને પાપકર્મોથી સત્કર્મો તરફ દોરી જાય છે.

ગાયત્રી મંત્રનો સંપૂર્ણ અર્થ

હે અતિપ્રેમાળ ઈશ્વર! તું જ સર્વ શક્તિવાન છે, માત્ર તું જ પરમ આનંદનો સ્ત્રોત છે, તું જ સર્વગુણ સંપન્ન અને પરિપૂર્ણ છે, તું જ અપરિવર્તનશીલ અને અવિકારી છે, તું જ અજન્મા અને અનાદી છે, તું જ અતિ પ્રેમાળ છે અને અમોને નિશ્વાર્થ પ્રેમ કારનારો છે, તું જ અમારો જન્મદાતા, આશ્રયદાતા અને મુક્તિપ્રદાતા છે. માત્ર તું જ અમારી શ્રદ્ધાને પાત્ર છે. માત્ર તું જ અમારી અભિલાષા છે. તું જ અમારો સર્વદાતા છે. અમારી પાસે એવું કઈ જ નથી કે જે અમે તને આપી શકીએ. અમારી આ બુદ્ધિ કે જેનાથી અમે તારા પર અસીમ શ્રદ્ધા રાખી શકીએ છીએ અને તારા આશીર્વાદ સ્વરૂપ આનંદ અને ઐશ્વર્યને માણી શકીએ છીએ તે બુદ્ધિનો દાતા પણ તું જ છે.

હે પ્રેમાળ ઈશ્વર! તારા નિશ્વાર્થ પ્રેમ, અસીમ કૃપા અને કરુણાનો બદલો અમે ક્યારેય ચૂકવી નહીં શકીએ. આથી અમે વિનમ્રતાપૂર્વક તને માત્ર એ વચન આપીએ છીએ કે – “તારા દ્વારા અપાયેલી આ બુદ્ધિને અમે તારા તરફ જ વાળીશું.”

અમે માત્ર તારું જ ધ્યાન કરીશું કારણ કે અમારી ધ્યાનશક્તિ અને ચિંતનશક્તિનો દાતા પણ તું જ છે. તે જ અમને પ્રબુદ્ધ બનાવ્યાં છે આથી અમારી આ બુદ્ધિ તને જ પ્રાપ્ત કરાવમાં પ્રયત્નશીલ રહે.

અમે (જીવાત્મા) તારી (પરમાત્મા) સાથે સીધો જ ભાવાત્મક સંબંધ સાધીએ. આપણી વચ્ચે કોઈ દેવદૂત કે પૈગંબર ન આવી શકે. આ સુંદર શ્રુષ્ટિ સર્જનના માધ્યમથી તે અમને જે સાધનો આપ્યાં છે તે સાધનોનો પ્રયોગ અમે તને પામવા માટે જ કરીએ.

અમારી આજુબાજુની પરિસ્થિતિઓથી અપ્રભાવિત બની રહીએ. અમે ક્ષણિક આનંદ મેળવવા માટે કદી ઉત્તેજિત ન થઈએ. અમે ક્ષણિક લાભ-હાની, સુખ-દુ:ખ, અને માન-અપમાનથી વિચલિત ન થઈએ અને મન, બુદ્ધિ અને કર્મોથી માત્ર તને જ પામવાનો પ્રયત્ન કરીએ.

ગાયત્રીનો સાર્વજનિક નિયમ અને જીવનમાં તેનો ઉપયોગ

ગાયત્રી મંત્ર એક મૂળભૂત અને સાર્વજનિક નિયમ શીખવે છે. મંત્ર કહે છે કે જો કોઈ સિસ્ટમના આઉટપુટને તેના સ્ત્રોત તરફ પાછો વળવામાં આવે તો આઉટપુટ અનેક ઘણું વધી જાય છે. આ નિયમ સાર્વજનિક છે. એટલે કે આ નિયમ બધી જ જગ્યાએ લાગુ પડે છે – યંત્રો, અર્થશાસ્ત્ર, ગણિત, સમાજ અને લોક વ્યવહારની કળામાં.

“ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્” કહે છે કે જયારે કોઈ સિસ્ટમ, ભર્ગો – એટલે કે ઈશ્વર જેવી પરિપૂર્ણ, કોઈપણ પ્રકારના વિકાર કે ખામી રહિત અને ૧૦૦% કાર્યક્ષમ હોય ત્યારે તે સિસ્ટમનો સ્ત્રોત

દેવસ્ય – પોતાના માટે કોઈ ભાગ રાખોતો નથી અને તે સિસ્ટમમાં જે કઈપણ ઈનપુટ કરાયું હોય તે ૧૦૦% આઉટપુટમાં બદલે છે.

ધિયો અને ધીમહિ આ બંને શબ્દોનું મૂળ (ધાતુ) એક જ છે. આથી જો આપણે આપણી બુદ્ધિને (આઉટપુટને) ૧૦૦% બુદ્ધિના સ્ત્રોત્ર (ઈશ્વર) તરફ વાળીશું તો આપણે સર્વોચ્ચ આનંદ આપનારી એક પરિપૂર્ણ પ્રણાલી (સિસ્ટમ) બનાવીશું.

જે વિદ્યાર્થીઓએ થાર્મોડાયનેમીસ્કનો અભ્યાસ કર્યો હશે તેમને પર્પેચ્યુઅલ મોશન મશીન વિષે પણ વાચ્યું હશે. પર્પેચ્યુઅલ મોશન મશીન એટલે ૧૦૦% કાર્યક્ષમ મશીન કે જેમાં ઈનપુટનું ૧૦૦% આઉટપુટમાં રૂપાંતરણ થાય. પણ આવા મશીનો ૧૦૦% કાર્યક્ષમ ન હોવાનું કારણ એ છે કે તેમાં ઉર્જાના રૂપાંતરણ દરમિયાન ઉર્જાનો વ્યય થાય છે.

પર્પેચ્યુઅલ મોશન મશીનના આ ઉદાહરણ આપણું આ શ્રુષ્ટિમાં શું સ્થાન છે તે સમજાવે છે. આપણે આપણી બુદ્ધિ જેટલી વધુ ઈશ્વર તરફ વાળીશું તેટલો વધુ આનંદ આપણને ઈશ્વર તરફથી મળશે. અને નિરંતર આમ કરતા રહેવાથી એક સમય એવો આવે છે કે જ્યારે આપણે ઘણાં લાંબા સમયસુધી ઈશ્વરના સાનિધ્યમાં રહી સ્થાયી આનંદ પ્રાપ્ત કરીએ છીએ. બીજા શબ્દોમાં કહીએ તો આપણને મોક્ષ મળી જાય છે. આ જ પ્રમાણે આપણે જ્ઞાનના સ્ત્રોતનો – વેદનો – જેટલો વધુ અભ્યાસ કરી જીવનમાં ઉતરીશું, સમાજને આપણે એટલો જ સમૃદ્ધ અને સુખી કરીશું.  

આમ ગાયત્રી મંત્રમાં આપણાં જીવનને ચિંતામુક્ત, દુઃખમુક્ત, શંકાઓમુક્ત અને નકારાત્મક વિચારોમુક્ત કરવાનો નુસખો સંક્ષેપમાં આપવામાં આવ્યો છે. એક અને માત્ર એક સર્વોત્તમ ઈશ્વરનું ધ્યાન કરી મન, વચન અને કર્મોને ઈશ્વરને સમર્પિત કરો. પ્રમાણિકતાથી તમારાથી બનતો બધો જ પ્રયત્ન કરો અને બાકીનું બધું ઈશ્વર પર છોડી દો. ઈશ્વર આપણાં માટે જે કાઈપણ કરે છે શ્રેષ્ઠ જ કરે છે. તે હંમેશા આપણું કલ્યાણ કરતો આવ્યો છે અને આગળ પણ આપણું કલ્યાણ કરતો રહેશે.

શંકા: આ મંત્ર અનુસાર જો આપણે આખો સમય ઈશ્વરનું ચિંતન કરતા રહીએ તો આપણે રોજીંદા જીવનના કામો કેવી રીતે કરી શકીએ? ઉદાહરણ તરીકે: જો સૈનિક યુદ્ધમાં ઈશ્વરનું ધ્યાન કરતો રહે તો શું દુશ્મન તેને મારી ન નાખે?

આપણાં મનમાં આવી શંકા ત્યારે જ પેદા થાય છે જયારે આપણે ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવને બરાબર સમજી ન શક્યા હોઈએ. જે લોકો ઈશ્વરને નિરાકાર અને સર્વવ્યાપી નથી માનતા તે લોકોના મનમાં જ આવા પ્રશ્નો ઉદ્દભવે છે. જેઓ એવું માને છે કે ઈશ્વર ચોથા કે સાતમાં આકાશમાં કોઈ સિંહાસન પર બેઠેલો છે અને ઈશ્વર દેવદૂતને મોકલે છે, તેવા લોકો છેતરપીંડી કે અહિત કર્યા સિવાય તેમના જીવનમાં સફળતા મેળવી શકતા નથી અને આથી જ ઈશ્વરને પણ પામી શકતા નથી. કારણ કે આવો ખોટો ઈશ્વર સર્વવ્યાપી ન હોવાથી આ જગતથી અલગ રહે છે અને આથી જ આવા લોકો આ જગતમાં રહી કદી ઈશ્વરને પામી શકતા નથી.

કોઈ એક સ્થાનમાં સીમિત થયેલ ઈશ્વર કરતા, વૈદિક ઈશ્વરનો સિદ્ધાંત સમજાવો ઘણો સહજ અને તર્કપૂર્ણ છે. વૈદિક ઈશ્વર સર્વવ્યાપી છે. તે આપણી અંદર છે અને આ જગતના કણ-કણમાં વસલો છે. ઈશ્વર સર્વવ્યાપી હોવાથી આપણને ઈશ્વરના એજન્ટ કે દેવદૂતમાં મનાવવાની જરૂર રહેતી નથી. ઈશ્વર સર્વવ્યાપી હોવાથી તેની સાચી પૂજા કરવી એટલે ભજન કીર્તન કે નમાઝ નહીં, સમયની માંગ અનુસારના યોગ્ય અને ઉદ્દેશ્યપૂર્ણ કર્મ કરવા.

વૈદિક ભાષામાં, ઈશ્વરનું ધ્યાન કરવાનો અર્થ છે કે આપણે સત્યને જાણવું અને અનુભવવું કે ઈશ્વર જ આ શ્રુષ્ટિનો સર્જક અને પાલનહાર છે અને તે આપણને આપણી ઈચ્છાશક્તિના પ્રયોગ કરી આનંદ પ્રાપ્ત કરવાની પુરતી તક આપે છે. ઈશ્વર સર્વવ્યાપી છે આથી જયારે યોગી ગતિશીલ જગત અને નિરાકાર ઈશ્વરની યોગ્ય સમજ કેળવીએ આગળ વધે છે, ત્યારે ઈશ્વરની ભક્તિ કરવાનો અર્થ છે કે ઈશ્વર દ્વારા આપવામાં આવેલી બુદ્ધિ અને ઈચ્છાસ્વતંત્રતાના યોગ્ય પ્રયોગથી સમગ્ર માનવમાત્રના હિત માટે શ્રેષ્ઠત્તમ કર્મો કરવા.

આમ, સૈનિકે પૂરી શક્તિથી દેશના દુશ્મન સામે લડવું, વિધાર્થીએ પૂરી એકાગ્રતાથી વિષયોને સમજવા, આપણે પૂરી ક્ષમતાથી આપણો શારીરિક અને માનસિક વિકાસ કરવો, આ બધા જ નિત્ય કર્મો ઈશ્વરની પૂજા છે. ગાયત્રી મંત્ર અનુસાર દરેક પરિસ્થિતિમાં ઉચિત અને શ્રેષ્ઠત્તમ કર્મો કરવા એ જ ઈશ્વરની ખરી પૂજા છે. જેટલા વધારે ધ્યાનથી કર્મ કરીશું તેટલું જ સારું પરિણામ આવશે. જયારે આપણે એમ માનીને કર્મ કરીએ છીએ કે યુદ્ધમાં લડવું, પરીક્ષા આપવી, વ્યાયામ કરવો વગેરે લક્ષ્યની સિદ્ધ માટે કરાતી ઈશ્વરની પ્રાર્થના જ છે, ત્યારે આપણે ગાયત્રી મંત્રનું ખરા અર્થમાં અમલીકરણ કર્યું કહેવાય.

 • તમારી અને ઈશ્વર વચ્ચેના દેવદૂત કે એજન્ટનો ત્યાગ કરો.
 • કર્મ ફળના મોહનો ત્યાગ કરો.
 • તમારું ભાગ્ય પહેલેથી જ લખાયેલું છે તેવી માન્યતાનો ત્યાગ કરો.
 • તમારું ભાગ્ય બદલવા માટે અથવા તો ઈશ્વરને પામવા માટે તમારે કોઈ ખાસ પ્રકારના કર્મકાંડ કરવાના હોય છે તેવી માન્યતાનો ત્યાગ કરો.
 • હસ્તરેખાશાસ્ત્રીઓ અને જ્યોતિષીઓની ભવિષ્યવાણીઓની જાળમાં ન ફસાવ.
 • કોઈ શુભ કાર્ય કરવા માટે ગ્રહ અને મુહુર્ત જોવાનું છોડો. કારણ કે શુભ કાર્ય પોતે જ તે ક્ષણે શુભ બનાવી દે છે.
 • અન્યાય સામે દુર્બળ બની રહેવાનું છોડો,

અને

મન, વચન અને કર્મોને ઈશ્વરને સમર્પિત કરી ઈશ્વર સાથે સીધો સંબંધ સ્થાપિત કરો. આ માટે વેદોનાં જ્ઞાન અને તમારી આત્માના અવાજને અનુસરો.

તમારા એ અસુરી વિચારોને મારો કે જે તમને અર્થહીન અને પાપયુક્ત કર્મો કરવા માટે, મીથ્યાનંદ અને લોભની જાળમાં ફસાવવા માટે અને તમારી અંતરઆત્માના અવાજને મારવા માટે તમને ઉત્તેજિત કરતા રહે છે.

જો તમે કોઈ વાર ઈશ્વરીય માર્ગદર્શન સ્વરૂપ તમારા આત્માના અવાજની અવગણના કરીને અર્થહીન અને કુકર્મો કર્યા હોય તો કુકર્મો કરવાથી પેદા થતી અપરાધ ભાવનાનો પણ ત્યાગ કરો. બધાં દેવદૂતો, ઈશ્વરના એજન્ટો, ભૌતિક વસ્તુઓ અને નિરર્થક અને અસુરી વિચારોનો ત્યાગ કરી વૈદિક યોધ્ધાની જેમ એક અને માત્ર એક જ ઈશ્વરને પામવા માટે કર્મ કરો.

ઈશ્વર પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાની આ પ્રક્રિયા એવો અદ્દભુત આનંદ આપશે કે જે આનંદ કોઈ ભૌતિક વસ્તુ, વિચારધારા કે વ્યક્તિમાંથી મળવો શક્ય નથી.

આ જ ગાયત્રી મંત્રનો અર્થ અને સાર છે!

શંકા: તો શું એનો અર્થ એ થાય કે આપણે ઈશ્વરનું ધ્યાન છોડી માત્ર નિત્ય કર્મોમાં જ ધ્યાન આપવું જોઈએ?

આ આનુષંગિક છે. કર્મની કુશળતાનું નામ જ યોગ છે. આથી સાચો યોગી કે જે પૂરી કુશળતા અને નિષ્ઠાથી નિષ્કામ કર્મો કરે છે, જેણે પોતાના કર્મોને સંપૂર્ણપણે ઈશ્વરને સમર્પિત કર્યા છે તેવા યોગી માટે અલગથી ઈશ્વર ધ્યાન કરવાની કોઈ જરૂર રહેતી નથી. પણ આપણાં જેવા સામાન્ય લોકો કે જેની બુદ્ધિ અને વિચારોમાં સ્થિરતા નથી હોતી, જેનું મન ચાંચળ હોય છે, જેઓ ગુસ્સો, ડર, અહંકાર, ઈચ્છા, વાસના, દ્વેષ, કંટાળો જેવી વૃત્તોને વશ થઇ જાય છે, તેવા લોકો માટે અલગથી ઈશ્વર ધ્યાન કરવાની જરૂર છે. આપણાં જેવા સામાન્ય લોકો માટે ઈશ્વરના ગુણ, કર્મ અને સ્વભાવ, જીવનના ખરા ઉદ્દેશ અને આત્મજ્ઞાન પર ચિંતન કરવું ખુબ જ જરૂરી છે. કારણ કે આ જ એ સમય છે કે જયારે આપણે દુનિયાદારીમાંથી બહાર આવી જીવાત્મા, પરમાત્મા અને આ જગતમાં આપણાં અસ્તિત્વ અને ઉદ્દેશને સમજવાનો પ્રયત્ન કરી શકીએ છીએ.   

જે લોકો મુક્તિ અને પરમ આનંદને પામવા અત્યંત વ્યાકુળ છે તે લોકો માટે શિસ્તબદ્ધ દિનચર્યાની સાથે સાથે દરરોજ ઓછામાં ઓછું ૨ કલાક ધ્યાનમાં બેસવાની ભલામણ કરવામાં આવી છે. એ વાતનું ઘ્યાન રાખો કે ધ્યાન એ વિચારોને ખાલી કરવાની પ્રક્રિયા નથી. ધ્યાન ઈશ્વર સાથે બૌદ્ધિક અને ભાવાત્મક સંબંધ સ્થાપિત કરવાનો પ્રયાસ છે.

ગાયત્રી મંત્રથી થતા લાભ

ગાયત્રી મંત્રમાં આનંદમય જીવન જીવવાની સંપૂર્ણ કાર્યપદ્ધતિ સમાવિષ્ટ છે. હું છેલ્લા કેટલાંક સમયથી ગાયત્રી મંત્ર પર ધ્યાન કરી રહ્યો છું. દરેક સમયે મને મંત્રના એક નવા અર્થની અનુભૂતિ થાય છે જેને શબ્દોમાં વર્ણવી મારા માટે અશક્ય છે. ગાયત્રી મંત્ર જપથી:

 • ભય, હતાશા, તણાવ, શંકા અને દુ:ખ દૂર થાય છે.
 • નવા ઉત્સાહ અને જોશની પ્રાપ્તિ થાય છે.
 • જીવનનો ઉદ્દેશ્ય અને કર્મોની પ્રાથમિકતા એક લયમાં આવે છે.
 • નવીન સકારાત્મક વિચારો અને યોજનાઓનો ઉદ્દભવ થાય છે અને દૂરદર્શિતા ખીલે છે.
 • સ્વયંમાં અને આ જગતમાં અત્યંત શાંતિ અને પ્રેમની અનુભૂતિ થાય છે.   

ગાયત્રી મંત્રનો જીવનમાં પ્રયોગ

 • ઉપર જણાવ્યાં પ્રમાણે ગાયત્રી મંત્રના અર્થને સમજો.
 • સત્યાર્થ પ્રકાશના(હિન્દી આવૃત્તિ) ત્રીજા પ્રકરણમાંથી ગાયત્રી મંત્રનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો અને સત્યાર્થ પ્રકાશના પ્રકરણ સાત, આઠ અને નવનો અભ્યાસ કરો. આ બે કાર્યો કરવા માટે ૪-૫ કલાકનો સમય ફાળવો. અને પછી તમનું સમયાંતરે પુનરાવર્તન કરતા રહો.
 • ગાયત્રી મંત્રને તેના અર્થ સહીત સાંભળો.
 • આ ત્રણ વસ્તુઓ કર્યા પછી દરરોજ ગાયત્રી મંત્ર પર ૩૦ મીનીટ સુધી ચિંતન કરો. તમે આ ૩૦ મીનીટના ઘ્યાનને સવાર, સાંજ અને રાત્રે સુતા પહેલાં એમ ૧૦-૧૦ મીનીટમાં કરી શકો છો.

શરૂઆતના થોડા દિવસો ગાયત્રી મંત્રના ચિંતનની આ પ્રક્રિયા તમને યાંત્રિક લાગશે. પણ તેમ છતાં ૨-૩ અઠવાડિયા સુધી આ પ્રક્રિયા નિરંતર ચાલુ રાખો. મંત્રના એક એક શબ્દ પર ભાર મુક્યા કરતા ભાવપૂર્વક મંત્રના અર્થની અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરો. મંત્રના ગહન અર્થને સમજવા માટે તમારા મનને મુક્ત કરી દો અને આ મુકત મનનો આનંદ માળો. મનને શાંત પડવાનો નહીં, પણ મંત્રની અનુભૂતિ કરવાનો પ્રયત્ન કરો. જો મન વિચલિત થાય અને અનેક વિચારો આવવા માંડે તો પણ વ્યાકુળ ન બની શાંતચિત્ત રહો. વિચારોને મનમાંથી બહાર કાઢવાને બદલે તેના તરફ ધ્યાન ન આપી મંત્રની અનુભૂતિ પર ધ્યાન કેન્દ્રિત કરો. શરૂઆતમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટે ગાયત્રી ભજનનો સહારો લઇ શકો છે. આ આખી પ્રક્રિયાનો આનંદ માણો. રાત્રીના સમયે પથારીમાં બેઠા બેઠા ગાયત્રી મંત્રનું ચિંતન કરો અને ધીરે ધીરે સુવાની અવસ્થા ધારણ કરો અને જ્યાં સુધી સુઈ ન જાવ ત્યાં સુધી આ ચિંતન રૂપી આનંદને માણતા રહો.  

 • આમ થવાથી તમારા દ્રષ્ટિકોણમાં અને પસંદ – નાપસંદમાં ભારે બદલાવ આવશે. તમારા ખોટા અહંને સંતુષ્ટ કરવાની જગ્યાએ તમે તમારા આત્માના અવાજને સાંભળતા થશો.

માત્ર ૨-૩ અઠવાડિયામાં જ તમે અસાધારણ બદલાવનો અનુભવ કરશો. તમારી વિચાર અને ચિંતન શક્તિ વધુ તેજ બનશે, તમારી આત્માનો અવાજ વધુ પ્રબળ બનશે, તમે વધુ સ્વાધીનતા અને આત્મવિશ્વાસનો અનુભવ કરશો, બધી વસ્તુઓ તમારા હિતમાં થતી જણાશે, તમારી લોક વ્યવહારની કળા પણખીલશે અને તમારું વ્યક્તિત્વ વધુ આકર્ષક બનશે.

આ પ્રક્રિયા કોઈ જાદુ કે ચમત્કાર નથી. આ પ્રક્રિયામાં તમે તમારી જાતને સહજ બનાવો છો, આત્માના અવાજને અનુસરીને કર્મ કરો છો અને સુખદાયી કર્મફળ ભોગાવો છો. આ પ્રક્રિયામાં તમે મનમાંથી નકારાત્મક વિચારોને દુર કરવા માટે મનનું શુદ્ધિકરણ કરો છો અને મનને સકારાત્મક વિચારોથી ભરો છો.  

કલ્પના કરો કે જો માત્ર આ એક મંત્રનું ચિંતન ૩૦ મીનીટ માટે ૨ અઠવાડિયા સુધી કરવાથી વ્યક્તિને આવા ચમત્કારિક લાભ થઇ શકતા હોય તો, વેદોના બીજા ઘણાં મંત્રોનું ચિંતન સાચા સમર્પણથી જીવનભર કરવાથી વ્યક્તિ કેવા લાભ મેળવી શકે! આવું ચિંતન વ્યક્તિને રામ, કૃષ્ણ, પતંજલિ અથવા તો દયાનંદ બનાવી શકે છે!

“ઈદં ન મમ– મારું નહીં” – ગાયત્રી મંત્રનો સાર

ઈશ્વરીય આનંદ એકાંતમાં બેસી રહેવાથી કે પલાયનવાદી બનાવથી નથી મળતો. તમે જે કઈપણ કરો તેમાં “મારાની” સ્વાર્થી માનસિકતા નહીં, પણ “આપણાની” નિસ્વાર્થ માનસિકતા હોવી જોઈએ. આંનદ પ્રાપ્તિની કામના માત્ર “તમારા” માટે જ નહીં, પણ “બધાં” માટે કરવાની હોય છે. તમારા મન, વચન અને કર્મો માત્ર તમારા માટે જ નહીં, પણ અન્ય જીવાત્માનો માટે પણ કલ્યાણકારી હોવા જોઈએ. “ઈદં ન મમ– મારું નહીં” એ જ વેદો અને ગાયત્રી મંત્રનો સાર છે.

આથી જો ગાયત્રી મંત્રજાપ તમારા માટે કામ કરે અને તમને લાભદાયી નીવડે, તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બીજા લોકો પણ આનો લાભ મેળવે. તમારે સમગ્ર માનવજાતિના ઉત્થાન અને કલ્યાણ માટે કાર્ય કરવું જોઈએ. એ વાતની પણ નોંધ લો કે વેદો અને ગાયત્રી એ આત્મજ્ઞાન અને આત્માની અનુભૂતિ માટે છે. આથી વેદોના સિદ્ધાંતો બીજા લોકો પર બળજબરીથી થોપવાનો તો પ્રશ્ન જ ઉભો થતો નથી. જેમ ગાય તેના વાછરડાને પ્રેમ કરે છે અને તેની કાળજી લે છે તેમ તમે પણ બીજા લોકોને પ્રેમ કરી તેમની કાળજી લો!

આમ ગાયત્રી મંત્રને અનુસરી જીવનનો આનંદ માણો અને આ જગતને બધી જ જીવાત્મોના નિવાસનું ઉત્તમ સ્થાન બનાવો! આ સંસારનો સૌથી શ્રેષ્ઠ આત્મસહાયનો પાઠ્યક્રમ આ જ છે!

કેટલાંક બૌધિક પ્રશ્નો:

આ પ્રકરણ પૂરું કરીએ તે પહેલા ચાલો ગાયત્રી મંત્ર વિષેની કેટલીક શંકાઓનું સમાધાન કરીએ.

પ્રશ્ન: આ મંત્ર ગાયત્રી મંત્ર કેમ કહેવાય છે?

આ એક પારિભાષિક એટલે કે ટેકનીકલ પ્રશ્ન છે કે જેનું બહુ મહત્વ નથી. “ગાયત્રી” શબ્દ એ એક “છંદનું” અથવા તો તેનું “ઉચ્ચારણ કરવાની રીતનું” સુચન કરે છે. વૈદિક મંત્રોને ઘણાં પ્રકારના છંદો હોય છે. અને ગાયત્રી નામ ત્યાંથી આવ્યું છે.

પ્રશ્ન: શું સ્ત્રીઓને ગાયત્રી મંત્રજાપ કરવાની મનાઈ છે?

દરેક મનુષ્યને તેની જાતિ કે લિંગ ધ્યાનમાં લીધા સિવાય વેદોના કોઈપણ મંત્રનો જાપ કરવાની છૂટ છે. સૂર્યના પ્રકાશની જેમ ઈશ્વરીય જ્ઞાન (વેદ) પર દરેક મનુષ્યનો સમાન અધિકાર છે. જે લોકો એવું કહે છે કે વૈદિક જ્ઞાન પર સ્ત્રીઓનો અધિકાર નથી તેઓ માનવતાના મોટા શત્રુ છે. આનાથી ઉલટું, વેદોમાં એવા ઘણાં મંત્રો છે જે કહે છે કે સ્ત્રીઓ માટે વૈદિક વિદ્ધતા મેળવવી ઘણી આવશ્યક છે કારણ કે સ્ત્રી એ આવનારી પેઢીની પ્રથમ શિક્ષક છે.

પ્રશ્ન: તો પછી શુદ્રો વિષે શું? શું તેમને ગાયત્રી મંત્રજાપ કરવાની મનાઈ છે?

પહેલી વાત તો એ કે, શુદ્ર કોઈ જાતિ નથી. શુદ્ર એવા લોકો છે કે જેઓમાં જ્ઞાનનો અભાવ હોય છે. જે લોકો એવું માને છે કે શુદ્ર એ જન્મ પર આધારિત એક જાતિ છે તેઓ પણ માનવતાના મોટા શત્રુ છે. અને બીજી વાત, જે મનુષ્ય વેદોનો અભ્યાસ કરે છે તે શુદ્ર રહેતો નથી. આથી ગાયત્રી મંત્રજાપ પર દરેકનો અધિકાર છે.

પ્રશ્ન: શું ગાયત્રી મંત્ર કોઈ ગુરુ પાસેથી ગ્રહણ કરવો જોઈએ?

ગુરુ હોવાની પ્રથા એ પણ આપણાં સમાજમાં વ્યાપેલું એક દુષણ છે જે આપણાં સમાજને બીમાર બનાવી રહ્યું છે. આપણી પાસે કાંતો ગુરુ, કાંતો બાબા, કાંતો ફકીર હોય છે જેઓ ઈશ્વરના એજન્ટ હોવાનો દાવો કરતા ફરે છે. વેદોનું જ્ઞાન કોઈ વિદ્વાન પાસેથી લેવું યોગ્ય છે. પણ વિદ્વાનના અભાવમાં ઈશ્વર જ સર્વોત્તમ ગુરુ છે અને આત્મા અને ઈશ્વર વચ્ચે કોઈ એજન્ટ રાખવાની જરૂર નથી. આથી કોઈ ગુરુની રાહ ન જુવો અને ઈશ્વરને જ તમારો સર્વશ્રેષ્ઠ ગુરુ બનવો. અને જો કોઈ સાચો જ્ઞાની મળે તો તમારી શંકાઓના સમાધાન માટે તેની મદદ જરૂર લો, પણ આંધળો વિશ્વાસ રાખીને નહીં. મનુષ્ય દેહધારી ગુરુ ક્યારેય નિરાકાર ઈશ્વરનું (સર્વશ્રેષ્ઠ ગુરુ) સ્થાન ન લઇ શકે.

પ્રશ્ન: વેદોમાં ગાયત્રી મંત્ર ક્યાં મળે છે?

ગાયત્રી મંત્ર ઋગ્વેદ ૩.૬૨.૧૦, યજુર્વેદ ૩.૩૫, ૨૨.૯, ૩૦.૨ અને ૩૬.૩ માં મળે છે. આમ તો આ મંત્રોમાં કોઈ મોટો ભેદ નથી પણ વિષય અને પ્રસંગ અનુસાર આ મંત્રોના અર્થઘટનમાં થોડો ભેદ હોય શકે.

પ્રશ્ન: જો આ ગાયત્રી મંત્રથી મને કોઈ લાભ ન થાય તો?

અમે અહીં એક પદ્ધતિસરની વૈજ્ઞાનિક પ્રક્રિયા સમજાવી છે જે જરૂરથી કામ કરશે. જો કોઈ કારણસર આ પ્રક્રિયા તમારા માટે સાર્થક ન નીવડે તો પછી તમારે સત્યાર્થ પ્રકાશના પ્રકરણ ત્રણ, સાત, આઠ અને નવ ફરીથી સમજવાની જરૂર છે. પછી પણ તમને જો કોઈ શંકા હોય તો અમને પ્રશ્ન પૂછી શકો છો. અમે તમને જરૂરથી મદદ કરીશું. પણ એ વાતનું ધ્યાન રાખો કે તમારા મન, વચન અને કર્મો એક હોવા જરૂરી છે. માંસાહાર, દારૂ, હલકા સ્તરની ફિલ્મો વગેરેનો ત્યાગ કરો. બસ સાદી અને તંદુરસ્ત દિનચર્યા રાખો!

એ વાત યાદ રાખો કે આપણે આપણી સહજ પ્રકૃતિ તરફ જવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. જો બાળકનું નિર્દોષ સ્મિત તમને આનંદ આપતુ હોય, અથવા તો માતાને પ્રેમ કરવો એ તમારા માટે સ્વાભાવિક હોય, અથવા તો જયારે કોઈ તમારા માટે નિ:સ્વાર્થભાવે દુ:ખ ઉઠાવે ત્યારે તમે એ વ્યક્તિના કૃતજ્ઞ બનતા હો, તો પછી ગાયત્રી મંત્રના ચિંતનની આ પ્રક્રિયા તમારા માટે જરૂરથી અને ઝડપથી સાર્થક નીવડશે એ સુનિશ્ચિત છે!

To purchase the book kindly visit:

આનંદમય જીવનનું વિજ્ઞાન

આનંદમય જીવનનું વિજ્ઞાન

વેદ અનુસાર નિત્ય આનંદ અને અસીમિત સફળતા પ્રાપ્તિની સહજ જીવન પ્રક્રિયા સમજાવતી પુસ્તક.

Order Now!
About the Book
પુસ્તક પરિચય
 
શું તમે ઉદ્દેશ્યહીન જીવનથી હતાશ થઇ ચૂક્યાં છો?શું તમે જીવનને સાર્થક બનાવવા માંગો છો?શું તમે તમારી અસુરવૃત્તિઓ અને ખરાબ આદતોને છોડવા માંગો છો?શું તમે આત્માના અવાજને સંભાળવા માટે સક્ષમ થવા માંગો છો?શું તમે જીવનમાં અકલ્પનીય આનંદ અને સફળતા પ્રાપ્ત કરવા માંગો છો?જો આ પ્રશ્નોના જવાબ હા હોય તો આ પુસ્તક તમારા માટે છે. આ પુસ્તક તમારો સાચો પથપ્રદર્શન પુરવાર થશે. જ્યારે આ પુસ્તકમાં સમાવિષ્ટ જ્ઞાન અનુસારના કર્મો તમે ઉત્સાહપૂર્વક કરવા લાગશો ત્યારે તમારું જીવન ઉદ્દેશ્યપૂર્ણ, સાર્થક અને આનંદિત બની જશે.“આનંદમય જીવનનું વિજ્ઞાન” જીવન અને આ ગતિશીલ જગત વિશેના મૂળભૂત પ્રશ્નોના સંતોષકારક જવાબ આપી આ જગતમાં આપણી શી ભૂમિકા હોવી જોઈએ તે સમજાવે છે.આ પુસ્તકને ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે.“સત્ય અને આનંદ એક જ સિક્કાની બે બાજુ છે” તેમ કહી પુસ્તકનો પહેલો ભાગ જ્ઞાનપ્રાપ્તિ અને જ્ઞાનવૃદ્ધિની પૂરી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે તેની સમજ આપે છે.પુસ્તકનો બીજો ભાગ આપણાં જીવનને સાર્થક કરવા માટે આ જ્ઞાનને આત્મસાત્ કરી તેનું વ્યવહારિક જીવનમાં કેવી રીતે અમલીકરણ કરવું તે શીખવાડે છે. આ ભાગમાં આત્માના અવાજની અવગના કરી, જગતની ભૌતિક વસ્તુઓ પાછળ આંધળી દોટ મુકવાથી આપણે કેવા માઠા પરિણામો ભગાવવા પડે છે તેની પણ ચર્ચા કરવમાં આવી છે.જ્ઞાન પ્રાપ્તિ, જ્ઞાન વૃદ્ધિ અને તે અનુસારના શ્રેષ્ઠત્તમ કરવા માટે આપણને જે સાધાન સંસાધનોની એટલે કે ઉર્જા, બુદ્ધિ, મનોવૃત્તિ, આત્મબળ અને મનોબળની જરૂર પડે છે, તે સાધાન સંસાધનો આપણને આ જ ક્ષણે કેવી રીતે પ્રાપ્ત થાય તેની પ્રક્રિયા પુસ્તકના ત્રીજા ભાગમાં સમજાવવામાં આવી છે.પુસ્તકમાં આપેલા જ્ઞાનને આત્મસાત્ કરવાથી તમારી મનોવૃત્તિ અને વિચારધારામાં સકારાત્મક બદલાવ આવશે.  અને તમે ગમે તેવી પરિસ્થિતિમાં હશો, પણ આ જ ક્ષણે તમને આનંદ, સંતોષ અને ઉદ્દેશ્યપુર્ણતાની અનુભૂતિ થશે.તો ચાલો, નિત્ય આનંદ અને અસીમિત સફળતા પ્રાપ્તિની સહજ જીવન પ્રક્રિયા શીખીએ!PLEASE READ this Disclaimer for all Agniveer books
Details
Author:
Series: Vedic Self-Help
Genre: Gujarati
ASIN: B07SL254NM
Preview

Liked the post? Make a contribution and help revive Dharma.

Disclaimer: We believe in "Vasudhaiv Kutumbakam" (entire humanity is my own family). "Love all, hate none" is one of our slogans. Striving for world peace is one of our objectives. For us, entire humanity is one single family without any artificial discrimination on basis of caste, gender, region and religion. By Quran and Hadiths, we do not refer to their original meanings. We only refer to interpretations made by fanatics and terrorists to justify their kill and rape. We highly respect the original Quran, Hadiths and their creators. We also respect Muslim heroes like APJ Abdul Kalam who are our role models. Our fight is against those who misinterpret them and malign Islam by associating it with terrorism. For example, Mughals, ISIS, Al Qaeda, and every other person who justifies sex-slavery, rape of daughter-in-law and other heinous acts. Please read Full Disclaimer.
Previous articleઓમ્ – માનવતાની અમુલ્ય ભેટ
Next articleધ્યાન – જીવનનું અદ્દભૂત વ્યસન
"મુક્તિના એકમાત્ર સર્વોચ્ચ લક્ષ્ય સાથે જીવાતું, શ્રેષ્ઠત્તમ કર્મોયુક્ત, સાદું, સરળ અને સંતુલિત જીવન એ જ જીવન જીવવાનો ઇષ્ટતમ માર્ગ છે. આ સિવાયનું બાકીનું બધું જ અમુલ્ય સમય અને ઉર્જાની બરબાદી છે." આ જીવન મંત્ર સાથે મિશન અગ્નિવીરને પોતાનું જીવન સમર્પિત કરતી એક જીવાત્મા.